હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિહિંદુ મંદિરોનું નિર્માણ-સંરક્ષણ, તમામ યુદ્ધોમાં વિજય: કોણ હતા તમિલનાડુના શાસક પેરૂમ્બિડુગુ મુથારૈયાર,...

હિંદુ મંદિરોનું નિર્માણ-સંરક્ષણ, તમામ યુદ્ધોમાં વિજય: કોણ હતા તમિલનાડુના શાસક પેરૂમ્બિડુગુ મુથારૈયાર, જેમના નામ પર બહાર પડાઈ પોસ્ટ ટિકિટ

પ્રશાસનિક સ્તરે પણ સુવરન મારને તમિલનાડુના અનેક વિસ્તારોમાં જળાશયો, નહેરો અને પુલોનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે સિંચાઈ માટે પાણીનો એકમાત્ર સ્ત્રોત વરસાદી પાણી જ હતું, તેથી સુવરન મારનનો આ પ્રયાસ તેમની દૂરદર્શિતા પણ દર્શાવે છે. 

- Advertisement -

ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને 14 ડિસેમ્બર, 2025ના રોજ પેરૂમ્બિડુગુ મુથારૈયાર દ્વિતીયનાં નામ પર એક પોસ્ટ ટિકિટ જારી કરી છે. પેરૂમ્બિડુગુ મુથારૈયારનું વાસ્તવિક નામ સુવરન મારન છે અને તેઓ તમિલનાડુમાં પોતાના સુચારુ શાસન માટે જાણીતા રાજા છે. નવેમ્બર, 2025માં પેરૂમ્બિડુગુ મુથારૈયાર દ્વિતીય પર આયોજિત એક કાર્યક્રમમાં તમિલનાડુની DMK સરકારના એક મંત્રીએ કેન્દ્ર સરકારને પેરૂમ્બિડુગુ મુથારૈયાર પર એક પોસ્ટ ટિકિટ જારી કરવા માટેની અપીલ કરી હતી. અપીલના એક મહિનામાં જ કેન્દ્ર સરકારે એક પોસ્ટ ટિકિટ જારી કરીને તેમને સન્માન આપ્યું છે. 

આજે ઉત્તર ભારતમાં ન તો તેમને કોઈ ઓળખે છે અને ન તો તેમનું નામ કોઈએ સાંભળ્યું છે. પોસ્ટ ટિકિટ જારી થયા બાદ દેશભરમાં એક ઉત્સુકતા જાગી છે કે આખરે આ રાજા કોણ છે? અને શા માટે પહેલાં આ શાસક વિશે ન તો સાંભળવા મળ્યું અને ન તો તેમના વિશે ભણાવવામાં આવ્યું?

વાસ્તવમાં સ્વતંત્રતા બાદ જે રીતનો ઇતિહાસ શાળાઓ અને યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવ્યો, તેને જોતાં આ પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે. ઉત્તર ભારતમાં તો પેરૂમ્બિડુગુ મુથારૈયાર વિશે વાંચવા અને જાણવા કશું મળી શકે એમ નથી, પરંતુ દુર્ભાગ્ય એ છે કે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ આ મહાન શાસક આજે ઇતિહાસનાં વામપંથી પાનાંઓ વચ્ચે ક્યાંક ખોવાઈ ગયા છે. દક્ષિણ ભારતના પાઠ્યપુસ્તકોમાં પણ તેમના વિશેની કોઈ વિસ્તૃત માહિતી નથી. 

- Advertisement -

સ્વતંત્રતા બાદથી ભારતનો ઇતિહાસ માત્ર કેટલાક રાજવંશો (ખિલજી, તુગલક, મુઘલ, ગુલામ, અંગ્રેજ) અને વિચારધારાઓ સુધી સીમિત રહ્યો હતો, જેના કારણે દક્ષિણ ભારતના અનેક સ્વાભિમાની હિંદુ શાસકોની સ્મૃતિઓને પૂર્વનિયોજિત કાવતરાંના ભાગરૂપે ઢાંકી દેવામાં આવી હતી. 

કોણ છે પેરૂમ્બિડુગુ મુથારૈયાર?

સમ્રાટ પેરૂમ્બિડુગુ મુથારૈયાર દ્વિતીયનાં નામમાં ‘પેરૂમ્બિડુગુ’ એમની ઉપાધિ છે અને ‘મુથારૈયાર’ તેમના વંશનું નામ છે. તેમનું વાસ્તવિક નામ સુવરન મારન હતું. તેમનો જન્મ સાતમી સદીમાં થયો હતો અને એવું માનવામાં આવે છે કે તેમણે સાતમી અને આઠમી સદી વચ્ચે વર્તમાન તમિલનાડુના તંજાવુર, ત્રિચી,પુદુકોટ્ટઈ અને કાવેરી નદીના કાંઠે ઘણા વિસ્તારોમાં શાસન કર્યું હતું. તેમના દ્વારા નિર્મિત અને સંરક્ષિત મંદિરોમાં મળેલા અભિલેખોમાં તેમના વિશેની માહિતી પણ આપવામાં આવી છે. જેમાં તેમને એક એવા શાસક ગણાવાયા છે, જેમણે 12 યુદ્ધ કર્યાં હતાં અને એકપણ વખત પરાજિત નહોતા થયા. 

તાત્કાલિક પલ્લવ શાસકોના સામંત તરીકે મુથારૈયાર વંશ જાણીતો છે. જ્યારે પલ્લવોનું શાસન નબળું પડ્યું ત્યારે અનેક સામંતોએ સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી અને સ્વતંત્ર રાજા તરીકેની ઓળખ મેળવી હતી. પલ્લવ શાસનકાળમાં જૈન પંથ અને બૌદ્ધ પંથના પ્રભુત્વની વચ્ચે હિંદુ પંથનો પુનરુત્થાન થયો હતો. પલ્લવ શાસક નંદીવર્મનના સામંત મુથારૈયાર એક મહાન મંદિર નિર્માતા પણ હતા. 

અભિલેખોમાં મળે છે રાજા વિશેની માહિતી

તંજાવુર જિલ્લાના સેંદલૈ ગામમાં આવેલાં મીનાક્ષી સુંદરેશ્વર મંદિરના ચાર સ્તંભો પર કોતરાયેલા અભિલેખો મુથારૈયાર વંશ અને તેમના શાસકો વિશે મહત્વપૂર્ણ માહિતી આપે છે. આ તમામ અભિલેખો પ્રાચીન તમિલ લિપિમાં અત્યંત સુંદર અને સુવ્યવસ્થિત રીતે લખાયેલા છે. આ અભિલેખો સુવરન મારન ઉર્ફે પેરૂમ્બિડુગુ મુથારૈયારની વંશાવળી, તેમના ચરિત્ર અને તેમની મેઇકીર્તિનું (યશોગાથા) વર્ણન કરે છે.

‘મેઇકીર્તિ’ એ ઉપાધિઓ અને નામોથી છે જે કોઈ રાજાને તેમના સ્વભાવ, વીરતા, સાહસ અને યુદ્ધ-પરાક્રમના આધારે આપવામાં આવતા હતા. અભિલેખોમાં તેમને અનેક ઉપાધિઓ આપવામાં આવી છે, શ્રી તામરાલયન (શાંતિ સ્વયં જેમાં વાસ કરે છે), શ્રી અભિમનદીરન (અહંકારી રાજાઓના શત્રુ ), શ્રી કલવર કલવન (ચોરોનો નાશ કરનારા) અને શ્રી સથુરુ કેસરી (શત્રુઓ માટે સિંહ સમાન) જેવી અનેક ઉપાધિઓ સુવરન મારનને આપવામાં આવી હતી.

ભગવાન શિવના હતા આરાધક

અભિલેખોમાં જણાવાયું છે કે, પેરૂમ્બિડુગુ મુથારૈયારે કોડુંબાલુર, મનાલુર, થિંગાલુર, કંથાલુર, અઝુંથિયુર, કરૈ, મરંગુર, પુગળ્ઝી, અન્નાલવાયિલ, સેમ્પોન મારી, વેંકોડલ અને કન્નનુર– આ બાર સ્થળો પર યુદ્ધો લડ્યા હતા. તેમાંથી અનેક સ્થળો આજે પણ તેમના જૂના નામોથી ઓળખાય છે.

પ્રાચીન ઇતિહાસના સ્ત્રોતોમાં સુવરન મારનનો ઉલ્લેખ શત્રુભયંકર નામ તરીકે પણ મળે છે. આ ઉપાધિ માત્ર તેમની સૈન્ય શક્તિનું જ નહીં, પરંતુ તેમના શાસનકાળમાં વિકસિત થયેલા રાજકીય-બૌદ્ધિક વાતાવરણનો પણ સંકેત આપે છે. સુવરન મારનના દરબારને વિદ્વાનો અને વિચારધારાઓના સંવાદનું કેન્દ્ર માનવામાં આવતો હતો.

ઉપલબ્ધ ઐતિહાસિક પુરાવાઓમાંથી સ્પષ્ટ થાય છે કે સુવરન મારન ભગવાન શિવના આરાધક હતા, શૈવ પરંપરાના સંરક્ષક હતા અને શૈવ વિદ્વાનોને આશ્રય આપતા હતા. પરંતુ તેમની બૌદ્ધિક ઉદારતા માત્ર એક જ પંથ સુધી મર્યાદિત નહોતી. તેમના દરબારમાં વિવિધ ધાર્મિક અને દાર્શનિક પરંપરાઓ વચ્ચે સંવાદ અને શાસ્ત્રાર્થની પરંપરા હતી.

ઇતિહાસકાર ડી. જી. મહાજને પોતાના સંશોધન‘Ancient Dravidian Jain Heritage’માં (Proceedings of the Indian History Congress, ખંડ 19, વર્ષ 1956માં પ્રકાશિત) એ તથ્ય પર વિશેષ ધ્યાન દોર્યું છે કે, જૈન આચાર્ય વિમલચંદ્રે શત્રુભયંકરના દરબારની મુલાકાત લીધી હતી. મહાજનના મતે આચાર્ય વિમલચંદ્ર શ્રવણબેલગોલાની (તત્કાલીન મૈસુર રાજ્ય) જૈન પરંપરા સાથે સંબંધિત હતા અને તેમણે સુવરન મારનના દરબારમાં શૈવ તથા અન્ય વિદ્વાનો સાથે વૈચારિક વાદ-વિવાદ કર્યો હતો.

શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર પ્રમોદ ચંદ્ર દ્વારા સંપાદિત 1975માં પ્રકાશિત ‘Studies in Indian Temple Architecture’ પુસ્તકમાં ‘Early Pāndya, Muttarayar and Irukkuveḷ Architecture’ શીર્ષક સાથેનો એક અધ્યાય છે, જે કે. વી. સાઉન્ડર રાજને લખ્યો છે. આ અધ્યાયમાં ચોલ વાસ્તુકલાને પ્રભાવશાળી બનાવવાનો શ્રેય મુથારૈયાર વંશને આપવામાં આવ્યો છે. પુસ્તકમાં કહેવાયું છે કે, “મુથારૈયારોનું શાસન લગભગ પરમેશ્વરવર્મન પ્રથમના (પલ્લવ વંશના રાજા) સમયથી ગણી શકાય છે.”

પુસ્તકમાં એવું પણ કહેવાયું છે કે શરૂઆતના સમયમાં આ રાજવંશ માત્ર ગુફા મંદિરોનાં નિર્માણ સુધી સીમિત રહ્યો હતો. પરંતુ સમય જતાં અત્યંત પ્રભાવશાળી મંદિરોનું નિર્માણ પણ થવા લાગ્યું હતું. તેમના મંદિરો અને નિર્માણો ચોલ વંશના સ્થાપત્ય શૈલી જેવા રોચક અને આકર્ષક હતા.

અન્ય અભિલેખોમાંથી એ પણ જાણવા મળે છે કે, આચાર્ય પચિલવેલ નંબન, આચાર્ય અનિરુદ્ધ, કોટ્ટાત્રુ ઇલમ પેરુમનાર અને કુવવન કંજન જેવા કવિઓ તેમના દરબારની શોભા હતા. આ ચારેય કવિઓએ તેમની વીરતા અને પરાક્રમનું ગાન કર્યું છે, જે મીનાક્ષી સુંદરેશ્વર મંદિરના ચારેય સ્તંભો પર કોતરાયેલું છે.

કાંચીપુરમના વૈકુંઠ પેરુમાલ મંદિરમાં પણ એક અભિલેખ છે, જેમાં ઉલ્લેખ છે કે નંદિવર્મન દ્વિતીયના રાજ્યાભિષેક વખતે એક મુથારૈયાર રાજાનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. માનવામાં આવે છે કે આ શાસક પેરૂમ્બિડુગુ મુથારૈયાર દ્વિતીય જ હતા.

મીનાક્ષી સુંદરેશ્વર મંદિરના અભિલેખો તેમના દ્વારા લડવામાં આવેલા યુદ્ધોનું પણ વિસ્તારથી વર્ણન કરે છે. એક અભિલેખમાં જણાવાયું છે કે તેમનો ધ્વજ ‘વેલ’ એટલે ભાલો હતો અને અઝિંથિયુરમાં તેમણે જે યુદ્ધ લડ્યું તે પછી ત્યાંની ધરતી લોહીથી લાલ થઈ ગઈ હતી. એટલું જ નહીં, કહેવાય છે કે સુવરન મારને તે લોહીથી ભીંજાયેલી જમીનને હાથીઓથી ખેડાવી હતી.

પ્રશાસનિક સ્તરે પણ સુવરન મારને તમિલનાડુના અનેક વિસ્તારોમાં જળાશયો, નહેરો અને પુલોનું નિર્માણ કરાવ્યું હતું. તે સમયે સિંચાઈ માટે પાણીનો એકમાત્ર સ્ત્રોત વરસાદી પાણી જ હતું, તેથી સુવરન મારનનો આ પ્રયાસ તેમની દૂરદર્શિતા પણ દર્શાવે છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં