Tuesday, May 7, 2024
More
    હોમપેજદેશલોકસભા ચૂંટણી પહેલાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: છત્તીસગઢના બીજાપુરમાં અથડામણ સમયે 6...

    લોકસભા ચૂંટણી પહેલાં સુરક્ષા દળોની મોટી કાર્યવાહી: છત્તીસગઢના બીજાપુરમાં અથડામણ સમયે 6 નક્સલી ઠાર, ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન

    IGના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની એક સંયુકત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. તે દરમિયાન જ નક્સલીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી.

    - Advertisement -

    લોકસભા ચૂંટણી પહેલાં સુરક્ષા દળોએ છત્તીસગઢના બીજાપુરમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે, અહીં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 6 નક્સલીઓને ઠાર મરવામાં આવ્યા છે. નોંધવું જોઈએ કે, બીજાપુરનો વિસ્તાર છેલ્લાં ઘણા વર્ષોથી નક્સલવાદથી પીડાઈ રહ્યો છે. તાજેતરમાં જ નક્સલીઓએ ત્રણ ગ્રામીણોની હત્યા કરી દીધી હતી. જે બાદ હવે સુરક્ષા દળોએ પણ નક્સલ વિરોધી અભિયાન શરૂ કર્યું છે.

    મળતી માહિતી અનુસાર, છત્તીસગઢના બીજાપુરમાં બુધવારે (27 માર્ચ, 2024) સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. છત્તીસગઢના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બુધવારે સુરક્ષાદળો અને નક્સલીઓ વચ્ચે થેલી અથડામણમાં 6 નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. 6 નક્સલીઓમાં એક મહિલા નક્સલીનો પણ સમાવેશ થાય છે. બસ્તર રેન્જના પોલીસ અધિકારી સુંદરરાજ પીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ અથડામણ બાસાગુડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચિકુરભટ્ટી અને પુસબકાના જંગલોમાં થઈ હતી.

    નક્સલ વિરોધી અભિયાન પર નીકળી હતી સંયુક્ત ટીમ

    IGના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોની એક સંયુકત ટીમ નક્સલ વિરોધી અભિયાન માટે નીકળી હતી. તે દરમિયાન જ નક્સલીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. આ ટીમમાં જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) અને તેની વિશેષ બ્રાન્ચના કોબરા (કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન)ના જવાનો સામેલ હતા.

    - Advertisement -

    અધિકારીએ વધુમાં જણાવ્યું કે, ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળ પરથી એક મહિલા સહિત 6 નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે. વિસ્તારમાં સુરક્ષા દળનું સર્ચ ઓપરેશન હાલ પણ ચાલુ છે. નોંધનીય છે કે, બીજાપુર છત્તીસગઢના બસ્તર લોકસભા વિસ્તારમાં આવે છે. જ્યાં 19 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થશે. જેને લઈને સુરક્ષા દળો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં