ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર સ્થિત પ્રયાગરાજ ખાતે (Prayagraj Mahakumbh – 2025) 144 વર્ષ બાદ આ વખતે મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. સાધુ-સંત કુંભ ક્ષેત્રમાં પહોંચી ગયા છે. શાસ્ત્રોમાં મહાકુંભનો અપાર મહિમા વર્ણવાયો છે. આ જ કારણ છે કે દરેક સનાતની પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વાર પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાન કરવા માંગે છે. ત્રિવેણી પર માત્ર સ્નાન જ મહત્વનું નથી, પરંતુ અક્ષયવટના દર્શન પણ મહત્વપૂર્ણ છે.
કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને સાંસ્કૃતિક મેળો છે, જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ખ્યાલો પર આધારિત છે. ખગોળશાસ્ત્ર અનુસાર, ગ્રહો અને નક્ષત્રો ચોક્કસ સ્થિતિમાં આવ્યા પછી અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જોકે કુંભના આયોજન વિશે સૌથી જૂની લેખિત માહિતી ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગના પ્રવાસવર્ણનોમાંથી મળે છે, પરંતુ ધાર્મિક ગ્રંથો અનુસાર સૃષ્ટિની શરૂઆત ને જ કુંભનું આયોજન માનવામાં આવ્યું છે.
અથર્વવેદમાં કુંભ મેળાનું વર્ણન છે. અથર્વવેદમાં ‘ચતુર્થા દદામી’ અને ‘પૂર્ણ: કુંભોષધિકાલ આહિતસ્તં’ નો ઉલ્લેખ છે. જો કે, 14મી-15મી સદીના વિદ્વાન સાયણ અને 17મી સદીના વિદ્વાન ઉદ્ગીથ જણાવે છે કે પ્રથમ શ્લોક વિશ્તારી યજ્ઞના મહિમાના એક ભજન સાથે સંબંધિત છે અને બીજો ‘ઈશ્વરીય સમય’ સાથે સંબંધિત છે. અહીં, કુંભનો અર્થ તહેવાર નહીં પરંતુ ‘પાણીનો ઘડો’ એવો થાય છે.
પુરાણોમાં કુંભનું વિગતવાર વર્ણન
પુરાણોમાં કુંભનું વર્ણન કરવામાં આવ્યું છે. મત્સ્ય પુરાણમાં તેની કથા છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે તેમાંથી રત્ન સ્વરૂપ અમૃત કળશ પણ બહાર આવ્યો. રાક્ષસોને અમૃત પીવાથી રોકવા માટે દેવતાઓ કળશ લઈને ભાગવા લાગ્યા અને રાક્ષસો તેમનો પીછો કરવા લાગ્યા. આ સમય દરમિયાન પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં અમૃતનાં ટીપાં પડ્યાં. જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા હતા ત્યાં-ત્યાં હવે કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણમાં પણ સમાન વર્ણનો જોવા મળે છે. પદ્મ પુરાણમાં કહેવાયું છે કે
“पृथिव्यां कुम्भयोगस्य चतुर्धा भेद उच्चते। चतु:स्थले नितनात् सुधा कुम्भस्थ भूतले।। चन्द्र प्रस्रवणा रक्षां सूर्यों विस्फोटनात् दधौ। दैत्येभ्यश्च गुरु रक्षां सौरिदेवेंद्रजात् भयात्।।”
અર્થાત પૃથ્વી પર કુંભ યોગના ચાર પ્રકાર હોય છે.ચાર સ્થાનો પર અવિરત અમૃત (સુધા) પ્રવાહ ચાલુ હોય છે. અહી.
કુંભ અંગે સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે,
“माघे मासे गंगे स्नानं यः कुरुते नरः, युग कोटि सहस्राणि तिष्ठंति पितृदेवताः।। त्रिषु स्थलेषु यः स्नायात् प्रयागे च पुष्करे, कुरुक्षेत्रे च धर्मात्मा स याति परमं पदम्।।”
અર્થાત જે માઘ એટલે કે મહા મહિનામાં જે ગંગા સ્નાન કરે છે, તેના પિતૃદેવો યુગો સુધી વિદ્યમાન રહે છે. જે પ્રયાગ, પુષ્કર અને કુરુશ્રેત્રમાં સ્નાન કરે છે તે ધર્માત્મા હોય છે અને પરમ ધામને પ્રાપ્ત કરે છે.
ગરુડ પુરાણમાં કહેવાયું છે કે, “अग्निष्टोमसहस्राणि वाजपेयशतानि च। कुंभस्नानस्य कलां नार्हंते षोडशीमपि।।” અર્થાત હજારો અગ્નિષ્ટોમ અને સેંકડો વાજપેય યજ્ઞ પણ કુંભ સ્નાનના સોળમા ભાગ સમાન નથી. બ્રહ્મ-વૈવર્ત પુરાણ અનુસાર, “प्रयागे माघमासे तु स्नात्वा पार्थिवमर्दनः। सर्वपापैः प्रमुच्येत पितृभिः सह मोदते।।” અર્થાત માઘ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી વ્યક્તિ તમામ પાપોમાંથી મુક્ત થાય છે અને તેના પિતૃઓ પ્રસન્ન થાય છે.
અગ્નિ પુરાણ અનુસાર “कुंभे कुंभोद्भवः स्नात्वा प्रायच्छति हि मानवान्। ततः परं न पापानि तिष्ठन्ति शुभकर्मणाम्।।” અર્થાત કુંભમાં સ્નાન કરવાથી વ્યક્તિ પાપોમાંથી મુક્તિ મેળવે છે અને શુભ કાર્યો તરફ આગળ વધે છે. વિષ્ણુ પુરાણ અનુસાર “अयं कुंभः परं पुण्यं स्नानं येन कृतं शुभम्। सर्वपापक्षयं याति गच्छते विष्णुसन्निधिम्।।” અર્થાત એટલે કે કુંભમાં સ્નાન કરવું અત્યંત પુણ્યદાયક છે અને વ્યક્તિ વિષ્ણુના સંસારમાં જાય છે.
શ્રીમદ ભાગવદ પુરાણ, “तत्रापि यः स्नानकृत् पुण्यकाले। गंगा जलं तीर्थमथाधिवासम्।। पुण्यं लभेत् कृतकृत्यः स गत्वा। वैकुण्ठलोकं परमं समेति।।” એટલે કે જે વ્યક્તિ પવિત્ર સમયમાં ગંગા સ્નાન કરે છે તે પુણ્ય પ્રાપ્ત કરે છે અને વૈકુંઠ ધામ જાય છે.
મહાભારતના વન પર્વમાં કહેવાયું છે કે, “त्रिपुरं दहते यज्ञः स्नानं तीर्थे तु दहते। सर्वपापं च तीर्थे स्नात्वा सर्वं भवति शुद्धये।।” અર્થાત્ યજ્ઞથી ત્રણેય લોકની શુદ્ધિ થાય છે, પરંતુ તીર્થમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ સંપૂર્ણ પવિત્ર બની જાય છે.
કુર્મ પુરાણમાં કહેવાયું છે કે કુંભમાં સ્નાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. કુંભમાં પાપોનો નાશ કરવા અને સ્નાનને ફળદાયી બનાવવા માટે પાપ ન કરવાની પ્રતિજ્ઞા પણ લેવી જોઈએ.
સમ્રાટ હર્ષના સમયમાં એક ચીની યાત્રીએ કરેલ ઉલ્લેખ
કુંભનો ઉલ્લેખ મસ્ત્ય પુરાણ અને પદ્મ પુરાણ ઉપરાંત, કુંભનું વર્ણન સ્કંદ પુરાણ, અગ્નિ પુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મ પુરાણ, કુર્મ પુરાણ, ભાગવત પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ અને વાલ્મિકી રામાયણ વગેરેમાં પણ કરવામાં આવ્યો છે. માન્યતાઓ અનુસાર કુંભનું આયોજન અનાદિ કાળથી કરવામાં આવે છે. તે જ સમયે, કેટલાક તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કરતાં પણ જૂનો માને છે. તે હડપ્પા અને મોહેંજોદડો સંસ્કૃતિ કરતાં 1,000 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.
ઇ.સ પૂર્વે 500માં પરમાર વંશના સમ્રાટ વિક્રમાદિત્યના નવરત્નો પૈકીના કાલિદાસે પણ તેમની અમર કૃતિ રઘુવંશમમાં કુંભનો ઉલ્લેખ કર્યો છે. ઈતિહાસમાં સમ્રાટ હર્ષ તરીકે પણ ઓળખાતા સમ્રાટ હર્ષવર્ધન બેઈન્સના શાસનકાળ દરમિયાન ઇ.સ 629-645 સુધી ભારતમાં રહેલ ચિની પ્રવાસી હ્યુએન ત્સાંગ (અથવા Xuanzang)એ પણ કુંભનું વર્ણન કર્યું છે. મુઘલ કાળમાં પણ ઘણી જગ્યાએ કુંભનું વર્ણન છે.
એવું માનવામાં આવે છે કે મોટાભાગના પુરાણો પછીના સમયગાળામાં લખાયા હતા. ઘણા તો 15-16મી સદીમાં પણ લખાયા હતા. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે પ્રથમ કુંભ મેળાની શરૂઆત સમ્રાટ હર્ષવર્ધન દ્વારા કરવામાં આવી હતી. હ્યુએન ત્સાંગ તેમની યાત્રા દરમિયાન પ્રયાગરાજ આવ્યા હતા અને તેમણે તેમના પ્રવાસ વર્ણનમાં લખ્યું છે કે સમ્રાટ હર્ષવર્ધન દર પાંચ વર્ષે નદીઓના સંગમ પર સમારોહનું આયોજન કરતા હતા અને ત્યાંના ગરીબોને દાન આપતા હતા.
અક્ષયવટનું મહત્વ, CM યોગીએ મુઘલ કાળના પ્રતિબંધો હટાવ્યા
એવું કહેવાય છે કે પ્રયાગરાજ કુંભમાં સ્નાન કરવાથી ત્યારે જ ફળ મળે છે જ્યારે ત્યાં સ્થિત અક્ષયવટની મુલાકાત લેવામાં આવે. સંગમ કિનારે એક પ્રાચીન કિલ્લો છે, જેમાં આ અક્ષયવટ આવેલું છે. પુરાણોમાં પણ અક્ષયવટનો ઉલ્લેખ છે. એવું કહેવાય છે કે આ વટ બ્રહ્માંડની ઉત્ક્રાંતિ અને વિનાશનો સાક્ષી રહ્યો છે. તેનો ક્યારેય નાશ થતો નથી. અકબરે અક્ષયવટના દર્શન અને પૂજા પર પ્રતિબંધ મૂક્યો હતો.
આ પછી, દિવંગત CDS જનરલ બિપિન રાવત અહીં આવ્યા અને પાતાલપુરી મંદિરની મુલાકાત લીધી અને બાદમાં, તેમના પ્રયાસોને કારણે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ષ 2018માં અહીં સામાન્ય લોકોના દર્શન પરનો પ્રતિબંધ હટાવ્યો. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અહીં આવ્યા હતા અને આ શાશ્વત અક્ષયવટના દર્શન કર્યા હતા.
આ વટ વિશે કહેવાય છે કે માતા સીતાએ આ વૃક્ષને વરદાન આપ્યું હતું કે પ્રલયના સમયે જ્યારે પૃથ્વી ડૂબી જશે અને બધું નાશ પામશે, ત્યારે પણ તે હરિયાળું રહેશે. આ ઉપરાંત એવી પણ માન્યતા છે કે ભગવાન કૃષ્ણ તેમના બાળ સ્વરૂપમાં આ વડના ઝાડ પર બેઠા હતા. ત્યારથી શ્રીહરિ તેના પાંદડા પર સૂઈ જાય છે. પદ્મ પુરાણમાં અક્ષયવટને તીર્થરાજ પ્રયાગની છત્ર કહેવામાં આવી છે.
હ્યુએન ત્સાંગે અક્ષયવટ વિશે લખ્યું છે કે શહેરમાં એક મંદિર છે અને તેમાં એક વિશાળ વડ છે. તેની ડાળીઓ અને પાંદડા દૂર દૂર સુધી ફેલાયેલા છે. આ વટનું વર્ણન વાલ્મીકિ રામાયણમાં પણ જોવા મળે છે. એવું કહેવાય છે કે ઋષિ ભારદ્વાજે ભગવાન શ્રી રમને કહ્યું હતું કે બંને ભાઈઓ ગંગા-યમુનાના સંગમ પર જાઓ અને ત્યાં એક વિશાળ વટવૃક્ષ જોવા મળશે. ત્યાંથી બંને ભાઈઓએ યમુના પાર કરી.
ભારદ્વાજ ઋષિ ભગવાન રામને અક્ષયવટ વિશે કહે છે કે તે ચારે બાજુથી અન્ય વૃક્ષોથી ઘેરાયેલું હશે. તેની છાયામાં ઘણા સિદ્ધહસ્ત માણસો રહેતા હશે. ત્યાં પહોંચ્યા પછી વટવૃક્ષ પાસેથી આશીર્વાદ માટે પ્રાર્થના કરવી જોઈએ. કહેવાય છે કે માતા સીતાએ પણ એવું જ કર્યું હતું અને અક્ષયવટને વરદાન પણ આપ્યું હતું કે જે કોઈ સંગમ સ્નાન કર્યા પછી અક્ષયવટની પૂજા કરશે તેને જ સ્નાનનું ફળ મળશે.
એવું કહેવાય છે કે સૃષ્ટિની શરૂઆતમાં બ્રહ્માએ પ્રયાગરાજના સંગમમાં યજ્ઞની શરૂઆત કરી હતી. આમાં ભગવાન વિષ્ણુ યજમાન બન્યા અને ભગવાન શિવ દેવતા બન્યા. યજ્ઞના અંતે, ત્રણે દેવોએ તેમની શક્તિથી એક વૃક્ષની રચના કરી, જે આજે અક્ષયવટ તરીકે ઓળખાય છે. વૈજ્ઞાનિકોના મતે આ વટવૃક્ષની ઉંમર 5270 વર્ષ હોવાનું કહેવાય છે. કહેવાય છે કે આ અક્ષયવટના મૂળ પાતાળલોકમાં આવેલા છે.
એવું કહેવાય છે કે મુઘલ કાળમાં અક્ષયવટને ખતમ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ સિવાય ઘણા મુસ્લિમ આક્રમણકારોએ તેને કાપીને સળગાવીને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. એવું માનવામાં આવે છે કે પૃથ્વીપર આવા પાંચ વટવૃક્ષો છે. પહેલું પ્રયાગરાજમાં અક્ષયવટ, બીજું ઉજ્જૈનમાં સિદ્ધવટ, ત્રીજું વૃંદાવનમાં વંશીવટ, ચોથું ગયામાં મોક્ષવટ અને પાંચમું પંચવટીમાં પંચવટ.
ક્યારે કરવામાં આવે છે મહાકુંભ, કુંભ અને અર્ધકુંભનું આયોજન?
આ વખતે 144 વર્ષ બાદ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાસ્તવમાં, કુંભના પાંચ પ્રકાર છે – મહાકુંભ, પૂર્ણકુંભ, અર્ધકુંભ, કુંભ અને માઘકુંભ, જેને માઘ મેળો પણ કહેવાય છે. 144 પછી યોજાનારા મહાકુંભનું આયોજન પ્રયાગરાજના સંગમ પર જ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જ્યારે ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
પૂર્ણ કુંભનું આયોજન દર 12 વર્ષે કરવામાં આવે છે. પૂર્ણ કુંભનું આયોજન 4 તીર્થસ્થળો – હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને પ્રયાગરાજમાં થાય છે. હરિદ્વાર ગંગા નદી, ઉજ્જૈન શિપ્રા નદી, નાસિક ગોદાવરી નદી અને પ્રયાગરાજ નદી ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર આવેલું છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે અને ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે હરિદ્વારમાં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
અર્ધ કુંભનું આયોજન દર 6 વર્ષે કરવામાં આવે છે. આનું આયોજન પ્રયાગરાજ અને હરિદ્વાર એમ માત્ર બે જ સ્થાનો પર કરવામાં છે. દર વર્ષે માત્ર પ્રયાગરાજમાં જ માઘ કુંભનું આયોજન કરવામાં આવે છે. જ્યારે સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે ઉજ્જૈનમાં ઉજવાતા કુંભને સિંહસ્થ કુંભ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય અને ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ કુંભ મેળો નાસિકમાં યોજવામાં આવે છે.