પાડોશી દેશ બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતીઓની સ્થિતિ કેવી છે, તેનાથી હવે કોઈ અજાણ નથી. ખાસ કરીને હિંદુઓ (Hindus) વિરુદ્ધ આચરવામાં આવેલી હિંસા (Violence) લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે. હાલની સ્થિતિમાં પણ બાંગ્લાદેશમાં હિંદુવિરોધી હિંસા (Anti-Hindu violence) બંધ થવાનું નામ નથી લઈ રહી. વીણીવીણીને લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, હિંદુ સંતો પર ઇશનિંદા અને રાષ્ટ્રદ્રોહના આરોપ લગાવવામાં આવી રહ્યા છે અને તેમની ધરપકડ પણ થઈ રહી છે. જ્યારે બીજી તરફ બાંગ્લાદેશી મીડિયા (Bangladeshi Media) એક કથિત વિદેશી સરવે રિપોર્ટનો હવાલો આપીને આ તમામ ઘટનાઓ પર ઢાંકપિછોડો કરવાના પ્રયાસો કરી રહ્યું છે અને યુનુસ સરકારમાં લઘુમતીઓ સુરક્ષિત હોવાનો ઢોલ પીટી રહ્યું છે.
બાંગ્લાદેશી મીડિયા દુનિયા સામે એ સાબિત કરવા મથી રહ્યું છે કે, મોહમ્મદ યુનુસની સરકારમાં બાંગ્લાદેશી લઘુમતીઓ વધુ સુરક્ષિત અનુભવી રહ્યા છે! અને આ પ્રોપગેન્ડાને (Propaganda) ફેલાવવા માટે ‘વોઇસ ઑફ અમેરિકા’ના એક સરવે રિપોર્ટનો આધાર લેવામાં આવ્યો છે. VOAના સરવે રિપોર્ટનો હવાલો આપીને બાંગ્લાદેશી મીડિયાએ કહ્યું છે કે, એક સરવે અનુસાર, બાંગ્લાદેશની નવી સરકારમાં લઘુમતીઓ પોતાને સુરક્ષિત અનુભવી રહ્યા છે.
બાંગ્લાદેશના લગભગ તમામ મીડિયા આઉટલેટ્સમાં આ રિપોર્ટને આધાર બનાવીને પ્રોપગેન્ડા ફેલાવવાનું નવઅભિયાન શરૂ થયું છે. હા…બસ એવું જ અભિયાન જે માનવસાંકળ બનાવીને હિંદુ મંદિરોની રક્ષા કરતાં મુસ્લિમોના ફોટા ફેલાવવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. હેડલાઈનો પરથી તો એવું લાગી રહ્યું છે કે, આ સરવેમાં માત્ર બાંગ્લાદેશના લઘુમતીઓને જ તેમની સુરક્ષાને લઈને પૂછવામાં આવ્યું હશે. પરંતુ સમાચારની અંદર ડોકિયું કરતાં જાણવા મળે છે કે, આ સરવેનો નિષ્કર્ષ પણ બાંગ્લાદેશની બહુમતી વસ્તી એટલે કે મુસ્લિમોને પૂછીને કાઢવામાં આવ્યો છે.
ધ ડેઇલી સ્ટાર, ઢાકા ટ્રિબ્યુન, બાંગ્લા ન્યૂઝ 24 અને ધ બિઝનેસ સ્ટાન્ડર્ડ જેવા તમામ મીડિયા આઉટલેટ્સના રિપોર્ટમાં વોઇસ ઑફ અમેરિકાએ કરેલા એક સરવેનો હવાલો આપીને કહેવામાં આવ્યું છે કે, બાંગ્લાદેશમાં મોટાભાગના લોકો માને છે કે, મોહમ્મદ યુનુસ સરકાર ધાર્મિક અને જાતિય લઘુમતીઓને શેખ હસીનાની સરકાર કરતાં વધુ સુરક્ષા પ્રદાન કરી રહી છે.
સરવેની સેમ્પલ સાઇઝ 1000, તેમાંથી 92% મુસ્લિમ….
મહત્વની વાત તો તે છે કે, VOAએ પ્રકાશિત કરેલા સરવેની સેમ્પલ સાઇઝ 1000 છે. એટલે આ સરવેમાં એક હજાર લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી 92.7% લોકો મુસ્લિમ હતા. હવે વિચારો કે, લઘુમતીઓની સ્થિતિ વિશે બહુમતી મુસ્લિમોને પૂછવામાં આવ્યું છે કે તેમના દેશમાં લઘુમતીઓ સુરક્ષિત છે કે કેમ. આ તો ચોરને જ ચોરી વિશે પૂછવા જેવું થયું. ક્યારેય પણ કોઈપણ આરોપી પોતાનો ગુનો કબૂલ કરતો નથી. કાલે ઊઠીને પાકિસ્તાનના મુસ્લિમોને પૂછવામાં આવશે કે, તેમના દેશમાં લઘુમતીઓની સ્થિતિ શું છે તો તેઓ પણ ‘અલ્હમદુલિલ્લાહ, અચ્છી હૈ’ કહે તો નવાઈ નહીં. પરંતુ જમીની હકીકત તો આખી દુનિયા જાણે જ છે.
બાંગ્લાદેશી બહુમતી મુસ્લિમ વસ્તીને પૂછીને વોઇસ ઑફ અમેરિકાએ કહી દીધું કે, 64.1% લોકોનું માનવું છે કે, વર્તમાન યુનુસ સરકાર લઘુમતીઓની સુરક્ષામાં વધારો કરી રહી છે. તેનાથી વિપરીત માત્ર 15.3% લોકોએ કહ્યું છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પહેલાં કરતા વધારે ખરાબ થઈ છે. જ્યારે 17.9% લોકોનું કહેવું છે કે, સ્થિતિમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. સરવેમાં સામેલ માત્ર 13.9% લોકોનું માનવું છે કે, યુનુસ સરકાર હેઠળ લઘુમતીઓની સુરક્ષા સ્થિતિ ખરાબ થઈ છે. તેનાથી વિપરીત બિનમુસ્લિમોના 33.9% લોકો માને છે કે, સ્થિતિ પહેલાં કરતા વધુ ખરાબ છે.
પ્રથમ દ્રષ્ટિએ તો આ સરવે રિપોર્ટ જ ભ્રામક સાબિત થાય છે. તેમ છતાં જો માનવામાં આવે તો બાંગ્લાદેશની બહુમતી વસ્તીના લોકો ‘લઘુમતી’માં નથી આવતા અને જે આવે છે, તેના સુધી હજુ આંતરાષ્ટ્રીય મીડિયા તો દૂર પરંતુ સ્થાનિક મીડિયા પણ પહોંચ્યું નથી. બાંગ્લાદેશી મીડિયાએ એક વખત પણ સ્થાનિક લઘુમતીઓના અવાજને વાચા નથી આપી અને હવે એ જ મીડિયા બૂમાબૂમ કરે છે કે, બાંગ્લાદેશમાં લઘુમતીઓ સુરક્ષિત છે.
બાંગ્લાદેશી મીડિયા ફેલાવી રહ્યું છે પ્રોપગેન્ડા, લઘુમતીઓની જમીની હકીકત તદ્દન વિપરીત
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી મીડિયા એક તરફ ‘વોઇસ ઑફ અમેરિકા’ જેવા સરવે રિપોર્ટના રિઝલ્ટ દ્વારા પ્રોપગેન્ડા ફેલાવવામાં વ્યસ્ત છે અને બીજી તરફ સ્થાનિક હિંદુઓ પોતાની સ્થિતિ પર રુદન કરતા જોવા મળી રહ્યા છે. બાંગ્લાદેશમાં તેમનો અવાજ ઉઠાવનાર કોઈ નથી. કોઈ સંત કે સ્થાનિક હિંદુઓના આધ્યાત્મિક નેતા જો અવાજ ઉઠાવે પણ છે તો તેમના પર ખોટા આરોપો ઠોકી દઈને જેલમાં ધકેલી દેવામાં આવે છે. જે યુનુસ સરકારના રાજમાં લઘુમતીઓના ‘ઇન્સાફ’ની વાતો મુસ્લિમો કરી રહ્યા છે, તે જ સરકાર આવ્યા બાદ બાંગ્લાદેશી હિંદુઓ મરવા પર મજબૂર થયા છે.
ઇસ્લામી કટ્ટરપંથીઓએ ન માત્ર હિંદુઓના ઘરો જ સળગાવ્યા, પરંતુ તેમના ઘરની ચીજવસ્તુઓ પણ લૂંટી, તેમની બહેન-દીકરીઓ સાથે અભદ્ર વ્યવહાર પણ કર્યો, તેમના દેવી-દેવતાઓનું અપમાન પણ કર્યું અને ઘણી જગ્યાએ તો હિંદુઓની હત્યા પણ થઈ. શુક્રવાર (29 ડિસેમ્બર)ના રોજ જ જુમ્માની નમાજ બાદ ફરી ઇસ્લામી કટ્ટરપંથીઓએ હિંદુઓને ટાર્ગેટ કર્યા છે. હિંદુઓના પવિત્ર ત્રણ મંદિરો પર હુમલો કરવામાં આવ્યો છે. જ્યારે આટલું પૂરતું ન હતું, ત્યારે હિંદુઓની રેલી જોઈને પણ કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા. થોડા દિવસો પહેલાં જ બાંગ્લાદેશી ધ્વજનું અપમાન કર્યાના આરોપમાં ઈસ્કોનના એક સંતની ધરપકડ કરવામાં આવી હતી, આ પછી તેમના પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો અને દેશદ્રોહના ગુનામાં તેમને જેલમાં પણ નાખી દેવામાં આવ્યા.
ભલે બાંગ્લાદેશી મીડિયા હિંદુઓની વાસ્તવિક સ્થિતિ ન દર્શાવે, પરંતુ બાંગ્લાદેશી હિંદુઓની સ્થિતિ સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયા જોઈ રહી છે. જો સોશિયલ મીડિયા ન હોત તો આજે બાંગ્લાદેશમાં લાખો હિંદુઓનું અસ્તિત્વ જ સમાપ્ત થઈ ગયું હોત અને દુનિયાને તેની જાણ પણ ન થઈ હોત. બાંગ્લાદેશની વાસ્તવિકતા આખી દુનિયા સામે નગ્ન થઈ છે. સોશિયલ મીડિયા પર પીડિત હિંદુઓના રોકકળ કરતા વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં તેઓ વારંવાર મદદ માટેની વિનંતી કરી રહ્યા છે.
યુનુસ સરકારના આવ્યા બાદ તો સ્થિતિ વધુ વણસી છે. કટ્ટરપંથીઓ ખુલ્લેઆમ ઈસ્કોન પર પ્રતિબંધ લગાવવાની અને દેશને ઇસ્લામી રાષ્ટ્ર બનાવવાની વાતો કરી રહ્યા છે. યુનુસ સરકાર બાદ અનેક મહિલાઓના રુદન કરતા વિડીયો સામે આવ્યા છે. મોટા-મોટા કલાકારોને માત્ર એટલા માટે ટાર્ગેટ કરવામાં આવ્યા છે, કારણ કે તેઓ હિંદુ છે. તેમના ઘરોમાં આગ ચાંપી દેવામાં આવી છે. આટઆટલી પીડા સહ્યા બાદ પણ હિંદુઓ આજે પણ લાચાર છે. વાત જ્યારે ન્યાય આપવાની આવી ત્યારે યુનુસ સરકારે તેવું કહીને હાથ અધ્ધર કરી દીધા કે, તેઓ વિદ્યાર્થી આંદોલનમાં સામેલ લોકો વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે.
ખૂબ ભયંકર સ્થિતિ વચ્ચે પણ બાંગ્લાદેશી મીડિયા પોતાની ફરજ અદા કરવાના સ્થાને પ્રોપગેન્ડા ફેલાવીને દુનિયાને ઉંધા ચશ્મા પહેરાવવાના પ્રયાસો કરી રહ્યું છે. જોકે, બાંગ્લાદેશી લઘુમતીઓની સ્થિતિ તો આજે આખી દુનિયા જોઈ રહી છે, સોશિયલ મીડિયામાં પણ ઘણા બાંગ્લાદેશી હિંદુઓ પોતાની આપવીતી ઠાલવી રહ્યા છે. પરંતુ આવા સમયમાં માંડ એક મુદ્દો બાંગ્લાદેશી મીડિયાના હાથે લાગ્યો છે, તેથી તેને સંપૂર્ણ જોમ અને જુસ્સા સાથે રજૂ કરે તે પણ સ્વાભાવિક છે. છતાં પણ સત્ય ક્યારેય લાંબા સમય સુધી દબાઈ શકતું નથી, તે અસત્યની છાતી ચીરીને પણ એક સમયે દુનિયા સામે આવે તો ખરું જ.