15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ દિવસના પ્રસંગે વડા પ્રધાન મોદીએ ગુજરાતના નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં આવેલા પ્રાચીન દેવમોગરા મંદિરની મુલાકાત લીધી હતી અને દેવી દેવમોગરાનાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશનની સમીક્ષા કરીને વડા પ્રધાન દેવમોગરા પહોંચ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી. દેવમોગરા દેવી આદિવાસી સમુદાયનાં કુળદેવી તરીકે પૂજાય છે. આ ધામ માત્ર ધાર્મિક કેન્દ્ર જ નહીં, પરંતુ આદિવાસી વારસાનું જીવંત પ્રતિક પણ છે.
વડા પ્રધાન મોદીએ દેવી દેવમોગરાની પૂજા-અર્ચના કરી હતી અને આરતી પણ કરી હતી. આ સાથે તેમણે માતાજીને ધાન્ય પણ અર્પણ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તે ક્ષણના ફોટા પણ પોસ્ટ કર્યા છે અને દેશનાં કલ્યાણની પ્રાર્થના પણ કરી છે. આ લેખમાં આપણે દેવમોગરા ધામના પૌરાણિક અને પ્રાચીન ઇતિહાસને જાણવા પ્રયાસ કરીશું.
દેવમોગરા માતાની જય!
— Narendra Modi (@narendramodi) November 15, 2025
આજના જનજાતિય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિના પવિત્ર અવસરે દેવમોગરા માતાના મંદિરે દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
સૌ દેશવાસીઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને ઉન્નતિ માટે પ્રાર્થના કરી. pic.twitter.com/PToyHp5l2q
ક્યાં આવેલું છે મંદિર?
દેવમોગરા માતાજીનું મંદિર નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવમોગરા ગામમાં આવેલું છે. આ ગામ સાગબારાના મુખ્યમાર્ગથી માત્ર 21 કિમી દૂર છે અને રાજપીપળાથી તેનું અંતર 82 કિમીનું છે. સાતપુડા પર્વતમાળાના શાંત વાતાવરણમાં સ્થિત આ મંદિર નેપાળના પ્રખ્યાત પશુપતિનાથ મંદિર જેવી વિશિષ્ટ સ્થાપત્ય શૈલી ધરાવે છે. આ મંદિર પાંડોરી (યાહામોગી માતા) દેવીને સમર્પિત છે, જે આદિવાસી સમુદાયનાં કુળદેવી છે. તેમને ‘કણી-કંસરી’ (ધાન્યનાં દેવી) તરીકે પૂજવામાં આવે છે, જે આદિવાસીઓ માટે આજીવિકાનાં રક્ષક દેવી છે.
મંદિરમાં સ્વયંભૂ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે, જે આદિ-અનાદિ કાલથી ત્યાં બિરાજમાન છે. સ્થાનિક આદિવાસીઓની ગાઢ આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. સ્થાનિકો ધાન્ય અને અનાજ પણ માતાજીનાં ચરણોમાં સમર્પિત કરે છે અને એ જ ધાન્યને પ્રસાદ તરીકે પણ આરોગે છે.
પૌરાણિક ઇતિહાસ
દેવમોગરા માતાજીનો ઇતિહાસ આદિવાસી લોકકથાઓ અને પૌરાણિક કથાઓની ભરપૂર છે. આદિવાસી માન્યતા પ્રમાણે રાજા પાંઠાનાં (ભીલ જાતિના મુખ્ય દેવતા) પત્ની દેવમોગરા (યાહામોગી) છે. લંડનની યુનિવર્સિટીના જાણીતા વિદ્વાન ટીબી નાયકે તેમના 1956નાં પુસ્તક ‘ધ ભીલ્સ- અ સ્ટડી’માં આ કથાનો ઉલ્લેખ કર્યો છે. પુસ્તકમાં ઇતિહાસ વિશે માહિતી આપવામાં આવી છે. જે અનુસાર, પ્રાચીન કાળમાં મહારાષ્ટ્રના અક્કલકુવા (નંદુરબાર જિલ્લો) વિસ્તારમાં આદિવાસી રાજાઓ રાજ કરતા હતા.
રાજા પાંઠાનાં આઠ રાણીઓ પછી નવમાં રાણી તરીકે દેવમોગરા દેવી (રેલાનકેલા દેવી અને પાંગ્યાવંજીની પુત્રી) હતાં. પરંતુ રાજા પાંઠા તેમને પોતાના મહેલમાં લઈ જઈ શક્યા નહીં, કારણ કે અન્ય રાણીઓએ વિરોધ કર્યો. વનમાં ભટકતા-ભટકતા તેમણે દુષ્કાળ અને મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. ત્યારે દેવમોગરાએ આદિવાસીઓને બીજ સાચવવાનું, અનાજ પકવવાનું અને વ્યવસ્થિત જીવન જીવવાનું જ્ઞાન આપ્યું હતું, જેના કારણે તેમને દેવી તરીકે પૂજવામાં આવ્યાં.
એક કથા પ્રમાણે, હજારો વર્ષો પૂર્વે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, તેવા સમયે માતાજીએ દેવમોગરા ધામ પર સ્વયં વાસ કર્યો અને અનાજના ભંડાર ભરી દીધા. મંદિરની સ્થાપના વિશે કહેવાય છે કે સાગબારા રાજવંશના પૂર્વજ ચંપાજી વસાવાને દિવ્ય દર્શન થયાં હતાં. તેમણે એક ખડક હેઠળથી મૂર્તિ કાઢી અને મહાશિવરાત્રિએ તેને પ્રતિષ્ઠિત કરી, જેના કારણે તે રાજવંશનાં કુળદેવી બન્યાં હતાં. ચૌહાણ વંશના રાજા હિરોજીએ આશરે 1500 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના કરી હોવાનું માનવામાં આવે છે. વિદેશી આક્રમણના ભયથી મૂર્તિને પૃથ્વીમાં છુપાવી દેવામાં આવી હતી, જે પછી શિકાર દરમિયાન ફરી મળી હતી.
અન્ય એક કથા પણ આ મંદિર સાથે વણાયેલી છે. જેમાં કહેવાયું છે કે હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયાનક દુકાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે પ્રજાપાલક ગોર્યા કોઠારે અન્નનું વિતરણ શરૂ કર્યું હતું. જોકે સમય જતાં તેમના અન્નના ભંડાર પણ ખાલી થવા લાગ્યા હતા. આ કપરા સમયે માતાજીનાં પાલકપુત્રી યાહા પાંડોરીએ દયાભાવથી કણી-કંસરીનું (અન્નનું) રૂપ ધારણ કર્યું હતું અને પોતે અન્ન વિતરણનું કામ સંભાળી લીધું હતું.
કહેવાય છે કે તે દિવસથી આજ સુધી માતાજીના આ અન્ન ભંડાર ક્યારે ખૂટ્યા જ નથી. આદિ-અનાદિ કાળથી માતાજી સમગ્ર માનવજાત માટે અન્નપૂર્ણા ડેવી બનીને અહીં બિરાજમાન છે. અહીં આવનારા દરેક ભક્તને તેમના દુઃખ દૂર થવાની અને કલ્યાણની અનુભૂતિ થાય છે.
આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ
દેવમોગરા ધામ માત્ર મંદિર નથી, પરંતુ આદિવાસી વિશ્વાસ, પરંપરા અને સંસ્કૃતિનું જીવંત પ્રતીક છે. આધ્યાત્મિક મહત્વની વાત કરવામાં આવે તો માતાજીને ‘અનાજનાં દેવી’ તરીકે પૂજવામાં આવે છે. ભક્તો માને છે કે જે માણસ દુઃખી હૃદયે આવે છે, તે હસતા-હસતા પાછો ફરે છે. મંદિરના પૂજારી દ્વારા આશીર્વાદ અને પ્રાર્થના દ્વારા સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. સાંસ્કૃતિક મહત્વ પણ એટલું જ મજબૂત છે. દર વર્ષે મહાશિવરાત્રિ પર પાંચ દિવસનો દેવમોગરા મેળો યોજાય છે, જે ગુજરાતના 1521 વાર્ષિક મેળાઓમાંથી એક છે અને 280 આદિવાસી મેળાઓમાં પણ તેનો સમાવેશ થાય છે.
આ મેળામાં ગઢ યાત્રા (ઐતિહાસિક કિલ્લાની પ્રદક્ષિણા), લોકનૃત્ય, સંગીત, હોબ યાત્રા અને પ્રાકૃતિક કુંડમાં માતાજીનું સ્નાન થાય છે. વર્ષાની આગાહી માટે કાકળ વૃક્ષનાં પુષ્પનું નિરીક્ષણ થાય છે, જે તે વર્ષની પાકની આગાહી કરે છે. હોળી-ધુળેટી દરમિયાન ઘેરિયા (લોકકલાકારો) દ્વારા એક મહિનાની યાત્રા થાય છે. સામાજિક મહત્વની વાત કરવામાં આવે તો સાગબારા રાજવંશ દ્વારા આયોજિત આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનથી લાખો ભક્તો આવે છે અને આ ચાર રાજ્યોના આદિવાસીઓ પણ તેમને કુળદેવી તરીકે પૂજે છે. આ ધામની વિશેષતા એ છે કે અહીં એક જ મંદિરમાં ડાબી બાજુ શ્યામવર્ણી મહાકાળી માતાજીની મૂર્તિ પણ બિરાજમાન છે.
કેમ આદિવાસીઓ માટે મહત્વનું છે આ ધામ?
આદિવાસીઓ (ખાસ કરીને ભીલ, વસાવા અને અન્ય જનજાતિઓ) માટે દેવમોગરા ધામ જીવન અને આજીવિકાનું પ્રતીક છે. માતાજીને ‘યાહામોગી’ (માતા) કહીને બોલાવાય છે, જે તેમની ભાષામાં પ્રેમનું પ્રતીક છે. દુષ્કાળના સમયે માતાજીએ અનાજના ભંડાર ભરીને આદિવાસીઓને બચાવ્યા હતા, જેના કારણે તેઓ તેમને અનાજનાં દાતા માને છે. નવા પાક પહેલાં એક મહિનાનું વ્રત પણ રાખવામાં આવે છે.
આ ધામ સાતપુડા પર્વતવાસીઓનાં કુળદેવી છે, જે તેમની લોકકથાઓ, નૃત્ય અને પરંપરાઓને જીવંત રાખે છે. તેમાં રાજા પાંઠાનું સ્થાન પણ છે, જે આદિવાસી વારસાનું પ્રતીક છે. આજે પણ તે આદિવાસીઓ માટે આત્મવિશ્વાસ અને સંરક્ષણનું કેન્દ્ર છે. ચૌહાણ અને વસાવા રાજવંશ સાથે તેનો સંબંધ હોવાથી તે આદિવાસી રાજકીય વારસાનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
આ ઉપરાંત આ મંદિર હંમેશા ખુલ્લું રહે છે. જોકે, મેળા દરમિયાન ભીડ વધે છે. આસપાસ ચુલા સળગાવીને ભોજન કરવાની પરંપરા છે, જે આદિવાસી સંસ્કૃતિને જીવંત કરે છે. ટ્રસ્ટ દ્વારા પાણી, વિશ્રામગૃહ અને સુરક્ષા વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. નજીકમાં બાગળા નદી અને કુડા કુંડ પણ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. દેવમોગરા ધામ ભારતની વિવિધતાનું અનોખું ઉદાહરણ છે, જ્યાં પ્રાચીન વિશ્વાસ આધુનિક વિકાસ સાથે જોડાય છે. આ ધામ આપણને શીખવે છે કે વારસો અને પ્રગતિ એકબીજા વિના અધૂરા છે.


