Saturday, January 18, 2025
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિફ્લાઇટ બુકિંગમાં 162%નો ઉછાળો, હોટેલ બિઝનેસ 3 ગણો વધ્યો: પ્રયાગરાજ મહાકુંભ અધ્યાત્મને...

    ફ્લાઇટ બુકિંગમાં 162%નો ઉછાળો, હોટેલ બિઝનેસ 3 ગણો વધ્યો: પ્રયાગરાજ મહાકુંભ અધ્યાત્મને જ નહીં, અર્થતંત્રને પણ કરી રહ્યો છે મજબૂત; ₹4 લાખ કરોડના વેપારનું અનુમાન

    26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 45 દિવસીય મહાકુંભ મેળામાં ₹2 લાખ કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે . જોકે, ઉદ્યોગ નિષ્ણાતો આ બિઝનેસ ₹4 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.

    - Advertisement -

    પ્રયાગરાજ મહાકુંભ 2025ની (Prayagraj Mahakumbh 2025) સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. કુંભ માત્ર સૌથી મોટું ધાર્મિક આયોજન જ નથી, પરંતુ તે અર્થતંત્રને (Economy) નિખારવા માટેનું કામ પણ કરે છે. મહાકુંભના આયોજન દરમિયાન ભારતના અનેક વેપારી ક્ષેત્રોમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. તેમાંથી સૌથી વધુ વધારો હોટેલ ઇન્ડસ્ટ્રીમાં (Hotel Industry) જોવા મળી રહ્યો છે. આ કારણોસર પ્રયાગરાજના વેપારીઓમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે.

    મહાકુંભ મેળાને કારણે પ્રયાગરાજનો વેપાર બેથી ત્રણ ગણો વધી ગયો છે. આગામી કેટલાક દિવસો સુધી હોટેલોમાં કોઈ રૂમ પણ ખાલી નથી. હોટેલોની સાથે ખાદ્ય ચીજવસ્તુઓ, સ્થાનિક ઉત્પાદનો, ધાબળા, ઉનના કપડાં અને ઈલેક્ટ્રોનિક સામાનના વેચાણમાં પણ ધરખમ વધારો થયો છે. પ્રયાગરાજમાં ફ્લાઇટ બુકિંગમાં 162 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે .

    ફ્લાઇટ ઉપરાંત રેલવે, બસ, ટેક્સી વગેરેની કમાણીમાં પણ જબરદસ્ત વધારો થયો છે. મહાકુંભમાં સ્નાન કરવા માટે ટ્રેનોથી લઈને બસો અને ટેક્સીઓ સુધીમાં લોકો પ્રયાગરાજ પહોંચવા ખચોખચ ભરાઈને આવે છે. નાના બિઝનેસ કરતા લોકોથી લઈને હોટેલ-રેસ્ટોરન્ટ અને ઓનલાઈન બુકિંગ કરતી કંપનીઓ પણ આ તેજીથી ખૂબ ખુશ છે. મહાકુંભ સમાપ્ત થાય ત્યાં સુધીમાં એટલે કે 45 દિવસમાં તેમને મોટો નફો થવાની અપેક્ષા છે.

    - Advertisement -

    હોટેલ ઇન્ડસ્ટ્રીને 50 ટકા સુધીનો થશે નફો

    પ્રયાગરાજ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ હરજિન્દર સિંઘે અમર ઉજાલાને જણાવ્યું છે કે, ભક્તો અને પ્રવાસીઓ દ્વારા બુકિંગના કારણે હોટેલ ઇન્ડસ્ટ્રી 30થી 40 ટકા નફો કમાઈ રહી છે. તેમનું માનવું છે કે, આગામી દિવસોમાં આ નફો વધીને 50 ટકા થવાની ધારણા છે. જથ્થાબંધ અને છૂટક વેપારીઓ પણ કંઈક આવી જ અપેક્ષા રાખી રહ્યા છે.

    કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના (CAIT) પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ગોયલનું માનવું છે કે, મહાકુંભના અવસર પર માત્ર હોટેલ અને ટેન્ટ સિટીનો બિઝનેસ ₹2,500થી ₹3,000 કરોડનો થઈ શકે છે. કેન્દ્રીય વેપાર મંડળના મહામંત્રી શિવશંકર સિંઘનું માનવું છે કે, એફએમસીજી પ્રોડક્ટ્સ, ઓટોમોબાઈલ, સીસીટીવી કેમેરા, કેબલ અને ખાદ્ય ચીજોના વેચાણમાં પણ ભારે વધારો થયો છે.

    શિવશંકર સિંઘનું કહેવું છે કે, મકરસંક્રાંતિના સ્નાન સુધી રિટેલ બિઝનેસમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. કુંભ સ્નાનમાં વિશેષ મહત્વ ધરાવતા મૌની અમાવસ્યા પર આ વેચાણ વધુ વધવાની વેપારીઓને અપેક્ષા છે. હેન્ડીક્રાફ્ટમેન આ વખતે ₹35 કરોડ સુધીનો બિઝનેસ કરી શકે છે. વેપાર મંડળના વરિષ્ઠ ઉપપ્રમુખ મોહમ્મદ કાદિર પણ એવું જ માને છે.

    માત્ર હોટેલ-ધર્મશાળા, ટેન્ટમાંથી ₹40 હજાર કરોડના બિઝનેસની સંભાવના

    મોહમ્મદ કાદિર કહે છે કે, મહાકુંભ મેળાને કારણે પ્રયાગરાજમાં ખાદ્યપદાર્થો, અનાજ, પૂજા સામગ્રી, કપડાં, ધાબળા, ગાદલા, ઈલેક્ટ્રોનિક સામાન, ટેન્ટના કપડા વગેરેના વેપારમાં બમણો વધારો થયો છે. મોહમ્મદ કાદિર કહે છે કે, મેળામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર વધશે તેમ તેમ ગ્રોથ પણ વધશે અને વેપારીઓને ફાયદો પણ થશે.

    કોન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સના (CAT) અંદાજ મુજબ, માત્ર હોટેલ, ધર્મશાળાઓ અને ટેન્ટમાંથી ₹40,000 કરોડના બિઝનેસની સંભાવના છે. પેકેજ્ડ ફૂડ આઈટમ્સ, પાણી, બિસ્કિટ, જ્યુસ અને ફૂડ સંબંધિત ₹20,000 કરોડનો બિઝનેસ થશે. તેલ, દીવા, ગંગાજળ, મૂર્તિઓ, અગરબત્તીઓ, ધાર્મિક પુસ્તકો વગેરેના વેચાણથી ₹20,000 કરોડનો બિઝનેસ થશે.

    ટ્રાન્સપોર્ટની સાથે આવકમાં પણ ધરખમ વધારો

    એ જ રીતે ટ્રાન્સપોર્ટેશન એટલે કે રેલવે-ટેક્સી વગેરેમાંથી ₹10,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે. ટૂર ગાઈડ, ટ્રાવેલ પેકેજ અને ટૂરિસ્ટ સર્વિસનો બિઝનેસ ₹10,000 કરોડ સુધીનો થાય તેવો અંદાજ છે. જ્યારે, જાહેરાત અને પ્રમોશનલ પ્રવૃત્તિઓમાંથી ₹10,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે. સ્થાનિક ઉત્પાદનો, કપડાં, ઝવેરાત અને સંભારણુંમાંથી ₹5,000 કરોડનો વેપાર થઈ શકે છે.

    CAIT એ અનુમાન લગાવ્યું છે કે, અસ્થાયી મેડિકલ કેમ્પ, આયુર્વેદિક ઉત્પાદનો અને દવાઓ ₹3,000 કરોડનો બિઝનેસ જનરેટ કરશે. એ જ રીતે ડિજિટલ પેમેન્ટ સર્વિસ, વાઈ-ફાઈ સેવા અને ઓનલાઈન ટિકિટ બુકિંગ એટલે કે ઈ-ટિકિટિંગથી ₹1,000 કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે. તમને જણાવી દઈએ નોંધનીય છે કે, ડાબર, મધર ડેરી અને ITC જેવી મોટી બ્રાન્ડ્સે આ મહાકુંભમાં ₹3,000 કરોડનો ખર્ચ કર્યો છે.

    ₹4 લાખ કરોડનો વેપાર, GDPમાં એક ટકાથી વધુનો ઉછાળો

    આ રીતે, 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ 45 દિવસીય મહાકુંભ મેળામાં ₹2 લાખ કરોડનો બિઝનેસ થવાનો અંદાજ છે . જોકે, ઉદ્યોગ નિષ્ણાતો આ બિઝનેસ ₹4 લાખ કરોડથી વધુ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે. બીજી તરફ, સરકારનો અંદાજ છે કે તેને મેળામાંથી ₹25,000 કરોડની આવક થઈ શકે છે. ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્ર સરકારે કુંભ મેળામાં લગભગ ₹6,900 કરોડનો ખર્ચ કર્યો છે.

    વાસ્તવમાં, કુંભ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડ શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવવાની અપેક્ષા છે. જો દરેક પ્રવાસી સરેરાશ ₹5000નો ખર્ચ કરે તો મહાકુંભમાં ₹2 લાખ કરોડનો બિઝનેસ થઈ શકે છે. જ્યારે, ઇન્ડસ્ટ્રીનો અંદાજ છે કે, જો મેળામાં વ્યક્તિ દીઠ સરેરાશ ખર્ચ ₹10,000 હોય તો આ આંકડો ₹4 લાખ કરોડને પાર કરી શકે છે. આ સાથે દેશની GDP એક ટકાથી વધુ વધી પણ શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં