Monday, January 13, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઅનાદિકાળથી જે કહેવાતું હતું 'રાજસી' અને 'અમૃત સ્નાન', તે મુઘલકાળ દરમિયાન બની...

    અનાદિકાળથી જે કહેવાતું હતું ‘રાજસી’ અને ‘અમૃત સ્નાન’, તે મુઘલકાળ દરમિયાન બની ગયું હતું ‘શાહી સ્નાન’: સાધુસંતોની ભલામણ બાદ યોગી સરકારે કુંભમાં ફરીથી સ્થાપિત કર્યું પ્રાચીન સનાતન પરંપરાનું મૂળ સન્માન, જાણો શું કહે છે હિંદુ ગ્રંથો

    ગ્રંથમાં તે સમયના કુંભ સ્નાનને 'અમૃત સ્નાન' અથવા તો 'રાજસી સ્નાન' તરીકે વર્ણવવામાં આવ્યું હતું. એટલે એવું કહી શકાય કે, મુઘલકાળના કેટલાક વર્ષોના શાસન બાદ પણ 'અમૃત સ્નાન' અને 'રાજસી સ્નાન' જેવા શબ્દોનો પ્રયોગ થતો હતો. જે બાદ સમયાંતરે તેને 'શાહી સ્નાન' ગણાવી દેવામાં આવ્યું.

    - Advertisement -

    સોમવારે (13 જાન્યુઆરી) મહાતીર્થ પ્રયાગરાજમાં (Prayagraj) મહાકુંભ 2025ની (Mahakumbh) શરૂઆત થઈ ચૂકી છે. દુનિયાભરના કરોડો હિંદુઓ માટે આ મહાપર્વ પોતાની આસ્થા અને પ્રાચીન પરંપરાની જીવંતતાનું ઉત્તમ ઉદાહરણ બની ગયો છે. મહાકુંભની અનેક પરંપરા અને રિવાજો પણ તેના જેટલા જ પ્રાચીન છે. પરંતુ સમયાંતરે હિંદુ ધર્મના આવા પવિત્ર અને પ્રાચીન મહાપર્વને દૂષિત કરવાના ષડયંત્રો થતાં આવ્યા છે. આવું જ એક ષડયંત્ર કુંભ મહાપર્વ સાથે પણ થયું હોય શકે છે. આજે આપણે મહાકુંભના સ્નાનને ગર્વભેર ‘શાહી સ્નાન’ (Shahi Snan) કહીએ છીએ, પરંતુ તે વાસ્તવમાં આપણી પ્રાચીન ભાષા કે સંસ્કૃતિ છે જ નહીં.

    મહાકુંભમાં અનાદિકાળથી સ્નાનનું મહત્વ વિશેષ રહ્યું છે. ભારતમાં ઇસ્લામી શાસન સ્થપાયું તે પહેલાં પણ કુંભમાં સ્નાનની પરંપરા અકબંધ હતી અને સદીઓથી અસ્તિત્વમાં હતી. પરંતુ, તે સ્નાનને શા માટે ‘શાહી સ્નાન’ જ કહેવામાં આવે છે, તે એક ચર્ચાનો વિષય બની ગયો છે. ધર્મ સાથે જોડાયેલા અને જિજ્ઞાસુ માણસોને તે પ્રશ્નો સહજ રીતે થાય છે કે, હિંદુઓના આટલા વિશાળ મહાપર્વની સ્નાનની પરંપરાને શા માટે એક ઉર્દૂ શબ્દ દ્વારા ઓળખવામાં આવે છે? ઉર્દૂ ભાષાના જન્મ પહેલાં પણ કુંભમાં સ્નાનની પરંપરા અસ્તિત્વમાં હતી, તો તે સમયે તે સ્નાનને કયા નામની ઓળખવામાં આવતું હતું? આ બધા જ પ્રશ્નો વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ.

    અનાદિકાળથી જે હતું ‘રાજસી-અમૃત સ્નાન’ તે મુઘલકાળમાં બની ગયું ‘શાહી સ્નાન’!

    લોકોના મન, મસ્તિષ્કમાં ઊપજી રહેલા પ્રશ્નોના ઉત્તર માટે અમે પણ પ્રયાસો શરૂ કરી દીધા છે. અમે ‘શાહી સ્નાન’ના નામ વિશેનો ઇતિહાસ જાણવા પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન અમારી મુલાકાત સંસ્કૃત ભાષાના તજજ્ઞ શિક્ષક અને ક્લાસ-1 અધિકારી વિશાલભાઈ રાજ્યગુરુ સાથે થઈ હતી. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, મુઘલકાળ પહેલાં પણ કુંભ સ્નાન થતાં હતા અને તેનું વિશેષ મહત્વ પણ હતું. તેમણે જણાવ્યું કે, આપણે આજે જેને ‘શાહી સ્નાન’ કહીએ છીએ, તેમાં માત્ર ‘સ્નાન’ શબ્દ જ આપણી પ્રાચીન પરંપરા સાથે જોડાયેલો છે. તેમણે જણાવ્યું કે, ‘શાહી’ શબ્દ મુઘલોની દેન છે.

    - Advertisement -

    વાતચીત દરમિયાન તેમણે વધુમાં કહ્યું કે, મુઘલકાળ દરમિયાન ફારસી અને ઉર્દૂ ભાષાને વધારે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હતું. દેશના અન્ય ભાગોમાં પણ તેનો પ્રચાર કરીને આપણી મૂળ પરંપરા અને સંસ્કૃતિને દૂષિત કરવાના પ્રયાસો થયા હતા. તે જ સમયે કુંભના સ્નાનને પણ ઉર્દૂના શબ્દ ‘શાહી’ સાથે જોડવામાં આવ્યું હતું. શાહીનો સામાન્ય અર્થ થાય છે, રાજપરિવારનો ઠાઠ. પ્રાચીન સમયમાં નાગા સાધુઓ અને અઘોરીઓ તથા અન્ય સન્યાસીઓ હાથી, ઘોડા અને રથ સાથે કુંભ સ્નાન માટે પહોંચતા હતા. ત્યારે તેમનો ઠાઠ રાજા-મહારાજાઓ જેવો હતો, આ ઠાઠને ઉર્દૂમાં ‘શાહી’ તરીકે ઓળખવામાં આવે છે. તેથી મુઘલકાળ દરમિયાન કુંભ સ્નાનને ‘શાહી સ્નાન’ સાથે જોડી દેવામાં આવ્યું હતું.

    ધર્મસિંધુ ગ્રંથ

    વાતચીત દરમિયાન અમે પ્રશ્ન કર્યો હતો કે, મુઘલકાળના પ્રારંભીત તબક્કા દરમિયાન કે તે પહેલાં આ ‘શાહી સ્નાન’ને કયા નામથી ઓળખવામાં આવતું હતું. જેના જવાબમાં તેમણે કહ્યું કે, તે સમયે તે સ્નાન ‘અમૃત સ્નાન અથવા તો રાજસી સ્નાન’ તરીકે ઓળખાતું હતું. અમે આ બાબતનો સંદર્ભ માંગતા તેમણે સંસ્કૃત ગ્રંથ ‘ધર્મસિંધુ’નો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સ્નાનના નામનો ઉલ્લેખ ‘ધર્મસિંધુ’ ગ્રંથમાં મળી રહે છે.

    સંસ્કૃત ગ્રંથ ‘ધર્મસિંધુ’માં મળી રહે છે સંદર્ભ

    તજજ્ઞ સાથેની ચર્ચા બાદ અમે તે દિશામાં તપાસ કરી તો જાણવા મળ્યું કે, ‘ધર્મસિંધુ‘ ગ્રંથની રચના 17-18મી સદીમાં થઈ હતી. તે ગ્રંથની રચના કાશીનાથ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવી હતી. આ ગ્રંથનું અનેક ભાષાઓમાં ભાષાંતર પણ થયું હતું. આ પુસ્તક વિશેની માહિતી મેળવવા માટે અમે ગીતાપ્રેસ ગોરખપુરના ‘ધર્મશાસ્ત્રાંક’ પુસ્તકનો સંદર્ભ લીધો હતો.

    ધર્મશાસ્ત્રાંક પુસ્તક

    ‘ધર્મશાસ્ત્રાંક’ પુસ્તકના પૃષ્ઠ નંબર 423-24માં ‘ધર્મસિંધુ’ ગ્રંથ વિશેની માહિતી આપવામાં આવી છે. તેમાં જણાવાયું હતું કે, કાશીનાથ ઉપાધ્યાય દ્વારા લખાયેલું આ પુસ્તક પુરાણો, વેદો અને અન્ય હિંદુ ધર્મગ્રંથોના અધ્યયનના સારરૂપે પ્રકાશિત થયું હતું. તે પુસ્તકમાં તે સમયની હિંદુ સંસ્કૃતિ અને પરંપરાની સ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

    આ તમામ તપાસ બાદ જાણવા મળ્યું હતું કે, ‘ધર્મસિંધુ’ ગ્રંથ તે સમયનો વિશ્વાસુ અને અધિકૃત ગ્રંથ હતો. આ ગ્રંથમાં તે સમયના કુંભ સ્નાનને ‘અમૃત સ્નાન’ અથવા તો ‘રાજસી સ્નાન’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. એટલે એવું કહી શકાય કે, મુઘલકાળના કેટલાક વર્ષોના શાસન બાદ પણ ‘અમૃત સ્નાન’ અને ‘રાજસી સ્નાન’ જેવા શબ્દોનો પ્રયોગ થતો હતો. જે બાદ સમયાંતરે તેને ‘શાહી સ્નાન’ ગણાવી દેવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલાં તેને રાજસી કે અમૃત સ્નાન તરીકે ઓળખવામાં આવતું હતું.

    સાધુસંતોની ભલામણ બાદ યોગી સરકારે સ્થાપિત કરી મૂળ સનાતન પરંપરા

    મહાકુંભના સ્નાનને ‘શાહી સ્નાન’ ગણાવવામાં આવી રહ્યું હતું, તે બાબતનો વિરોધ સાધુસંતો વર્ષોથી કરી રહ્યા હતા. સનાતન ધર્મ સાથે જોડાયેલા અનેક અખાડાઓએ ‘શાહી સ્નાન’ શબ્દનો વિરોધ કર્યો હતો અને યોગી સરકારને નામ પરિવર્તિત કરવા માટેની ભલામણો કરી હતી. જેના આધાર પર યોગી સરકારે સાધુઓ પાસેથી સૂચનો પણ એકત્રિત કર્યા હતા. સાધુસંતોના સૂચનોમાં ‘અમૃત સ્નાન’ અને ‘રાજસી સ્નાન’ જેવા બે નામોની ભલામણ કરવામાં આવી હતી.

    જે બાદ યોગી સરકાર દ્વારા આ અંગે ઘણીબધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને ઐતિહાસિક બાબતોને ધ્યાને રાખીને ‘શાહી સ્નાન’નું નામ બદલી નાખવામાં આવ્યું હતું. યોગી સરકારે ‘શાહી સ્નાન’નું નામ બદલીને ‘અમૃત સ્નાન’ કરવાની ઘોષણા પણ કરી હતી. આમ, આ સમગ્ર ચર્ચા અને તપાસ બાદ એવું સામે આવી રહ્યું છે કે, પ્રાચીનકાળમાં ‘શાહી સ્નાન’ને ‘અમૃત સ્નાન’ અથવા તો ‘રાજસી સ્નાન’ તરીકે ઓળખવામાં આવતું હતું, જે બાદ મુઘલકાળ દરમિયાન તેની સાથે છેડછાડ કરવામાં આવી હતી અને હવે ફરીથી યોગી સરકારે તે ભવ્ય પરંપરાને સનાતન સંસ્કૃતિના મૂળ સુધી લઈ જવાનું કામ કર્યું છે. આ વિષય પર અમારી તપાસ હજુ પણ ચાલુ છે, જો વિશેષ માહિતી જાણવા મળશે તો અહેવાલને અપડેટ કરી દેવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં