સીમાવર્તી જિલ્લા કચ્છમાં સરકારી જમીનમાં કરવામાં આવેલાં દબાણો હટાવવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. તાજેતરમાં સ્થાનિક તંત્રએ ભુજ તાલુકાનાં જામકુનરિયા અને કુરન સહિતનાં ગામોમાં સરકારી જમીન પર દબાણ કરીને ખડકી દેવાયેલાં પાકાં બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું હતું. દરમ્યાન સરકારી જમીન પર અતિક્રમણ કરીને ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલી ત્રણ મદરેસા પર પણ બુલડોઝર ચાલ્યું.
કચ્છમાં ફરી ચાલ્યું 'દાદાનું બુલડોઝર'
— ઑપઇન્ડિયા (@OpIndia_G) March 9, 2024
-3 મદરેસાઓ સહિતનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયાં
-સરકારી જમીનમાં થયું હતું અતિક્રમણ, બુલડોઝર ફેરવીને હટાવાયું #Kutch #BulldozerAction pic.twitter.com/ss6sWyjD1a
મળતી માહિતી અનુસાર, કચ્છના જામ કુનરિયા અને કુરન ગામમાં મદરેસા તોડી પાડવામાં આવી છે. આટલું જ નહીં, જામકુનરિયા, કુરન, રાયમાવાંઢ, કાઢવાંઢ સહિતના ગામોમાં દબાણ કરીને બાંધવામાં આવેલાં દુકાન, હોટલ, ઓરડા સહિતનાં બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ પહેલાં સરહદના સંત્રી કાળા ડુંગર પરનાં 24 અને ધ્રોબાણામાં 2 મળી કુલ 26 દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં.
કચ્છ: ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલ્ડોઝર , સર્વે પ્રમાણે ગેરકાયદેસર બાંધકામને તોડી પાડાયા#gujarat #kutch #news #zee24kalak pic.twitter.com/IGA14VNPjN
— Zee 24 Kalak (@Zee24Kalak) March 9, 2024
પ્રશાસને કચ્છમાં સરવે અને નકશાના અભ્યાસ બાદ પોલીસ ટીમને સાથે રાખીને બુલડોઝર એક્શન લીધું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. જાણવા મળ્યા અનુસાર, હજુ પણ અન્ય ગેરકાયદેસર બાંધકામોને ચિહ્નિત કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે જગ્યાઓ પર દબાણો દૂર કરવામાં આવ્યાં છે તેમાંથી કેટલીક જગ્યાઓ પર માથાભારે લોકોનો કબજો હતો.
શુક્રવારે જામનગરમાં પણ ચાલ્યું હતું બુલડોઝર
આ પહેલાં શુક્રવારે (8 માર્ચ, 2024) જામનગરમાં કુખ્યાત ગુનેગાર રઝાક સાઈચા અને તેના ભાઈએ ગેરકાયદેસર રીતે તાણી બાંધેલા 2 બંગલાઓ તંત્રએ જમીનદોસ્ત કરી દીધા હતા. હાલ જેલમાં બંધ રઝાક અને તેના ભાઈ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યા બાદ જામનગર પોલીસ અને વહીવટી તંત્રએ આ બુલડોઝર કાર્યવાહી કરી હતી. જામનગરના બેડી વિસ્તારમાં આ બે બંગલાઓ બાંધવામાં આવ્યા હતા, જેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યા. તે પહેલાં ડિસેમ્બરમાં પણ સરકારે રઝાકનાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી.
કચ્છમાં પણ સતત એક્શન, ગત સપ્તાહે પણ થઈ હતી કાર્યવાહી
કચ્છમાં સ્થાનિક તંત્ર સતત ગેરકાયદેસર દબાણો ચિન્હિત કરીને તેને ઠેકાણે લગાવી રહ્યું છે. ગત સપ્તાહે માંડવીમાં દરિયાકિનારે દરગાહ નજીકનું દબાણ દૂર કરાયું હતું. માંડવી દરિયાકિનારે મસ્કા સીમમાં આવેલ યુસુફ શાહ પીરની દરગાહ અને ગુંદિયાળી સરહદમાં આવેલી આરિફ-એ-બિલ્લાહની દરગાહમાં મંજૂર કરવામાં આવેલી જગ્યા કરતાં વધુ બાંધકામ કરીને સમુદ્રકિનારે દબાણ કરવામાં આવ્યું હોવાનું ધ્યાને ચડ્યું હતું. વધારાનું દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર દ્વારા અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી અને નિયત સમયમાં તે હટાવી દેવા માટે સૂચના અપાઈ હતી. પરંતુ આ નોટિસનો કોઇ જવાબ ન મળતાં આખરે તંત્રે બુલડોઝર ફેરવી દીધાં હતાં.