નવરાત્રિના પવિત્ર તહેવાર પર શરૂ થયેલ શ્રી દુર્ગા સપ્તશતી સ્તોત્ર પરની લેખનમાળા હવે અંત તરફ જઈ રહી છે. અગાઉના લેખોમાં આપણે 11 અધ્યાયો સુધીની વાત કરી ચૂક્યા છીએ. (અહીં ક્લિક કરીને તે તમામ અધ્યાયો વાંચી શકાશે.) જેમાં દેવીના વિવિધ સ્વરૂપો અને પરાક્રમો વિશેની વાત કરવામાં આવી હતી. આ સાથે જ તમામ અધ્યાયોમાં જીવનનો એક ગહન સંદેશ પણ સંકળાયેલો હતો.
દુર્ગા સપ્તશતીની આ શ્રેણીમાં આપણે હમણાં સુધીમાં સાત લેખ પ્રકાશિત કર્યા છે. જેમાં 11 અધ્યાયોને સમાવી લેવામાં આવ્યા છે. હવે અમે આ આઠમો લેખ વાચકો સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. ગત લેખમાં આપણે જોયું કે રાક્ષસોના સંહાર બાદ દેવતાઓ માતાજીની સ્તુતિ કરે છે અને તેમની પાસેથી વરદાન મેળવે છે. ત્યારબાદ શું ઘટનાઓ ઘટી હતી, તે વાંચો અધ્યાય-12મા.
શ્રી દુર્ગા સપ્તશતી, અધ્યાય- 12
દેવી ચંડિકાએ દેવતાઓને સંબોધીને કહ્યું, “દેવતાઓ! જે એકાગ્રચિત્તે રોજ આ સ્તુતિઓથી મારું સ્તવન કરશે, તેની સર્વ બાધાઓ હું નિશ્ચિતપણે દૂર કરીશ. જે મધુકૈટભના નાશ, મહિષાસુરના વધ અને શુંભ-નિશુંભના સંહારની કથાનું પઠન કરશે તેમજ અષ્ટમી, ચતુર્દશી અને નવમીએ ભક્તિપૂર્વક મારા માહાત્મ્યનું શ્રવણ કરશે તેને કોઈ પાપ સ્પર્શશે નહીં, પાપજન્ય આપત્તિઓ આવશે નહીં, દરિદ્રતા નહીં આવે અને પ્રિયજનોના વિયોગનો કષ્ટ ભોગવવો નહીં પડે. તેને શત્રુ, લૂંટારા, રાજા, શસ્ત્ર, અગ્નિ કે જળરાશિથી ભય નહીં રહે. આથી દરેકે એકાગ્રચિત્તે ભક્તિપૂર્વક મારા માહાત્મ્યનું પાઠ અને શ્રવણ કરવું જોઈએ, કેમ કે તે પરમ કલ્યાણકારી છે.”
માહાત્મ્યનો પ્રભાવ
દેવીએ આગળ કહ્યું, “મારું માહાત્મ્ય મહામારીજન્ય ઉપદ્રવો અને આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક એમ ત્રણે પ્રકારના ઉત્પાતોને શાંત કરે છે. જે મંદિરમાં રોજ નિયમપૂર્વક મારા માહાત્મ્યનું પાઠ થાય છે, તે સ્થાનને હું કદી છોડતી નથી, ત્યાં મારું સન્નિધાન હંમેશાં રહે છે. બલિદાન, પૂજા, હોમ અને મહોત્સવના પ્રસંગે મારા માહાત્મ્યનું પૂર્ણ પઠન અને શ્રવણ કરવું જોઈએ. આવું કરવાથી, નિયમ જાણીને કે અજાણતાં થયેલ બલિ, પૂજા કે હોમને હું પ્રસન્નતાથી સ્વીકારું છું. શરત્કાળમાં વાર્ષિક મહાપૂજામાં જે ભક્તિપૂર્વક મારું માહાત્મ્ય સાંભળે છે, તે મારા પ્રસાદથી બાધાઓથી મુક્ત થાય છે અને ધન, ધાન્ય તથા પુત્રોથી સંપન્ન થાય છે, એમાં કોઈ શંકા નથી.”
ભયમુક્તિ અને શાંતિ
દેવીએ વધુ સમજાવ્યું કે, “મારા માહાત્મ્ય, પ્રાદુર્ભાવની કથાઓ અને યુદ્ધમાં મારા પરાક્રમનું શ્રવણ કરનાર નિર્ભય થાય છે. તેના શત્રુઓ નષ્ટ થાય છે, તેને કલ્યાણ પ્રાપ્ત થાય છે અને તેનું કુળ આનંદમાં રહે છે. શાંતિકર્મોમાં, દુઃસ્વપ્નો કે ગ્રહજન્ય પીડામાં મારું માહાત્મ્ય સાંભળવું જોઈએ, જેથી વિઘ્નો અને ગ્રહપીડાઓ શાંત થાય છે અને દુઃસ્વપ્ન શુભ સ્વપ્નમાં પરિણત થાય છે. બાળગ્રહોથી પીડિત બાળકો માટે આ માહાત્મ્ય શાંતિકારક છે અને મનુષ્યોના સંગઠનમાં ફાટ પડે ત્યારે મૈત્રી સ્થાપે છે. આ માહાત્મ્ય દુરાચારીઓના બળનો નાશ કરે છે અને તેના પાઠથી રાક્ષસો, ભૂતો અને પિશાચોનો નાશ થાય છે.”
દેવીની સન્નિધિ અને રક્ષણ
દેવીએ કહ્યું, “મારું માહાત્મ્ય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવે છે. પુષ્પ, અર્ઘ્ય, ધૂપ, દીપ, ગંધ વગેરે ઉત્તમ સામગ્રીઓથી પૂજન, બ્રાહ્મણોને ભોજન, હોમ, અભિષેક, ભોગોનું અર્પણ અને દાનથી એક વર્ષ સુધી થતી આરાધનાથી જેટલી પ્રસન્નતા થાય છે, તેટલી જ મારા માહાત્મ્યના એક વખતના શ્રવણથી થાય છે. આ પાઠ પાપોનો નાશ કરે છે અને આરોગ્ય આપે છે. મારા પ્રાદુર્ભાવનું કીર્તન ભૂતોથી રક્ષણ કરે છે અને યુદ્ધની કથા દુષ્ટ દૈત્યોનો સંહાર કરે છે. મારું માહાત્મ્ય સાંભળનારને શત્રુભય રહેતો નથી.”
દેવીએ આગળ કહ્યું, “દેવતાઓ અને બ્રહ્મર્ષિઓએ કરેલી મારી સ્તુતિઓ, તેમજ બ્રહ્માજીની સ્તુતિઓ કલ્યાણમયી બુદ્ધિ આપે છે. વનમાં, સૂના માર્ગે, દાવાનળથી ઘેરાતાં, લૂંટારાઓ કે શત્રુઓના હાથે ચડતા, સિંહ, વ્યાઘ્ર કે જંગલી હાથીઓનો પીછો થતાં, રાજાના આદેશથી બંધન કે વધના સ્થાને જતાં, સમુદ્રમાં નૌકામાં તોફાન આવે, યુદ્ધમાં શસ્ત્રપ્રહાર થાય કે કોઈ પણ ભયંકર બાધામાં જે મારા માહાત્મ્યનું સ્મરણ કરે છે, તે સંકટમાંથી મુક્ત થાય છે. મારા પ્રભાવથી સિંહ જેવા હિંસક પ્રાણીઓ, લૂંટારા અને શત્રુઓ દૂર ભાગે છે.”
દેવીનું અંતર્ધાન અને જગતની રક્ષા
આમ કહીને પ્રચંડ પરાક્રમ ધરાવતા મા ભગવતી ચંડિકા દેવતાઓની સામે અંતર્ધાન થયાં. શુંભ અને નિશુંભના વધથી શત્રુઓનો નાશ થતાં દેવતાઓ નિર્ભય થઈ, યજ્ઞભાગનો ઉપભોગ કરતા પોતાના અધિકારોનું પાલન કરવા લાગ્યા. બાકીના દૈત્યો પાતાળલોકમાં ચાલ્યા ગયા. ઋષિએ રાજાને કહ્યું, “આમ, નિત્ય હોવા છતાં ભગવતી અંબિકા દેવી પુનઃ પુનઃ પ્રગટ થઈ જગતની રક્ષા કરે છે. તેઓ જગતને મોહિત કરે છે, જન્મ આપે છે અને પ્રાર્થનાથી સંતુષ્ટ થઈ વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે.”
ઋષિએ આગળ કહ્યું કે, “મહાપ્રલયમાં મહામારીરૂપે આ બ્રહ્માંડને વ્યાપે છે અને સનાતની દેવી હોવા છતાં સૃષ્ટિરૂપે પ્રગટે છે, સમયે-સમયે ભૂતોની રક્ષા કરે છે. અભ્યુદયના સમયે લક્ષ્મીરૂપે ઘરમાં ઉન્નતિ આપે છે અને અભાવના સમયે દરિદ્રતારૂપે વિનાશ કરે છે. પુષ્પ, ધૂપ, ગંધ વગેરેથી પૂજન અને સ્તુતિ કરવાથી તે ધન, પુત્ર, ધાર્મિક બુદ્ધિ અને ઉત્તમ ગતિ આપે છે.”
આ રીતે શ્રી માર્કન્ડેય પુરાણમાં વર્ણીત દેવી માહાત્મ્યનો દ્વાદશ (બારમો) અધ્યાય પૂર્ણ થાય છે.
દુર્ગા સપ્તશતીનો બારમો અધ્યાય દેવીના માહાત્મ્યના પાઠ અને સ્તવનના ફળ દ્વારા ભક્તોને નિર્ભયતા, શાંતિ, સમૃદ્ધિ અને પાપમુક્તિનો સંદેશ આપે છે, જે દેવીની નિત્ય શક્તિ, જગતની રક્ષા અને શરણાગતિના મહિમાને ઉજાગર કરે છે. આવનારા લેખમાં આપણે અંતિમ અને 13મા અધ્યાય (સુરથ અને વૈશ્યને દેવીનું વરદાન) વિશે વાત કરીશું.


