હોમપેજદેશરાજ્યને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી બચાવવા માટે શરૂ થઈ હતી ચળવળ, 850+ થયા હતા...

રાજ્યને બાંગ્લાદેશી ઘૂસણખોરોથી બચાવવા માટે શરૂ થઈ હતી ચળવળ, 850+ થયા હતા બલિદાન: વાંચો આસામના ‘શહીદ દિવસ’નો ઇતિહાસ  

આંદોલનમાં લગભગ 855-860 લોકો આસામની સાંસ્કૃતિક અસ્મિતાના રક્ષણ માટે લડતા-લડતા બલિદાન થઈ ગયા હતા. આ બલિદાનીઓમાંના પ્રથમ હુતાત્મા ખર્ગેશ્વર તાલુકદારના બલિદાન દિવસ એટલે 10 ડિસેમ્બરના રોજ સ્વહીદ દિવસ ઉજવવામાં આવે છે.

- Advertisement -

10 ડિસેમ્બરના રોજ દેશના પૂર્વોત્તર રાજ્ય આસામમાં શહીદ દિવસ (સ્થાનિક ભાષામાં સ્વહીદ દિવસ – Swahid Diwas) ઉજવાઈ રહ્યો છે. રાજ્ય માટે અત્યંત મહત્ત્વપૂર્ણ અને ભાવનાત્મક જોડાણ ધરાવતા આ દિવસની ઉજવણી આસામના ઇતિહાસના સૌથી મોટા અને નિર્ણાયક જનઆંદોલન, આસામ આંદોલન દરમિયાન પોતાના પ્રાણની આહુતિ આપનાર બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવે છે.

નોંધનીય છે કે આસામનો શહીદ દિવસ એ દેશભરમાં 23 માર્ચે ઉજવાતા શહીદ દિવસથી અલગ છે, કારણ કે આ દિવસ આસામની વિશિષ્ટ સાંસ્કૃતિક અને જનસંખ્યાકીય અસ્મિતાના રક્ષણ માટેના એક અજોડ સંઘર્ષની યાદમાં ઉજવાય છે. આ આંદોલનમાં લગભગ 855-860 લોકો આસામની સાંસ્કૃતિક અસ્મિતાના રક્ષણ માટે લડતા-લડતા બલિદાન થઈ ગયા હતા. આ બલિદાનીઓમાંના પ્રથમ હુતાત્મા ખર્ગેશ્વર તાલુકદારના બલિદાન દિવસ એટલે 10 ડિસેમ્બરના રોજ સ્વહીદ દિવસ ઉજવવામાં આવે છે.

આજે આ દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ બલિદાનીઓને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી. PM મોદીએ X પર લખ્યું હતું કે, “આજે સ્વહીદ દિવસ પર આસામ ચળવળમાં ભાગ લેનારા તમામ લોકોની બહાદુરીને યાદ કરીએ.” તેમણે ઉમેર્યું કે આ આંદોલન ભારતીય ઈતિહાસમાં વિશેષ સ્થાન ધરાવે છે અને આંદોલનમાં ભાગ લેનારા લોકોનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે દેશ પ્રતિબદ્ધ છે.

- Advertisement -

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આ દિવસે પોસ્ટ કરીને હુતાત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

આ ઉપરાંત આસામના પૂર્વ CM અને કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ધ આસામ ટ્રિબ્યુનમાં આ દિવસ અંગે એક વિશેષ લેખ લખ્યો હતો. જેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આસામના CM હિમંતા બિસ્વા સરમાએ આ દિવસે હુતાત્માઓની યાદમાં બનેલ સ્વહીદ સ્મારક ક્ષેત્રનું લોકાર્પણ કર્યું છે. તેમણે X પર વિડીયો શેર કરતાં લખ્યું હતું કે, “આઈ આસોમીના ગૌરવ માટે લડનારા આપણા બહાદુરોની યાદમાં સ્વહીદ સ્મારક ક્ષેત્ર સમર્પિત કરવું એ ગૌરવપૂર્ણ વાત છે. આપણી દરેક ક્ષણ, દરેક ક્રિયા, દરેક પગલું આસામના સન્માન અને આપણા બહાદુરોના બલિદાનને જાળવી રાખવા માટે સમર્પિત છે.”

આંદોલનનું મૂળ: આસામની અસ્મિતાનો સંઘર્ષ

1970ના દાયકામાં પાડોશી દેશ બાંગ્લાદેશમાંથી (તત્કાલીન પૂર્વ પાકિસ્તાન) ગેરકાયદેસર ઘૂસણખોરીને કારણે આસામના લોકોમાં પોતાની સંસ્કૃતિ, ભાષા અને જમીન ગુમાવવાનો ડર વ્યાપી ગયો હતો. આ ડરને કારણે જ રાજ્યભરમાં એક વિશાળ જનઆંદોલન શરૂ થયું, જે આસામ આંદોલન તરીકે ઓળખાયું. આ આંદોલનનું નેતૃત્વ ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (AASU) અને ઑલ આસામ ગણ સંગ્રામ પરિષદ (AAGSP) દ્વારા કરવામાં આવ્યું હતું.

આ સમયે કેન્દ્ર અને રાજ્ય બંનેમાં કોંગ્રેસની સરકાર હતી. કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ચળવળ કરી રહેલ આંદોલનકારીઓની મુખ્ય માંગ એ હતી કે ગેરકાયદેસર ઘૂસણખોરોને તાત્કાલિક ઓળખીને તેમને મતાધિકારથી વંચિત કરીને તેમનો આસામમાંથી દેશનિકાલ કરવામાં આવે. આંદોલનના પ્રારંભિક તબક્કામાં જ હિંસાની શરૂઆત થઈ ગઈ હતી. 10મી ડિસેમ્બર 1079ના રોજ AASUની બારપેટા યુનિટના મહાસચિવ 22 વર્ષીય ખર્ગેશ્વર તાલુકદાર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો.

આસામ આંદોલન (ફોટો: India Today)

આ દરમિયાન તેમને ખરાબ રીતે માર મારવામાં આવ્યો અને તેમની હત્યા કર્યા બાદ તેમનો મૃતદેહ એક ખાડીમાં ફેંકી દેવામાં આવ્યો. તેમનું આ બલિદાન આસામ આંદોલનના પ્રથમ હુતાત્મા તરીકે નોંધાયું અને ત્યારબાદ સંઘર્ષની જ્યોતને વધુ બળ મળવા લાગ્યું. તાલુકદારની હત્યાથી સમગ્ર આસામમાં આક્રોશ ફેલાયો હતો જેના કારણે હિંસાની વ્યાપક ઘટનાઓ સામે આવવા લાગી હતી.

વધતી જતી હિંસા અને જનઆક્રોશને કારણે કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકારે 12મી ડિસેમ્બર 1979ના રોજ આસામની ગોલપ બોરબોરાની હઝારિકા સરકારને બરતરફ કરી અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. આ ઘટના રાજ્યના રાજકીય ઇતિહાસમાં એક મોટો વળાંક હતો. એવું કહેવાય છે કે આ આંદોલન મોટાભાગે અહિંસક રહ્યું હોવા છતાં 1980ના દાયકાની શરૂઆતમાં ભાવનાત્મક ઉશ્કેરાટને કારણે તે હિંસક બન્યું હતું.

સમય જતા આંદોલન અને લોકોની માંગ વધુ તીવ્ર બનતી હતી. ત્યારે આંદોલનને ડામવા કેન્દ્રમાં રહેલી કોંગ્રેસ સરકારે પોલીસ અને CRPF દળો ખડકી દીધાં હતાં. આ કાર્યવાહીમાં અનેક હિંસક ઘટનાઓ બની હતી જેમાં લાઠીચાર્જ, વ્યાપક ગોળીબાર અને મારપીટ સહિતના અત્યાચારો સામેલ છે. આ દરમિયાન લગભગ 860 લોકોએ પોતાના પ્રાણની આહૂતિ આપી હતી.

Assam’s fight for survival: Martyrs, protests, and the 1985 accord
આસામ આંદોલન (ફોટો: India Today)

જ્યારે આંદોલનકારીઓએ 1983ની વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો ત્યારે મામલો વધુ ગંભીર બન્યો હતો. ત્યારબાદ નેલ્લી હત્યાકાંડ થયો હતો. કહેવાય છે કે લગભગ 6 વર્ષ સુધી સતત આ સંઘર્ષ ચાલુ રહ્યો. જેમાં આસામના લોકો તેમની સંસ્કૃતિને બચાવવા માટે ઘૂસણખોરો અને કેન્દ્ર તથા રાજ્યની કોંગ્રેસ સરકાર વિરુદ્ધ લડી રહ્યા હતા.

આસામ કરાર (1985)

6 વર્ષના લાંબા સંઘર્ષ પછી કેન્દ્ર સરકારે આંદોલનકારી નેતાઓ (AASU અને AAGSP) સાથે શાંતિ વાટાઘાટો કરી. 15મી ઑગસ્ટ, 1985ના રોજ રાજીવ ગાંધીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓએ ઐતિહાસિક આસામ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર આંદોલનની મુખ્ય માંગણીઓનું સમાધાન કરવા માટે એક વ્યાપક દસ્તાવેજ હતો.

Assam’s fight for survival: Martyrs, protests, and the 1985 accord
આસામ આંદોલન દરમિયાન લોકોની કફોડી હાલત (ફોટો: India Today)

આ કરારમાં ઘૂસણખોરોની ઓળખ કરવા માટે ત્રણ મુખ્ય કટ-ઑફ તારીખો નક્કી કરવામાં આવી હતી. 1 જાન્યુઆરી, 1966 પહેલાં આસામમાં પ્રવેશ કરનારાઓને કાયમી ધોરણે રહેવાની પરવાનગી આપવામાં આવી. ઉપરાંત 1 જાન્યુઆરી, 1966થી 24 માર્ચ, 1971 વચ્ચે પ્રવેશ કર્યો હોય એવા તમામ ઘૂસણખોરોને ઓળખીને દસ વર્ષ સુધી તેમને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા, ત્યારબાદ તેમને ભારતીય નાગરિકતા આપવામાં આવી.

24 માર્ચ, 1971 પછી પ્રવેશ કરનારા તમામ વ્યક્તિઓને ગેરકાયદેસર વિદેશી ગણી, તેમને નામંજૂર કરીને દેશનિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કરારમાં ભારત સરકારે આસામી લોકોની સાંસ્કૃતિક, સામાજિક અને ભાષાકીય ઓળખ, વારસાનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા માટે બંધારણીય, કાયદાકીય અને વહીવટી સુરક્ષા પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. આ જોગવાઈ કલમ 6 તરીકે ઓળખાય છે, જેનું સંપૂર્ણ અમલીકરણ આજે પણ એક પડકાર છે.

જોકે, ફેબ્રુઆરી 2017માં કરારના યોગ્ય અમલ માટે ગૃહ વિભાગ અને AASU વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આસામ કરારના અમલ માટે ગૃહ વિભાગમાં એક વિશિષ્ટ વિભાગ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ કરારની જોગવાઈઓનું નિરીક્ષણ કરવા માટે આસામ કરાર અમલીકરણ વિભાગની (Assam Accord Implementation Department) પણ સ્થાપના કરવામાં આવી છે.

આસામના લોકોની સાંસ્કૃતિક, સામાજિક અને ભાષિક ઓળખનું રક્ષણ કરવા માટે આસામ કરારની કલમ 6ના સંપૂર્ણ અમલને સુનિશ્ચિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. આ સિવાય સરકારે આસામના મૂળ લોકોની જમીન, અધિકારો અને ભાષાના સંરક્ષણ માટે પગલાં લીધાં છે. આ ઉપરાંત ડિરેક્ટોરેટ ઑફ પ્રોટેક્શન ઑફ ઇમિગ્રન્ટ્સ ટ્રાઇબલ્સ (IMDT) કાયદાને પણ નાબૂદ કરવામાં આવ્યો છે.

બલિદાનીઓને શ્રદ્ધાંજલિ આપવા સ્વહીદ સ્મારકનું નિર્માણ

આસામ કરારથી તાત્કાલિક હિંસાનો અંત આવ્યો, પરંતુ ગેરકાયદેસર સ્થળાંતરિતોની ઓળખ અને દેશનિકાલની પ્રક્રિયા હજુ પણ ધીમી અને વિવાદાસ્પદ રહી છે. આસામ કરારના સીધા પરિણામરૂપે જ નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સની (NRC) પ્રક્રિયા શરૂ થઈ, જેનો હેતુ રાજ્યના કાયદેસર નાગરિકોને ગેરકાયદેસર ઘૂસણખોરોથી અલગ પાડવાનો હતો.

સ્વહીદ દિવસ આસામ અને સમગ્ર દેશ માટે આસામી લોકોની સ્થિતિસ્થાપકતા અને આકાંક્ષાઓના પ્રતીક તરીકે ઊભો છે. ત્યારે આસામ સરકારે શહીદોના બલિદાનને કાયમ માટે જીવંત રાખવા માટે ગુવાહાટીના બોરાગાંવમાં સ્વહીદ સ્મારક ક્ષેત્રના નિર્માણનો નિર્ણય લીધો હતો. 10 ડિસેમ્બર 2019ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલે આ સ્મારકનો શિલાન્યાસ કર્યો હતો. હવે આ સ્મારક બનીને તૈયાર છે, ત્યારે આજે 10 ડિસેમ્બર 2025ના રોજ આસામના વર્તમાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેનું લોકાર્પણ કર્યું છે.

આ અંગે તેમણે 9 ડિસેમ્બરના રોજ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “આસામ આંદોલન દરમિયાન, આસામના 860 યુવાનો અને નાગરિકોને ક્રૂર શક્તિઓએ મારી નાખ્યા હતા… આપણે જાણીએ જ છીએ કે તે સમયે કોંગ્રેસ આસામ પર શાસન કરી રહી હતી. તે સમય દરમિયાન 860 યુવાનો ફક્ત સુરક્ષિત આસામની માંગણી કરવા, ગેરકાયદેસર મોંઘવારી સામે વિરોધ કરવા અને જીવવાના તેમના મૂળભૂત અધિકારની માંગ કરવા બદલ શહીદ થયા હતા…”

સ્મારકની વિશેષતાઓ

આ સ્મારક ગુવાહાટીના બોરાગાંવ (પશ્ચિમ બોરાગાંવ)માં આવેલું છે અને તે લગભગ 100 વીઘા જમીન પર ફેલાયેલું છે. તેનું નિર્માણ લગભગ 100 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે. આ સ્મારકમાં બલિદાનીઓના ફોટા, બસ્ટ (મૂર્તિઓ) અને જીવન વિશેની વિગતવાર માહિતી સાથેનું ‘હોલ ઑફ ફેમ’ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી આગામી પેઢીઓ સુધી આ હુતાત્માઓની કથા પહોંચતી રહેશે.

આ ઉપરાંત લગભગ 225 ફૂટ ઊંચો ટાવર બનાવવામાં આવ્યો છે. સ્મારકમાં 500 લોકોની બેઠક ક્ષમતાવાળું ઑડિટોરિયમ, ડિજિટલ લાઇબ્રેરી, મેડિટેશન હોલ, ફૂડ કોર્ટ, લગભગ 117 વીઘાંમાં ફેલાયેલ સાયકલ ટ્રેક અને બોટિંગની સુવિધા પણ છે. આ સ્મારક માત્ર યાદગીરીનું સ્થળ નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓને આસામ આંદોલનના ઇતિહાસ વિશે શિક્ષિત કરવાનું કેન્દ્ર પણ છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં