Tuesday, February 4, 2025
More
    હોમપેજરાજકારણબળજબરીથી ધર્માંતરણ પર 10 વર્ષની જેલ, લવ જેહાદ પર અંકુશ: રાજસ્થાન વિધાનસભામાં...

    બળજબરીથી ધર્માંતરણ પર 10 વર્ષની જેલ, લવ જેહાદ પર અંકુશ: રાજસ્થાન વિધાનસભામાં રજૂ કરાયું ધર્મપરિવર્તન વિરોધી બિલ, જાણો તે વિશે વધુ

    આ બિલ મુજબ, ગેરકાયદેસર અથવા બળજબરીથી ધર્માંતરણ કરાવનારા દોષિત વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સગીરો, મહિલાઓ અથવા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિના (ST) લોકોનું ધર્માંતરણ કરાવવા મામલે દોષિત ઠરનારાઓને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવશે.

    - Advertisement -

    સોમવાર, 3 ફેબ્રુઆરીના રોજ ભજન લાલ શર્માના (Bhajan Lal Sharma) નેતૃત્વ હેઠળની રાજસ્થાન સરકારે (Rajasthan Government) બજેટ સત્ર દરમિયાન રાજ્ય વિધાનસભામાં ‘રાજસ્થાન ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ બિલ 2025’ (Rajasthan Prohibition of Unlawful Conversion of Religion Bill 2025) રજૂ કર્યું.

    આ બિલમાં જણાવાયું છે કે જો કોઈ વ્યક્તિ એક ધર્મમાંથી બીજા ધર્મમાં પરિવર્તન કરવા માંગે છે તેણે ઓછામાં ઓછા 60 દિવસ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડશે. આ પછી મેજિસ્ટ્રેટ મૂલ્યાંકન કરશે કે ધર્મ પરિવર્તન બળજબરીથી કરવામાં આવ્યું હતું કે સ્વૈચ્છિક રીતે. જો અધિકારીઓને લાગે કે ધર્માંતરણ દરમિયાન કોઈ બળજબરી કરવામાં આવી ન હતી, તો ધર્માંતરણને મંજૂરી આપવામાં આવી શકે છે.

    આ બિલ રાજ્ય વિધાનસભામાં આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસારે રજૂ કર્યું હતું. આ બિલ પર ટિપ્પણી કરતા રાજસ્થાનના મંત્રી કેકે વિશ્નોઈએ કહ્યું કે આ બિલ લવ જેહાદ વિરુદ્ધ લાવવામાં આવ્યું છે જેથી સામાન્ય છોકરીઓને લાલચ કે અન્ય માધ્યમથી ફસાવાતી રોકી શકાય. તેમણે સૂચવ્યું કે બીજા વ્યક્તિનો ધર્મ બદલવા માટે કપટથી કરવામાં આવેલા લગ્નને રદબાતલ ગણવામાં આવશે. તેમણે કહ્યું કે બિલમાં લવ જેહાદ વિરુદ્ધ કડક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    - Advertisement -

    નવેમ્બર 2024 માં બિલ થયું મંજૂર

    ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં, કેબિનેટે બળજબરીથી ધર્મ પરિવર્તનને રોકવાના હેતુથી આ બિલને મંજૂરી આપી હતી. તે સમયે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ કહ્યું હતું કે રાજ્ય ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અટકાવવા માટે કડક પગલાં લેશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “રાજસ્થાન સરકાર ગેરકાયદેસર ધર્મ પરિવર્તન રોકવા માટે પ્રતિબદ્ધ છે. આજે મુખ્યમંત્રી કાર્યાલયમાં મળેલી કેબિનેટ બેઠકમાં, પ્રલોભન અથવા છેતરપિંડી દ્વારા ધર્મ પરિવર્તન કરાવવાના પ્રયાસને રોકવા માટે વિધાનસભામાં ‘રાજસ્થાન ગેરકાયદેસર ધર્મ પરિવર્તન પ્રતિબંધ બિલ-2024’ રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.”

    વિપક્ષે કર્યો બિલનો વિરોધ

    બીજી તરફ કોંગ્રેસે બિલનો વિરોધ કરતા કહ્યું કે શાસક સરકાર કોંગ્રેસના શાસન દરમિયાન રજૂ કરાયેલા બિલને ગૃહમાં લાવીને માત્ર દેખાડો કરી રહી છે. કોંગ્રેસના નેતા રફીક ખાને કહ્યું, “ધર્માંતરણ વિરોધી બિલ પહેલાથી જ હતું અને અગાઉની કોંગ્રેસ સરકારે પહેલાં જ તેના પર પ્રતિક્રિયા આપી દીધી હતી. હવે આ બિલને દેખાડો કરવા માટે લાવવામાં આવી રહ્યું છે.” વિપક્ષના નેતા ટીકારામ જુલીએ પણ કહ્યું હતું કે ભાજપ સરકારે રજૂ કરેલ બિલનો અભ્યાસ થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સરકાર બિલ રજૂ કરવાની આડમાં ખોટી માહિતી ફેલાવી રહી છે.

    શું કહે છે બિલ

    આ બિલ મુજબ, ગેરકાયદેસર અથવા બળજબરીથી ધર્માંતરણ કરાવનારા દોષિત વ્યક્તિને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. સગીરો, મહિલાઓ અથવા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિના (ST) લોકોનું ધર્માંતરણ કરાવવા મામલે દોષિત ઠરનારાઓને ₹25,000નો દંડ પણ ફટકારવામાં આવશે. બિલમાં જણાવાયું છે કે સામૂહિક ધર્મ પરિવર્તનના કેસોમાં ત્રણથી 10 વર્ષની જેલ અને ₹50,000નો દંડ થઈ શકે છે.

    આ ઉપરાંત, બળજબરીથી ધર્મ પરિવર્તનનો ભોગ બનેલા લોકોને ₹5 લાખનું વળતર આપવામાં આવશે. લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે બિલમાં કડક પગલાં પણ લેવામાં આવ્યા છે. આ બિલ મુજબ, કોઈ પણ સ્ત્રીને બળજબરીથી બીજા ધર્મમાં રૂપાંતરિત કરવાના ઈરાદાથી કરવામાં આવેલા કોઈપણ લગ્ન રદ્દ કરવામાં આવશે.

    વધુમાં જો કોઈપણ વ્યક્તિ જે એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરણ કરવા માંગે છે તો તેણે ઓછામાં ઓછા 60 દિવસ પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટને અરજી કરવી પડશે. ધર્મ પરિવર્તન માટેના કોઈપણ સમારંભ માટે, 30 દિવસ અગાઉથી નોટિસ આપવી આવશ્યક છે. આ સિવાય ધર્માંતરણ પછી, સંબંધિત વ્યક્તિએ આગામી 60 દિવસમાં જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની રહેશે.

    રાજસ્થાનમાં બનેલ બળજબરીથી ધર્માંતરણની ઘટનાઓ

    રાજસ્થાનમાં બળજબરીથી ધર્મ પરિવર્તનની ઘણી ઘટનાઓ સામે આવી છે. જે અંતર્ગત ફેબ્રુઆરી 2024માં, રાજસ્થાનની કોટા જિલ્લાની એક સરકારી શાળામાં આવો મામલો સામે આવ્યો હતો. જેમાં બે શિક્ષકોને ધર્માંતરણમાં સંડોવણી અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથેના સંબંધોના આરોપસર સસ્પેન્ડ કર્યા હતા. કોટાના સાંગોદ બ્લોકની એક શાળામાં શિક્ષક મિર્ઝા મુજાહિદ અને ફિરોઝ ખાન વિરુદ્ધ સર્વ હિંદુ સમાજ સંગઠને શિક્ષણ મંત્રીને એક આવેદન આપ્યું હતું, જેમાં 2019થી શાળામાં જેહાદ ચાલતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.

    માર્ચ 2024માં, ઇમરાન નામના આરોપીએ ઝુનઝુનુના મંડ્રેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક હિંદુ છોકરીનું અપહરણ કર્યું અને તેને હરિયાણાના હિસાર લઈ ગયો. ઈમરાને હિંદુ તરીકે ઓળખ આપીને છોકરી સાથે મિત્રતા કરી, તેના અશ્લીલ ફોટોસ લઇ બ્લેકમેલ કરી, તેના પર બળાત્કાર ગુજાર્યો અને તેને ઇસ્લામમાં ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હોવાનો મામલો સામે આવ્યો હતો.

    મે 2024માં, રાજસ્થાન પોલીસે સલમાન ખાન નામના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જેણે પ્રેમના બહાને 25 વર્ષીય હિંદુ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. તે જયપુરમાં મોબાઇલ રિપેરની દુકાન ચલાવતો અને યુવતીને ફસાવવા હિંદુ હોવાનો ડોળ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, તેણે 25 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજાર્યો, અશ્લીલ વિડીયો બનાવ્યો અને પછી પીડિતાને બ્લેકમેલ કરીને ₹2-4 લાખની માંગ કરી હોવાનું સામે આવ્યું હતું.

    2006માં બિલ માટેની થઈ ચૂકી છે માંગ

    અહેવાલ અનુસાર, રાજસ્થાન સરકારે વસુંધરા રાજેના શાસન દરમિયાન 2006માં ધર્માંતરણ વિરોધી બિલ પસાર કરવાની માંગ કરી હતી. જોકે, તત્કાલીન રાજ્યપાલ અને રાષ્ટ્રપતિની મંજૂરીના અભાવે આ બિલ કાયદો બની શક્યું ન હતું. આ પછી, રાજસ્થાન હાઇકોર્ટે 2017માં માર્ગદર્શિકા જારી કરી, જેમાં લગ્ન માટે બળજબરીથી ધર્માંતરણના પાસાઓની તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી.

    ઉલ્લેખનીય છે કે, અગાઉના બિલમાં ધર્માંતરણ પહેલાં જિલ્લા કલેક્ટરોની મંજૂરી જરૂરી હતી અને સગીરો, મહિલાઓ અને SC/ST લોકોના બળજબરીથી ધર્માંતરણ કરનારા દોષિતોને મહત્તમ 5 વર્ષની સજાની ઘોષણા કરવામાં આવી હતી. અગાઉના બિલમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધર્માંતરણને પ્રોત્સાહન આપવા બદલ દોષિત ઠરેલી કોઈપણ સંસ્થાની નોંધણી રદ્દ કરવામાં આવશે.

    બળજબરીથી ધર્માંતરણ અટકાવવા માટે પગલાં લેનાર રાજસ્થાન પહેલાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ વગેરે જેવા ઘણા રાજ્યો ધર્માંતરણ વિરોધી કાયદા પસાર કરો ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં