Sunday, April 21, 2024
More
  હોમપેજફેક્ટ-ચેકમોરારી બાપુના મતે મોદી સરકાર નાપાસ?: ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલી વાતોના...

  મોરારી બાપુના મતે મોદી સરકાર નાપાસ?: ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેલી વાતોના આધારે ભ્રામક દાવા કરાયા, અહીં જાણો સંપૂર્ણ સત્ય

  સોશિયલ મીડિયા પર છાપાનું કટિંગ વાયરલ, મોરારી બાપુએ મોદી સરકારને 100માંથી 30 જ માર્ક્સ આપ્યા હોવાનો દાવો. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી.

  - Advertisement -

  વિખ્યાત કથાવાચક અને સંત મોરારી બાપુએ હાલ એક વિશેષ રામકથાનું આયોજન કર્યું છે. પોતાના 1008 શિષ્યો અને શ્રદ્ધાળુઓને લઈને તેઓ ટ્રેન યાત્રાએ નીકળ્યા છે. આ ટ્રેન દેશનાં તમામ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરશે અને તમામ સ્થળોએ મોરારી બાપુની કથા યોજવામાં આવશે. 22 જુલાઈએ હરિદ્વારથી યાત્રા શરૂ થઇ હતી, જે ગુજરાતના તલગાજરડામાં પૂર્ણ થશે. 

  વિશેષ રામકથા યોજાઈ હોવાના કારણે ગયા અઠવાડિયે મીડિયામાં પણ તેની ખાસ્સી ચર્ચા થઇ. અનેક મોટી ટીવી ન્યૂઝ ચેનલોએ મોરારી બાપુના ઇન્ટરવ્યૂ લીધા. જેમાંથી એક ABP ન્યૂઝ પણ સામેલ છે. ABP સાથેની આ વાતચીતમાં મોરારી બાપુએ મોદી સરકારને નાપાસ કરી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. 

  રાજકોટના સાંધ્ય દૈનિક ‘હેડલાઈન’ની 28 જુલાઈ, 2023ની આવૃત્તિના પહેલા પાને ‘હે, રામ! મોરારિબાપુના મતે મોદી સરકાર ‘નાપાસ’!’ શીર્ષકથી સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે મોરારી બાપુએ ઇન્ટરવ્યૂમાં મોદી સરકારનો રિપોર્ટ આપતાં કહ્યું હતું કે, તેઓ વર્તમાન સરકારને 100માંથી 30 માર્ક્સ આપે છે, એટલે કે પાસિંગ માર્ક્સ પણ નહીં. અહેવાલોમાં ફોટાનું પણ આગવું મહત્વ છે. રિપોર્ટમાં મોરારી બાપુની સાથે મોદીના ચિંતાજનક દેખાતા હોય તેવા ફોટા મૂકવામાં આવ્યા છે. 

  - Advertisement -
  સાભાર- Facebook/headline

  રિપોર્ટમાં લખવામાં આવ્યું, (અક્ષરસઃ) ‘એબીપી ન્યૂઝ સાથેની મુલાકાતમાં મોરારી બાપુને મોદી સરકારના રિપોર્ટ કાર્ડ પર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, અને તેમણે કહ્યું, “પહેલાં હું શિક્ષક હતો. 100માંથી 35 પાસ માર્ક્સ હતા. જે પરીક્ષામાં 30 માર્ક્સ મેળવતો હતો તે 5 માર્ક્સ વધારીને પાસ થતો હતો. વર્તમાન સરકાર પર તેમણે કહ્યું કે, મેં જે એસેસમેન્ટ કર્યું છે તેમાં હું 30 માર્ક્સ આપું છું અને 5 માર્ક્સ કૃપા ગુણ આપીએ એટલે પાસ.’ 

  છાપાનું આ કટિંગ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા જુદી છે. 

  શું છે સત્ય? 

  મોરારી બાપુનો આ ઇન્ટરવ્યૂ ABP ન્યૂઝ પર 27 જુલાઈ, 2023ના રોજ પ્રસારિત થયો હતો. જેમાં તેમણે ધર્મ, રાજકારણ સહિત અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરી. અહીં તેમણે આ પાસિંગ માર્ક્સની વાત કરી એ વાત સાચી છે, પરંતુ તેમણે ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે તેમની સરકારનું નામ લીધું ન હતું. તેમણે વર્તમાન રાજકીય પરિસ્થિતિને અનુલક્ષીને વાત કહી હતી.

  ABP ન્યૂઝ દ્વારા પોતાના અધિકારીક ટ્વિટર અકાઉન્ટ પરથી આ ઇન્ટરવ્યૂની ક્લિપ શૅર કરવામાં આવી હતી, જેમાં મોરારી બાપુએ આ વિશે વાત કરી હતી. 

  એન્કરે મોરારી બાપુને પૂછ્યું હતું, “આજની તારીખમાં, તમારા વિચારમાં, શું રામચરિતમાનસ-રામાયણવાળો રાજધર્મ હિન્દુસ્તાનમાં સ્થાપિત છે, બદલાવની જરૂર છે કે બધું સારું ચાલે છે?” જેના જવાબમાં બાપુએ કહ્યું, “બીજા વિશે હું કંઈ નહીં કહું કે ક્ષેત્ર વિશે કંઈ નહીં કહું. પરંતુ યુવાનોમાં રાજધર્મની સ્થાપના કરવાની જરૂર છે, અને એ રાજધર્મ પ્રેમ, સત્ય અને કરૂણાનો છે.” આગળ તેમણે કહ્યું, “હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. 100 માર્ક્સના પેપરમાં 35થી પાસ કરવામાં આવતા હતા. ક્યારેક કોઈ નબળો વિદ્યાર્થી હોય અને 30 લાવે તો અમે 5 કૃપા ગુણ આપી દેતા હતા.”

  ત્યારબાદ એન્કરે પૂછ્યું કે, “હાલ જે સ્થિતિ છે તેને 100માંથી તમે કેટલા માર્ક્સ આપશો? 30, 35 કે ડિસ્ટિંક્શન સાથે અહીંના રાજકારણને મૂલવશો?” જવાબમાં તેમણે કહ્યું, “મેં જે આકલન કર્યું છે, 30 માર્ક્સ તો હું આપી જ શકું છું. આ ઘણી મોટી વાત છે અને 5 કૃપા ગુણ પરમાત્મા આપે તો પાસ થઇ જશે.”  

  અહીં ન તો એન્કરે મોદી કે તેમની સરકારનો ઉલ્લેખ કર્યો હતો કે ન મોરારી બાપુએ. બંને વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરી રહ્યા હતા અને તેમાં આ ચર્ચા થઇ હતી. જેથી તેમણે મોદી સરકારને લઈને આ વાત કહી છે તેમ કહેવું ભ્રામક છે. જોકે, આ ઇન્ટરવ્યૂના પ્રસારણ દરમિયાન ઉપરના છેડે ‘મોરારી બાપુએ મોદીને કેટલા નંબર આપ્યા’ એ મુજબનું લખાણ લખવામાં આવ્યું હતું, પરંતુ ઇન્ટરવ્યૂમાં તેમણે ક્યાંય વડાપ્રધાન કે સરકારનો ઉલ્લેખ કર્યો ન હતો.

  સાભાર- ABP ન્યૂઝ

  ABP ન્યૂઝ દ્વારા પણ પછીથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, ઇન્ટરવ્યૂ દરમિયાન મોરારી બાપુએ કોઈ પણ રાજકીય પાર્ટી કે વડાપ્રધાન મોદીનું નામ લીધું ન હતું. અગાઉ છપાયેલા ઇન્ટરવ્યૂમાં ભૂલથી માર્ક્સ આપવાની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જે ખોટું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં