હોમપેજદુનિયાવૉશિંગ્ટન પોસ્ટે દુનિયાભરમાં બંધ કર્યાં બ્યુરો, ભારતની દુકાનને પણ તાળાં: ભારતવિરોધી લેખો...

વૉશિંગ્ટન પોસ્ટે દુનિયાભરમાં બંધ કર્યાં બ્યુરો, ભારતની દુકાનને પણ તાળાં: ભારતવિરોધી લેખો થકી ઇકોસિસ્ટમને એજન્ડા પૂરા પાડનારા કથિત પત્રકારોને પણ તગેડી મૂકાયા

જેમણે ભારતને કઠેડામાં ઊભું કરવાને જ પોતાની વ્યાવસાયિક ઓળખ બનાવી લીધી હતી, તેઓ પણ કોર્પોરેટ છંટણીની યાદીમાં ફક્ત એક નામ બનીને રહી ગયા. ન વૈચારિક નિષ્ઠા કામ આવી, ન પ્રોપેગેન્ડા, ન ‘ગ્લોબલ ઇકોસિસ્ટમ’.

- Advertisement -

એક સમયે પોતાને વિશ્વની ‘મોરલ અથોરિટી’ ગણતું અમેરિકી અખબાર આજે પોતાના અસ્તિત્વને બચાવવા માટે તડફડી રહ્યું છે. નામ છે વૉશિંગ્ટન પોસ્ટ. વૉશિંગ્ટન પોસ્ટે પોતાના ઇતિહાસની સૌથી મોટી છંટણીઓ પૈકીની એકની જાહેરાત કરી છે. કંપનીએ પોતાના કુલ કાર્યબળના લગભગ એક-તૃતીયાંશ ભાગને ઘટાડવાનો નિર્ણય લીધો છે. પરિણામે સેંકડો પત્રકારોની નોકરી ગઈ, અનેક ડિવિઝન બંધ થઈ ગયા અને આંતરરાષ્ટ્રીય કવરેજ લગભગ સંકુચિત થઈ રહ્યું છે. 

આ નિર્ણય 4 જાન્યુઆરીના (બુધવાર) રોજ જાહેર કરવામાં આવ્યો હતો અને તેનાથી સ્પોર્ટ્સ ડેસ્કમાં કામ કરતા કર્મચારીઓ સહિત તમામ વિભાગોના સ્ટાફ પર અસર પડશે, જ્યારે સ્થાનિક અને વૈશ્વિક ટીમોમાં કામ કરતા લોકો વધુ પ્રભાવિત થયા છે. આ નિર્ણય કાર્યકારી સંપાદક મેટ મુરેના નેતૃત્વમાં લેવામાં આવ્યો હતો. તેને ‘રીસેટ’ જેવું નામ આપવામાં આવ્યું, પરંતુ કર્મચારીઓ તેને ‘બ્લડબાથ’ (રક્તપાત) ગણાવી રહ્યા છે.

માલિકી હક ધરાવતા અરબપતિ જેફ બેઝોસના સમયમાં અખબારને ડિજિટલ યુગમાં ઊભું કરવાના અનેક પ્રયાસો થયા પરંતુ ઘટતા સબ્સ્ક્રિપ્શન અને જબરી ભીડ ધરાવતા મીડિયા બજારમાં સ્પર્ધાએ આખરે ન્યુઝરૂમ પર જ કાતર ચલાવી દીધી. 

- Advertisement -

શું કહ્યું વૉશિંગ્ટન પોસ્ટે? 

કાર્યકારી સંપાદક મેટ મુરેએ અત્યંત ભીડભાડવાળા મીડિયા ઉદ્યોગમાં સ્પર્ધા કરવાની જરૂરિયાત પર ચર્ચા કરી અને સ્વીકાર કર્યું કે તે દૈનિક ‘ગ્રાહકો’ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, “આજે વૉશિંગ્ટન પોસ્ટ પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કંપનીને લઈને અનેક પગલાં ભરી રહ્યું છે.” તેમણે ઉમેર્યું કે વિદેશી કવરેજના કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં આવશે અને લગભગ 12 બ્યુરો જાળવી રાખવામાં આવશે. તેમણે એવું પણ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર વિશેષ ધ્યાન અપાશે.

તેમણે કર્મચારીઓને કોલ પર કહ્યું કે, “આજે જે પગલાં અમે ભરી રહ્યા છીએ તે દુઃખદ હશે – ખાસ કરીને તે લોકો માટે જેમની ઉપર સીધી અસર પડશે. મને ખબર છે કે આ રીસેટ સિસ્ટમ માટે ઝટકા જેવું અનુભવાશે અને બધા માટે અનેક સવાલો ઉભા કરશે.” 

શું-શું બંધ થયું? ભારત સુધી પહોંચી અસર

છંટણી માત્ર સંખ્યાની નથી પણ આખા માળખા પર સીધો પ્રહાર હતો. રમત વિભાગ (સ્પોર્ટ્સ ડેસ્ક) લગભગ સમાપ્ત કરી દેવામાં આવ્યો છે. પુસ્તક વિભાગ (બુક્સ સેક્શન), મેટ્રો કવરેજ અને મુખ્ય સમાચાર પોડકાસ્ટ પોસ્ટ રિપોર્ટ્સ પણ કાં તો બંધ કરી દેવામાં આવ્યા છે અથવા તો અત્યંત મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. વિદેશી રિપોર્ટિંગ ટીમોની સંખ્યા ઘટાડવામાં આવી છે અને અનેક આંતરરાષ્ટ્રીય બ્યુરો બંધ કરી દેવામાં આવ્યાં છે. મિડલ-ઈસ્ટ બ્યુરોની તો લગભગ આખી ટીમ કાઢી નાખવામાં આવી છે, તે સિવાય યુરોપમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. ઉપરાંત ચીન, ઈરાન, તૂર્કી જેવા દેશોમાં રહેલા રિપોર્ટરો પણ ઓછા કરી દેવામાં આવ્યા છે. સિડની અને કાહિરા (ઈજિપ્ત) જેવા વિદેશી બ્યુરો ચીફને પણ ઘેરભેગા કરાયા છે.

મેનેજમેન્ટે કહ્યું છે કે હવે માત્ર લગભગ એક ડઝન બ્યુરો જાળવી રાખવામાં આવશે, તે પણ ‘રાષ્ટ્રીય સુરક્ષા’ કેન્દ્રિત પ્રાથમિકતાઓ સાથે. એક સમયે વિશ્વભરમાં નેરેટિવ ઘડનાર આ સંસ્થાને હવે પોતાના દાયરાને સમેટવા મજબૂર થવું પડ્યું છે. આ વૈશ્વિક છંટણીનો માર ભારત સુધી પહોંચ્યો છે. ભારત અને દક્ષિણ એશિયાને કવર કરતી ટીમ પણ પ્રભાવિત થઈ છે.

આમાં સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ ઇશાન થરૂરનું છે– કોંગ્રેસ નેતા શશિ થરૂરના પુત્ર અને અખબારના નિયમિત કૉલમિસ્ટ. તેઓ પણ તે 300થી વધુ લોકોમાં સામેલ હતા જેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. ભારત સાથે જોડાયેલાં બે વધુ મોટાં નામ- પ્રાંશુ વર્મા અને ગેરી શિહ પણ આ છંટણીની યાદીમાં સામેલ હતા. 

આ બંને પહેલેથી જ ભારતવિરોધી લખાણો માટે કુખ્યાત હતા.

હકાલપટ્ટીનો ભોગ બનેલા ‘પત્રકારો’ના શબ્દો

ચાર વર્ષથી અખબાર સાથે જોડાયેલા પ્રાંશુ વર્માએ આ ઘટના પર ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે લખ્યું કે, “વાત રજૂ કરતા મારું હ્રદય તૂટી રહ્યું છે કે મને વૉશિંગ્ટન પોસ્ટમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. મારા ઘણા પ્રતિભાશાળી મિત્રો માટે પણ ખૂબ દુઃખી છું જેમને પણ કાઢી મૂકવામાં આવ્યા છે.” વર્માએ અખબાર સાથેના તેના આ સંબંધને ‘સન્માન’ તરીકે વર્ણવ્યો હતો. 

ગેરી શિહે પોસ્ટ સાથેના પોતાના સમયને પ્રિવિલેજ ગણાવ્યો અને કહ્યું કે તેણે સાત વર્ષથી વધુ સમય વિશ્વભરમાં ‘એક એવા અખબાર માટે કામ કરીને વિતાવ્યો છે જેના પર તેને ખૂબ વિશ્વાસ હતો.’ તેણે કહ્યું કે, “હું મધ્ય-પૂર્વ ટીમના બાકીના સભ્યો અને દિલ્હીથી બેઇજિંગ, કીવ અને લેટમ સુધીના મોટાભાગના સાથીઓ સાથે વિદાય લઈ રહ્યો છું. દુઃખદ દિવસ છે, પરંતુ અત્યાર સુધી કામ કરવાની ખૂબ મજા આવી.”

આવી જ રીતે છંટણીનો ભોગ ઇશાન થરૂર પણ બન્યા છે, જેઓ વર્ષોથી વૉશિંગ્ટન પોસ્ટમાં કૉલમ લખી રહ્યા હતા. બહાર કરવામાં આવ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોતાની નિરાશા વ્યક્ત કરતા લખ્યું કે તેમને અખબારમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. તેમની સાથે આંતરરાષ્ટ્રીય ટીમના મોટાભાગના સહયોગીઓ અને અનેક અન્ય સહકર્મીઓને પણ બહાર કરવામાં આવ્યા છે.

તેમણે આ ઘટનાને ન્યુઝરૂમ માટે દુઃખદ ગણાવી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય કવરેજ કરતા જે સંપાદકો અને સંવાદદાતાઓ સાથે તેમણે એક દાયકાથી વધુ સમય સુધી કામ કર્યું, તેમની સાથે કામ કરવું તેમના માટે સન્માનની વાત રહી છે.

થરૂરે એ પણ યાદ અપાવ્યું કે તેમણે જાન્યુઆરી 2017માં ‘વર્લ્ડવ્યૂ’ નામની કૉલમ શરૂ કરી હતી, જેનો હેતુ વાચકોને વિશ્વ અને તેમાં અમેરિકાની ભૂમિકાને વધુ સારી રીતે સમજાવવાનો હતો. તેમના મતે આ કૉલમના લગભગ પાંચ લાખ નિયમિત સબ્સ્ક્રાઇબર્સ હતા, જેઓ વર્ષોથી તેને વાંચતા રહ્યા છે. 

શું લખતા હતા આ લોકો? 

ભારતને લઈને પશ્ચિમી મીડિયાનું કવરેજ ક્યારે સારું કહી શકાય એવું રહ્યું નથી અને આ નામોનું રિપોર્ટિંગ પણ ઘણી વખત વિવાદના કેન્દ્રમાં રહ્યું છે. ભારતની દરેક નીતિ, ભલે તે CAA હોય, કાશ્મીર હોય કે સીમા સુરક્ષા હોય, તેને અવારનવાર ‘લોકશાહી પર જોખમ’ અથવા ‘તાનાશાહી’ની ફ્રેમમાં રજૂ કરવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને ‘ક્રોની કેપિટલિઝમ’ સાથે જોડવું, ભારતીય ઉદ્યોગપતિઓ પર પક્ષપાતના આરોપ લગાવવા, ઘૂસણખોરી વિરુદ્ધ કાર્યવાહીને ‘મુસ્લિમોનું નિર્વાસન’ બતાવવું, આવાં ઉદાહરણો વારંવાર જોવા મળ્યાં છે. રસપ્રદ વાત એ છે કે ભારતની સકારાત્મક સિદ્ધિઓ, જેમ કે ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ, માળખાગત વિકાસ, વેક્સિન કૂટનીતિ, અંતરિક્ષ કાર્યક્રમ વગેરે આ કથાઓમાં ભાગ્યે જ સ્થાન મેળવતી હતી. નેરેટિવ લગભગ હંમેશા એકતરફી રહ્યો હતો.

પ્રાંશુએ છેલ્લે સુધી પ્રયાસો કરી જોયા પણ કંઈ કામ ન આવ્યું

વૉશિંગ્ટન પોસ્ટની અધિકૃત વેબસાઇટ અનુસાર પ્રાંશુ વર્મા ભારત, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ અને ભૂટાનના સમાચારો કવર કરવા માટે જવાબદાર હતો. તે 2022માં પોસ્ટ સાથે જોડાયો હતો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લગતા કામકાજ કર્યા હતા. તે પહેલાં તેણે બોસ્ટન ગ્લોબમાં ટેક્નોલોજી પર લખ્યું હતું અને ન્યૂયોર્ક ટાઇમ્સમાં કૂટનીતિ તથા પરિવહન પર રિપોર્ટિંગ કર્યું હતું.

તેની પત્રકારત્વની કારકિર્દી ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરથી શરૂ થઈ, જ્યાં તેણે ન્યૂ જર્સીમાં રાજકારણ અને જેલોને કવર કરી હતી. તેની પાસે યુનિવર્સિટી ઑફ ડેલાવેર અને કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નલિઝમની ડિગ્રી છે.

હવે પોતાના વરિષ્ઠો સમક્ષ સાર્વજનિક રીતે મોદી સરકારની ટીકા કરવા છતાં તેની નોકરી પર તલવાર તોળાઈ ગઈ છે. તેણે અખબારને એ પણ યાદ કરાવ્યું છે કે તેણે ભારતમાં ‘ખૂબ ઉમદા’ કામ કર્યું છે (અખબાર માટે). પણ અખબારે ન સાંભળ્યું!

વર્માએ મેનેજમેન્ટ સમક્ષ પોતાની સ્થિતિ બચાવવા માટે રીતસર આજીજી સાથે દાવો કર્યો કે આ મીડિયા હાઉસ ભારતમાં તે થોડી સંસ્થાઓ પૈકીનું એક છે જે ‘સરકારી સેન્સરશિપના ડર વિના જવાબદારીપૂર્ણ પત્રકારત્વ’ કરી શકે છે. તેનું આ નિવેદન મોદી સરકારને નિરંકુશ દર્શાવવાનો પ્રયાસ હતો જેથી તેના ઉપરીઓને ખુશ કરી શકાય અને આવી જ ખુશામત સાથે તેને ફરી નોકરીમાં લઈ લેવામાં આવે.

તેણે મોદી સરકાર વિરુદ્ધ વારંવાર હુમલા, પાયાવિહોણા આરોપો અને આખા રાષ્ટ્રને બદનામ કરતા લેખોને ગર્વથી ઉજાગર કર્યા. તેણે ભારતીય ઉદ્યોગપતિઓને ‘અન્યની તુલનામાં ક્યાંક વધુ સારો વ્યવહાર’ મળવાનો આરોપ લગાવ્યો, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વને ‘ક્રોની કેપિટલિઝમ’ સાથે જોડ્યું, ભારતની કંપનીઓને ‘રશિયા-યુક્રેન યુદ્ધને પ્રોત્સાહન આપનાર’ બતાવી અને ઘૂસણખોરી રોકવાના અભિયાનને ‘મુસ્લિમોને બાંગ્લાદેશ ભેગા કરવાનું કઠોર નિર્વાસન અભિયાન’ કહ્યું.

દરેક ઉદાહરણ વૉશિંગ્ટન પોસ્ટની વૈચારિક લાઇન સાથે મેળ ખાતું હતું. મહત્વનું એ છે કે જે વ્યક્તિ ભારતીય અરબપતિઓ પર સતત હુમલા કરતી હતી, તે જ હવે નોકરી માટે એક અમેરિકી ઉદ્યોગપતિ સામે દંડવત થઈ રહી છે.

ખાલિસ્તાનનો ચાહક ગેરી શિહ

વૉશિંગ્ટન પોસ્ટ અનુસાર સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર ગેરી શિહ 2018માં પોસ્ટ સાથે જોડાયો હતો. અગાઉ તેણે ભારતમાં બ્યુરો ચીફ તરીકે કામ કર્યું હતું અને બાદમાં યરુશલમ બ્યુરો ચીફ તરીકે ઇઝરાયેલ, પેલેસ્ટાઇન વિસ્તારો અને વ્યાપક મધ્ય-પૂર્વને કવર કર્યું હતું.

તેણે અગાઉ Associated Press, Reuters અને ન્યૂયોર્ક ટાઇમ્સ માટે પણ કામ કર્યું હતું. તેના પર આરોપ છે કે તેણે ખાલિસ્તાન અલગાવવાદીઓના પક્ષમાં લેખ લખ્યા અને જસ્ટિન ટ્રુડો સરકાર સાથે મળીને ભારત પર પુરાવા વગર આરોપો લગાવવાના સતત ચાલુ રાખ્યા.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ગંભીર પરંતુ નિરાધાર આરોપો પર તેણે તરત જ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. હરદીપ સિંઘ નિજ્જરની હત્યા સહિતની ઘટનાઓનો દોષ ભારત પર ઠોકવામાં તેનું પણ ‘યોગદાન’ હતું. તેણે ગુરપતવંત સિંઘ પન્નુ અને સમંત કુમાર ગોયલના સંદર્ભમાં પણ આરોપ લગાવ્યા હતા.

આટલું જ નહીં, તેણે ભારતની તુલના ચીન સાથે પણ કરી દીધી હતી. જેરી શિહના રિપોર્ટિંગમાં પણ ભારત પર ગંભીર આરોપોવાળી લાઇન વારંવાર દેખાઈ છે. કેનેડામાં ખાલિસ્તાન સાથે જોડાયેલા ઘટનાક્રમો પર પુરાવા વિના ભારતને કઠેડે ઊભું કરવું, રાજકીય વિવાદોમાં એકતરફી ફ્રેમિંગ અને ભારતની તુલના ચીન જેવા વામપંથી-તાનાશાહી મોડલ સાથે કરવી- આ બધું તેના રિપોર્ટિંગનો ભાગ રહ્યું છે. આ તે જ શૈલી છે જેમાં અગાઉ નિષ્કર્ષ નક્કી થાય છે, તથ્યો પછીથી ફિટ કરવામાં આવે છે. જોકે, આટઆટલી મહેનત બાદ પણ ગેરીને તગેડી મૂકવામાં આવ્યો!

ભારતવિરોધી બનવાનો અર્થ એ નથી કે ઇકોસિસ્ટમ તમને સાચવશે!

છેલ્લાં કેટલાંક વર્ષોથી વૉશિંગ્ટન પોસ્ટની આંતરિક ટીમોમાં ગડમથલ ચાલી રહી હતી. સંપાદકીય નિર્ણયો પર સવાલો ઉઠી રહ્યા હતા, સબ્સ્ક્રિપ્શન ઘટી રહ્યું હતું, ડિજિટલ પ્રયોગો નિષ્ફળ થઈ રહ્યા હતા અને વિશ્વાસ ધીમે-ધીમે તૂટી રહ્યો હતો. જે સંસ્થાએ ક્યારેક પોતાને વિશ્વના સૌથી પ્રભાવશાળી અવાજોમાં ગણાવી હતી, તે જ ધીમે-ધીમે પોતાના વાચકોને ગુમાવતી ગઈ. છંટણી ખરેખર તે જ પતનનું સ્વાભાવિક પરિણામ છે.

રાજકીય રીતે પણ અખબારની ઓળખ તટસ્થ પત્રકારત્વ કરતાં વધુ વૈચારિક ઝુકાવની બની ગઈ હતી. 1970ના દાયકાથી અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીઓમાં લગભગ દર વખતે ડેમોક્રેટ ઉમેદવારોના ખુલ્લા સમર્થન અને વૈશ્વિક મુદ્દાઓ પર એક નિશ્ચિત ‘લિબરલ લાઇન’- આ બધાએ તેને ન્યુઝરૂમ કરતાં એક્ટિવિઝમનું મંચ વધુ બનાવી દીધું. 

ભારત પ્રત્યેનું તેનું વલણ પણ કોઈથી છુપાયું નથી. પીએમ નરેન્દ્ર મોદી અને ભારત સરકારની દરેક નીતિને શંકા, અવિશ્વાસ અને નકારાત્મક ફ્રેમમાં રજૂ કરવી તેની આદત બની ગઈ હતી. વિકાસની ખબરો હાંસિયે અને ટીકા હેડલાઇન્સમાં, આ જ પેટર્ન વર્ષોથી ચાલતી રહી. પરંતુ તાજા ઘટનાક્રમે એક અસહ્ય સત્ય સામે મૂકી દીધું છે.

જેમણે ભારતને કઠેડામાં ઊભું કરવાને જ પોતાની વ્યાવસાયિક ઓળખ બનાવી લીધી હતી, તેઓ પણ કોર્પોરેટ છંટણીની યાદીમાં ફક્ત એક નામ બનીને રહી ગયા. ન વૈચારિક નિષ્ઠા કામ આવી, ન પ્રોપેગેન્ડા, ન ‘ગ્લોબલ ઇકોસિસ્ટમ’. આખરે કંપનીએ આ ‘કલમના સિપાહી’ઓને સૌથી પહેલાં બહાર કરી દીધા.

કદાચ આ જ ઇકોસિસ્ટમની સૌથી કઠોર શીખ છે. એજન્ડા કેટલાક સમય સુધી ચર્ચા આપી શકે છે, પરંતુ વિશ્વસનીયતા જ સંસ્થાને ટકાવી રાખે છે અને જ્યારે વિશ્વસનીયતા ઘટે છે, ત્યારે નેરેટિવ ઘડનારા પણ ઇતિહાસની ફૂટનોટમાં દબાઈને રહી જાય છે. ભારતને બદનામ કરીને કરિયર નથી બનતું, આખરે આવા ચહેરા ફક્ત ઉપયોગમાં લેવામાં આવે છે અને પછી ચૂપચાપ હટાવી દેવામાં આવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં