થોડા સમય પહેલાં NIAને ઈમેઈલ દ્વારા એક ધમકી આપવામાં આવી હતી. જેમાં ₹500 કરોડની માંગણી કરવામાં આવી હતી અને સાથે લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરવા માટે કહેવાયું હતું. જો આવું નહીં કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકીને લઈને સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ગઈ હતી અને સ્ટેડિયમની સુરક્ષા પણ વધારી દેવાઈ હતી. જ્યારથી ધમકી મળી હતી ત્યારથી પોલીસ તંત્ર તેની તપાસ કરી રહ્યું હતું. જ્યારે હવે એ ધમકી આપનારો આરોપી ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને રાજકોટથી ઝડપી પાડ્યો છે.
તાજેતરમાં અમદાવાદ ખાતે આવેલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર ભારત પાકિસ્તાનની મેચમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકી ભર્યો ઇમેલ કરનાર ઇસમની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ.@sanghaviharsh @GujaratPolice @InfoGujarat @BCCI #AhmedabadPolice #GujaratPolice #ICCWorldCup pic.twitter.com/liQ2OkvcEf
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) October 11, 2023
અમદાવાદના પ્રખ્યાત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉડાવીઓ દેવાની ધમકી આપનાર શખ્સને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો છે. આ શખ્સનું નામ કરણ માળી (ઘણા અહેવાલોમાં તેના નામનો ઉલ્લેખ કિશન તરીકે થયો છે) હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વ્યક્તિ મૂળ મધ્ય પ્રદેશનો વતની છે અને હાલ તે રાજકોટમાં રહે છે. સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે આરોપી કિશન વિડીયો બ્લોગરનું કામ પણ કરે છે. પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં સામે આવ્યું છે કે તે વ્યક્તિએ માત્ર મજા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના મોબાઈલ અને લેપટોપ જેવા ઉપકરણો જપ્ત કરી લીધા છે.
શું હતો સમગ્ર મામલો?
ગત થોડા દિવસો પહેલાં NIAને એક ઈ-મેઈલ મોકલવામાં આવ્યો હતો. આ ઈ-મેઈલમાં ધમકી મોકલનાર વ્યક્તિએ સરકાર પાસેથી ₹500 કરોડની માંગ કરી હતી. સાથે હાલ જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને મુક્ત કરી દેવાની માંગ પણ કરવામાં આવી હતી. નોંધનીય છે કે એક તરફ દેશમાં ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઇ ગઈ છે અને બીજી તરફ સ્ટેડિયમ ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ સહિત તમામન સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી.
ધમકી મળ્યા બાદ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. જ્યારે હવે એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપનારો આરોપી રાજકોટથી ઝડપાયો છે
ભારત-પાક. મેચને લઈને કેવી હશે સુરક્ષા-વ્યવસ્થા
ભારત-પાકિસ્તાન મેચને લઈને સુરક્ષા-વ્યવસ્થામાં ઘણો વધારો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં સઘન સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવશે. નાનુ મોટું છમકલુ ન થાય તે માટે સતત પેટ્રોલિંગ કરવામાં આવશે અને એક SRPની ટુકડી સહિત પેરામિલિટરી ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે.
સમગ્ર અમદાવાદ શહેરમાં ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન અંદાજિત 5000 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. BSF, CRPF, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર IPS કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઈન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં હાજર રહેશે.