સોમવારે (27 જાન્યુઆરી) કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયે માર્કેટ રેગ્યુલેટર SEBI (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) ચેરપર્સનના પદ માટે નવી અરજીઓ મંગાવવા માટે એક જાહેરાત પ્રકાશિત કરી હતી. જેની સાથે જ કોંગ્રેસ (Congress) પાર્ટીએ કૂદાકૂદ કરવાનું શરૂ કરી દીધું છે અને એવું સાબિત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે SEBI ચીફ માધવી પુરી બુચ (Madhabi Puri Buch) સામે તેમણે જે કથિત રીતે અવાજ ઉઠાવ્યો અને જે કેમ્પેઇન ચલાવ્યું, તેનું આ પરિણામ છે. નોંધવું જોઈએ કે SEBIનાં હાલનાં અધ્યક્ષ માધવી બુચ છે.
પહેલાં સરકારની જાહેરાત પર નજર કરીએ. 27 જાન્યુઆરીનું આ નોટિફિકેશન જણાવે છે કે SEBI માટે નવા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે. જે માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ અરજીઓ 17 ફેબ્રુઆરી સુધીમાં જમા કરાવવાની રહેશે. ચેરપર્સનનો કાર્યકાળ 5 વર્ષનો અથવા 65 વર્ષ સુધી (બેમાંથી જે પહેલાં આવે એ) રહેશે. જે-તે સમયે પછીથી એક્સટેન્શન આપી શકાય છે. ઉપરાંત, SEBI ચીફને સરકારના સચિવ જેટલો કે પછી કોન્સોલિડેટેડ સેલરી તરીકે ₹5,62,500 (ભથ્થાં અલગ) પગાર આપવામાં આવશે.
આ જાહેરાત આવતાંની સાથે જ કોંગ્રેસીઓએ આને પોતાની જીત જાહેર કરી દીધી અને ગાઈ-વગાડીને કહેવાનું શરૂ કરી દીધું કે આ તેમણે એક જવાબદાર વિપક્ષ તરીકે અવાજ ઉઠાવ્યાનું પરિણામ છે.
ગાંધી પરિવારના નજીકના કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક પોસ્ટ કરીને લખ્યું, “મોદી સરકારે SEBI ચેરપર્સનના પદ માટે અરજીઓ મંગાવી છે. આ કોંગ્રેસના નિરંતર અને ‘તથ્ય-આધારિત’ અભિયાનના વિજયનું પ્રમાણ છે, જેમાં અમે એ વાત ઉપર પ્રકાશ પાડ્યો હતો કે કઈ રીતે વર્તમાન અધ્યક્ષ પદ સાથે સમાધાન કરી રહ્યાં છે.” આગળ તેમણે લખ્યું કે, “કોંગ્રેસ આશા રાખે છે કે નવા અધ્યક્ષ કરોડો મધ્યમવર્ગીય રોકાણકારોનાં હિતોની રક્ષા કરશે અને અદાણી ગ્રુપનાં તમામ નાણા વ્યવહારો સામે કડકાઈથી પગલાં લેશે.”
The Modi Govt. has just invited applications for the post of SEBI Chairperson. This is a vindication of the INC's sustained, facts-based campaign that highlighted how severely compromised the present Chairperson has been.
— Jairam Ramesh (@Jairam_Ramesh) January 27, 2025
The INC hopes that the new Chairperson will protect the…
હવે અહીં જયરામ રમેશ અને અન્ય કોંગ્રેસીઓનું ગેલમાં આવીને નાચવું વાસ્તવમાં હાસ્યાસ્પદ હરકત છે. કારણ કે SEBI ચીફની નવી નિમણૂક એ વાસ્તવમાં એઓ રૂટિન પ્રક્રિયા છે અને તે કોંગ્રેસીઓનું અસ્તિત્વ હોત કે ન હોત, જયરામનું ટ્વિટર ચાલતું હોત કે ન હોત, તો પણ થઈ જ હોત. હકીકત એ છે કે SEBI ચીફ માધવી બુચનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ રહ્યો છે અને એટલે જ હવે નવી નિમણૂક કરવામાં આવશે.
માર્ચ, 2022માં માધવી પુરી બુચની નિમણૂક SEBIનાં ચેરપર્સન તરીકે કરવામાં આવી હતી અને તેઓ આ પદ સંભાળનારાં પ્રથમ મહિલા બન્યાં હતાં. તે સમયે જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આ કાર્યકાળ ફેબ્રુઆરી, 2025માં પૂર્ણ થઈ રહ્યો છે. જેથી સ્વાભાવિક નવી નિમણૂક કરવાની જરૂર પડે. એ જ કારણ છે કે સરકારે અરજીઓ મંગાવી છે. કારણ એવું કશું જ નથી જેવું કોંગ્રેસીઓ જણાવી રહ્યા છે.
હિંડનબર્ગે અદાણી બાદ SEBI ચીફને પણ કર્યાં હતાં ટાર્ગેટ, વિપક્ષે કારણ વગર મચાવ્યો હતો હોબાળો
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2022માં ઉદ્યોગસમૂહ અદાણી જૂથને ટાર્ગેટ કર્યા છતાં કોઈ ફેર ન પડતાં અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ઑગસ્ટ, 2024માં SEBIનાં અધ્યક્ષ માધવી બુચને ટાર્ગેટ કર્યાં હતાં. કારણ એ છે કે અદાણી જૂથ સામે SEBI જ તપાસ ચલાવી રહ્યું છે. તેમની ઉપર અમુક આરોપો લગાવ્યા હતા, જેને SEBI ચીફ પાયાવિહોણા ગણાવી ચૂક્યાં છે અને તેનો અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે આ આરોપોમાં ન કોઈ વજન છે કે ન એવી કોઈ બાબત છે, જેનાથી ભ્રષ્ટાચાર કે ગેરરીતિ આચરવામાં આવ્યાં હોય તેવું બહાર આવી શકે.
તેમ છતાં ભારતના વિપક્ષે બહુ હોબાળો મચાવ્યો હતો અને રાહુલ ગાંધીથી માંડીને તેમની આસપાસ ફરતા રહેતા જયરામ રમેશ, પવન ખેડા જેવાઓએ રીતસર કેમ્પેઈન ચલાવ્યું અને SEBI ચીફ પર માછલાં ધોયાં. જોકે તેમના પ્રયાસોનું પણ કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં. એટલે હવે હતાશ થઈ ગયેલાઓ રૂટિન પ્રોસેસમાં પણ પોતાનો આનંદ શોધતા રહે છે.
તારણ: SEBI અધ્યક્ષની નવી નિમણૂક એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે વર્તમાન અધ્યક્ષનો કાર્યકાળ ફેબ્રુઆરી, 2025માં પૂર્ણ થાય છે. તેમાં કોંગ્રેસનું કથિત કેમ્પેઇન કોઈ રીતે કારણભૂત નથી.