એક તરફ પ્રયાગરાજ (Praygraj) ખાતે પવિત્ર મહાકુંભની (Mahakumbh 2025) શરૂઆત થઈ ચૂકી છે અને તે વિશ્વ આખાનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તો બીજી તરફ રવિવારે (12 જાન્યુઆરી 2025) જાણીતા ‘ન્યૂઝ ક્યુરેટર’ મારિયો નફાલે (Mario Nawfal) મહાકુંભ મેળાને ‘હિંદુ પરંપરાના ભાજપ સમર્થિત ઉત્સવ’ કહીને જુઠ્ઠાણું ફેલાવ્યું (Fake Claim) અને વિવાદ સર્જ્યો છે. દુનિયાભરના સમાચારો શેર કરવા માટે જાણીતા દુબઈ સ્થિત ઉદ્યોગસાહસિક નફાલે ખોટો દાવો કર્યો હતો કે મહાકુંભનું પવિત્ર મહાપર્વ રાજનીતિથી પ્રેરિત કાર્યક્રમ છે.
તેમણે એક ટ્વીટમાં ખોટો દાવો કર્યો હતો કે, “આ આયોજન પાછળ 765 મિલિયન ડોલર ખર્ચ થયો છે અને તેને પરંપરાની ભાજપ સમર્થિત ઉજવણી તરીકે જોવામાં આવે છે.” નફાલે આ દાવા પાછળ રોયટર્સના એક અહેવાલને સ્ત્રોત તરીકે ટાંક્યો હતો.

નોંધવું જોઈએ કે રવિવારે (12 જાન્યુઆરી) પ્રકાશિત થયેલા તેના રાજકારણ પ્રેરિત અહેવાલમાં, રોઇટર્સે દાવો કર્યો હતો કે, “સફળ મહાકુંભ ભારતના ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રતીકોને તેના હિંદુ આધાર માટે ફરીથી પ્રાપ્ત કરવા અને મહિમા આપવાના ભાજપના કાર્યની પુષ્ટિ કરશે તેવી અપેક્ષા છે. ઉપરાંત મોદી અને આદિત્યનાથની છબીને ઉજ્જવળ બનાવશે. 2014માં જ્યારે તેમનો હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ રાષ્ટ્રીય સ્તરે સત્તામાં આવ્યો ત્યારે તેમણે આ વચન આપ્યું હતું.
મહાપર્વને રાજકીય આયોજન ગણી કરી તુચ્છ હરકત
અહીં મહાકુંભને રાજનીતિ સાથે જોડીને સ્પષ્ટ રીતે મારિયો નવાફલે હિંદુ મહાપર્વની છબી ખરડાય તેવી હરકત કરી છે. મહાકુંભ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત થાય છે અને અહીં સરકાર ભાજપની છે. સ્વભાવિક છે કે, સત્તા પર હોવાના કારણે અહીં વ્યવસ્થાઓથી લઈને સુરક્ષા સુધીની જવાબદારી રાજ્ય સરકારની છે. મહાકુંભમાં આવતા કરોડો શ્રદ્ધાળુઓની જવાબદારી યોગી સરકારની છે અને સરકાર પોતાની જવાબદારી નિભાવી રહી છે.
પણ અહીં તે ન ભૂલવું જોઈએ કે ભાજપના અસ્તિત્વમાં આવ્યા પહેલા આદિ-અનાદી કાળથી કુંભનું આયોજન થતું આવ્યું છે. મહાકુંભ સનાતન સન્સ્કૃતિ સાથે જોડાયેલો એક મેળાવડો છે અને શાસ્ત્રો અને પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ છે. આ હિંદુ મહાપર્વ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. દર 6 વર્ષે અર્ધ કુંભ આયોજાય છે, દર 12 વર્ષે પૂર્ણ કુંભ અને 12 પૂર્ણ કુંભના આયોજન બાદ, એટલે કે 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ પ્રયાગરાજ ખાતે આયોજાય છે, જયારે અન્ય કુંભ આયોજન હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક ખાતે આયોજાય છે.
અહીં તે સ્પષ્ટ થાય છે કે મારિયો નફાલે મહાકુંભ મેળાને લઈને કરેલો દાવો તદ્દન ખોટો છે. મહાકુંભ એ સનાતન હિંદુ સંસ્ક્રુતિનો જ એક ભાગ છે. તેને ભારતીય જનતા પાર્ટી કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથ સાથે કોઈ જ લેવાદેવા નથી. હા, સત્તા પક્ષ હોવાના નાતે મહાકુંભમાં આવતા શ્રદ્ધાળુઓની સુખાકારી અને સુરક્ષાની વ્યવસ્થા કરવી ચોક્કસ તેમની ફરજમાં આવે છે.