Tuesday, May 21, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજૂનાગઢ: પોલીસ પર હુમલો કરનારા ઉપદ્રવીઓને દરગાહની સામે જ ઉભા રાખીને મેથીપાક...

    જૂનાગઢ: પોલીસ પર હુમલો કરનારા ઉપદ્રવીઓને દરગાહની સામે જ ઉભા રાખીને મેથીપાક અપાયો, 174ને રાઉન્ડ અપ કરાયા; પથ્થરમારાથી એક નાગરિકનું મોત

    પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ આગચંપી કર્યા બાદ રાત્રે જ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ હિંસામાં સામેલ 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કરી લેવાયા હતા.

    - Advertisement -

    જૂનાગઢમાં ગેરકાયદેસર દરગાહ હટાવવા માટે નોટિસ મળ્યા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ શુક્રવારે (16 જૂન, 2023) મોડી રાત્રે પોલીસ પર હુમલો કરી દીધો હતો. આ હિંસા મામલે પોલીસે કુલ 174 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. તો અમુકને વિવાદિત દરગાહની સામે જ ઉભા રાખીને બેલ્ટ વડે મેથીપાક આપીને પાઠ ભણાવાયો હતો. 

    ઇસ્લામી ટોળાએ પથ્થરમારો અને વાહનોમાં તોડફોડ આગચંપી કર્યા બાદ રાત્રે જ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ હિંસામાં સામેલ 170થી વધુ લોકોને રાઉન્ડ અપ કરી લેવાયા હતા. જેમાંથી અમુકને એ જ દરગાહની સામે ઉભા રાખીને જાહેરમાં માર મારીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. હાલ બાકીનાની પણ શોધખોળ ચાલી રહી છે. 

    આ મામલે જૂનાગઢ એસપી રવિ તેજાએ જણાવ્યું હતું કે, મજેવડી ગેટ પાસેની ગેબનશાહ મસ્જિદને (તેમણે મસ્જિદનો ઉલ્લેખ કર્યો હતો પરંતુ મોટાભાગના અહેવાલોમાં તે દરગાહ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.) નોટિસ આપવામાં આવી હતી કે પાંચ દિવસમાં કાગળો રજૂ કરે. 14 તારીખે નોટિસ બજાવવામાં આવી હતી અને ગઈકાલે 16 તારીખે આ નોટિસથી નારાજ થઈને 500થી 600 લોકો મસ્જિદની આસપાસ એકઠા થઇ ગયા. દરમ્યાન પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર હતા અને ટોળાને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. 

    - Advertisement -

    પોલીસે લગભગ 45 મિનિટ સુધી સમજાવટના પ્રયાસ કરીને રોડ પરથી ટોળાને હટવા માટે કહ્યું હતું. લગભગ સવા દસ વાગ્યે પોલીસ પર પથ્થરો ફેંકવાના શરૂ થયા અને લોકો નારાબાજી કરીને પોલીસ પર હુમલો કરવા ધસી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કરીને પરિસ્થિતિ કાબૂમાં મેળવવાના પ્રયાસ કર્યા. આ દરમિયાન ડીએસપી સહિત ચાર પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. 

    તેમણે જણાવ્યું કે, જૂનાગઢ LCB અને SOGની કુલ 6 ટીમ બનાવીને આખી રાત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 174 લોકોને રાઉન્ડ અપ કરી લીધા હતા. હાલ સંપૂર્ણ જૂનાગઢ શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જવાબદારોને પકડવાની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આ હુમલો પૂર્વનિયોજિત કાવતરું હતું કે તેમ તે દિશામાં પણ તપાસ કરશે. 

    પોલીસ અનુસાર, આ હિંસામાં એક નાગરિકનું મૃત્યુ થયું છે. જેમને પથ્થર વાગવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ વધુ સ્પષ્ટતા થઇ શકશે. 

    શું છે ઘટના? 

    જૂનાગઢમાં મજેવડી ગેટની બહાર બરાબર વચ્ચે એક દરગાહ આવેલી છે, જે ગેરકાયદેસર રીતે બનાવાયેલી હોઈ મહાનગરપાલિકાએ એક નોટિસ પાઠવીને પુરાવા રજૂ કરવા માટે જણાવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જો પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો અતિક્રમણ હટાવી દેવામાં આવશે. શુક્રવારે આ નોટિસને લઈને મુસ્લિમ સમુદાયનું ટોળું દરગાહ પાસે એકઠું થઇ ગયું હતું અને મોડી રાત્રે પોલીસ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ ખાનગી વાહનો અને એસટી બસને પણ નિશાન બનાવવામાં આવ્યાં હતાં તો અમુક વાહનો સળગાવી પણ દેવાયાં હતાં. આ હિંસા બાદ ચાર પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી તો એક નાગરિકનું મૃત્યુ થયું હતું. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં