Saturday, April 4, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 8: રક્તબીજનો નાશ કરવા દેવતાઓની શક્તિઓથી ઉત્પન્ન થયાં...

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 8: રક્તબીજનો નાશ કરવા દેવતાઓની શક્તિઓથી ઉત્પન્ન થયાં યોગિનીઓ

    આ ભાગતી સેના જોઈ રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈ યુદ્ધમાં આવ્યો. તેના શરીરનું રક્ત જમીન પર પડતાં તેના જેવો જ બળવાન અસુર ઉત્પન્ન થતો હતો. ઇંદ્રાણીએ વજ્રથી, વૈષ્ણવીએ ચક્રથી, કૌમારીએ શક્તિથી, વારાહીએ ખડ્ગથી અને માહેશ્વરીએ ત્રિશૂળથી રક્તબીજને ઘાયલ કર્યો, પણ તેના રક્તમાંથી હજારો અસુરો ઉત્પન્ન થયા.

    - Advertisement -

    નવરાત્રિના પર્વને લઈને અમે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો છે અને જે વાચકોને ખૂબ ગમ્યો પણ છે. આ વખતે અમે નવરાત્રિમાં દેવીની આરાધના સ્વરૂપે શ્રી દુર્ગા સપ્તશતીના વિવિધ અધ્યાયોને રસાળ શૈલીમાં વાચકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. લેખનમાળા સ્વરૂપે શરૂ થયેલી અધ્યાયોની આ શૃંખલામાં અમે વધુ એક મણકો પરોવવા જઈ રહ્યા છીએ. આ લેખ પહેલાં 4 લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં 1થી 7 અધ્યાયો વાંચવા મળી શકશે. (અહીં ક્લિક કરીને તે લેખોને ક્રમાનુસાર નીચેથી વાંચી શકાશે.) 

    હવે લેખનમાળાનો આ પાંચમો લેખ વાચકો સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. અગાઉના લેખોમાં આપણે વાંચ્યું છે કે શુંભ અને નિશુંભ નામના દૈત્યો વિવિધ રાક્ષસોને મોકલીને દેવીને કેદ કરી તેની સામે લઈ જવા માટે આદેશ આપે છે, પરંતુ તમામ રાક્ષસો દેવીથી પરાજિત થઈને યમલોક સિધાવે છે. આખરે દેવીએ ચામુંડા રૂપ ધારણ કરીને ‘ચંડ અને મુંડ’ નામના રાક્ષસોનો સંહાર કર્યો હતો. ત્યારબાદ હવે આગળ શું ઘટનાઓ ઘટશે, તે વાંચો અધ્યાય 8મા.

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-8 (રક્તબીજનો વધ) 

    ઋષિએ કહ્યું કે ચંડ અને મુંડનો વધ થયો અને વિશાળ સેનાનો નાશ થયો તે સાંભળી દૈત્યરાજ શુંભ રોષે ભરાયો. તેણે પોતાની સમગ્ર અસુરસેનાને યુદ્ધ માટે તૈયાર થવાનો આદેશ આપ્યો. તેણે કહ્યું, “ઉદાયુધના 86 સેનાપતિઓ, કંબુના 84 સેનાનાયકો, 50 કોટિવીર્ય-કુળ અને 100 ધૌમ્ર-કુળના અસુરો, તેમજ કાલક, દૌર્હૃદ, મૌર્ય અને કાલકેય અસુરો મારા આદેશથી તાત્કાલિક યુદ્ધ માટે નીકળો.”

    - Advertisement -

    ભયંકર શાસન કરનાર શુંભ સહસ્રો સેનાઓ સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કરવા લાગ્યો. તેની ભયાનક સેના આવતી જોઈ ચંડિકાએ ધનુષના ટંકારથી આકાશ અને પૃથ્વી ગુંજાવી દીધાં. દેવીના સિંહે ભયંકર ગર્જના કરી અને ચંડિકાએ ઘંટનાદથી આ ધ્વનિને વધુ તીવ્ર કર્યો. કાલિકાએ પોતાના વિકરાળ મુખથી આ નાદને વધુ ઉગ્ર બનાવ્યો, જેથી દિશાઓ ગુંજી ઉઠી. આ ભયંકર નાદથી ક્રોધિત અસુરસેનાએ ચંડિકા, સિંહ અને દેવી કાલીને ચારે બાજુથી ઘેરી લીધાં.

    દેવશક્તિઓનો પ્રાગટ્ય

    અસુરોના વિનાશ અને દેવતાઓના અભ્યુદય માટે બ્રહ્મા, શિવ, કાર્તિકેય, વિષ્ણુ અને ઇન્દ્રની શક્તિઓ તેમના શરીરમાંથી પ્રગટ થઈ, તેમના જેવા રૂપ, વેશભૂષા અને વાહન સાથે ચંડિકા પાસે આવી. બ્રહ્માજીની શક્તિ બ્રહ્માણી હંસયુક્ત વિમાન પર અક્ષસૂત્ર અને કમંડળ ધારણ કરીને આવ્યાં. મહાદેવની શક્તિ માહેશ્વરી વૃષભ પર ત્રિશૂળ, નાગકંગણ અને ચંદ્રરેખા સાથે પ્રગટ થયાં. કાર્તિકેયની શક્તિ કૌમારી મયૂર પર વિરાજિત થઈને શક્તિ હાથમાં લઈ આવી પહોંચ્યાં. 

    ભગવાન વિષ્ણુની શક્તિ ગરુડ પર શંખ, ચક્ર, ગદા, શાર્ઙ્ગધનુષ અને ખડ્ગ સાથે આવી પહોંચ્યાં. અનુપમ યજ્ઞવારાહનું રૂપ ધારણ કરનારા શ્રીહરિની શક્તિ વારાહી યજ્ઞવરાહના રૂપમાં આવી પહોંચ્યાં, નારસિંહી નરસિંહના રૂપમાં અને ઇન્દ્રની શક્તિ સહસ્ર નેત્રો સાથે વજ્ર લઈ ઐરાવત પર આવ્યાં. આ દેવશક્તિઓથી ઘેરાયેલા શિવે ચંડિકાને કહ્યું, “મારી પ્રસન્નતા માટે આ અસુરોનો તત્કાળ વિનાશ કરો.” ત્યારે દેવી ચંડિકાના શરીરમાંથી ભયાનક અને ઉગ્ર ચંડિકા-શક્તિ પ્રગટ થઈ.

    યુદ્ધની શરૂઆત

    ત્યારબાદ ચંડિકા-શક્તિએ ભગવાન શિવને દેવોના દૂત બનીને રાક્ષસો સુધી સંદેશો પહોંચાડવાની વિનંતી કરી. મહાદેવે દેવીનો સંદેશો શુંભ-નિશુંભ સુધી પહોંચાડ્યો. જેમાં કહેવાયું હતું કે: “દૈત્યો, જો તમે જીવવા માંગો છો તો પાતાળ જાઓ, ઇન્દ્રને ત્રણે લોકોનું રાજ્ય આપો અને દેવતાઓને યજ્ઞભાગ આપો. નહીં તો યુદ્ધ માટે આવો, મારી શિવાઓ (યોગિનીઓ) તમારા માંસથી તૃપ્ત થશે.” ભગવાન શિવ દૂત બન્યા હોવાથી ચંડિકા-શક્તિ ‘શિવદૂતી’ નામે વિખ્યાત થયાં. ભગવાન શિવના મુખે આ સંદેશ સાંભળી શુંભ-નિશુંભ ક્રોધે ભરાયા અને કાત્યાયની દેવી તરફ ધસી આવ્યા. અસુરોએ બાણ, શક્તિ અને ઋષ્ટિની વર્ષા કરી, પરંતુ દેવી ચંડિકાએ રમત-રમતમાં ધનુષની ટંકારથી તેમના અસ્ત્રો કાપી નાખ્યા.

    માતૃશક્તિઓએ શરૂ કર્યો સંહાર

    દેવી કાલી શત્રુઓને શૂળથી ફાડતા અને ખટ્વાંગથી કચડતા રણભૂમિમાં ભ્રમણ કરવા લાગ્યાં. દેવી બ્રહ્માણીએ કમંડળના જળથી અસુરોનું બળ નષ્ટ કર્યું. દેવી માહેશ્વરીએ ત્રિશૂળથી, દેવી વૈષ્ણવીએ ચક્રથી, દેવી કૌમારીએ શક્તિથી, દેવી વારાહીએ દાંતથી, દેવી નારસિંહીએ નખથી અને દેવી ઇંદ્રાણીએ વજ્રથી અસુરોનો નાશ કર્યો. દેવી શિવદૂતીના અટ્ટહાસ્યથી ભયભીત અસુરો ધરાશાયી થયા અને દેવીએ તેમનું ભક્ષણ કર્યું. માતૃશક્તિઓના આ આક્રમણથી અસુરો ભાગવા લાગ્યા.

    રક્તબીજનો ઉદય અને વધ

    આ ભાગતી સેના જોઈ રક્તબીજ નામનો મહાદૈત્ય ક્રોધે ભરાઈ યુદ્ધમાં આવ્યો. તેના શરીરનું રક્ત જમીન પર પડતાં તેના જેવો જ બળવાન અસુર ઉત્પન્ન થતો હતો. ઇંદ્રાણીએ વજ્રથી, વૈષ્ણવીએ ચક્રથી, કૌમારીએ શક્તિથી, વારાહીએ ખડ્ગથી અને માહેશ્વરીએ ત્રિશૂળથી રક્તબીજને ઘાયલ કર્યો, પણ તેના રક્તમાંથી હજારો અસુરો ઉત્પન્ન થયા, જેણે સમગ્ર જગતને વ્યાપી લીધું. 

    દેવતાઓ ભયભીત થયા ત્યારે દેવી ચંડિકાએ દેવી ચામુંડાને કહ્યું, “હે દેવી, તમે  તમારા મુખનો વિસ્તાર કરો અને મારા શસ્ત્રોના પ્રહારથી પડતું રક્ત અને તેમાંથી ઉત્પન્ન થતા અસુરોનું ભક્ષણ કરો, જેથી નવા અસુરો ઉત્પન્ન ન થાય.” દેવી ચંડિકાએ શૂળથી રક્તબીજને માર્યો અને ચામુંડાએ તેનું રક્ત અને તેમાંથી ઉદ્ભવેલા અસુરોનું ભક્ષણ શરૂ કર્યું. રક્તબીજે દેવી ચંડિકા પર ગદાથી પ્રહાર કર્યો, પણ તેનાથી દેવીને કોઈ વેદના ન થઈ. ચંડિકાએ વજ્ર, બાણ, ખડ્ગ અને ઋષ્ટિથી રક્તબીજને ઘાયલ કર્યો અને દેવી ચામુંડાએ તેનું રક્ત પી લીધું. રક્તહીન થઈ રક્તબીજ ધરાશાયી થયો. આ જોઈ દેવતાઓને અપાર હર્ષ થયો અને માતૃગણ રક્તપાનના મદમાં નૃત્ય કરવા લાગ્યા.

    આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો અષ્ટમ (આઠમો) અધ્યાય પૂર્ણ થાય છે. 

    દુર્ગા સપ્તશતીનો આઠમો અધ્યાય દેવીની માતૃશક્તિઓ, શિવદૂતી અને ચામુંડાની શક્તિ દ્વારા રક્તબીજના વધની કથા રજૂ કરે છે, જે અધર્મના નાશ અને ધર્મના વિજયનું પ્રતીક છે. રક્તબીજનું રક્ત દુર્ગુણોના પુનર્જન્મનું પ્રતીક છે, જેને દેવી-ભક્તિ અને માતૃકાશક્તિની શરણાગતિ દ્વારા નાશ કરી શકાય છે. આવનારા લેખમાં આપણે અધ્યાય 9 (નિશુંભ વધ) અને અધ્યાય 10 (શુંભ વધ) વિશે વાત કરીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં