ગણેશજીની આગમન યાત્રા દરમિયાન પૂર્વનિયોજિત કાવતરાના ભાગરૂપે ઈંડાં ફેંકવા મામલે પકડાયેલા આરોપીઓ પૈકીના એક જુનૈદનો ભાજપ સાથે સંબંધ હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર અમુક વિડીયો વાયરલ થયા છે. વિડીયોમાં વડોદરાનાં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શૈલેષ મહેતા વગેરે નેતાઓ જોવા મળી રહ્યા છે. પરંતુ જ્યારે ઑપઇન્ડિયાએ આ બંને નેતાઓનો સંપર્ક કર્યો ત્યારે સમગ્ર હકીકત બહાર આવી.
વિડીયોની વાત કરવામાં આવે તો એક વિડીયોમાં જુનૈદ રંજનબેન ભટ્ટનું સ્વાગત કરતો અને સાથે તસવીર ખેંચાવતો જોવા મળે છે. આવા જ એક વિડીયોમાં તે શૈલેષ મહેતાને પણ હાર પહેરાવતો હોય અને સાથે ફોટો પડાવતો હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે. આ વિડીયો અને તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો કે જુનૈદના ભાજપ નેતાઓ સાથે નજીકના સંબંધો છે.
ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાના મુખ્ય આરોપી જુનેદ સિંધીનો ભાજપના નેતાઓ સાથેનો વીડિયો વાયરલ!#Vadodara #GaneshChaturthi #JunaidSindhi https://t.co/vMdQSFNI5f pic.twitter.com/1xy8WlURRo
— My Vadodara (@MyVadodara) September 2, 2025
જુનૈદને હું ઓળખતી પણ નથી, ન પાર્ટીમાં કોઈ સાથે સંબંધ છે: રંજનબેન ભટ્ટ
આ મામલે ઑપઇન્ડિયાએ રંજનબેન ભટ્ટનો સંપર્ક કર્યો. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, જુનૈદને તેઓ ઓળખતાં પણ નથી કે ન તેનો ભાજપના એક પણ નેતા સાથે કોઈ સંબંધ છે. વિડીયો વિશે તેમણે જણાવ્યું કે આગલા વર્ષે પરશુરામ યાત્રા આયોજિત કરવામાં આવી હતી અને ત્યારે મુસ્લિમ સમુદાયના અમુક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું તે સમયે સંભવતઃ જુનૈદ પણ આવ્યો હશે અને ત્યારે જ તસવીર ખેંચાવી હતી. તે સિવાય આગળ-પાછળ તેનું પાર્ટી સાથે કોઈ કનેક્શન નથી.
તેમણે વડોદરા પોલીસને ત્વરિત અને ઝડપી કાર્યવાહી બદલ અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે આરોપીઓને કડકમાં કડક સજા થાય એ જરૂરી છે.
‘કેટલાય લોકો આવીને ફોટા પડાવતા હોય છે, દરેકને જાણતા હોઈએ એ શક્ય નથી’: MLA મહેતા
ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ સ્પષ્ટતા કરી હતી. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, વિડીયો જૂનો અને પરશુરામ યાત્રા વખતેનો છે. જે-તે સમયે જુનૈદ મુસ્લિમ સમુદાયના અન્ય લોકો સાથે ત્યાં આવ્યો હશે પણ પોતે તેને ઓળખતા નથી.
મહેતાએ કહ્યું, “યાત્રામાં હજારો લોકો હોય છે. તેમાંથી ઘણા ફોટો પડાવે છે. રોજ અમને કેટલાય લોકો મળતા હોય અને આવા કાર્યક્રમોમાં ફોટા પડાવતા હોય છે. અમે બધાને ઓળખીએ એ શક્ય નથી. આ કેસમાં પણ એવું જ છે. હું આ વ્યક્તિને ઓળખતો નથી કે ન તેનો પાર્ટીના કોઈ નેતા સાથે સંબંધ છે.”
બંને નેતાઓ સાથેની વાતચીત પરથી એ સ્પષ્ટ છે કે જુનૈદ એક યાત્રા દરમિયાન ફોટા પડાવી આવ્યો હતો. નેતાઓ તેને ઓળખતા હોય કે બીજું કોઈ કનેક્શન હોય તે વાતમાં કોઈ તથ્ય નથી.


