Friday, April 3, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-9, 10: નિશુંભના વધ બાદ કોપાયમાન થયો દૈત્યરાજ શુંભ,...

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-9, 10: નિશુંભના વધ બાદ કોપાયમાન થયો દૈત્યરાજ શુંભ, દેવી ચંડિકાએ છાતી ફાડીને કર્યો ધરાશાયી

    શુંભના મૃત્યુ બાદ સમગ્ર જગત પ્રસન્ન અને સ્વસ્થ થયું. આકાશ નિર્મળ દેખાવા લાગ્યું. અગાઉ થતાં ઉત્પાતસૂચક વાદળો અને ઉલ્કાપાત શાંત થયા અને નદીઓ પોતાના માર્ગે વહેવા લાગી. દેવતાઓના હૃદય આનંદથી ભરાઈ ગયા. ગંધર્વોએ મધુર ગીતો ગાયાં, અન્ય ગંધર્વોએ વાજિંત્રો વગાડ્યાં અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી.

    - Advertisement -

    હિંદુ ધર્મમાં નવરાત્રિને દેવી આરાધના માટેનો પવિત્ર તહેવાર ગણવામાં આવે છે. રાજ્ય અને દેશમાં અનેક જગ્યાએ ગરબા દ્વારા દેવીની આરાધના થાય છે અને ઘણી જગ્યાએ દેવીની સાધના પણ કરવામાં આવે છે. દેવી આરાધનામાં શ્રી દુર્ગા સપ્તશતી સ્તોત્રનું પઠન અચૂક કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસથી અમે લેખનમાળા સ્વરૂપે શ્રી દુર્ગા સપ્તશતીના વિવિધ અધ્યાયોને વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, હવે ફરી તેમાં વધુ એક મણકો ઉમેરવા જઈ રહ્યા છીએ. 

    આ લેખ પહેલાં શ્રી દુર્ગા સપ્તશતી સ્તોત્રના 5 લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં અધ્યાય- 1થી 8 સુધીની કથાઓ વાંચવા મળી શકશે. (અહીં ક્લિક કરીને ક્રમાનુસાર નીચેથી અધ્યાયો વાંચી શકાશે.) હવે આ લેખનમાળાનો આ છઠ્ઠો લેખ પ્રકાશિત થવા જઈ રહ્યો છે. જેમાં અધ્યાય 9 અને અધ્યાય 10નો સમાવેશ કરવામાં આવ્યો છે. માતૃકાદેવીઓએ રક્તબીજનો સંહાર કર્યા બાદ આગળ શું ઘટનાઓ ઘટી હતી? વાંચો અધ્યાય 9, 10મા.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-9 (નિશુંભ વધ) 

    ઋષિએ કહ્યું કે રક્તબીજ અને અન્ય દૈત્યોનો નાશ થયો તે સાંભળી શુંભ અને નિશુંભનો ક્રોધ અણનમ થયો. પોતાની વિશાળ સેના મરાતી જોઈ નિશુંભ ગુસ્સે ભરાયો અને દેવી ચંડિકા તરફ ધસી આવ્યો. તેની સાથે અસુરોની મુખ્ય સેના હતી, જેની આગળ-પાછળ અને બાજુઓમાં મોટા-મોટા અસુરો ક્રોધથી હોઠ ચાવતા દેવીનો વધ કરવા દોડ્યા આવતા હતા. બીજી તરફ ભયાનક શુંભ પણ પોતાની સેના સાથે ગુસ્સે ભરાઈને દેવી ચંડિકાને મારવા આગળ વધ્યો. આમ, શુંભ અને નિશુંભ સાથે દેવી ચંડિકાનું ભયંકર યુદ્ધ શરૂ થયું. બંને દૈત્યો વાદળોની જેમ બાણોની ભયાનક વર્ષા કરવા લાગ્યા. દેવી ચંડિકાએ પોતાના બાણોના સમૂહથી તેમના બાણો કાપી નાખ્યા અને શસ્ત્રોની વર્ષા કરી બંને દૈત્યરાજોને ઘાયલ કર્યા.

    - Advertisement -

    નિશુંભ સાથે યુદ્ધ

    નિશુંભે તીક્ષ્ણ તલવાર અને ચમકતી ઢાલ લઈ દેવીના શ્રેષ્ઠ વાહન સિંહના મસ્તક પર પ્રહાર કર્યો. પોતાના સિંહને ઘાયલ થતો જોઈ દેવી ચંડિકાએ ક્ષુરપ્ર નામના બાણથી નિશુંભની તલવાર કાપી નાખી અને આઠ ચંદ્રોથી શોભતી તેની ઢાલના ટુકડે-ટુકડા કરી દીધા. ઢાલ અને તલવાર તૂટતાં નિશુંભે શક્તિ ચલાવી, પણ દેવીએ ચક્રથી તેના પણ બે ટુકડા કર્યા. ક્રોધે ભરાયેલા નિશુંભે શૂળ ઉઠાવ્યું, પરંતુ દેવી ચંડિકાએ તેને મુઠ્ઠીના પ્રહારથી નષ્ટ કરી નાખ્યું. ત્યારબાદ નિશુંભે ગદા ફેરવી દેવી ચંડિકા પર ચલાવી, પણ દેવીના ત્રિશૂળથી તે ભસ્મ થઈ ગઈ. આખરે નિશુંભ ફરસા લઈ આવ્યો, ત્યારે ભગવતી ચંડિકાએ બાણોના સમૂહથી તેને ઘાયલ કરી ધરતી પર ઢાળી દીધો.

    શુંભ પણ ઉતર્યો રણભૂમિમાં

    નિશુંભના ધરાશાયી થવાથી શુંભનો ગુસ્સો બેકાબૂ થયો. તે રથ પર બેસી, આઠ અનુપમ ભુજાઓમાં શ્રેષ્ઠ શસ્ત્રો લઈ, આકાશને ઢાંકતો, શોભાયમાન થઈ આગળ વધ્યો. તેને આવતો જોઈ દેવી ચંડિકાએ શંખનાદ કર્યો, ધનુષની ટંકારથી ભયાનક નાદ કર્યો અને ઘંટનાદથી  દિશાઓ ગુંજાવી દીધી. દેવીના સિંહે ભયંકર ગર્જનાથી આકાશ, પૃથ્વી અને દસ દિશાઓ ગુંજાવી દીધી. દેવી કાલીએ આકાશમાંથી જ બંને હાથે ધરતી પર પ્રહાર કર્યો, જેના ભયંકર નાદથી અગાઉના બધા શબ્દો શાંત થઈ ગયા. દેવી શિવદૂતીએ અસુરો માટે અમંગળકારી અટ્ટહાસ્ય કર્યો, જેનાથી અસુરો થરથરી ઉઠ્યા, પરંતુ શુંભનો ક્રોધ વધ્યો. દેવી ચંડિકાએ શુંભને કહ્યું, “ઓ દુરાત્મા, ઊભો રહે, ઊભો રહે!” ત્યારે આકાશમાં ઊભેલા દેવતાઓએ ઉદ્ઘોષ કર્યો, “જય હો, જય હો!”

    શુંભે જ્વાળાઓથી યુક્ત ભયંકર શક્તિ ચલાવી, જે અગ્નિમય પર્વત જેવી દેખાતી હતી. દેવી ચંડિકાએ તે શક્તિને પણ પરાસ્ત કરી દીધી. શુંભના પડકારાથી દિશાઓ ગુંજી ઉઠી અને તેની પ્રતિધ્વનિથી વજ્રપાત જેવો ભયંકર અવાજ થયો, જેણે બધા શબ્દોને હરાવી દીધા. શુંભ અને દેવી ચંડિકાએ એકબીજાના બાણોને સેંકડો-હજારો ટુકડાઓમાં કાપી નાખ્યા. ક્રોધે ભરાયેલા દેવી ચંડિકાએ શૂળથી શુંભને માર્યો, જેથી તે મૂર્છિત થઈ ધરતી પર પડ્યો.

    નિશુંભનું પુનરાગમન અને અંત

    આ દરમિયાન નિશુંભને ચેતના આવી. તેણે ધનુષ લઈ દેવી ચંડિકા, કાલી અને સિંહને બાણો વડે ઘાયલ કર્યા. તેણે દસ હજાર બાહુઓ બનાવી, ચક્રોના પ્રહારથી ચંડિકાને ઢાંકી દીધા. દુર્ગમ પીડાનો નાશ કરનારા દેવી દુર્ગાએ ક્રોધે ભરાઈ પોતાનાં બાણો વડે તે ચક્રો અને બાણોને વીંધી નાખ્યા. નિશુંભ ગદા લઈ દેવીનો વધ કરવા દેવીની સેના સામે ધસી આવ્યો. દેવી ચંડિકાએ તીક્ષ્ણ તલવારથી તેની ગદા કાપી નાખી. નિશુંભે શૂળ લીધું, પણ ચંડિકાએ પોતાના શૂળથી તેની છાતી ફાડી નાખી. તેની છાતીમાંથી એક બળવાન અને પરાક્રમી પુરુષ “ઊભી રહે, ઊભી રહે” કહેતો નીકળ્યો. પણ દેવીએ હસીને ખડ્ગ વડે તેનું મસ્તક કાપી નાખ્યું. આવી રીતે યુદ્ધભૂમિમાં નિશુંભ નામના ભયાનક દૈત્યનો વધ થયો.

    માતૃશક્તિઓ અને સિંહનો પરાક્રમ

    આ દરમિયાન દેવીનો સિંહ દાંતથી અસુરોની ગરદનો કચડી ખાવા લાગ્યો, જે ભયંકર દૃશ્ય હતું. દેવી કાલી અને શિવદૂતીએ અન્ય અસુરોનું ભક્ષણ શરૂ કર્યું. કૌમારીની શક્તિથી ઘણા મહાદૈત્યો નષ્ટ થયા. બ્રહ્માણીના મંત્રપૂત જળથી નિસ્તેજ થઈ અસુરો ભાગવા લાગ્યા. માહેશ્વરીના ત્રિશૂળથી અસુરોના ટુકડે-ટુકડા થયા, વારાહીના પ્રહારથી ઘણાનું કચૂમર નીકળી ગયું. વૈષ્ણવીના ચક્રથી દાનવોના ટુકડા થયા અને ઇંદ્રાણીના વજ્રથી ઘણા પ્રાણો ગુમાવી બેઠા. કેટલાક અસુરો નષ્ટ થયા, કેટલાક યુદ્ધથી ભાગ્યા અને કેટલાક કાલી, શિવદૂતી અને સિંહના ગ્રાસ બન્યા.

    આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો નવમ (નવમો) અધ્યાય પૂર્ણ થાય છે. 

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-10 (શુંભ વધ) 

    પોતાના પ્રાણ જેવા વ્હાલા ભાઈ નિશુંભનો વધ થયો અને સમગ્ર સેનાનો નાશ થતો જોઈ દૈત્યરાજ શુંભ ક્રોધે ભરાયો. તેણે દેવી દુર્ગાને ઉદ્દેશીને કહ્યું, “ઓ દુષ્ટ દુર્ગા! તું બળના અભિમાનમાં આવીને ખોટો ઘમંડ ન બતાવ. તું બીજી સ્ત્રીઓના બળનો સહારો લઈને યુદ્ધ કરે છે.” દેવીએ શાંતિપૂર્વક જવાબ આપ્યો, “ઓ દુષ્ટ! હું અદ્વિતીય છું. આ સંસારમાં મારા સિવાય બીજું કોણ છે? જો આ બધી મારી જ વિભૂતિઓ છે, જે હવે મારામાં સમાઈ રહી છે.” ત્યારે બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઇંદ્રાણી અને શિવદૂતી સહિત સમસ્ત દેવીશક્તિઓ અંબિકા દેવીના શરીરમાં લીન થઈ ગયા અને ફક્ત ચંડિકા દેવી એકલા ઊભાં રહ્યાં.

    દેવી ચંડિકા અને શુંભ વચ્ચે ભયંકર યુદ્ધ

    દેવીએ શુંભને કહ્યું, “હું મારી ઐશ્વર્યશક્તિથી અનેક રૂપોમાં પ્રગટ થઈ હતી. હવે એ બધાં રૂપો મેં સમેટી લીધાં છે. હું એકલી જ યુદ્ધમાં ઊભી છું. તું પણ સ્થિર થઈને લડ.” આ સાંભળીને દેવતાઓ અને દાનવોની ઉપસ્થિતિમાં દેવી ચંડિકા અને શુંભ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. બાણોની વર્ષા, તીક્ષ્ણ શસ્ત્રો અને ભયાનક અસ્ત્રોના પ્રહારોથી આ યુદ્ધ ભયંકર થઈ રહ્યું હતું. દેવી ચંડિકાએ સેંકડો દિવ્ય અસ્ત્રો ચલાવ્યાં, પરંતુ શુંભે તેના નિવારક અસ્ત્રો વડે તેને કાપી નાખ્યાં. શુંભે પણ દિવ્ય અસ્ત્રો ચલાવ્યાં, પણ પરમેશ્વરીએ ભયંકર હુંકારથી, રમત-રમતમાં તેમને નષ્ટ કરી દીધા. શુંભે સેંકડો બાણો વડે દેવીને ઢાંકી દીધા, પણ ક્રોધે ભરાયેલા દેવી ચંડિકાએ બાણો વડે તેનું ધનુષ કાપી નાખ્યું.

    શુંભના શસ્ત્રોનો નાશ

    ધનુષ તૂટતાં શુંભે શક્તિ લીધી, પણ દેવીએ ચક્રથી તેને કાપી નાખી. ત્યારબાદ શુંભે સો ચંદ્રોથી શોભતી ચમકતી ઢાલ અને તલવાર લીધી અને દેવી તરફ ધસી આવ્યો. માતા ચંડિકાએ ધનુષના તીક્ષ્ણ બાણો વડે તેની સૂર્યકિરણો જેમ ચમકતી ઢાલ અને તલવાર ઝડપથી કાપી નાખી. શુંભના ઘોડા અને સારથી માર્યા ગયા, ધનુષ પહેલાં જ તૂટી ગયું હતું, તેથી તેણે દેવી ચંડિકાને મારવા ભયંકર મુદ્ગર લીધું. દેવીએ તીક્ષ્ણ બાણો વડે તે મુદ્ગર પણ કાપી નાખ્યું. તેમ છતાં શુંભ મુઠ્ઠી તાણી વેગથી દેવી તરફ દોડી આવ્યો.

    આકાશમાં યુદ્ધ અને શુંભનો અંત

    શુંભે દેવી પર પ્રહાર કર્યો, પણ તેનું કોઈ પરિણામ ન આવ્યું. ત્યારબાદ માતા ચંડિકાએ શુંભની છાતી પર એક સૂક્ષ્મ પ્રહાર કર્યો. દેવીના પ્રહારથી શુંભ ધરતી પર પડ્યો, પરંતુ તરત જ ઊભો થઈ ગયો. તે ઉછળીને સીધો આકાશમાં જઈને ઊભો રહ્યો અને ત્યાં યુદ્ધ શરૂ કર્યું. દેવી ચંડિકા કોઈ આધાર વિના આકાશમાં શુંભ સાથે લડવા લાગ્યા. આ યુદ્ધ સિદ્ધપુરુષો અને મુનિઓ માટે અદ્ભુત અને વિસ્મયકારક હતું.

    લાંબા સમય સુધી યુદ્ધ કર્યા બાદ દેવી ચંડિકાએ શુંભને ઉઠાવી, ઘૂમાવીને ધરતી પર પટક્યો. ધરતી પર પડ્યો તે દુષ્ટ દૈત્ય ફરી દેવી ચંડિકાને મારવા ધસી આવ્યો. ભગવતી ચંડિકાએ તેને આવતો જોઈ ત્રિશૂળથી તેની છાતી ફાડી નાખી અને ધરતી પર ઢાળી દીધો. દેવીના શૂળની ધારથી શુંભના પ્રાણ નીકળી ગયા અને તે સમુદ્રો, દ્વીપો અને પર્વતો સાથે સમગ્ર પૃથ્વીને કંપાવતો ધરાશાયી થયો.

    શુંભના વધ પછીનો હર્ષ

    શુંભના મૃત્યુ બાદ સમગ્ર જગત પ્રસન્ન અને સ્વસ્થ થયું. આકાશ નિર્મળ દેખાવા લાગ્યું. અગાઉ થતાં ઉત્પાતસૂચક વાદળો અને ઉલ્કાપાત શાંત થયા અને નદીઓ પોતાના માર્ગે વહેવા લાગી. દેવતાઓના હૃદય આનંદથી ભરાઈ ગયા. ગંધર્વોએ મધુર ગીતો ગાયાં, અન્ય ગંધર્વોએ વાજિંત્રો વગાડ્યાં અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પવિત્ર વાયુ વહેવા લાગ્યો, સૂર્યની પ્રભા ઉત્તમ થઈ, બુઝાયેલી અગ્નિશાળાઓ પોતાની જાતે પ્રજ્વલિત થઈ અને દિશાઓના ભયંકર શબ્દો શાંત થયા.

    આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો દશમ (દસમો) અધ્યાય પૂર્ણ થાય છે. 

    શ્રી દુર્ગા સપ્તશતીના નવમા અને દસમા અધ્યાયો નિશુંભ અને શુંભના વધ દ્વારા દેવી ચંડિકા, કાલી, શિવદૂતી અને માતૃશક્તિઓની અજેય શક્તિ દર્શાવે છે, જે અહંકાર અને અધર્મનો નાશ કરી, દેવીની શરણાગતિ દ્વારા ધર્મ અને શાંતિની સ્થાપનાનો સંદેશ આપે છે. આવનારા લેખમાં આપણે અધ્યાય- 11 (દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિ) વિશે વાત કરીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં