Friday, April 3, 2026
More
    હોમપેજએક્સપ્લેઇનર12 વર્ષ પછી પોતાના ગામ પાછા ફર્યા 29 આદિવાસી પરિવારો, સરકારે કરી...

    12 વર્ષ પછી પોતાના ગામ પાછા ફર્યા 29 આદિવાસી પરિવારો, સરકારે કરી મદદ: જાણો શું છે એ ‘ચડોતરું’, જે પ્રથાના કારણે છોડવું પડ્યું હતું ગામ

    - Advertisement -

    રાજ્યમાં ગુરુવારે (17 જુલાઈ) બનાસકાંઠા (Banaskantha) જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગૃહપ્રધાન હર્ષ સંઘવીની (Home Minister Harsh Sanghvi) હાજરીમાં 29 જેટલા આદિવાસી પરિવારોનું તેમના મૂળ ગામમાં પુનર્વસન કરાવવામાં આવ્યુ હતું. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં આવેલ મોટા પીપોદરા ગામના 29 જેટલા કોદરવી પરિવારના આશરે 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરવામાં આવ્યું હતું.

    અંદાજે 12 વર્ષ પહેલા ગામના કોદરવી અને ડાબી આદિવાસી સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો, જેમાં ‘ચડોતરું’ (Chadotaru) કુરિવાજના કારણે કોદરવી સમાજના પરીવારોનો વતન નિકાલ કરાયો હતો. જે પછી આજે વર્ષો બાદ રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસનના પ્રયાસથી સંપૂર્ણ સન્માન સાથે આ પરિવારોનો તેમના માદરે વતનમાં ગૃહ-પ્રવેશ કરાવાયો હતો. આ ઉપરાંત તેમના પૈતૃક ખેતરોમાં ભૂમિપૂજન કરી મકાઈનું વાવેતર પણ કરાવાયું હતું.

    એક બાજુ રાજ્ય સરકારના આ પ્રયાસોની ખુબ પ્રશંસા થઇ રહી છે. ત્યારે જે કુરિવાજના કારણે આ પરિવારો આટલા વર્ષો પોતાના ગામથી અલગ રહ્યા એ ‘ચડોતરું’ પ્રથાની પણ ખાસી ચર્ચાઓ થઇ રહી છે. શું છે આદિવાસી સમુદાયની આ અનોખી પરંપરા એ વિશે જાણીએ.

    - Advertisement -

    ‘ચડોતરું’નો રિવાજ, વેરની પરંપરા

    આદિવાસી સમુદાયમાં એમ તો અવનવી પ્રથાઓ-રિવાજો હોય છે. પરંતુ ‘ચડોતરું’ એ દુશ્મનીમાં વેર લેવાની પરંપરા સાથે સંકળાયેલ એક કુરિવાજ છે. આદિવાસી સમાજમાં વર્ષોથી ન્યાય અને કાયદાની વ્યવસ્થા માટે ‘પંચ’ની પરંપરા છે. જેમાં સમાજના આગેવાન લોકોનો એક સમૂહ ‘પંચ’ તરીકે સમાજમાં ન્યાયિક વ્યવસ્થા પૂરી પાડે છે. આજે પણ નાના-મોટા ગુનાઓ માટે આદિવાસી સમુદાય પોલીસ કે કોર્ટ જવાની જગ્યાએ પંચમાં તેની ફરિયાદ કરે છે અને ત્યાં ન્યાયની અપેક્ષા રાખે છે.

    આ જ પ્રક્રિયામાં આદિવાસી સમુદાયમાં કોઈની સાથે અન્યાય થયો, કોઈની હત્યા થઇ કે બીજો કોઈ ગંભીર ગુનો બન્યો ત્યારે પંચ જવાબદારો અને પીડિતો વચ્ચે સમાધાનનો પ્રયાસ કરે છે. જેમાં તેઓ જવાબદારોને દંડ કે સજા ફટકારે છે. આવી બાબતોમાં જ્યારે પંચની આજ્ઞા માની દંડ કે સજા સ્વીકારી લેવામાં આવે ત્યારે સમાધાન થઇ જતું હોય છે. પરંતુ જ્યારે કોઈ પક્ષ આ બાબતો સ્વીકારતું નથી ત્યારે શરૂ થાય છે ‘ચડોતરું’નો કુરિવાજ. જેમાં એકબીજા સામે વેર લેવાની વૃતિ સાથે જ્યાં સુધી સમાધાન ન થાય ત્યાં સુધી બંને પક્ષો એકબીજા સાથે લડતા રહે છે.

    આ કિસ્સામાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય અને જવાબદાર પક્ષ તરફથી માંગેલા વળતર કે દંડની રકમ ન મળે તો તેના પર ચડોતરું કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં અમુક વાર મરનારની લાશને ગામમાં જ અથવા આરોપીના ઘરની આગળ એક ઝાડ પર લટકાવી દેવામાં આવે છે અને જ્યાં સુધી બંને પક્ષ વચ્ચે વેર પૂરું ન થાય ત્યાં સુધી બંને પક્ષો લડાઈ ચાલુ રાખે છે. જેમાં એકબીજા પર જીવલેણ હુમલાઓ, લુંટફાટ જેવી ગુનાહિત વૃતિઓ કરવામાં આવે છે.

    આ દરમિયાન જવાબદાર પક્ષ દંડ આપવા તૈયાર થાય અને ચડોતરું પૂરું થાય તો દંડની 10% રકમ પંચમાં બેઠેલા સભ્યોને આપવામાં આવે છે. આ ઉપરાંત બંને પક્ષોને ગોળ વહેંચી સમાધાન કરાવવામાં આવે છે. દંડની રકમને વેર કહેવામાં આવે છે અને આ વેરની રકમ પીડિત પરિવારને સોંપી દેવામાં આવે છે. અમુક વાર આ પ્રકારની ઘટનાઓમાં લોકો ગામ-ઘર છોડી પલાયન થવા પર મજબુર બનતા હોય છે.

    જોકે વિસ્તાર પ્રમાણે આદિવાસી સમુદાયમાં રીત-રીવાજો અને પરંપરાઓ પણ અલગ અલગ છે. આ ‘ચડોતરૂ’નો કુરિવાજ મોટા ભાગે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી ક્ષેત્રોમાં રહેતા આદિવાસી સમાજમાં થતો હોય છે. ચડોતરું કુરિવાજને નાબુદ કરવા માટે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. જ્યાં આ કુરિવાજનું વધારે પ્રસરેલો છે ત્યાં પોલીસની ટીમ દ્વારા અલગ અલગ 92 કમિટી બનાવવામાં આવી છે જે, ચડોતરું વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં