ભાવનગર અને સરદાર વલ્લભભાઈ પટેલનો સંબંધ ઘણો જૂનો છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથેના તેમના સંબંધો ગાઢ હતા અને ભાવનગરના ઇતિહાસમાં પણ પટેલનું નામ આજે પણ અંકિત છે. ખાસ તો સરદાર પટેલની ભાવનગર સાથે બે ઐતિહાસિક સ્મૃતિઓ સંકળાયેલી છે. એક સ્મૃતિ દેશની સ્વતંત્રતા બાદ નવા ઘડાયેલા નકશા માટે મહત્વની છે અને આ સ્મૃતિ દેશનો લગભગ મોટાભાગનો શિક્ષિત વર્ગ જાણે છે. પણ બીજી સ્મૃતિ એવી છે, જે આજે ભાવનગરના એક જર્જરિત સ્મૃતિપટમાં ઊંડે સુધી દટાઈ ગઈ છે. એક એવી ઘટના, જે ભુલાઈ ગઈ અથવા તો ભુલાવી દેવાઈ.
વાત છે 1939ની. દેશને હજુ સુધી અંગ્રેજ શાસનમાંથી મુક્તિ નહોતી મળી, પરંતુ ભાવનગર રાજવીએ એલાન કરી દીધું હતું કે સ્વતંત્ર ભારતમાં સૌથી પહેલું રાજ્ય ભાવનગર જોડાશે. આ મુદ્દે ચર્ચા-વિચારણા માટે સરદાર વલ્લભભાઈ પટેલનું ભાવનગર આવાં-જવાન વધી ગયું હતું. આ દરમિયાન 14 અને 15 મે, 1939માં ભાવનગર ખાતે સરદાર પટેલની અધ્યક્ષતામાં ભાવનર રાજ્ય પરિષદનું પાંચમું અધિવેશન યોજાયું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર પટેલને નિમંત્રણ પણ આપ્યું હતું.
નિમંત્રણને માં આપીને સરદાર પટેલ 14મી મે, 1939ના રોજ ભાવનગર આવ્યા હતા અને રેલવે સ્ટેશનથી તેમની શોભાયાત્રા ખુલ્લી જીપમાં નીકળી હતી. સરદાર પટેલની આ યાત્રાને ટાર્ગેટ કરવા માટે મુસ્લિમ લીગે પહેલાંથી જ કાવતરું ઘડી રાખ્યું હતું. સ્થાનિક કટ્ટરપંથી મુસ્લિમોએ મુસ્લિમ લીગના નેજા હેઠળ મસ્જિદમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને સરદાર પટેલની હત્યા સુધીનું આયોજન કરી નાખવામાં આવ્યું હતું.
સરદાર પટેલનું આગમન અને મુસ્લિમ કટ્ટરપંથીઓનો જીવલેણ હુમલો
સરદાર પટેલ રેલવે સ્ટેશનથી ખુલ્લી જીપમાં બેસીને બધાનું અભિવાદન ઝીલતા ઝીલતા આવી રહ્યા હતા. યાત્રા બરોબર ખારગેટ ચોક પાસે પહોંચી કે તરત નગીના મસ્જિદ પાસે ઉહાપોહ શરૂ થયો. મોટી સંખ્યામાં મસ્જિદમાં પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે બેઠેલા મુસ્લિમ કટ્ટરપંથીઓએ હથિયારો ઉગામ્યાં અને બહાર નીકળીને સરદાર પટેલની જીપ તરફ દોટ મૂકી. કટ્ટરપંથીઓ તલવાર, છરા, ધોકા, કુહાડી જેવાં તીક્ષ્ણ હથિયારો સાથે સરદાર પટેલની જીપ તરફ આગળ વધી રહ્યા હતા.
જોકે, સરદાર પટેલ પર ઘા ઝીંકે તે પહેલાં જ કણબીવાડના યુવાન બચુભાઈ પટેલ અને દક્ષિણામૂર્તિ તથા લોકભારતીના સ્થાપક નાનાભાઈ ભટ્ટ બંને સરદાર પટેલની જીપ પર ચડી ગયા અને સરદાર પટેલની ઢાલ બન્યાં. દરમિયાન મુસ્લિમ કટ્ટરપંથીઓના તમામ ઘા આ નવલોહિયા યુવાનો પર પડ્યા અને તેના કારણે બચુભાઈ પટેલ ગંભીર રીતે ઘાયલ થયા બાદ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા. નાનાભાઈ ભટ્ટને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા અને સદનસીબે તેઓ બચી ગયા.
ઘટનાની જાણ થતાં જ ભાવનગર રાજ્યના પોલીસ સિપાહીઓ ભાલા અને શસ્ત્રો સાથે નગીના મસ્જિદ પાસે પહોંચી ગયા હતા અને ટોળાંને વિખેરી નાખ્યું હતું. પરંતુ જો આ મુસ્લિમ કટ્ટરપંથીઓ પોતાની યોજનામાં સફળ થયા હોત તો સ્વતંત્રતા બાદ દેશનો ઇતિહાસ જુદો હોત. સરદાર પટેલની હત્યાના પ્રયાસથી ભાવનગર શહેર અવાક અને ભયભીય બન્યું હતું. પરિષદની બેઠકમાં સરદાર પટેલે પોતે કહ્યું હતું કે, “આ ક્ષણિક ક્રોધમાં આવીને કરવામાં આવેલું કામ નથી, આની પાછળ અગાઉથી રચાયેલું બુદ્ધિપૂર્વકનું ષડ્યંત્ર છે.”
‘પૂર્વનિયોજિત હતું કાવતરું’- તત્કાલીન પોલીસ અધિકારી
આ સમગ્ર મામલે પછીથી ભાવનગરની તત્કાલીન કોર્ટમાં કેસ પણ ચાલ્યો હતો. જેમાં કુલ 14 શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમનાં નામ વારસ અલી, બિલાલ ઈબ્રાહીમ, અબ્દુલ સતાર મુસા, અબ્દુલ્લા સીદી, ઉસ્માનખાં મોહમ્મદખાં, ઉસ્માન નૂરમિયાં, અબ્દુલગફુર, અબ્દુલ કાદર, અલીવાવદ, મુસા અબ્દુલ, કાસમ, મહમદ સુલેમાન, ઇસ્લામાઈલ અને અલારખાં ઈબ્રાહીમ તરીકે નોંધાયેલાં છે. 12 જુલાઇ, 1939ના રોજ તત્કાલીન અખબાર ‘ધ કાઠિયાવાડ ટાઈમ્સે’ તત્કાલીન પોલીસ અધિકારી પોપટભાઈએ કોર્ટમાં આપેલી જુબાનીના આધારે વિગતવાર અહેવાલ પ્રકાશિત કર્યો હતો.

જુબાનીમાં પોપટભાઈએ કોર્ટને જણાવ્યું હતું કે કાર્યક્રમ પહેલાં મુસ્લિમ લીગના અમુક માણસોએ વાજાં ન વગાડવાની માગણી સાથે એક અરજી આપી હતી. પછીથી જાણવા મળ્યું કે અરજી અબ્દુલ કાદર લાખાણી નામની એક વ્યક્તિએ મુસ્લિમ લીગના ઉપપ્રમુખના કહેવા પર લખી હતી. પછીથી પોપટભાઈએ પરિષદના સેક્રેટરી જાદવજી મોદીને જાણ કરીને નગીના મસ્જિદની બહાર વાજાં ન વગાડવામાં આવે તેમ જણાવ્યું હતું. ઉપરાંત, ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાની પણ વાત થઈ હતી. પછીથી તેમણે એક મુસ્લિમ અગ્રણી રજૂમિયાં સાથે પણ વાત કરી અને રજુમિયાંએ ખાતરી આપી હતી કે મુસ્લિમો કોઈ હુલ્લડ નહીં કરે અને 14મી મે, 1939ના રોજ સરદાર પટેલના સ્વાગતમાં તેઓ પણ હાજર રહેશે.

આગળની માહિતી પોપટભાઈએ કોર્ટમાં આપેલી જુબાનીના આધારે:
13 મેના રોજ રાત્રે 9:30 કલાકે પોલીસને ટેલિફોનના માધ્યમથી જાણ કરવામાં આવી કે નગીના મસ્જિદમાં લાકડીઓ, તલવારો સહિતનાં હથિયારો અને પથ્થરો ભેગા કરવામાં આવ્યાં અને પાંચસોએક મુસ્લિમો પણ એકઠા થયા છે. જોકે પોલીસનું કહેવું હતું કે આ માહિતીનો કોઈ આધાર ન હતો એટલે મસ્જિદમાં દરોડા પાડવાનો આદેશ અપાયો ન હતો. બીજા દિવસે સવારે સરદાર પટેલ ભાવનગર આવી પહોંચ્યા. બીજી તરફ નગીના મસ્જિદ સામે ભારે બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
અગાઉ વાત થયા અનુસાર મસ્જિદ આગળ વાજાં ન વગાડવામાં આવ્યાં હોવા છતાં મુસ્લિમ કટ્ટરપંથીઓ ભડકી ઉઠ્યા હતા અને બહાર ઉભેલા હિંદુઓ પર તૂટી પડ્યા હતા. એક અવાજ થયો અને તરત જ ચારેતરફથી મુસ્લિમ કટ્ટરપંથી ત્યાં ઉભેલા હિંદુઓ પર ‘મારો મારો’ કહીને તૂટી પડ્યા. હુમલો કરનારાઓ લાકડીઓ, તલવારો, દંડા, છત્રીઓ અને છરાઓ લઈને આવ્યા હતા અને હિંદુઓને મારવા લાગ્યા હતા.
અહીં પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા વાપરી અને સરદાર પટેલને અન્ય રસ્તો પકડવા માટે વિનંતી કરીને હેમખેમ બચાવી લીધા હતા. પછીથી વધુ પોલીસબળ મોકલવામાં આવ્યું અને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું. પછીથી તોફાનીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
સરદાર પટેલે વિરગતને આપી હતી શ્રદ્ધાંજલિ
21 મે, 1939ના ગુજરાત મિત્ર અખબારમાં પણ આ ઘટના વિશે વાત કરવામાં આવી હતી અને જણાવાયું હતું કે મુસ્લિમ કટ્ટરપંથીઓના હુમલામાં એક સ્વયંસેવક મૃત્યુ પામ્યા હતા અને ઘણાને ગંભીર ઇજાઓ પણ થઈ હતી. આ હોબાળાના કારણે કાર્યક્રમ પણ રદ કરવામાં આવ્યો હતો અને સરદાર પટેલને સીધા નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ પછી શહેરના અગત્યના સ્થળોએ ભાલાધારી સૈનિકો તથા પાયદળ લશ્કરો ગોઠવી દેવામાં આવ્યા હતા અને નગીના મસ્જિદને ચારે તરફથી ઘેરી લેવામાં આવી હતી.

મસ્જિદની તપાસ બાદ પોલીસને મસ્જિદમાં ગુપ્ત રીતે રખાયેલા હથિયારો મળ્યાં હતાં. પોલીસે શહેરભરમાંથી અનેક મુસ્લિમ કટ્ટરપંથીઓની ધરપકડ કરી હતી. ઇજા પામેલા સંખ્યાબંધ માણસોને સર તખ્તસિંહજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને સરદાર પટેલે પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા માણસોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન સખત ગરમીના કારણે મહુવામાં રહેતા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
સરદાર પટેલનો જીવ બચાવીને પોતે વિરગત થયેલા બચુભાઈ પટેલના સન્માનમાં આખા ભાવનગરમાં બંધ પાળવામાં આવ્યો હતો અને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાંજના સમયે અંતિમયાત્રા નીકળી હતી, જેમાં 20 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન સરદાર પટેલ પણ હાજર રહ્યા હતા. તેમણે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે, “આવાં મૃત્યુ તો કોઈ વિરલને જ મળે.” તેમણે મુસ્લિમ લીગના કાવતરાને લઈને કહ્યું હતું કે, “રાષ્ટ્રસેવાના યજ્ઞમાં આવી ગુંડાગીરીથી હું લેશમાત્ર પણ ડરવાનો નથી.”
ભાવનગર જેવા તે સમયના પ્રગતિશીલ અને ઉદાર રાજ્યમાં સરદારની હત્યાનો પ્રયાસ થાય તે આશ્ચર્યજનક હતું. આ પ્રયાસ જો સફળ થયો હોત તો ભાવેણાને રાષ્ટ્રીય કલંકની કાળીટીલી લાગી જાત અને સ્વતંત્ર ભારતનો ઇતિહાસ અથવા તો નકશો પણ પણ જુદો બની જાત. મુસ્લિમ લીગનાં આવાં અઢળક કાવતરાં કાયમ ઇતિહાસમાંથી હટાવવામાં આવતાં રહ્યાં છે અને તેના કારણે સરદાર પટેલ પર થયેલા આવા હુમલા વિશે ક્યારેય, કોઈપણ જગ્યાએ ન તો જાણવા મળે છે અને ન તો વાંચવા.


