મહેસાણાના ખેરાલુમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર હુમલા બાદ આવી બીજી એક ઘટના વડોદરાના પાદરા તાલુકાના ભોજ ગામે બની છે. અહીં ભગવાન શ્રીરામની યાત્રા પસાર થઈ રહી હતી ત્યારે અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અમુક મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજા પહોંચી છે.
અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં પ્રભુ રામલલા બિરાજમાન થયા બાદ આ પવિત્ર અવસરની ઉજવણી માટે ગામેગામ શોભાયાત્રાઓ નીકળી રહી છે ત્યારે આવી એક યાત્રા પાદરાના ભોજમાં પણ યોજાઈ હતી. દરમ્યાન, યાત્રા ચાલુ હતી ત્યારે અચાનક પથ્થરો વરસવાના શરૂ થઈ ગયા હતા.
સોશિયલ મીડિયામાં અમુક વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં અફરાતફરીનો માહોલ નજરે પડે છે. નજીકમાં મસ્જિદ પણ જોવા મળી રહી છે. પોલીસ ઘટનાસ્થળે જોવા મળે છે.
વડોદરા રામજીની શોભાયાત્રા પર પથ્થરમારો..!
— Kathiyawad Sandesh News (@atul_bavaliya4) January 22, 2024
પાદરાના ભોજ ગામે પથ્થરમારામાં 10 મહિલા ભક્તો ઈજાગ્રસ્ત
ઘટનાને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકાયો#Gujarat #Vadodara pic.twitter.com/ER78RWpGUx
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યાત્રા હતી ત્યારે પોલીસ હાજર હતી પરંતુ બંદોબસ્ત ઓછો હતો. પરંતુ ઘટના બન્યા બાદ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાલ ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે અને પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ઘટનાને લઈને પાદરા પોલીસ મથકના PI તડવીએ જણાવ્યું કે, આ રેલી હિંદુ એકતા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જે ગામેઠાથી નીકળી હતી અને એક પછી એક ગામમાં ફરીને ભોજ ખાતે પહોંચી હતી, જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રેલી પાદરાના ભાથુજી મંદિરે જઈને સંપન્ન થવાની હતી. પથ્થરમારામાં અમુક મહિલાઓને ઈજા પહોંચી છે. હાલ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ શાંત છે.
24 કલાક પહેલાં ખેરાલુમાં પણ રામયાત્રા પર થયો હતો પથ્થરમારો
ઉલ્લેખનીય છે કે 24 કલાક પહેલાં જ મહેસાણાના ખેરાલુમાં આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યાં મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતી એક શોભાયાત્રા પર મસ્જિદ નજીક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ મામલે કુલ 32 વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે, જ્યારે 15ની ધરપકડ કરી લેવામાં આવી છે.
FIRમાં જણાવવામાં આવ્યું કે, આરોપીઓએ એકસંપ થઈને પૂર્વઆયોજિત કાવતરું રચીને ખેરાલુમાં નીકળનારી ભગવાન શ્રીરામની શોભાયાત્રા પર પથ્થરમારો કર્યો હતો અને આ માટે બેલીમ વાસનાં મકાનોના ધાબા પર પથ્થરો એકઠા કરી રાખવામાં આવ્યા હતા. ઉપરાંત, હાથમાં તલવાર-ધારિયાં વગેરે હથિયારો લઇ આવીને શોભાયાત્રામાં જોડાયેલા માણસો પર હુમલો કર્યો હતો.