Tuesday, July 23, 2024
More
  હોમપેજદેશ'ભાજપના સંકલ્પ પત્રમાં યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ': PM મોદીએ લૉન્ચ કર્યું...

  ‘ભાજપના સંકલ્પ પત્રમાં યુવા ભારતની યુવા આકાંક્ષાઓનું પ્રતિબિંબ’: PM મોદીએ લૉન્ચ કર્યું પાર્ટીનું ઘોષણાપત્ર, કહ્યું- અમારા માટે પક્ષથી મોટો દેશ

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "અમારો ફોકસ ડિગ્નિટી ઑફ લાઈફ, ક્વાલિટી ઑફ લાઈફ, રોકાણથી નોકરી પર છે. સંકલ્પ પત્રમાં ક્વાંટિટી ઑફ ઓપર્ચ્યુનિટી અને ક્વાલિટી ઑફ ઓપર્ચ્યુનિટી પર ફોકસ છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને હાઈ વેલ્યૂ સર્વિસેસ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ."

  - Advertisement -

  લોકસભા ચૂંટણીને લઈને હવે અંતિમ તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે ભાજપે આ ચૂંટણીને ધ્યાનમાં લઈને રવિવારે (14 એપ્રિલ) પોતાનું સંકલ્પ પત્ર લૉન્ચ કર્યું છે. દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ખાતે મેનિફેસ્ટો રજૂ કરતાં સમયે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે સભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન જ વડાપ્રધાન મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંકલ્પ પત્રનું લોકાર્પણ પણ કર્યું હતું. લોકાર્પણ બાદ PM મોદીએ સંબોધન પણ કર્યું હતું.

  રવિવારે (14 એપ્રિલ, 2024) ભાજપે દિલ્હી ખાતે લોકસભા ચૂંટણીને લઈને પોતાનું સંકલ્પ પત્ર લૉન્ચ કર્યું છે. આ દરમિયાન વડાપ્રધાને કેટલાક વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સંકલ્પ પત્ર એનાયત કર્યું હતું. તે બાદ ભાજપ દ્વારા બનાવવામાં આવેલી વડાપ્રધાન મોદી પરની રિલ પણ સભામાં દર્શાવવામાં આવી હતી. તે પછી PM મોદીએ સંકલ્પ પત્ર પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, “આજે ખૂબ જ શુભ દિવસ છે. દેશનાં કેટલાંક રાજ્યોમાં આ સમયે નવવર્ષનો ઉત્સાહ છે. બંગાળમાં કોયલા વૈશાખનો આનંદ છે. આસામમાં વૈશાખીનો આનંદ છે.” આ સાથે જ તેમણે અન્ય રાજ્યોમાં ચાલી રહેલા ઉત્સવોનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પર તેમને નમન પણ કર્યાં.

  તેમણે કહ્યું કે, “આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે તમામ લોકો મા કાત્યાયનીની પૂજા કરે છે અને મા કાત્યાયનીએ પોતાની બંને ભુજાઓમાં કમળ ધારણ કર્યું છે. આ સંયોગ પણ ખૂબ મોટો આશીર્વાદ છે.” તેમણે કહ્યું કે, “આખો દેશ ભાજપના સંકલ્પ પત્રની રાહ જોઈ રહ્યો છે. તેનું સૌથી મોટું કારણ છે, 10 વર્ષોમાં ભાજપે પોતાના સંકલ્પ પત્રના દરેક બિંદુને ગેરેન્ટી તરીકે જમીન પર ઉતાર્યા છે. આ સંકલ્પ પત્ર વિકસિત ભારતના ચાર મહત્વના સ્તંભો, યુવાશક્તિ, નારીશક્તિ, ગરીબ અને ખેડૂતોને સશક્ત કરે છે” આ સાથે તેમણે કહ્યું કે, “ભાજપના સંકલ્પ પત્રમાં યુવા ભારતની યુવા આકાંક્ષાનોનું પ્રતિબિંબ છે. ભાજપ સરકારે છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી કાઢીને સિદ્ધ કર્યું છે કે, અમે પરિણામ લાવવા માટે કામ કરીએ છીએ. પરંતુ કામ ત્યાં અટકતું નથી.”

  - Advertisement -

  ‘અમારો ફોકસ ડિગ્નિટી ઑફ લાઈફ, ક્વાલિટી ઑફ લાઈફ’

  વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમારો ફોકસ ડિગ્નિટી ઑફ લાઈફ, ક્વાલિટી ઑફ લાઈફ, રોકાણથી નોકરી પર છે. સંકલ્પ પત્રમાં ક્વાંટિટી ઑફ ઓપર્ચ્યુનિટી અને ક્વાલિટી ઑફ ઓપર્ચ્યુનિટી પર ફોકસ છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપીને હાઈ વેલ્યૂ સર્વિસેસ પર ધ્યાન આપવા જઈ રહ્યા છીએ.” આ સાથે તેમણે કહ્યું કે, “ભાજપે ગરીબ કલ્યાણની ઘણી યોજનાઓના વિસ્તારનો સંકલ્પ લીધો છે. મોદીની ગેરેન્ટી છે કે, મફત રાશનની યોજના આવનારા 5 વર્ષ સુધી ચાલુ રહેશે. અમે નિશ્ચિત કરીશું કે, ગરીબના ભોજનની થાળી પોષણયુક્ત હોય. તેમના મનને સંતોષ આપનાર હોય, સસ્તી પણ હોય.”

  ’70 વર્ષની ઉંમરથી વધુ વયના દરેક વૃદ્ધને આયુષ્યમાન યોજનાના દાયરામાં લાવવામાં આવશે’

  PM મોદીએ કહ્યું કે, “મોદીની ગેરેન્ટી છે કે, જન ઔષધિ કેન્દ્રો પર 80 ટકા ડિસ્કાઉન્ટ સાથે સસ્તી દવાઓ મળતી રહેશે. તેનો વિસ્તાર પણ કરવામાં આવશે. ગેરેન્ટી છે કે, આયુષ્યમાન ભારત હેઠળ 5 લાખ રૂપીઆ સુધીની સારવાર મળતી રહેશે. ભાજપે એક મોટો નિર્ણય લીધો છે, તે 70 વર્ષની ઉંમર કરતાં વધુ વયના તમામ વૃદ્ધો સાથે જોડાયેલો છે. જે વૃદ્ધ છે, તેમને ચિંતા રહે છે કે, બીમારીની સ્થિતિમાં તેમની સારવાર કઈ રીતે થશે. મધ્યમવર્ગને તેની વધુ ચિંતા હોય છે. 70 વર્ષની ઉંમર કરતાં વધુ વયના તમામ વૃદ્ધોને આયુષ્યમાન યોજનાના દાયરામાં લાવવામાં આવશે.”

  આ સાથે તેમણે કહ્યું કે, ગરીબોને 4 કરોડ પાકાં મકાનો મળ્યાં છે. પરિવારોનો વિસ્તાર પણ થતો રહે છે. એક ઘરમાંથી બે ઘર પણ થઈ રહ્યાં છે. તેવા સમયે નવા ઘરની સંભાવના પણ હોય છે. તે પરિવારોની ચિંતા કરીને સરકાર 3 કરોડ નવાં ઘરો પણ બનાવશે. આ સાથે જ વડાપ્રધાને કહ્યું છે કે, તેઓ પાઇપ વડે રસોઈ ગેસને ઘર-ઘર સુધી પહોંચાડવાનું કાર્ય કરશે. આ ઉપરાંત તેમણે મુદ્રા યોજના હેઠળ લોનની સીમા 20 લાખ સુધી વધારવાની જાહેરાત પણ કરી છે. એ સિવાય એક રાષ્ટ્ર, એક ચૂંટણી અને સામાન્ય મતદાર યાદી પ્રણાલી પણ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

  અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો

  PM મોદીએ સંબોધન દરમિયાન અન્ય પણ ઘણી જાહેરાતો કરી છે. જેમાં સ્વનિધિ યોજનાનો વિસ્તાર કરવો, દિવ્યાંગોને PM આવાસમાં પ્રાથમિકતા આપવી, નમો ડ્રોન દીદી યોજનાનો વિસ્તાર કરવો, મહિલા ખેલાડીઓને રમતોમાં આગળ વધવા માટે વિશેષ પ્રોગ્રામ, કિસાન સન્માન નિધિ યોજનાનો વિસ્તાર વગેરોનો સમાવેશ થાય છે. આ સાથે વડાપ્રધાને કહ્યું કે, ભાજપ રાષ્ટ્રીય સહકારિતા નીતિ પણ લઈને આવશે.

  પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવું, જનજાતીય ગૌરવ દિવસ મનાવવો, આખી દુનિયામાં કલ્ચરલ સેન્ટરનું નિર્માણ કરવું, ટુરિઝમ વધારવા માટે કામ કરવું, સોશિયલ, ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવા જેવી જાહેરાતો પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે. દેશના ચાર ખૂણામાં બુલેટ ટ્રેન અને વનડે ભારતના વિસ્તારની પણ જાહેરાત કરવામાં આવી છે.

  આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “અમારા માટે પક્ષથી મોટો દેશ છે.” આ સાથે જ તેમણે અનેક યોજનાઓના વિસ્તાર અને નવી યોજનાની જાહેરાત પણ કરી છે. તેમણે કલમ 370, CAA અને ત્રિપલ તલાક જેવા અનેક મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે.

  ‘ચંદ્રયાનની સફળતા બાદ ગગનયાનના ગૌરવગાનનો થશે અનુભવ’

  PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, “હમણાં આપણે ચંદ્રયાન-3ની સફળતા જોઈ છે, હવે આપણે ગગનયાનના ગૌરવગાનનો અનુભવ કરીશું. આપણે G20માં દુનિયાનું ભારતમાં સ્વાગત જોયું છે, હવે આપણે ઓલમ્પિક્સના નેતૃત્વ માટે પૂર્ણ તાકાત લગાવવાના છીએ. આ નવું ભારત ગતિ પકડી ચૂક્યું છે. હવે તેને રોકવું અશક્ય છે. એટલા માટે આ સંકલ્પ પત્ર મોદીની ગેરંટીના રૂપે દેશવાસીઓની સામે આશીર્વાદ માટે રાખી રહ્યો છું. 140 કરોડ દેશવાસીઓના સપનાઓને હકીકતમાં પરિવર્તિત કરવા માટે અમે આ સંકલ્પ પત્ર લઈને આવ્યા છીએ. હું દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે, મા ભારતીના કરોડો લોકોના કલ્યાણ માટે, વિકસિત ભારતના સ્વપ્નને સિદ્ધ કરવા માટે, આ સંકલ્પ પત્રને લાગુ કરવા માટે, તેજ ગતિથી આગળ વધવા માટે અમને આશીર્વાદ આપો, અમારી શક્તિ વધારવા માટે પ્રાર્થના સાથે દેશવાસીઓને અભિનંદન.”

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં