Tuesday, March 31, 2026
More
    હોમપેજગુજરાતભાવનગરમાં દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને બે હિંદુ ભાઈઓ પર જીવલેણ હુમલો:...

    ભાવનગરમાં દિવાળી પર ફટાકડા ફોડવાને લઈને બે હિંદુ ભાઈઓ પર જીવલેણ હુમલો: ધારિયાં-તલવાર લઈને સમીર, રિયાઝ, અસલમ તૂટી પડ્યા હોવાની ફરિયાદ, બેની ધરપકડ

    પોલીસે રિયાઝ પઠાણ, અસલમ પઠાણ, સમીર હુસૈન સૈયદ અને સમીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 117(2), 118(1), 115(2) 352, 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે.

    - Advertisement -

    ભાવનગર શહેરના કુંભારવાડા માઢીયા રોડ બજરંગનગર વિસ્તારમાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાની બાબતને લઈને બે હિંદુ ભાઈઓ પર મુસ્લિમ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સમીર, રિયાઝ અને અસલમ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ મામલે બે આરોપીઓની ધરપકડ પણ થઈ હોવાનું સામે આવ્યું છે. 

    FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. વિગતો અનુસાર, આ સમગ્ર ઘટના કુંભારવાડા વિસ્તારમાં માઢીયા રોડ મહમદી મસ્જિદ પાસે મફનગર ખાતે બનવા પામી હતી. ફરિયાદ અનુસાર, 19 ઑક્ટોબરના રોજ ફરિયાદી રવિ પરમારને તેમના એક મિત્રએ જણાવ્યું હતું કે શેરીના ખૂણા પર બે-ત્રણ મુસ્લિમ વ્યક્તિઓ તેના નાના ભાઈ આકાશને ફટાકડા ફોડવા મામલે ગાળો આપી રહ્યા છે. જે બાદ ફરિયાદી ત્યાં પહોંચતા આરોપીઓએ તેની સાથે પણ મારપીટ કરવાનું શરૂ કર્યું હતું. 

    ફરિયાદમાં આગળ જણાવ્યું છે કે આરોપી રિયાઝ પઠાણ, સમીર હુસૈન સૈયદ અને અસલમ પઠાણ હાથમાં ધારિયું, તલવાર અને પાઇપ લઈને ઊભા હતા. આરોપ છે કે અસલમ પઠાણ ફરિયાદીને ગાળો આપવા લાગ્યો હતો, જે મામલે ફરિયાદીએ ગાળો આપવાની ના પાડતાં રિયાઝ પઠાણ નામના આરોપીએ તેના માથા પર ધારિયાના ઘા ઝીંકી દીધા હતા. આગળ કહેવાયું છે કે સમીર અને અસલમ નામના આરોપીઓએ પણ પાઇપ વડે માર મારવાનો શરૂ કર્યો હતો. 

    - Advertisement -

    ત્યારબાદ ફરિયાદીએ બૂમાબૂમ કરતાં તેનો ભાઈ તેને બચાવવા દોડી આવ્યો હતો પણ આરોપીએ તેને પણ માર મારવાનો શરૂ કર્યો હતો. આરોપ છે કે અન્ય એક સમીર નામનો આરોપી હાથમાં તલવાર લઈને ત્યાં ધસી આવ્યો હતો અને તેણે ફરિયાદીના ભાઈને માથા પર તલવાર ઝીંકી દીધી હતી. ત્યારબાદ વિવાદ વધતાં ફરિયાદીના મિત્રો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બંને ફરિયાદીને બચાવી લેવાયા હતા. હાલ ફરિયાદી અને તેનો ભાઈ સારવાર હેઠળ હોસ્પિટલમાં હોવાનું સામે આવ્યું છે. 

    ફટાકડા ફોડવાને લઈને મુસ્લિમ આરોપીએ ઉઠાવ્યો હતો વાંધો- FIR

    FIRમાં સમગ્ર ઘટનાનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે. ફરિયાદમાં કહેવાયું છે કે રાત્રે લગભગ 11:15 કલાકે ફરિયાદીનો નાનો ભાઈ ફટાકડા ફોડી રહ્યો હતો. જે બાદ આરોપી સમીરે ફટાકડા ફોડવાની ના પાડતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ફરિયાદી સમીરને સમજાવવા પહોંચ્યો હતો અને આ દરમિયાન પણ આરોપીઓ દ્વારા હિંસા આચરવામાં આવી હતી. હાલ આ મામલે પોલીસે FIR નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    ‘હુમલામાં સામેલ ‘કોંગ્રેસ આગેવાન’ વિરુદ્ધ પોલીસે ન દાખલ કર્યો ગુનો’- ફરિયાદીનો દાવો

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ફરિયાદીએ સમગ્ર ઘટનાનો ચિતાર કહી સંભળાવ્યો હતો. ફરિયાદીએ વારંવાર દાવો કર્યો હતો કે દિવાળીના તહેવાર પર ફટાકડા ન ફોડવા દેવા મામલે આ ઘટના બનવા પામી હતી. તેણે એવું પણ કહ્યું કે મહમદી મસ્જિદની આસપાસ શરૂઆતમાં 10-15 માણસો હતા અને તે પછી 40-45 મુસ્લિમ શખ્સો હથિયારો સાથે એકઠા થઈ ગયા હતા અને તેને માર મારવા લાગ્યા હતા. 

    ફરિયાદીએ પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવતા દાવો કર્યો છે કે તેણે જે નામ પોલીસ ફરિયાદ અને નિવેદનમાં લખાવ્યા છે, તે આરોપીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. દાવો છે કે તમામ મુખ્ય આરોપીઓએ જ હુમલો કર્યો હતો પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ફરિયાદીએ એવું પણ જણાવ્યું છે કે હુમલામાં સામેલ ખતીજા ખાતૂન નામની એક મહિલા સ્થાનિક કોંગ્રેસ આગેવાન છે અને તે વિસ્તારના કોંગ્રેસના કાર્યક્રમમાં તે સંચાલન કરે છે.

    જોકે, બોરતળાવ પોલીસ સ્ટેશનના PI ડાભીએ ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં આ તમામ આરોપોનું ખંડન કર્યું હતું અને સ્પષ્ટીકરણ આપતાં જણાવ્યું હતું કે FIR નોંધવામાં આવી ત્યારે ફરિયાદીની સહી લેવામાં આવી હતી અને તે દરમિયાન ફરિયાદીએ આ નામોનો ઉલ્લેખ નહોતો કર્યો. પોલીસે એવું પણ કહ્યું છે કે જો ફરિયાદી આરોપીઓનાં નામ આપે તો પોલીસને કાર્યવાહી કરવામાં કોઈ વાંધો નથી. 

    નોંધવા જેવું છે કે આ મામલે પોલીસે બે સામસામી ફરિયાદ નોંધી છે. પ્રથમ FIR ફરિયાદીએ મુસ્લિમ શખ્સો સામે નોંધાવી છે, જેમાં દિવાળીના તહેવાર પર ફટાકડા ન ફોડવા દેવા બાબતે મુસ્લિમ શખ્સોએ મારામારી કરી હોવાનું કહેવાયું છે. તે સિવાય બીજી ફરિયાદ મુસ્લિમ શખ્સોએ ઘટનાના ફરિયાદીઓ સામે દાખલ કરાવી છે, જેમાં ફરિયાદીઓ ફટાકડા ફોડવાની સાથે ગાળો બોલતા હોવાને લઈને વિવાદ થયો હોવાનું કહેવાયું છે. 

    પોલીસે રિયાઝ પઠાણ, અસલમ પઠાણ, સમીર હુસૈન સૈયદ અને સમીર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 117(2), 118(1), 115(2) 352, 54 અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ મામલે અસલમ પઠાણ અને સમીર સૈયદ નામના બે આરોપીઓની ધરપકડ થઈ હોવાનું પોલીસે જણાવ્યું છે અને હાલ પણ આ મામલે કાર્યવાહી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં