Thursday, July 18, 2024
More
  હોમપેજરાજકારણરાહુલ ગાંધીએ હિંદુઓને 'હિંસક' ગણાવ્યા બાદ ભારે વિરોધ: બંજરંગદળના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસ...

  રાહુલ ગાંધીએ હિંદુઓને ‘હિંસક’ ગણાવ્યા બાદ ભારે વિરોધ: બંજરંગદળના કાર્યકર્તાઓએ ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય પર મચાવ્યો તાંડવ, વિરોધ પક્ષના નેતાનું મો કર્યું કાળું

  હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ફોટો પર કાળી શાહી પણ લગાવી હતી. રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે વિરોધની વંટોળ અમદાવાદથી શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.

  - Advertisement -

  લોકસભામાં સોમવારે (1 જુલાઇ) વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પોતાના આધિકારિક સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ પર ટિપ્પણી કરી હતી, જેના કારણે હવે દેશભરમાં હિંદુઓની લાગણી દુભાઈ છે. રાહુલ ગાંધીએ સંબોધન દરમિયાન હિંદુઓને હિંસક ગણાવી દીધા હતા. તેમની આવી ટિપ્પણીનો પડઘો આખા દેશમાં પડ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ થઈ રહ્યો છે. સંત સમાજે પણ વિરોધ નોંધાવ્યો છે. જ્યારે હવે જાણવા મળી રહ્યું છે કે, 1 જુલાઇની મોડી રાત્રે અમદાવાદના ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે વિરોધ કર્યો હતો. દરમિયાન રાહુલ ગાંધીના ફોટો પર કાળી શાહી પણ લગાવવામાં આવી હતી. રાહુલ ગાંધીના નિવેદન બાદ હિંદુ સંગઠનના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

  રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક ગણાવ્યા બાદ ગુજરાતમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. 1 જુલાઇની મોડી રાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન (ગુજરાત કોંગ્રેસ મુખ્યાલય) ખાતે બજરંગદળના કાર્યકર્તાઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ફોટો પર કાળી શાહી પણ લગાવી હતી.દરમિયાન કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના ફોટો પર મોના સ્થાને એક પોસ્ટર છીપકાવી દીધું હતું, જેના પર રાહુલ ગાંધીના ઇસ્લામિક ટોપી ધારણ કરેલા ફોટો હતા અને લખ્યું હતું કે, “હિંદુ મતલબ હિંસા’. ત્યારબાદ એ પોસ્ટર સહિત રાહુલ ગાંધીના મોને કાળું કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીના નિવેદન બાદ હવે વિરોધની વંટોળ અમદાવાદથી શરૂ થઈ ચૂકી છે. મોટી સંખ્યામાં બજરંગદળના કાર્યકર્તાઓએ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો.

  અમદાવાદમાં રાહુલ ગાંધીનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ નેતાઓના પણ અલગ-અલગ નિવેદનો સામે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમાંગ રાવલે બજરંગદળને ‘ગુંડાઓ’ કહીને સંબોધ્યા હતા. તે સિવાય તેમણે ઘણી અપમાનજનક ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.

  - Advertisement -

  બજરંગદળના પ્રમુખ જ્વલિત મહેતાએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, “હિંદુ ધર્મમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મ માટે કરેલી હિંસા અહિંસા બરાબર છે, આ લોકો જે અહિંસાની વાત કરે છે, પરંતુ જ્યારે શીખ રમખાણો કર્યા હતા ત્યારે આવી વાતો કેમ યાદ ન આવી. ત્યારે તો કોંગ્રેસે જ આ બધુ કરાવ્યું હતું. કાશ્મીરી પંડિતો સાથે જ્યારે અન્યાય થયો ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની જ સરકાર હતી. ત્યારે આવી વાતો ક્યા ગઈ હતી?”

  અમદાવાદ-સુરતમાં પણ ગુનો દાખલ કરવા કરાઈ અરજી

  સંસદમાં રાહુલ ગાંધીના હિંદુ ધર્મના નિવેદનને લઈને અમદાવાદ-સુરતમાં નવા કાયદા હેઠળ ગુનો દાખલ કરવાની અરજી કરવામાં આવી છે. અમદાવાદમાં વકીલાતનો અભ્યાસ કરતાં એક અરજદારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને સાંસદ રાહુલ ગાંધીના ભાષણથી હિંદુ સમાજની લાગણી દુભાઈ હોવાની અરજી દાખલ કરી છે. નવા કાયદા અનુસાર, ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 હેઠળ રાહુલ ગાંધી સામે ગુનો દાખલ કરવા અરજી કરવામાં આવી છે. અરજીની નકલ પોલીસ કમિશનર અને DGPને પણ મોકલવામાં આવી છે. જોકે, આ મુદ્દે આગામી સમયમાં કોર્ટમાં કેસ ચાલી શકે છે.

  બીજી તરફ સુરતના એક સામાજિક કાર્યકર્તાએ પણ રાહુલ ગાંધી વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટેની અરજી કરી છે. સુરતના સમાજસેવક ધર્મેશ ગામીએ જણાવ્યું કે, “વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં તારીખ 1-7-2024ના રોજ 2:30 વાગ્યે પોતાનું વક્તવ્ય આપવા માટે સંસદમાં ઉપસ્થિત હતા. તે દરમિયાન તેમણે વક્તવ્યમાં ‘જે લોકો પોતાને હિંદુ માને છે તે 24 કલાક હિંસા.. હિંસા.. હિંસા.. નફરત.. નફરત.. નફરત..અસત્ય.. અસત્ય.. અસત્ય’ એવી બાબતોનું ઉચ્ચારણ લોકસભાના લાઈવ પ્રસારણમાં કર્યું હતું. જે અયોગ્ય છે.”

  તેમણે વધુમાં કહ્યું કે, “આવા શબ્દોનું ઉચ્ચારણ ઉચ્ચ હોદ્દા પર બેઠેલા કોઈપણ વ્યક્તિ ન કરી શકે. કોઇની લાગણી આહત થાય તેવું કૃત્ય ન કરી શકે, તેવું માનનીય સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકોએ આગળ આવવું જોઈએ એવી વાતો પણ માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. મારી લાગણી દુભાઈ છે. હું ચોક્કસ હિંદુ છું પણ નથી હિંસક કે નથી અસત્યમાં માનનારો. તેથી આ બાબતે બંધારણની જોગવાઈ મુજબ જે પણ સજા થતી હોય તે ચોક્કસ થવી જોઈએ એવી મારી લાગણી છે.”

  નોંધનીય છે કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (જુલાઈ 1) લોકસભામાં એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ PM મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. સંસદમાં બોલતા, રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જેઓ પોતાને હિંદુ કહે છે તેઓ માત્ર હિંસા, નફરત અને અસત્ય વિશે વાત કરે છે. આ નિવેદનના કારણે જ PM મોદીએ તેમની ટિપ્પણી પર વિરોધ નોંધાવ્યો હતો.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં