જૂનાગઢ મહાનગરપાલિકાએ મોટું ઑપરેશન પાર પાડ્યું છે. શહેરના મજેવડી ગેટ પાસે આવેલી વિવાદિત અને ગરકાયદેસર દરગાહ આખરે તોડી પાડવામાં આવી છે. આ સિવાય અન્ય પણ અમુક મજહબી અને ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યાં હતાં. મજેવડી ગેટની દરગાહ એ જ સ્થળ છે, જેને હટાવવા માટે નોટિસ આપવામાં આવતાં ગત વર્ષે મુસ્લિમ ટોળાંએ ઉત્પાત મચાવ્યો હતો.
આ દરગાહ મજેવડી દરવાજા પાસે આવેલી હતી. લગભગ 2 દાયકા પહેલાં આ દરગાહ મજેવડી ગેટ પાસે બનવાની શરૂ થઈ હતી અને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધતો ગયો. દરગાહ ગેરકાયદેસર રીતે બની હોવાના કારણે ઘણા સમયથી તેને હટાવવાની માંગ કરવામાં આવી રહી હતી અને ભૂતકાળમાં પણ નોટિસ આપવામાં આવી ચૂકી હતી. આખરે 9-10 માર્ચની મધ્ય રાત્રિએ જૂનાગઢ મહાનગરપાલિકાની ટીમે પોલીસ તંત્રએ રાત્રે તેને બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી. મોડી રાત્રે આ ઑપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, ઑપરેશન રાત્રે 2 વાગ્યે લગભગ 1000 પોલીસકર્મીઓને સાથે રાખીને શરૂ કરવામાં આવ્યું હતું. તે પહેલાં સમગ્ર વિસ્તારમાં બેરિકેડ લગાવીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. કાર્યવાહી બાદ રાતોરાત કાટમાળનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો હતો અને સવારે 5 વાગ્યા સુધીમાં જામીન સમતલ કરી દેવાઇ હતી. હાલ સ્થળ પર કશું જ જોવા મળતું નથી.
#Junagadh: Illegal religious construction raged in presence of cops #Gujarat #TV9News pic.twitter.com/QXGuFQYRAG
— Tv9 Gujarati (@tv9gujarati) March 10, 2024
મજેવડી ગેટ પાસે આવેલી આ દરગાહ ગેરકાયદેસર હતી, જે હટાવવા માટે મહાનગરપાલિકાએ જૂન, 2023માં નોટિસ પણ પાઠવી હતી. પરંતુ નોટિસ મળતાંની સાથે જ મુસ્લિમ ટોળાં એકઠાં થવા માંડ્યાં હતાં અને ત્યારબાદ રાત્રે પોલીસ સમજાવટ કરવા જતાં તેમની ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં અનેક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી.
આ મામલે પછીથી દાખલ કરવામાં આવેલી FIRમાં જાણવા મળ્યું હતું કે ઉન્માદી ટોળાએ ‘અલ્લાહુ અકબર’ના નારા સાથે પોલીસકર્મીઓને મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. દરમ્યાન એક ST બસને પણ નિશાન બનાવવામાં આવી અને પથ્થરો ફેંકાયા હતા તેમજ કેટલાંક વાહનો પણ સળગાવી દેવામાં આવ્યાં હતાં. આ ધમાલમાં એક નિર્દોષ હિંદુ વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
આખરે જૂનાગઢના તંત્રે આ વિવાદિત દરગાહ તોડી પાડી છે. જોકે સાથે અન્ય પણ કેટલાંક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યાં છે. જેમાં તળાવ દરવાજા નજીક આવેલ જલારામ મંદિર અને રેલવે સ્ટેશન રોડ પર આવેલ રામદેવપીરના મંદિરનો પણ સમાવેશ થાય છે. જોકે, હિંદુ સમુદાયે કાયદાનું માન રાખીને તંત્રને પૂરો સહયોગ આપ્યો હતો. આ તમામ કાર્યવાહી રાત્રે થઈ હતી.
છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી
ગુજરાત સરકાર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અતિક્રમણ સામે આક્રમણ કરી રહી છે અને અનેક ઠેકાણે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. 24 કલાક પહેલાં કચ્છના ખાવડામાં ત્રણ ગેરકાયદેસર મદરેસાઓ તોડવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી આ મદરેસાઓને સ્થાનિક તંત્રે બુલડોઝર ફેરવીને હટાવી દીધી હતી. જ્યારે શુક્રવારે (8 માર્ચ) જામનગરમાં કુખ્યાત ગુનેગાર રઝાક સાઈચા અને તેના ભાઈના 2 ગેરકાયદેસર બંગલા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.