Sunday, April 5, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય 1થી 13 (સંક્ષિપ્ત): મધુ-કૈટભ, મહિષાસુર, ચંડ-મુંડ, રક્તબીજ અને...

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય 1થી 13 (સંક્ષિપ્ત): મધુ-કૈટભ, મહિષાસુર, ચંડ-મુંડ, રક્તબીજ અને શુંભ-નિશુંભનો વધ કરીને દેવી અંબિકા ધર્મરક્ષણનું આપે છે વચન

    દુર્ગા સપ્તશતીના આ તેર અધ્યાયો દેવીની સર્વોચ્ચ શક્તિ, અધર્મનો નાશ અને ધર્મની સ્થાપનાની ગાથા રજૂ કરે છે. મધુ-કૈટભ, મહિષાસુર, ચંડ-મુંડ, રક્તબીજ અને શુંભ-નિશુંભના વધ દ્વારા દેવી અજ્ઞાન અને અહંકારનો નાશ કરે છે.

    - Advertisement -

    માર્કંડેય પુરાણના સાવર્ણિક મન્વંતરમાં વર્ણીત શ્રી દુર્ગા સપ્તશતી સ્તોત્ર ખૂબ જ પવિત્ર અને સિદ્ધ માનવામાં આવે છે. આ નવરાત્રિ પર આપણે તેના તમામ 13 અધ્યાયોની વિગતે ચર્ચા કરી છે. સતત નવ દિવસ સુધી, નવ લેખો દ્વારા વાચકો સુધી આ દિવ્ય સ્તોત્રની કથા પહોંચતી કરી છે. (આ તમામ અધ્યાયો પરના વિસ્તૃત લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.) આ કથાના શ્રવણ અને વાંચન માત્રથી દેવી અભય વરદાન આપે છે અને દુરાચારી બુદ્ધિનો નાશ કરે છે. 

    શ્રી દુર્ગા સપ્તશતી દેવી માહાત્મ્યની એવી શૌર્યગાથા છે, જે અધર્મ પર ધર્મનો વિજય, અજ્ઞાન પર જ્ઞાનની જીત અને ભય પર નિર્ભયતાની કથા રજૂ કરે છે. આ તેર અધ્યાયોમાં દેવીનાં પરાક્રમ, સ્તુતિ, ફલશ્રુતિ અને વરદાનોનું વર્ણન આવે છે. આપણે તમામ અધ્યાયો પર વિસ્તૃત લેખ લખી ચૂક્યા છીએ, પણ સમયના અભાવના કારણે જે વાચકો સમગ્ર લેખનમાળા વાંચી નથી શક્યા, તેમના માટે આ વિશેષ લેખ રજૂ કરી રહ્યા છીએ. 

    આ લેખમાં અધ્યાય 1થી શરૂ કરીને અધ્યાય 13 સુધીની તમામ કથાઓને સંક્ષિપ્તમાં રજૂ કરવામાં આવી છે. જેથી વાચકો સરળતાથી વાંચી શકે અને તમામ અધ્યાયોનો સાર પણ સમજી શકે. આ વિશેષ લેખનો હેતુ વાચકોને દેવી માહાત્મ્યના અદ્ભુત પ્રસંગો સુધી પહોંચતા કરીને પરમેશ્વરી દેવીના આશીર્વાદનો માર્ગ બતાવવાનો છે. 

    - Advertisement -

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 1

    શ્રી દુર્ગા સપ્તશતીની શરૂઆત ઋષિ માર્કંડેયના મુખેથી થાય છે. ઋષિ કહે છે કે રાજ્યભ્રષ્ટ અને મોહથી ખિન્ન થયેલા રાજા સુરથ સમાધિ નામના વૈશ્ય સાથે મેધા ઋષિના આશ્રમે જાય છે અને તેમને પોત-પોતાના દુઃખોનું વર્ણન કરવા લાગે છે. બંનેનું એક સમાન દુઃખ એ હતું કે તેમને નશ્વર સંબંધો અને સંસાર પ્રત્યે અપાર મોહ હતો. આ દરમિયાન ઋષિ મેધા દેવીના માહાત્મ્યની કથા કહે છે, જેમાં ભગવાન વિષ્ણુમાંથી ઉદ્ભવેલા મધુ અને કૈટભ દૈત્યો બ્રહ્માનો નાશ કરવા આવે છે.

    આ દરમિયાન ભગવાન વિષ્ણુની યોગનિદ્રામાંથી ઉત્પન્ન થયેલાં દેવી રાક્ષસોને મોહિત કરે છે અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ બંને રાક્ષસોનો સંહાર કરે છે. આ કથા અજ્ઞાન પર જ્ઞાનનો વિજય અને દેવીની પરમ શક્તિનો પરિચય આપે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 2

    બીજા અધ્યાયમાં દૈત્યરાજ મહિષાસુરની વાત આવે છે. મહિષાસુર તપના બળે દેવતાઓને હરાવીને ત્રણે લોકો પર રાજ કરે છે. દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના શરણે જાય છે, જ્યાંથી દેવતાઓની શક્તિઓ એકઠી થાય છે અને દેવીનો પ્રાદુર્ભાવ થાય છે. આ અધ્યાય દેવીનાં સર્વશક્તિમાન રૂપની શરૂઆત દર્શાવે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 3

    ત્રીજા અધ્યાયમાં દેવી અંબિકા અને મહિષાસુરની સેના વચ્ચેના યુદ્ધનું વર્ણન આવે છે. દેવી ચંડિકા મહિષાસુરની વિશાળ સેના સામે યુદ્ધે ચડે છે. તેમની શક્તિઓ અને સિંહની ગર્જનાથી અસુરોનો નાશ થાય છે. આ અધ્યાય દેવીનાં ભયંકર રૂપ અને અધર્મ સામેનાં યુદ્ધની તીવ્રતા દર્શાવે છે. આ જ અધ્યાયમાં મહિષાસુર સાથેના યુદ્ધનું પણ વર્ણન આવે છે.

    મહિષાસુર ખુદ દેવી સામે લડે છે, નાના રૂપો ધારણ કરે છે, પરંતુ દેવી તેના બધા રૂપોનો નાશ કરી, ત્રિશૂળથી તેનું મસ્તક કાપીને વિજય મેળવે છે. 

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 4

    ચોથા અધ્યાયમાં મહાદૈત્ય મહિષાસુરના વધ બાદ દેવતાઓ દેવીની સ્તુતિ કરે છે, જેને શક્રાદય સ્તુતિ તરીકે ઓળખવામાં આવે છે. દેવતાઓની સ્તુતિ બાદ દેવી પ્રસન્ન થાય છે અને દેવતાઓને વરદાન માંગવા કહે છે. દેવતાઓ કહે છે કે તેમની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ છે, કારણ કે તેમનો શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. 

    તેમ છતાં દેવતાઓ વરદાન માંગતા કહે છે કે જ્યારે-જ્યારે દેવતાઓ ભગવતીનું સ્મરણ કરે, ત્યારે-ત્યારે તેઓ દર્શન આપીને મહાન સંકટો દૂર કરે. અન્ય એક વરદાનમાં કહેવાયું કે જે મનુષ્ય આ સ્તોત્રો (શક્રાદય સ્તુતિ) દ્વારા દેવીની સ્તુતિ કરે, તેને ધન, સમૃદ્ધિ, વૈભવ અને સ્ત્રી આદિ સંપત્તિની વૃદ્ધિ આપવામાં આવે અને સિદ્ધિ આપવામાં આવે. ત્યારબાદ દેવી ‘તથાસ્તુ’ કહીને ત્યાંથી અંતર્ધાન થઈ ગયાં.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 5

    પાંચમા અધ્યાયમાં શુંભ અને નિશુંભ નામના બે મહાદૈત્યો અને દેવી વચ્ચેની શત્રુતાની વાત આવે છે. દૈત્યરાજ શુંભ દેવીને લગ્નનો પ્રસ્તાવ મોકલે છે, પરંતુ દેવી વળતા જવાબમાં યુદ્ધ કરીને તેમને જીતવાની વાત કરે છે. શુંભ અને નિશુંભ દેવતાઓને હરાવી સ્વર્ગ પર કબજો કરે છે. દેવીની સુંદરતા પર મોહિત થઈને તેઓ દૂત મોકલે છે, પણ દેવી યુદ્ધનો પડકાર આપે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 6

    છઠ્ઠા અધ્યાયમાં દેવી અને શુંભ-નિશુંભની સેના વચ્ચેના યુદ્ધનું વર્ણન છે. શુંભ-નિશુંભનો સેનાપતિ ધૂમ્રલોચન દેવી સામે યુદ્ધે ચડે છે, પરંતુ દેવીના હુંકારથી ભયભીત થઈને તેનો નાશ થાય છે. આ અધ્યાયમાં દેવીની અસીમિત શક્તિ દર્શાવવામાં આવી છે. 

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 7

    અધ્યાય સાતમાં ધૂમ્રલોચનનો વધ થયા બાદ શુંભ-નિશુંભ ઉકળી ઉઠે છે અને ચંડ-મુંડ નામના બે રાક્ષસોને યુદ્ધ માટે મોકલે છે. ચંડ અને મુંડ દેવી સામે લડવા આવે છે, પરંતુ ચામુંડા સ્વરૂપે દેવી તેમના મસ્તકો કાપીને તેમનો નાશ કરે છે. ચંડ-મુંડનો સંહાર કર્યા બાદ દેવી ‘ચામુંડા’ નામે પ્રસિદ્ધ થાય છે, જે અહંકારના નાશનું પ્રતીક છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 8

    ચંડ-મુંડનો વિનાશ જોઈને દૈત્યરાજ નિશુંભ અને શુંભ વધુ આક્રોશમાં આવે છે અને રક્તબીજ નામના ખૂંખાર રાક્ષસને દેવી સામે લડવા મોકલે છે. રણભૂમિમાં દેવી સાથેનાં યુદ્ધ દરમિયાન રક્તબીજનું રક્ત ટપકતાં નવા દૈત્યો ઉદ્ભવે છે. ત્યારબાદ દેવી કાલી તેનું રક્ત પીને અંતે તેનો વધ કરે છે. આ અધ્યાય અજ્ઞાનના વિસ્તરણ અને તેના નાશની કથા રજૂ કરે છે.

    આ જ અધ્યાયમાં વિવિધ દેવતાઓમાંથી તેમની શક્તિઓ વિવિધ સ્વરૂપો સાથે ઉત્પન્ન થાય છે. દેવી ચંડિકા, દેવી અંબા, દેવી ઇંદ્રાણી, દેવી બ્રહ્માણી, દેવી કૌમારી, દેવી કાલિકા અને ભગવાન શિવના શક્તિ પણ રાક્ષસોનો સંહાર કરે છે અને સંયુક્ત રીતે દૈત્યસેના પર તૂટી પડે છે. આ તમામ દેવીઓને માતૃકાદેવી કહે છે અથવા તો માતૃગણ કહે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 9

    તમામ રાક્ષસોના સંહાર બાદ હવે શુંભ અને નિશુંભ પોતે દેવી સામે યુદ્ધે ચડે છે. સૌથી પહેલાં તો નિશુંભ યુદ્ધ કરવા આવે છે, પણ દેવીના પ્રહારથી તે મૂર્છિત થઈને જમીન પર ઢળી પડે છે. ત્યારબાદ થોડીવાર માટે શુંભ યુદ્ધ કરવા આવે છે અને તે પણ ઢળી પડે છે. તેવામાં નિશુંભ ફરી ભાનમાં આવે છે અને દેવી સાથે યુદ્ધે ચડે છે. પરંતુ દેવી ચંડિકા તેના શસ્ત્રો નષ્ટ કરીને ત્રિશૂળથી તેની છાતી ફાડીને વધ કરે છે. માતૃશક્તિઓ અસુરસેનાનો નાશ કરે છે, જે દેવીની વિવિધ શક્તિઓનો પરિચય આપે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 10

    નિશુંભના વધ બાદ દૈત્યરાજ શુંભ વધુ રોષે ભરાય છે અને દેવીની શક્તિ પર સવાલ ઉઠાવે છે, જેના જવાબમાં દેવી બધી શક્તિઓ પોતામાં સમાવી એકલા યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. આકાશમાં ભયંકર યુદ્ધ પછી ત્રિશૂળથી દેવી શુંભનો વધ કરે છે. ત્યારબાદ દેવતાઓ અને જગત પ્રસન્ન થાય છે અને ધર્મની પુનઃસ્થાપના થાય છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 11

    અગિયારમાં અધ્યાયમાં દેવતાઓ દ્વારા દેવીની સ્તુતિનું વર્ણન કરવામાં આવ્યું છે. શુંભના વધ પછી દેવતાઓ કાત્યાયની દેવીની સ્તુતિ કરે છે, તેમને વિશ્વેશ્વરી, બ્રહ્માણી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, નારસિંહી, ઇન્દ્રી, શિવદૂતી અને ચામુંડા રૂપે નમન કરે છે. આ દરમિયાન દેવી રક્તદંતિકા, શતાક્ષી, શાકંભરી, દુર્ગાદેવી, ભીમાદેવી અને ભ્રામરી રૂપે અવતરવાનું વચન પણ આપે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 12

    આ અધ્યાયમાં દુર્ગા સપ્તશતી સ્તોત્રના પઠનથી મળતા ફળ વિશેની વાત કરવામાં આવી છે. દેવી માહાત્મ્યના પાઠનું ફળ જણાવતા કહેવાયું છે કે, એકાગ્ર સ્તવનથી પાપ, દરિદ્રતા, શત્રુભય અને વિયોગ દૂર થાય છે. આ પાઠ ઉપદ્રવો, ગ્રહપીડા, દુઃસ્વપ્ન અને દુરાચારીઓનો નાશ કરે છે. દેવીનું સન્નિધાન રહે છે અને સંકટોમાં દેવીના સ્મરણ માત્રથી રક્ષણ મળે છે. દેવી નિત્ય હોવા છતાં પુનઃ પુનઃ પ્રગટીને જગતની રક્ષા કરે છે.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 13

    અંતિમ અધ્યાયમાં ફરી રાજા સુરથ અને સમાધિ વૈશ્યની વાત આવે છે. ઋષિ મેધાએ તેમને આ તમામ કથાઓ સંભળાવી હતી. મેધા ઋષિ સુરથને શરણાગતિનું મહત્વ સમજાવે છે. ત્યારબાદ સુરથ અને વૈશ્ય નદીકાંઠે તપસ્યા કરે છે અને દેવીની મૂર્તિ બનાવી રક્તબલિ આપે છે. વર્ષો સુધી તપસ્યા કર્યા બાદ આખરે દેવી ચંડિકા દર્શન આપે છે. તપસ્યાથી પ્રસન્ન થઈને દેવી વરદાન માંગવાનું કહે છે અને સુરથ રાજ્ય તથા સાવર્ણિક મનુ તરીકે જન્મ, જ્યારે વૈશ્ય મોક્ષ માટે જ્ઞાન માગે છે. ત્યારબાદ દેવી વરદાન આપી અંતર્ધાન થાય છે.

    દુર્ગા સપ્તશતીના આ તેર અધ્યાયો દેવીની સર્વોચ્ચ શક્તિ, અધર્મનો નાશ અને ધર્મની સ્થાપનાની ગાથા રજૂ કરે છે. મધુ-કૈટભ, મહિષાસુર, ચંડ-મુંડ, રક્તબીજ અને શુંભ-નિશુંભના વધ દ્વારા દેવી અજ્ઞાન અને અહંકારનો નાશ કરે છે. સ્તુતિ, પાઠ અને તપસ્યાથી ભક્તોને નિર્ભયતા, સમૃદ્ધિ અને મોક્ષ આપે છે અને બ્રહ્મજ્ઞાન પણ પ્રદાન કરે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં