15 ઑગસ્ટમાં રપક 79માં સ્વાતંત્ર્ય દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નેહરુ અને અયુબ ખાન વચ્ચે થયેલ સિંધુ જળ સંધિનો (Indus Water Treaty) ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ સંધિને એકતરફી અને અન્યાયી ગણાવી હતી. નોંધનીય છે કે પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે આ સંધિ સમાપ્ત કરી હતી. જોકે, PM મોદીએ લાલ કિલ્લા પરથી ઉલ્લેખ કર્યા બાદ આ સંધિ ફરીથી ચર્ચામાં આવી છે. ત્યારે આ મામલે એક એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં સંધિ થઈ એ સમયે સંસદમાં થયેલ ચર્ચાનો ઉલ્લેખ છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંધિ પર સંસદની મંજૂરી વિના જ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સિંધુ જળ સંધિ એ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર, 1960ના રોજ કરાચીમાં સહી થયેલો એક દ્વિપક્ષીય કરાર છે, જેની મધ્યસ્થી વિશ્વ બેન્કે કરી હતી. આ સંધિ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને સહી કરી હતી. આ સંધિનો હેતુ સિંધુ નદી તંત્રના પાણીના વિભાજનનો હતો. જેમાં પૂર્વની નદીઓ (રાવી, બિયાસ, સતલજ) ભારતને ફાળવવામાં આવી હતી. જેનો સરેરાશ વાર્ષિક પ્રવાહ 33.8 મિલિયન એકર-ફૂટ (MAF) હતો. જ્યારે પશ્ચિમની નદીઓ (સિંધુ, ઝેલમ, ચેનાબ) પાકિસ્તાનને ફાળવવામાં આવી, જેનો સરેરાશ વાર્ષિક પ્રવાહ 135.6 MAF છે.
ભારત પાકિસ્તાનમાં રિપ્લેસમેન્ટ કામો (જેમ કે, કેનાલ નિર્માણ) માટે ₹83 કરોડ પણ (સ્ટર્લિંગમાં) ચૂકવવાનું હતું. ભારતને પશ્ચિમની નદીઓના પાણીનો ઉપયોગ ઘરેલુ, સિંચાઈ અને જળવિદ્યુત ઉત્પાદન માટે મર્યાદિત રીતે કરવાની છૂટ હતી, પરંતુ ટેની સંગ્રહ ક્ષમતા માત્ર 3.6 MAF સુધી મર્યાદિત હતી. આ સંધિને નેહરુએ શાંતિ અને સહકારનું પ્રતીક ગણાવ્યું હતું, પરંતુ તેની શરતો અને પ્રક્રિયા પર ભારતમાં ભારે વિવાદ થયો હતો.
અહેવાલ અનુસાર, 30 નવેમ્બર, 1960ના રોજ, લોકસભાએ સિંધુ જળ સંધિ પર ચર્ચા કરી હતી. આ ચર્ચા જોતા લાગે છે કે આ સંધિને લઈને કોંગ્રેસના નેતાઓ વચ્ચે જ મતભેદ હતા અને આ સંધિને લઈને ભારતે ઘણું નુકસાન પણ ભોગવવું પડ્યું છે. અહેવાલમાં ઉલ્લેખ છે કે સંસદ કે વિપક્ષી નેતાઓને વિશ્વાસમાં લીધા વિના સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંસદે સંધિની ચર્ચા કરી ત્યાં સુધીમાં તો તેને મંજૂરી પણ આપી દેવામાં આવી હતી.
મહત્વની બાબત એ છે કે સંધિ પર 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સહી થઈ ગઈ હતી, જ્યારે સંસદને તેની ચર્ચા માટે 30 નવેમ્બર સુધી રાહ જોવી પડી. આ સમયે સંધિ પહેલેથી જ રેટિફાઈ થઈ ચૂકી હતી, જેના કારણે સાંસદોને લાગ્યું કે તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. આ નેહરુના કાર્યકાળની સૌથી મોટી ટીકાઓમાંની એક હતી. સાંસદોએ આ ઘટનાને ‘દેશનું વેચાણ’ (sell-out), ‘અન્યાયી’ અને ‘બીજા ભાગલા સમાન’ (second partition) ગણાવી હતી.
કોંગ્રેસના સાંસદોની ટીકા
હરીશ ચંદ્ર માથુર (કોંગ્રેસ, રાજસ્થાન): તેમણે રાજસ્થાનની ચિંતા વ્યક્ત કરી, જે સિંધુના પાણી પર નિર્ભર હતું. તેમણે સંધિને ભારતના હિતોની વિરુદ્ધ અને પાકિસ્તાનને ફાયદો આપનારી ગણાવી. તેમણે જણાવ્યું કે રાજસ્થાનને 5 મિલિયન એકર-ફૂટ પાણીની ખોટ વેઠવી પડશે, જેનાથી રાજ્યને વાર્ષિક ₹70-80 કરોડનું નુકસાન થશે.
અશોક મહેતા (કોંગ્રેસ): તેમણે સંધિને ‘બીજા ભાગલા સમાન’ ગણાવી અને નોંધ્યું કે પાકિસ્તાનને 80% પાણી અને ભારતને માત્ર 20% પાણી મળ્યું, જે અગાઉના 75:25ના પ્રસ્તાવ કરતાં પણ ખરાબ હતું. તેમણે નેહરુની ઉતાવળને ટાંકીને કહ્યું કે આવા નિર્ણયો દેશના હિતોને નુકસાન પહોંચાડે છે.
એ.સી. ગુહા (કોંગ્રેસ, બંગાળ): તેમણે આર્થિક અસંતુલન પર ધ્યાન દોર્યું, જણાવ્યું કે ભારતની 26 મિલિયન એકર જમીનમાંથી માત્ર 19% સિંચાઈ થાય છે, જ્યારે પાકિસ્તાનના 39 મિલિયન એકરમાં 54% સિંચાઈ થાય છે. ભારતને 40% પાણી મળવું જોઈએ, પરંતુ માત્ર 20% મળ્યું. તેમણે ₹83 કરોડની ચુકવણીને ‘મૂર્ખતાની પરાકાષ્ઠા’ ગણાવી હતી.
વાજપેયી સહિત વિપક્ષની ટીકા
અટલ બિહારી વાજપેયી (જનસંઘ, બલરામપુર): વાજપેયીએ સંધિને ‘ખતરનાક છૂટછાટ’ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાયમી મિત્રતા નહીં લાવે. તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાનના નિવેદનને ટાંક્યું, જેમાં તેમણે કહ્યું હતું કે ભારતે નદીઓનું ‘સંયુક્ત નિયંત્રણ’ સ્વીકાર્યું છે, જે ‘સંયુક્ત કબજા’નો સંકેત આપે છે. વાજપેયીએ સંસદને વિશ્વાસમાં ન લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આવા નિર્ણયો રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રને અસર કરે છે.
સુરેન્દ્ર મોહંતી (ઓલ ઇન્ડિયા ગણતંત્ર પરિષદ): તેમણે સંસદમાં નેહરુની હાજરીની માંગ કરી, જણાવ્યું કે સહી કરનાર તરીકે તેમણે જ આ સંધિનું સમર્થન કરવું જોઈએ.
બ્રજરાજ સિંઘ (અપક્ષ, ફિરોઝાબાદ): તેમણે સંધિને ભારતના ગૌરવનું વેચાણ ગણાવ્યું અને નોંધ્યું કે સંસદને રેટિફિકેશન વિશે પણ જાણ કરવામાં આવી ન હતી.
કે.ટી.કે. ટંગામણિ (કોમ્યુનિસ્ટ પાર્ટી): તેમણે સંસદને વિશ્વાસમાં ન લેવાની ટીકા કરી, જણાવ્યું કે 9 સપ્ટેમ્બર સુધી સંસદનું સત્ર ચાલુ હતું, તો 19 સપ્ટેમ્બરે હસ્તાક્ષર પહેલાં ચર્ચા થઈ શકી હોત.
અન્ય સાંસદોની દલીલ
સાંસદોએ દલીલ કરી હતી કે ભારત, જે ઉપરનો નદીકાંઠો ધરાવે છે, તેને વધુ પાણી મળવું જોઈએ, ખાસ કરીને રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને. ભારતે પાકિસ્તાનને ₹83 કરોડ (આજના મૂલ્યમાં હજારો કરોડ) ચૂકવવાના હતા, જે ભારતની વિદેશી હૂંડીની કટોકટીના સમયે ભારે ટીકાનું કારણ બન્યું. સાંસદોએ દલીલ કરી કે આ રકમ ભારતના ખેડૂતો અને રાજ્યોના વિકાસ માટે વાપરી શકાઈ હોત.
કેટલાક સાંસદોએ નોંધ્યું કે સંધિમાં કાશ્મીર મુદ્દાને સામેલ કરવામાં આવ્યો નથી. જો પાકિસ્તાનને પાણીની ખાતરી આપવામાં આવી તો કાશ્મીર મુદ્દો હલ થવો જોઈએ, પરંતુ એવું થયું નહીં. સંધિ પર સહી થયા બાદ સંસદમાં ચર્ચા થઈ, જેનો કોઈ પ્રભાવ ન પડ્યો, કારણ કે નિર્ણય પહેલાં જ લેવાઈ ચૂક્યો હતો. આને સંસદની અવગણના તરીકે જોવામાં આવવું જોઈએ.
નેહરુનો વ્યર્થ બચાવ
બીજી તરફ આટલા વિરોધ છતાં પણ નેહરુના સૂર બદલાયા નહોતા. નેહરુએ સંધિને ‘ભારત માટે સારી’ ગણાવી અને ‘બીજા ભાગલા’ જેવા આરોપોને ‘અર્થહીન’ ગણાવ્યા. તેમણે દલીલ કરી હતી કે આંતરરાષ્ટ્રીય સંધિઓ માટે સંસદની સતત મંજૂરી શક્ય નથી, કારણ કે તેમાં ‘દસ વર્ષની લાંબી વાટાઘાટો અને કાગળોના પહાડો’ સામેલ હતા.
તેમણે જણાવ્યું કે ભારતે પાકિસ્તાનને ₹83 કરોડ ચૂકવીને ‘શાંતિ અને સમાધાન ખરીદ્યું’ હતું. જોકે, 5 સંધિ પર હસ્તાક્ષરના 5 વર્ષ બાદ 1965માં જ પાકિસ્તાને ‘શાંતિ અને સમાધાન’ બતાવી દીધું હતું. નેહરુએ ચેતવણી આપી કે સંધિ ન થઈ હોત તો પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) નાશ પામ્યું હોત, જે ઉપખંડની સ્થિરતા માટે જોખમી હોત. નેહરુએ વિશાળ દ્રષ્ટિકોણ અપનાવવાની અપીલ કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્રોના સંબંધોમાં સંકુચિત દૃષ્ટિકોણ ન અપનાવવો જોઈએ.
ચર્ચાનું પરિણામ
ચર્ચા બાદ કોઈ મતદાન થયું નહીં, કારણ કે સંધિ પહેલાંથી જ રેટિફાઈ થઈ ચૂકી હતી. સાંસદોમાં નેહરુની નીતિઓ પ્રત્યે અસંતોષ રહ્યો અને વાજપેયીએ નોંધ્યું કે મોટાભાગના સાંસદો હજુ પણ સંધિના હેતુને સમજી શક્યા નહોતા. આ ચર્ચામાં સત્તાપક્ષ અને વિપક્ષના સાંસદોમાં નેહરુની ટીકા કરવામાં દુર્લભ એકતા જોવા મળી, જે નેહરુની નીતિઓને ‘લિબરલ’ અને ‘પાકિસ્તાનના તુષ્ટીકરણ’ તરીકે જોતા હતા.
મહત્વની બાબત એ છે કે જે ‘શાંતિ અને સમાધાન’ મેળવવાના કારણે નેહરુએ આ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા એ હજુ સુધી દેશને મળી શક્યા નથી. 1960માં હસ્તાક્ષર થયા અને 5 વર્ષ પછી 1965માં પાકિસ્તાને ભારત પર હુમલો કરી દીધો હતો. ત્યારપછી પણ 1971 અને 1999માં પણ યુદ્ધ થયા હતા. આ સિવાય પાકિસ્તાન તરફથી આતંકી પ્રવૃત્તિઓ અને સરહદી ઘૂસણખોરી હજુ પણ ચાલુ જ છે. પીએમ મોદીએ 2016માં ઉરી હુમલા બાદ કહ્યું હતું કે ‘રક્ત અને પાણી એક સાથે વહી શકે નહીં’. 2025માં પહલગામ હુમલાએ આ વિચારને વેગ આપ્યો અને સંધિ રદ કરવામાં આવી.
સિંધુ જળ સંધિ 1960માં સંસદની ઔપચારિક મંજૂરી વિના સહી થઈ, જેના કારણે નેહરુને તેમના પોતાના પક્ષના સાંસદો અને વિપક્ષ દ્વારા તીવ્ર ટીકાનો સામનો કરવો પડ્યો. સંધિની શરતો, ખાસ કરીને 80:20નું પાણીનું વિભાજન અને ₹83 કરોડ રૂપિયાની ચુકવણી, ભારતના હિતોની વિરુદ્ધ ગણાઈ. 2025માં પહલગામ આતંકી હુમલા બાદ ભારતે આ સંધિને સ્થગિત કરી, જે નેહરુની નીતિઓની ટીકાને ફરી જન્મ આપે છે. આ નિર્ણયથી ભારત પશ્ચિમની નદીઓનો વધુ ઉપયોગ કરી શકશે.


