જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે આપવામાં આવેલી નોટિસ બાદ ઉશ્કેરાઈને ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી દીધો હતો. આ મામલે પોલીસે રાત્રે જ કોમ્બિંગ હાથ ધરીને 174 જેટલા લોકોને રાઉન્ડ અપ કરી લીધા હતા તો અમુકને દરગાહની સામે જ ઉભા રાખીને કાયદાનું ભાન કરાવ્યું હતું. હવે આ મામલે 31 આરોપીઓ સામે નામજોગ અને બાકીના ટોળા સામે FIR દાખલ કરવામાં આવી છે.
જૂનાગઢના એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ આ બાબતની જાણકારી આપી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, FIRમાં 31 લોકોનાં નામ લખવામાં આવ્યાં છે અને બાકીના ટોળા સામે FIR દાખલ થઇ છે. આ તમામ આરોપીઓ સામે IPCની કલમ 302, 307, 325, 326, 143, 144, 145, 151, 427 અને 435 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમજ કુલ 180 લોકોની અટકાયત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સીસીટીવી ફૂટેજ ચકાસવા માટે પોલીસની પાંચ ટીમો કામ કરી રહી છે અને જેમાંથી ગુનામાં સામેલ લોકોની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે હજુ તેમની કાર્યવાહી પૂર્ણ થઇ નથી અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જેટલા પણ લોકો સામેલ હોય તેમની અટકાયત કરવામાં આવશે.
જૂનાગઢના મજેવડી ગેટની સામે રસ્તાની વચ્ચે એક દરગાહ આવેલી છે, જે ગેરકાયદેસર હોવાથી મહાનગરપાલિકાએ નોટિસ પાઠવીને પાંચ દિવસમાં પુરાવાના કાગળો રજૂ કરવા કહ્યું હતું. શુક્રવારે (16 જૂન, 2023) બપોરે પાલિકાના અધિકારીઓએ દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ સાંજે મોટી સંખ્યામાં લોકો એકઠા થવા માંડ્યા હતા અને રાત્રિ સુધીમાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં.
દરમ્યાન હાજર પોલીસકર્મીઓએ હસ્તક્ષેપ કર્યો હતો અને સમજાવટ માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ દસ વાગ્યાની આસપાસ અચાનક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ વાહનોમાં તોડફોડ કરવામાં આવી તો ખાનગી વાહનોને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં અને મોટરસાયકલ પણ સળગાવી દેવામાં આવી હતી. આ તોફાનમાં રસ્તેથી પસાર થતી એસટી બસને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જૂનાગઢમાં થયેલી આ હિંસામાં પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી તો એક નાગરિકનું મૃત્યુ થયું હતું. જેને લઈને FIR દાખલ કરતી વખતે હત્યાની કલમ ઉમેરવામાં આવી હતી.
પરિસ્થિતિ વણસતાં પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા હતા અને નિયંત્રણ મેળવ્યું હતું. ઘટના બાદ સમગ્ર નગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો હાલ સ્થિતિ સામાન્ય હોવાનું કહેવાય રહ્યું છે.