Saturday, April 4, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિશ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-7: ચંડ-મુંડનો વધ કરવા દેવી ચંડિકાના લલાટમાંથી ઉત્પન્ન થયાં...

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-7: ચંડ-મુંડનો વધ કરવા દેવી ચંડિકાના લલાટમાંથી ઉત્પન્ન થયાં ભગવતી ‘ચામુંડા’, રણમાં મચાવ્યો હાહાકાર

    શત્રુઓના આ આક્રમણથી દેવી અંબિકા ઉગ્ર ક્રોધે ભરાયાં. તેમનું મુખમંડળ કાળું પડી ગયું અને આંખોના ભવાં ચડી ગયા. તેમના લલાટમાંથી તત્કાળ વિકરાળમુખી કાલિકા પ્રગટ થયાં.

    - Advertisement -

    શારદીય નવરાત્રિના પાવન પર્વને લઈને અમે શ્રી દુર્ગા સપ્તશતીના વિવિધ અધ્યાયોને લેખનમાળા રૂપે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ લેખ પહેલાં ત્રણ લેખો લખાઈ ચૂક્યા છે. પ્રથમ લેખમાં અધ્યાય 1ની વાત કરવામાં આવી છે. બીજા લેખમાં અધ્યાય 2, 3 અને 4ની વાત થઈ છે તથા ત્રીજા લેખમાં અધ્યાય 5 અને 6ની ચર્ચા કરવામાં આવી છે. તમામ અધ્યાયોમાં દેવીના વિવિધ સ્વરૂપો અને શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. 

    હવે આ લેખનમાળાનો ચોથો લેખ અમે તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ચોથા લેખમાં અધ્યાય 7ની વાત કરવામાં આવી છે. ગત લેખમાં આપણે જાણ્યું કે શુંભ-નિશુંભે ધૂમ્રલોચનને દેવી ભગવતી સાથે યુદ્ધ કરવા મોકલ્યા બાદ તેનો વધ થયો હતો અને શુંભે ક્રોધિત થઈને ચંડ-મુંડને દેવી સાથે યુદ્ધ કરવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ શું ઘટનાઓ ઘટી હતી. વાંચો અધ્યાય 7મા. 

    શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય-7 (ચંડ-મુંડનો વધ) 

    ઋષિએ આગળ કહ્યું કે ધૂમ્રલોચન અને તેની સેનાનો સંહાર થયા બાદ શુંભનો ક્રોધ વધુ ભભૂકી ઉઠ્યો. તેણે ચંડ અને મુંડ નામના બે મહાદૈત્યોને આદેશ આપ્યો કે તેઓ વિશાળ ચતુરંગિણી સેના સાથે, અસ્ત્ર-શસ્ત્રોથી સુસજ્જિત થઈને દેવીને ખેંચીને અથવા બાંધીને લઈ આવે અથવા યુદ્ધમાં તેમનો વધ કરે. શુંભની આજ્ઞા મુજબ ચંડ-મુંડ હિમાલયના સુવર્ણમય શિખર પર પહોંચ્યા, જ્યાં તેમણે સિંહ પર આરૂઢ, મંદ મંદ મુસ્કાતાં દેવી અંબિકાને જોયાં. દેવીને જોતાં જ દૈત્યો તેમને પકડવા તત્પર થયા. કેટલાકે ધનુષ તાણ્યું, કેટલાકે તલવાર ઉગામી અને કેટલાક દેવીની નજીક આવી ગયા.

    - Advertisement -

    કાલિકાનો પ્રાગટ્ય અને ભયંકર સ્વરૂપ

    શત્રુઓના આ આક્રમણથી દેવી અંબિકા ઉગ્ર ક્રોધે ભરાયાં. તેમનું મુખમંડળ કાળું પડી ગયું અને આંખોના ભવાં ચડી ગયા. તેમના લલાટમાંથી તત્કાળ વિકરાળમુખી કાલિકા પ્રગટ થયાં, જે તલવાર અને પાશ ધારણ કરેલાં, ચિત્તાના ચર્મની સાડી પહેરેલાં, નરમુંડોની માળાથી શોભતાં અને હાડકાંના ઢાંચા જેવા શરીરે અત્યંત ભયાનક દેખાતાં હતાં. તેમનું મુખ વિશાળ, જીભ લપલપતી અને આંખો લાલ હતી. તેમની ભયંકર ગર્જનાથી સમગ્ર દિશાઓ ગુંજતી હતી.

    દેવી કાલિકાએ શરૂ કર્યો સંહાર

    કાલિકા મહાદૈત્યોનો વધ કરતાં ભયંકર વેગથી અસુરોની સેના પર તૂટી પડ્યાં અને તેમનો વિનાશ કરવા લાગ્યા. તેમણે પાર્શ્વરક્ષકો, અંકુશધારી મહાવતો, યોદ્ધાઓ અને હાથીઓને એક હાથે પકડીને મુખમાં નાખી દીધા. એ જ રીતે ઘોડા, રથ અને સારથી સાથેના રથીઓને મુખમાં નાખીને ભયાનક મોત આપ્યું. કેટલાકના વાળ પકડી, કેટલાકનું ગળું દબાવી, કેટલાકને પગથી કચડી અને કેટલાકને પછાડીને મારી નાખ્યા. અસુરોના છોડેલા મહાન અસ્ત્ર-શસ્ત્રોને મુખથી પકડી, ક્રોધે ભરાઈને દાંતોથી પીસી નાખ્યા. કાલિકાએ બળવાન અને દુરાત્મા દૈત્યોની સમગ્ર સેનાને રૌંદી, ખાઈ અને ભગાડી દીધી. કેટલાકને તલવારથી, કેટલાકને ખટ્વાંગથી અને કેટલાકને દાંતોથી કચડીને મૃત્યુ આપ્યું.

    ચંડ અને મુંડનો વધ

    કાલિકાએ ક્ષણભરમાં અસુરોની સમગ્ર સેનાનો નાશ કર્યો. આ જોઈને ચંડ વિકરાળ કાલિકા તરફ દોડ્યો, જ્યારે મુંડે હજારો ચક્રો અને ભયંકર બાણોની વર્ષા કરીને દેવીની ભયાનક આંખોને ઢાંકી દીધી. આ ચક્રો દેવીના મુખમાં સમાઈ ગયા, જેમ સૂર્યના મંડળો વાદળોમાં સમાઈ જાય છે. દેવી કાલિકાએ ભયંકર ગર્જના અને વિકટ અટ્ટહાસ્ય કર્યું, જેમાં તેમના દાંતોની પ્રભા અત્યંત ઉજ્જવળ દેખાતી હતી. દેવીએ તલવાર લઈ, ‘હં’ શબ્દનો ઉચ્ચાર કરીને ચંડ પર પ્રહાર કર્યો, તેના વાળ પકડી તલવારથી તેનું મસ્તક કાપી નાખ્યું. ચંડનો વધ જોઈ મુંડ પણ દેવી તરફ દોડ્યો, પરંતુ દેવીએ ક્રોધે ભરાઈને તેને પણ તલવારથી ઘાયલ કરીને ધરતી પર ઢાળી દીધો. ચંડ અને મુંડનો વધ થતાં બચેલી સેના ભયથી વ્યાકુળ થઈ ચારે દિશાઓમાં ભાગવા લાગી.

    દેવી ચામુંડા નામની ખ્યાતિ

    દેવી કાલિકા ચંડ અને મુંડના મસ્તકો લઈ પ્રચંડ અટ્ટહાસ્ય કરતા ચંડિકા પાસે આવ્યાં અને કહ્યું, “દેવી! મેં ચંડ અને મુંડ નામના આ બે મહાપશુઓ તમને ભેટ આપ્યા. હવે ધર્મયુદ્ધમાં તમે શુંભ અને નિશુંભનો વધ કરો.” કલ્યાણમયી ચંડીએ ચંડ-મુંડના મસ્તકો જોઈને કાલિકાને કહ્યું, “દેવી, તું ચંડ અને મુંડને લઈને મારી પાસે આવી, તેથી સંસારમાં તું ‘ચામુંડા’ નામથી વિખ્યાત થશે.”

    દુર્ગા સપ્તશતીનો સાતમો અધ્યાય દેવી અંબિકાના વિકરાળ સ્વરૂપ, ચંડ-મુંડના વધ અને ‘ચામુંડા’ નામની ખ્યાતિ દ્વારા દેવીની અજેય શક્તિ અને અધર્મના વિનાશનું પ્રતીક છે. કાલિકાનો ભયંકર પ્રાગટ્ય અને સેનાનો સંહાર દર્શાવે છે કે દૈવીય શક્તિ સામે અધર્મ શક્તિશાળી હોવા છતાં ટકી શકતો નથી. આવનારા લેખમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીના અધ્યાય- 8 (રક્તબીજ વધ) વિશે વાત કરીશું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં