Wednesday, November 6, 2024
More
    હોમપેજદેશUP બાદ હવે MP, બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં દુકાનદારોને નામ સાથેનાં બોર્ડ...

    UP બાદ હવે MP, બાબા મહાકાલની નગરી ઉજ્જૈનમાં દુકાનદારોને નામ સાથેનાં બોર્ડ લગાવવા આદેશ: ઉલ્લંઘન પર થશે દંડ, મેયરે કહ્યું- ગ્રાહકોને દુકાનદારની ઓળખ જાણવાનો અધિકાર

    આદેશમાં કહેવામાં આવ્યું છે કે દુકાન માલિકોએ દુકાનની બહાર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખેલું બોર્ડ લગાવવાનું રહેશે. આ આદેશનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે.

    - Advertisement -

    શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે અને 22 તારીખથી પવિત્ર કાવડ યાત્રાનો (Kanwar Yatra) પણ પ્રારંભ થવા જઈ રહ્યો છે. તેવામાં ઉત્તર પ્રદેશ સરકારે યાત્રાના રૂટમાં આવતા ઢાબા/હોટલો સહિત અન્ય ખાણીપીણીની દુકાનોના સંચાલકો અને ત્યાં કામ કરતા માણસોનાં અસલ નામ જાહેર કરતાં બોર્ડ લગાવવાના આદેશ આપ્યા હતા. શરૂઆત મુજફ્ફરનગરથી થઈ અને ભળતા નામ સાથે ચાલતી અનેક હાટડીઓનાં નામ બદલી દેવામાં આવ્યાં. ત્યારે હવે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં પણ ભાજપશાસિત મહાનગરપાલિકાએ દુકાનદારોને પોતાના નામ સાથેનાં બોર્ડ લગાવીને ઓળખ જાહેર કરવાના આદેશ આપ્યા છે. જેના ઉલ્લંઘન પર દંડ ફટકારવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, આ આદેશ બાબા મહાકાલની નગરી ઉજ્જૈનના (Ujjain) મેયર દ્વારા આપવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દુકાન માલિકોએ દુકાનની બહાર પોતાનું નામ અને મોબાઈલ નંબર લખેલું બોર્ડ લગાવવાનું રહેશે. આ આદેશનો ઉદ્દેશ્ય ગ્રાહકોની સુરક્ષા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે. મેયર મુકેશ તતવાલના જણાવ્યા અનુસાર ગ્રાહકને તે જાણવાનો અધિકાર છે કે તેઓ જે દુકાનમાંથી ખરીદી કરી રહ્યા છે તે કોણ છે અને તેની ઓળખ શું છે.

    દુકાનદારની ઓળખ જાણવી ગ્રાહકોનો અધિકાર, ઉલ્લંઘન પર આર્થિક દંડની જોગવાઈ

    તેમણે કહ્યું હતું કે ઉજ્જૈન એક ધાર્મિક અને પવિત્ર શહેર છે. અહીં લાખો લોકો ધાર્મિક આસ્થા સાથે આવે છે. જો તેઓ કોઈ દુકાનેથી સમાન ખરીદી રહ્યા હોય તો તેમને તે જાણવાનો પૂરો અધિકાર છે કે તેઓ કોની પાસેથી ખરીદી કરી રહ્યા છે. જો કોઈ ગ્રાહકને અસંતોષ હોય કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી હોય, તેવા સમયે જો તેની પાસે દુકાનદારનું નામ અને મોબાઈલ નંબર હોય તો તેની સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે 2028માં ઉજ્જૈનમાં સિંહસ્થ (કુંભ) મેળાનું આયોજન થવાનું છે અને તેને લઈને આ નિયમ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે.

    - Advertisement -

    નિયમની જોગવાઈ વિશે જણાવતાં તેમણે કહ્યું હતું કે, “તમામ ઔપચારિકતાઓ પહેલાં જ પૂર્ણ કરી દેવામાં આવી છે, આદેશના પાલનમાં સમય એટલા માટે લાગ્યો કે પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું કે નેમપ્લેટ એક જ આકાર અને રંગની હશે, પરંતુ તેમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે અને હવે માત્ર દુકાનદારોનાં અસલ નામ અને નંબર જ જાહેર કરવાનાં રહેશે. જો કોઈ આદેશનું ઉલ્લંઘન કરશે, તો પહેલી વાર તેને 2000 અને બીજી વારમાં 5000 રૂપિયાના આર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે.”

    આ પહેલાં મુજફ્ફરનગર અને ત્યારબાદ આખા UPમાં આપવામાં આવ્યા હતા આદેશ

    ઉલ્લેખનીય છે કે એવી અઢળક દુકાનો, ગલ્લાઓ, હોટલો, ઢાબાઓ વગેરે હશે કે જેમાં ભળતા નામથી અંદાજો ન લગાવી શકાય કે જે-તે ફર્મની માલિકી કોની છે. ખાસ કરીને જ્યારે ધાર્મિક મહત્વ ધરાવતા શહેરો કે તે તરફ જતા રસ્તાની વાત હોય ત્યારે આ પ્રકારની મૂંઝવણ ભક્તો અનુભવતા હોય છે. ત્યારે આ ઉજ્જૈનમાં દુકાનદારોને ઓળખ જાહેર કરવાના આદેશ આપાયા તે પહેલાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં આ પ્રકારની સૂચના અપાઈ હતી. કાવડ યાત્રા પહેલાં ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળોની દુકાનના માલિકોને પોતાનાં નામ ડિસ્પ્લે કરવા માટે આદેશ આપવામાં આવ્યા બાદ યોગી સરકારે આ ગાઈડલાઈન આખા રાજ્ય માટે લાગુ કરી દીધી હતી.

    તેનું તાજું ઉદાહરણ જોઈએ તો મુજફ્ફરનગરમાં સંગમ ઢાબા નામથી એક ઢાબા છેલ્લાં 25 વર્ષથી ચાલતું હતું. પરંતુ પોલીસના આદેશ બાદ હવે તેનું નામ ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈ-વે 48 પર પણ અનેક દુકાનોનાં નામ બદલવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. હાઇ-વે ઉપર એક ચાની ટપરી લગાવનારા એક મુસ્લિમ વ્યક્તિની દુકાનનું નામ પહેલાં ‘ચાય લવર પોઈન્ટ’ હતું, પરંતુ પોલીસના આદેશ બાદ દુકાનના માલિક ફહીમે દુકાનનું નામ ‘વકીલ અહમદ ટી સ્ટૉલ’ કરી નાખ્યું છે. ફહીમે કહ્યું કે, થોડા દિવસ પહેલાં પોલીસે તેને જણાવ્યું હતું કે, કાવડ યાત્રા શરૂ થવા જઈ રહી છે, જેથી તે પોતાનું નામ રાખી લે. ત્યારબાદ તેણે પોતાનું નામ લખી દીધું હતું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં