Saturday, April 4, 2026
More
    હોમપેજદેશપૂર્વોત્તરના જે યોદ્ધાથી જીવ બચાવીને ભાગ્યો હતો ખિલજી, તે હિંદુ શાસકના નામથી...

    પૂર્વોત્તરના જે યોદ્ધાથી જીવ બચાવીને ભાગ્યો હતો ખિલજી, તે હિંદુ શાસકના નામથી ઓળખાશે ગુવાહાટીનો સૌથી મોટો ફ્લાયઓવર: વાંચો મહારાજા પૃથુ વિશે

    મહારાજ પૃથુ, જેમને વિશ્વરૂપ, પૃથવીરાજ અથવા વીર પૃથુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ 13મી સદીમાં આસામના કામરૂપ રાજ્યના શક્તિશાળી હિંદુ શાસક હતા. તેમણે 1206-07ની આસપાસ બખ્તિયાર ખિલજી, એક તુર્કી-અફઘાન સેનાપતિ અને દિલ્હી સલ્તનતના શાસક સામે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.

    - Advertisement -

    આસામની (Asaam) હિમંતા બિસ્વા સરમાના (Himanta Biswa Sarma) નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર દ્વારા ગુવાહાટીના સૌથી લાંબા ફ્લાયઓવરનું નામ મહારાજ પૃથુ ફ્લાયઓવર રાખવામાં આવ્યું છે, જે આસામના ઇતિહાસના એક ભૂલાયેલા નાયકની શૂરવીરતાને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ છે. આ ફ્લાયઓવર શહેરના ટ્રાફિકને સરળ બનાવવા માટે નિર્મિત છે, તે મહારાજ પૃથુના પરાક્રમ અને આસામની સાંસ્કૃતિક વિરાસતનું પ્રતીક બની રહેશે. આ નિર્ણયથી આસામના લોકોમાં તેમના ગૌરવશાળી ઇતિહાસ પ્રત્યે જાગૃતિ આવી છે અને નવી પેઢીને તેમના આ શૂરવીર રાજાની વીરગાથા જાણવાનો અવસર મળ્યો છે.

    આ અંગે આસામના CM હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે, “આપણા નાયકોનું સન્માન. આ સ્વતંત્રતાદિને મને એ જણાવતા આનંદ થાય છે કે અમે આગામી નૂનમતી-દિઘાલીપુખુરી ફ્લાયઓવરનું નામ ‘મહારાજા પૃથુ ફ્લાયઓવર’ રાખીશું, જેથી તેમની વીરતાને માન્યતા આપી શકાય અને આગામી પેઢીમાં તેમની બહાદુરીને પ્રોત્સાહન આપી શકાય.”

    મહારાજ પૃથુ, જેમને વિશ્વરૂપ, પૃથવીરાજ અથવા વીર પૃથુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ 13મી સદીમાં આસામના કામરૂપ રાજ્યના શક્તિશાળી હિંદુ શાસક હતા. તેમણે 1206-07ની આસપાસ બખ્તિયાર ખિલજી, એક તુર્કી-અફઘાન સેનાપતિ અને દિલ્હી સલ્તનતના શાસક સામે ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો. ખિલજીએ બંગાળ અને બિહારના ભાગો જીતી લીધા બાદ કામરૂપ રાજ્ય પર આક્રમણ કર્યું હતું, જેનો ઉદ્દેશ આસામને જીતીને તિબેટ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાનો હતો. જોકે, મહારાજ પૃથુની શૌર્યપૂર્ણ યુદ્ધનીતિ અને સ્થાનિક ભૂપ્રદેશના જ્ઞાને ખિલજીની સેનાને નિષ્ફળ બનાવી દીધી.

    - Advertisement -

    મહારાજ પૃથુનો સમગ્ર ઇતિહાસ

    પૃથુનો પરિચય અને પૃષ્ઠભૂમિ

    મહારાજ પૃથુ 1185થી 1228 દરમિયાન કામરૂપ રાજ્યના શાસક હતા. કામરૂપ રાજ્ય, જે આજના આસામ, મેઘાલય અને બાંગ્લાદેશના કેટલાક ભાગોને આવરી લેતું હતું. તે પ્રાચીન ભારતનું એક મહત્વનું હિંદુ રાજ્ય હતું. પૃથુ કામરૂપના શાસકોના વંશમાંથી આવતા હતા અને તેમનું શાસન આસામના ઇતિહાસમાં સુવર્ણકાળ તરીકે ગણવામાં આવે છે. તેઓ એક ન્યાયી, ધર્મનિષ્ઠ અને શૂરવીર રાજા હતા, જેમણે પોતાના રાજ્યને આક્રમણકારો સામે રક્ષણ આપવા માટે અથાક પ્રયાસો કર્યા હતા. તેમના શાસન દરમિયાન તેમણે હિંદુ ધર્મ, સ્થાનિક સંસ્કૃતિ અને આદિવાસી સમુદાયોની એકતાને પ્રોત્સાહન આપ્યું હતું.

    બખ્તિયાર ખિલજીનું આક્રમણ

    13મી સદીની શરૂઆતમાં બખ્તિયાર ખીલજી દિલ્હી સલ્તનતનો સેનાપતિ હતો. ઇતિહાસ મુજબ નાલંદા વિદ્યાપીઠને સળગાવ્યા બાદ અને 10,000થી વધુ બૌદ્ધ સાધુઓની હત્યા કર્યા પછી, મુહમ્મદ બિન બખ્તિયાર ખિલજીએ લડાઈ વિના બંગાળ પર કબજો કર્યો. તેણે 1204-05માં બંગાળ અને બિહારના ભાગો જીતી લીધા હતા અને તેની નજર ઉત્તર-પૂર્વ ભારતના સમૃદ્ધ કામરૂપ રાજ્ય પર હતી. તેણે 1206માં તિબેટ પર આક્રમણ કરીને બૌદ્ધ મઠોના ખજાના લૂંટવાની યોજના બનાવી. તે દક્ષિણપૂર્વ એશિયા સાથેના પરંપરાગત વેપાર માર્ગને પણ કબજે કરવા માંગતો હતો, જે કામરૂપ અને સિક્કિમમાંથી પસાર થતો હતો.

    1206-07માં ખિલજીએ લગભગ 12,000 ઘોડેસવારો અને 12,000ની સેના સાથે બ્રહ્મપુત્ર નદીના કિનારે આવીને કામરૂપ પર આક્રમણ કરવાનું નક્કી કર્યું. તેનો ઉદ્દેશ કામરૂપને જીતીને તિબેટ અને ચીન સુધી પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો હતો. આ દરમિયાન તેણે એક માણસ શોધી કાઢ્યો, જે તેને ભૂટાન અને પછી કામરૂપ થઈને રસ્તો બતાવી શકે. આ દરમિયાન ખિલજીને ગાઈડ મેચ નામનો માણસ મળ્યો, જેનું તેણે ઇસ્લામમાં ધર્માંતરણ કરાવી દીધું હતું. જોકે, આસામની ભૌગોલિક પરિસ્થિતિઓ—ઘટાટોપ જંગલો, પર્વતો અને નદીઓ તથા અને મહારાજ પૃથુની યુદ્ધનીતિએ તેના ઈરાદાઓને નિષ્ફળ બનાવ્યા.

    મહારાજ પૃથુની ગેરિલા યુદ્ધ નીતિ

    ખિલજી હાલના સીલગુડી નજીક પડાવ નાખીને બેઠો હતો. જોકે, તિબેટી ગેરિલાદળોએ તેમને પહાડોની વચ્ચે ચારે બાજુથી ઘેરી લીધો અને તેના પર હુમલો કરી દીધો. આ દરમિયાન ચોમાસાની ઋતુ હતી તેથી વરસાદ શરૂ થઈ ગયો હતો અને ખિલજીની સેનાનો માર્ગ અવરોધિત થઈ ગયો હતો. જેના કારણે તેમની પાસે પરત ફરવાનો વિકલ્પ પણ નહોતો. આ દરમિયાન ઘણા સૈનિકો રોગથી મૃત્યુ પામ્યા. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે બખ્તિયાર ખિલજીના માણસોએ ખાવા માટે તેમના ઘોડા મારી નાખ્યા હતા. તે જ માર્ગે પાછા ફરવામાં અસમર્થ, ખિલજીએ કામરૂપ થઈને પાછા ફરવાનું નક્કી કર્યું.

    રાજા પૃથુ આ ઘટનાક્રમથી વાકેફ હતા. કારણ કે તેમના જાસૂસો નિયમિતપણે માહિતી પૂરી પાડતા હતા. તેમને ડર હતો કે આક્રમણકારો તેમના રાજ્યને લૂંટીને તેમનો પુરવઠો ભરશે. તેથી તેઓ ઇસ્લામી આક્રમણકારો પર હુમલો કરવાની તક શોધી રહ્યા હતા. ખિલજી પોતાના રાજ્યમાંથી પાછા ફરવાની યોજના બનાવી રહ્યો છે તે જાણ્યા પછી, તેમણે આક્રમણકારી સેનાને તીસ્તા નદી અને બ્રહ્મપુત્ર નદીના સંગમ પર આકર્ષિત કરવાનું નક્કી કર્યું. કામરૂપ રાજાએ તે પ્રદેશના આદિવાસી દળોને પણ પોતાની સેનામાં જોડાવા માટે ભેગા કર્યા હતા.

    ખિલજીનો પરાજય

    જ્યારે ખિલજી અને તેની સેના કામરૂપમાં પ્રવેશી કે તરત જ પૃથુએ તેને હરાવવા માટે ઇસ્લામી સૈન્ય દ્વારા ઓળંગાયેલા પુલોનો નાશ કર્યો, જેના કારણે તેઓ પીછેહઠ કરી શક્યા નહીં. કામરૂપી સૈન્યએ સમગ્ર માર્ગ બાળી નાખ્યો, જેના કારણે આક્રમણકારોને ખોરાક અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ મળી શક્તિ નહોતી. ત્યારબાદ કામરૂપ સૈન્યએ બખ્તિયારની સેના પર ચારે બાજુથી હુમલો કર્યો અને તેમને ખરાબ રીતે હરાવીને ઐતિહાસિક વિજય પ્રાપ્ત કર્યો. આ વિજયને દર 27 માર્ચના રોજ આસામમાં મહાવિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે આસામના ઇતિહાસમાં એક મહત્વનો દિવસ છે.

    આ યુદ્ધમાં ખિલજીની હાર તો થઈ પરંતુ તે જીવિત બચી અને તેના વધેલા-ઘટેલા સૈનિકો સાથે પરત થઈ ગયો. આ વિનાશક હારથી તૂર્કી આક્રાંતાનું પતન થયું. તેણે નવા પ્રદેશો જીતવાનો ઉત્સાહ ગુમાવી દીધો અને ક્યારેય બીજી ઝુંબેશનું નેતૃત્વ કર્યું નહીં. સલ્તનત માટે તે નકામો બની ગયો, તેથી આખરે તેના જ સેનાપતિ અલી મર્દાન ખિલજીએ તેની હત્યા કરી નાખવામાં આવી.

    મહત્વની બાબત એ છે કે મહારાજા પૃથુએ માત્ર ખિલજીને જ હરાવ્યો એવું નહોતું. રાજા પૃથુના અંતિમ વર્ષોમાં તેમના દિલ્હી સલ્તન સાથે ઘણા યુદ્ધો થયા હતા. 1228માં તેમણે ઇલ્તુત્મિશના પુત્ર નાસિર-ઉદ-દીન મહમૂદનો સામનો કર્યો હતો. શરણાગતિ સ્વીકારવા તૈયાર ન હોવાથી પૃથુએ તેના કિલ્લાની અંદર જ પાણીની ટાંકીમાં કૂદીને જીવ દીધો હોવાનું કહેવાય છે.

    પૃથુનું શાસન અને યોગદાન

    મહારાજ પૃથુ માત્ર એક શૂરવીર યોદ્ધા નહોતા, પરંતુ એક દૂરંદેશી અને ન્યાયી શાસક પણ હતા. તેમના શાસન દરમિયાન, કામરૂપ રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. તેમણે હિંદુ ધર્મ અને સ્થાનિક સંસ્કૃતિનું રક્ષણ કર્યું અને આદિવાસી સમુદાયો સાથે ગાઢ સંબંધો જાળવ્યા. તેમના શાસનમાં કલા, સાહિત્ય અને સ્થાપત્યનો વિકાસ થયો, જેમાં કામાખ્યા મંદિર જેવા ધાર્મિક સ્થળોનું રક્ષણ મહત્વનું હતું. પૃથુએ પોતાના રાજ્યમાં વિવિધ જાતિઓ અને સમુદાયોને એક કરીને રાજ્યની એકતા અને શક્તિને વધારી.

    મહારાજ પૃથુનો વિજય એ માત્ર આસામના ઇતિહાસનો એક ભાગ નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના રક્ષણનું પ્રતીક છે. તેમની વીરતાએ ઉત્તર-પૂર્વ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું અને સ્થાનિક સંસ્કૃતિને જાળવી રાખી. જોકે, આધુનિક ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં તેમનું નામ બહુ ઓછું ઉલ્લેખાયું છે, જેના કારણે તેમની વીરગાથા ઘણા સમય સુધી ભૂલાઈ ગઈ હતી. પરંતુ, તાજેતરના વર્ષોમાં મહાવિજય દિવસની ઉજવણી અને ગુવાહાટીના ફ્લાયઓવરના નામકરણ જેવા પ્રયાસોએ તેમના યોગદાનને ફરીથી પ્રકાશમાં લાવ્યું છે.

    મહારાજ પૃથુની વીરગાથા એક પ્રેરણાસ્ત્રોત

    આજે મહારાજ પૃથુની વીરગાથા આસામના લોકોમાં ગર્વ અને પ્રેરણાનો સ્ત્રોત બની રહી છે. ગુવાહાટીના ફ્લાયઓવરનું નામ તેમના નામ પર રાખવું એ એક પ્રતીકાત્મક પગલું છે, જે નવી પેઢીને તેમના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડે છે. આ ઉપરાંત મહાવિજય દિવસની ઉજવણી દ્વારા આસામના લોકો પૃથુના પરાક્રમને યાદ કરે છે અને તેમની શૂરવીરતાને શ્રદ્ધાંજલિ આપે છે. આ દિવસે લોકો એકઠા થઈને તેમની વીરગાથાઓની ચર્ચા કરે છે અને સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ કરે છે.

    મહારાજ પૃથુ એ આસામના એવા વીર નાયક હતા, જેમણે પોતાના શૌર્ય બુદ્ધિમત્તા, અને રણનીતિથી બખ્તિયાર ખિલજી જેવા શક્તિશાળી આક્રાંતાને હરાવીને કામરૂપ રાજ્યનું રક્ષણ કર્યું. તેમનું જીવન ન્યાય, ધર્મ, અને શૌર્યનું પ્રતીક છે. ગુવાહાટીના ફ્લાયઓવરનું નામ તેમના નામ પર રાખવું એ તેમના યશસ્વી ઇતિહાસને યાદ કરવાનો એક સુંદર પ્રયાસ છે. આજે જ્યારે આસામ અને ભારત આધુનિકતા તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે મહારાજ પૃથુ જેવા નાયકોની વીરગાથાઓ આપણને આપણી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે ગર્વ અનુભવવાની પ્રેરણા આપે છે. આ લેખ દ્વારા, અમે મહારાજ પૃથુની વીરગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે, જેથી આ ભૂલાયેલા નાયકનું યોગદાન યાદ રહે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં