ભારત સભ્યતાના વિકાસની પવિત્ર ભૂમિ છે. અહીં ઘણી મહાન સભ્યતાઓ અને સંસ્કૃતિઓ ઉદ્ભવી અને વિકાસ પામી. આ સાથે, અહીં શિલ્પકળા અને અન્ય કળાઓનો પણ વિકાસ થયો. અહીંના કુશળ કારીગરોએ એક પછી એક અદ્ભુત રચનાઓ બનાવી છે, જેમાં મંદિરો, ઇમારતો અને મઠો વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી એક ઈલોરાનું કૈલાશ મંદિર છે, જે ખડક કાપીને બનાવવામાં આવ્યું છે. કૈલાશ મંદિરની જેમ, મધ્યપ્રદેશના મંદસૌરમાં એક ખડક કાપીને એક મંદિર બનાવવામાં આવ્યું છે. તેને ધર્મરાજેશ્વર મંદિર (DharmRajeshwar Temple) કહેવામાં આવે છે.
ઈલોરાના મંદિરો અને ગુફાઓ સોલંકી ક્ષત્રિયોથી સંબંધિત ચાલુક્યોએ બનાવડાવ્યા હતા. જ્યારે, ધર્મરાજેશ્વર મંદિર અને ધમનારની આસપાસની ગુફાઓ પ્રતિહાર ક્ષત્રિય વંશના રાજાઓએ બનાવડાવી હતી હતી. ઇતિહાસકારો માને છે કે આ મંદિર 8મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. મંદિરના પ્રવેશદ્વાર પર મૂકવામાં આવેલી એક આદમ કદની પ્રતિમા પર 8મી-9મી સદીની બ્રાહ્મી લિપિમાં કોતરેલી શિલાલેખ છે.
ધર્મરાજેશ્વર મંદિર એક પહાડ કાપીને એક વિશાળ મંદિર અને તેના પરિસરના રૂપમાં બનાવવામાં આવ્યું હતું જે શિલ્પકળા ક્ષેત્રેની એક અજાયબી છે. આ ઉપરાંત તે એન્જિનિયરિંગનું પણ ઉત્તમ ઉદાહરણ છે. તેને મધ્યપ્રદેશનું અજંતા-ઈલોરા કહેવામાં આવે છે. માત્ર ધર્મરાજેશ્વર જ નહીં, પરંતુ ધમનાર સહિત આસપાસની 200 ગુફાઓ પણ અજંતાની બૌદ્ધ અને જૈન ગુફાઓની શૈલીમાં પહાડો કાપીને બનાવવામાં આવી છે.
Incase :- If You Think There Is Only One Rock – Cut Temple in Verul, Maharashtra …❣️
— Lost Temples™ (@LostTemple7) August 16, 2023
Then You Must Visit Dharmarajeshwara Temple.🙏
. pic.twitter.com/TrexMNXiv8
આ મંદિર ચંદવાસા ગામમાં આવેલું છે, જે મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લા મુખ્યાલયથી લગભગ 78 કિલોમીટર અને શામગઢ તાલુકાથી 22 કિલોમીટર દૂર છે. તેની આસપાસ લગભગ 3 કિલોમીટર સુધી જંગલ છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અનુસાર, ધર્મરાજેશ્વર મંદિર ઈલોરાના કૈલાશનાથ મંદિરની જેમ જ પથ્થરના પર્વતને ઉપરથી નીચે સુધી કોતરીને બનાવવામાં આવ્યું હતું. તે જમીનથી 9 મીટર નીચે છે.
વિષ્ણુ અને શિવ મંદિર
ધર્મરાજેશ્વર મુખ્ય મંદિરની આસપાસ સાત નાના મંદિરો છે. મંદિર સુધી પહોંચવા માટે 250 ફૂટ લાંબો રસ્તો બનાવવામાં આવ્યો છે. આ રસ્તો પણ પહાડોને કાપીને બનાવવામાં આવ્યો છે. મુખ્ય મંદિરમાં ભગવાન વિષ્ણુની ચાર ભુજાવાળી મૂર્તિ અને ગર્ભગૃહમાં શિવલિંગ છે. તેમાં કોતરેલા સ્તંભો પર એક મંડપ આવેલો છે. જ્યારે અન્ય નાના મંદિરોમાં વરાહ, દશાવતાર, શેષશાયી વિષ્ણુ અને પંચમહાદેવીની મૂર્તિઓ છે.
આ ઉપરાંત, મંદિરના પ્રાંગણમાં પાણી માટે એક નાનો કૂવો પણ ખોદવામાં આવ્યો છે. આ કૂવાનું પાણી ઠંડુ અને મીઠું છે. મંદિર બાજુથી પહેલા માળે જવા માટે જમણી અને ડાબી બાજુ સીડીઓ છે. પહેલા માળે, સાધુઓના ધ્યાન માટે પથ્થરો કોતરીને ગુફાઓ બનાવવામાં આવી છે. ઇતિહાસકારો માને છે કે ધમનાર ગુફાઓ બૌદ્ધ દર્શન પર આધારિત છે અને આ મંદિર સાથે તેનો વિશેષ સંબંધ છે.

કહેવાય છે કે બૌદ્ધ મઠનું પાછળથી વિષ્ણુ મંદિરમાં અને પછી શૈવ મંદિરમાં રૂપાંતરણ કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં એક શિવલિંગ પણ સ્થાપિત કરવામાં આવ્યું હતું. કેટલાક ઇતિહાસકારો માને છે કે આ મંદિર મૂળ રૂપે બૌદ્ધ મંદિર અથવા જૈન મંદિર હોઈ શકે છે. મોટાભાગના ઇતિહાસકારો તેને બૌદ્ધ મઠના પ્રચાર સ્થળ કહેછે. તથા તેમાં સ્થિત મૂર્તિઓ પણ આ જ તરફ ઈશારો કરે છે. બાદમાં તેને હિંદુ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવ્યું.
લગભગ 1415 મીટરમાં ફેલાયેલ આ મંદિરમાં ઘણી ગુફાઓ છે, જેમાં વિવિધ મુદ્રામાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ હજુ પણ સ્થિત છે. ઘણી જગ્યાએ દિવાલો પર તેમના ચિત્રો પણ કોતરેલા છે. ભગવાન બુદ્ધ ઉપરાંત, જૈન તીર્થંકરો ભગવાન ઋષભદેવ, ભગવાન નેમિનાથ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન શાંતિનાથ અને ભગવાન મહાવીરની પાંચ મૂર્તિઓ પણ આ ગુફાઓમાં સ્થિત છે.

બૌદ્ધ કાળ દરમિયાન ચંદવાસ ગામનું નામ ચંદન ગિરિ હતું. આ મંદિર અને ગુફાની સાથે ચંદન ગિરિ મહાવિહાર પણ હતું. ઇ.સ 1962માં ડૉ. વાકણકરને અહીં એક માટીની મહોર મળી હતી. તેનું નામ ચંદન ગિરિ મહાવિહાર સાથે મેળખાય છે. જેના આધારે, ઇતિહાસકારો કહે છે કે ચંદવાસનું પ્રાચીન નામ ચંદિન ગિરિ હતું.
ધાર્મિક માન્યતાઓ
એવું કહેવાય છે કે મહાશિવરાત્રિના દિવસે અહીં રાત્રિ રોકાણ કરવાથી મોક્ષ મળે છે. સૂર્યોદયની સાથે જ સૂર્યના કિરણો ગર્ભગૃહમાં રહેલા શિવલિંગ પર પડે છે. સ્થાનિક લોકો માને છે કે આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે જ સમયે, ઘણા ઇતિહાસકારો તેને જૈન અને બૌદ્ધ ધાર્મિક સ્થળ કહે છે. રાજેશ્વર મંદિરની નીચે ટેકરીના નીચલા છેડે લગભગ 200 નાની-મોટી ગુફાઓ છે. જેને અંગ્રેજી લેખક કર્નલ ટોડે સૌપ્રથમ શોધ્યું હોવાનું માનવામાં આવે છે.
લોકો માને છે કે મહાભારત કાળ દરમિયાન પાંડવોએ તેમના અજ્ઞાતવાસનો થોડો સમય અહીં વિતાવ્યો હતો. તે સમયગાળા દરમિયાન ભીમે આ મંદિર બનાવ્યું હતું. ભીમના મોટા ભાઈ યુધિષ્ઠિરને ધર્મરાજ પણ કહેવામાં આવતા હોવાથી, આ મંદિર ધર્મરાજેશ્વર મંદિર તરીકે જાણીતું બન્યું. એવું કહેવાય છે કે અહીં એક વિશાળ ગુફા છે, જે આ મંદિરથી ઉજ્જૈન સુધી ખુલે છે. પુરાતત્વ વિભાગે તેને બંધ કરી દીધી છે.
મંદિરમાં બનેલા નાના કૂવા અંગે પણ એક માન્યતા છે. સ્થાનિક લોકોમાં એવી માન્યતા છે કે આ કૂવાનું પાણી પીવાથી સાપ વગેરે જેવા ઝેરી જીવોનું ઝેર દૂર થાય છે. એટલું જ નહીં, જો કોઈ હડકાયો કૂતરો કરડે તો અહીંનું પાણી પીવા માટે આપવામાં આવે છે. તે પીવાથી હડકવા નથી થતો એવું લોકોનું માનવું છે. હડકવાથી પીડિત લોકોને પણ આ કૂવાનું પાણી આપવામાં આવે છે.
આ લેખ મૂળ હિન્દીમાં પ્રકાશિત થયેલ છે, મૂળ લેખ વાંચવા અહીં ક્લિક કરો.