હોમપેજદુનિયાઆંતરવસ્ત્ર લહેરાવાથી શરૂ થયેલો સત્તાપલટાનો ખેલ, આજે હિંદુ યુવતીઓના કપડાં ઉતારવા સુધી...

આંતરવસ્ત્ર લહેરાવાથી શરૂ થયેલો સત્તાપલટાનો ખેલ, આજે હિંદુ યુવતીઓના કપડાં ઉતારવા સુધી પહોંચ્યો: એક વર્ષમાં યુનુસ સરકારની સિદ્ધિ માત્ર ‘ઇસ્લામી કટ્ટરવાદ’

વર્ષ પહેલાં જે 'વિદ્યાર્થી આંદોલન'ને મીડિયાએ 'ક્રાંતિકારી' ગણાવી પ્રસિદ્ધ કર્યું તેનો અંત મહિલા પ્રધાનમંત્રીના અન્ડરગાર્મેન્ટ્સને લહેરાવવાની ઘટના સાથે થયો. યાદ કરો એ વિદ્યાર્થીઓના નામે વડાંપ્રધાનના ઘરમાં ઘૂસેલા ઇસ્લામી કટ્ટરપંથીઓને, જેમણે PMના નિવાસસ્થાનમાંથી વસ્તુઓની સાથે તેમના બ્રા-બ્લાઉજ પણ ચોરી લીધા હતા.

- Advertisement -

બાંગ્લાદેશમાં (Bangladesh) સત્તા સામે થયેલા કથિત બળવાને એક વર્ષ પૂરું થયું છે. 12 મહિના પૂર્વે આ જ સમયે બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને જીવ બચાવવા માટે (Former PM Sheikh Hasina) અડધી રાત્રે તેમનો દેશ છોડી ભારતમાં (India) શરણ લેવું પડ્યું હતું. કારણ કે, ત્યાની કથિત ‘છાત્ર યુવા શક્તિ’એ તેમના પ્રધાનમંત્રી નિવાસસ્થાન પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલાના દ્રશ્યોએ સૌ કોઈને વિચલિત કરી નાખ્યા હતા અને આજે જે થઈ રહ્યું છે તે પણ દુનિયા જોઈ રહી છે. 

વર્ષ પહેલાં જે ‘વિદ્યાર્થી આંદોલન’ને મીડિયાએ ‘ક્રાંતિકારી’ ગણાવી પ્રસિદ્ધ કર્યું તેનો અંત મહિલા પ્રધાનમંત્રીના અન્ડરગાર્મેન્ટ્સને લહેરાવવાની ઘટના સાથે થયો. યાદ કરો એ વિદ્યાર્થીઓના નામે વડાંપ્રધાનના ઘરમાં ઘૂસેલા ઇસ્લામી કટ્ટરપંથીઓને, જેમણે PMના નિવાસસ્થાનમાંથી વસ્તુઓની સાથે તેમના બ્રા-બ્લાઉજ પણ ચોરી લીધા હતા. આ ઘટના સાથે જ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો અંત આવ્યો હતો અને હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોમાં વધારાની શરૂઆત થઈ હતી.

હાલમાં જ બાંગ્લાદેશ હિંદુ બૌધ ઈસાઈ એકતા પરિષદનો એક રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટ અનુસાર, 4 ઑગસ્ટથી 30 જૂન વચ્ચેના 330 દિવસના સમયગાળામાં દેશભરમાં ધાર્મિક અને વંશીય લઘુમતીઓ સામે હિંસાના કુલ 2442 બનાવો બન્યા હતા. જેમાં હત્યા, મહિલાઓ સામે હિંસા, બળાત્કાર, સામૂહિક બળાત્કાર, ધાર્મિકસ્થળો પર હુમલો, ઈશનિંદાના આરોપમાં ધરપકડ, ઘરો અને વ્યવસાયો પર ગેરકાયદેસર કબજો જેવા કેસોનો સમાવેશ થાય છે. 

- Advertisement -

ઑપઇન્ડિયાએ અગાઉ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો પર એક વિગતવાર રિપોર્ટ કર્યો હતો. આજે ફરી એકવાર છેલ્લા એક વર્ષમાં બનેલી કેટલીક ઘટનાઓની યાદ અપાવીને જણાવીશું કે ઇસ્લામી કટ્ટરપંથીઓ દ્વારા હિંદુ મહિલાઓ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું હતું.

• 26 જુન 2025ની વાત છે. બાંગ્લાદેશ સ્થિત કુમિલ્લામાં એક હિંદુ મહિલા તેના પિયર રહેવા આવી ત્યારે બાંગ્લાદેશી નેશનલીસ્ટ પાર્ટીના નેતા ફજોર અલીએ તેને પોતાની હવસનો શિકાર બનાવી હતી. હિંદુ મહિલાને ઘરમાં એકલા જોઈને તેના પર બળાત્કાર ગુજાર્યો અને આટલાથી સંતોષ ન થતા તેનો વિડીયો ઉતારી વાયરલ પણ કર્યો. વિડીયોમાં પીડિત મહિલા હાથ જોડી તેને છોડી દેવાની આજીજી કરી રહી છે પણ ફજોરે તેને બક્ષી નહીં. આ દરિમયાન મહિલાએ મદદ માટે ચીસો પડતા સ્થાનિકો દોડી આવ્યા હતા. જે પછી મહિલાને હોસ્પિટલ લઇ જવામાં આવી, જ્યાં તેની સાથે બળાત્કાર થયાની પુષ્ટિ થઈ હતી. 

• બીજી એક ઘટના શેખ હસીનાના સત્તા પરિવર્તન બાદ થોડા દિવસોમાં ઘટી હતી. સતખીરા જિલ્લામાં 30-35 લોકોના ટોળાંએ એક હિંદુ મહિલાના ઘરને લુંટ્યું અને ત્યારબાદ તે મહિલાને ઉઠાવીને નજીકની ગૌશાળામાં લઈ ગયા અને વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો. પાશવી અત્યાચાર બાદ મહિલા બેહોશ થઇ ગઈ હતી. હોસ્પિટલમાં જયારે તેને આરોપીઓની ઓળખ વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે, આરોપીઓએ દુષ્કર્મ આચરતી વખતે માસ્ક પહેરી રાખ્યા હતા. 

• વર્ષ 2024માં 24 ડિસેમ્બરના રોજ એક 52 વર્ષીય મહિલાને બાંગ્લાદેશી કટ્ટરપંથીઓએ પીંખી નાખી હતી. કટ્ટરપંથીઓએ હિંદુ મહિલાને શારીરિક અને માનસિક રીતે એટલી પ્રતાડિત કરી કે અંતે તેણે જંતુનાશક દવા પીને આત્મહત્યા કરી લીધી. 

• આ જ રીતે અન્ય એક હિંદુ મહિલાએ પોતાની આપવીતી કહેતા જણાવ્યું કે, ઇસ્લામી કટ્ટરપંથીઓએ બળજબરીપૂર્વક તેના ઘરમાં ઘૂસી લુંટફાટ તો કરી જ, સાથે તલવારની અણીએ મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું. પીડિતાના પરીવારે જણાવ્યું કે, મહિલા બચી ગઈ એ જ મહત્વનું છે. કારણ કે ઇસ્લામી કટ્ટરપંથીઓ તેનું ગળું કાપવાની ફિરાકમાં હતા.

હિદુ મહિલાઓ સાથે પાશવી અત્યાચારની આ યાદી ઘણી લાંબી છે. મીડિયા પણ આવા કિસ્સાઓથી ભર્યું પડ્યું છે. સોશિયલ મીડિયામાં અનેક વિડીયો છે જેમાં હિંદુ મહિલાઓ રડતાં-રડતાં પોતાની વ્યથા સંભળાવી રહી છે. પરંતુ સુનાવણીના નામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

શેખ હસીનાની સરકારના પતન પછી ત્યાના સ્થાનિક હિંદુઓ ઘણી રાતો તેમના ઘરો, તેમના મંદિરો, તેમની સ્ત્રીઓનું રક્ષણ કરવા માટે જાગતા રહ્યા. તેમણે અનેક વિનંતીઓ કરી કે તેમને મદદ કરવામાં આવે, તેમને બચાવવામાં આવે, સરકારે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દ પુનઃસ્થાપિત કરવું જોઈએ, લઘુમતીઓને સુરક્ષા પૂરી પાડવી જોઈએ… પરંતુ કોઈએ તેમનું સાંભળ્યું નહીં.

આજે જ્યારે તે કથિત ક્રાંતિને એક વર્ષ થઈ ગયું છે, ત્યારે ઇસ્લામી કટ્ટરપંથીઓના વર્ચસ્વને કારણે દેશ દરરોજ ખાડામાં ધકેલાઈ રહ્યો છે. ન તો સાંસ્કૃતિક વારસો બચી રહ્યો છે કે ન તો સંસ્કૃતિના રક્ષકો. શોધી-શોધીને હિંદુ ધર્મસ્થળોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. સમયાન્તરે હિંદુવિરોધી હિંસાની વાતો સામે આવે છે… અને જ્યાં સુધી હિંદુ મહિલાઓના અધિકારોના રક્ષણની વાત છે, તો આ વાતનો અંદાજો એ બાબત પરથી લગાવી શકાય છે કે જ્યારથી ઇસ્લામવાદીઓ ત્યાં સત્તામાં આવ્યા છે, ત્યારથી બધી મહિલાઓના અવાજને દબાવવાની વાત થઈ રહી છે. 

મહિલા આયોગને નાબૂદ કરો, યુવતીઓને રમવા ન દો: ઇસ્લામી જૂથો

એપ્રિલ 2025ના સમાચાર વાંચશો તો ખ્યાલ આવશે કે, બાંગ્લાદેશમાં ઇસ્લામી જૂથોએ દેશમાં ચાલી રહેલા સરકારી મહિલા આયોગને નાબૂદ કરવાની માંગ ઉઠાવી હતી. આ માંગ કરતી વખતે, ઇસ્લામી કટ્ટરપંથીઓએ કહ્યું હતું કે – સમાનતા સુનિશ્ચિત કરવી એ પશ્ચિમી વિચારધારા છે. પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતા ન હોવી જોઈએ.

આ ઉપરાંત, જાન્યુઆરી 2025માં સમાચાર સામે આવ્યા હતા કે, ઇસ્લામી સંગઠનોના દબાણના કારણે એક મહિલા ફૂટબોલ મેચ રદ કરવી પડી હતી. કારણ એટલુ જ હતું કે, ઇસ્લામી કટ્ટરપંથીઓને આ મેચ પસંદ નહોતી આવી. મેચના થોડા દિવસો આગાઉ, સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા કટ્ટરપંથીઓએ સ્થળ પર હુમલો કર્યો હતો અને તોડફોડ કરી હતી. એક શાળાના પ્રિન્સિપાલે તો ત્યાં સુધી કહ્યું કે, છોકરીઓનું ફૂટબોલ રમવું એ બિન-ઇસ્લામી છે. ઇસ્લામી માન્યતાઓ વિરુદ્ધ હોય તેવી બાબતોને રોકવી એ મજહબી જવાબદારી છે. 

યુવતીઓએ PM મોદીને લગાવી ગુહાર

બાંગ્લાદેશમાં મહિલાઓ પોતાની સુરક્ષાને લઈને એટલી બધી ચિંતિત હતી કે, તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્રો લખવાના શરૂ કર્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા એક પત્ર અનુસાર, બાંગ્લાદેશી હિંદુ યુવતીઓએ પીએમ મોદીને તેમને બચાવવા માટે વિનંતી કરી હતી. પત્રમાં લખ્યું હતું કે- “બાંગ્લાદેશમાં અમારી સાથે ખૂબ જ ખરાબ ઘટનાઓ બની રહી છે. અમારા પર આયોજનબદ્ધ રીતે હુમલાઓ અને અત્યાચારો ગુજારવામાં આવી રહ્યા છે. હું આ સ્થિતનું વર્ણન કરી શકું તેમ નથી.”

આ પત્રમાં યુવતીએ લખ્યું હતું કે, બાંગ્લાદેશના ઇસ્લામી કટ્ટરપંથીઓ અને આતંકવાદી જૂથોએ હિંદુઓ પર અકલ્પનીય અત્યાચારો શરૂ કર્યા છે. યુવતીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે, ઘરો અને મંદિરો પર ગોળીબાર થઈ રહ્યો છે, હિંદુ વ્યવસાયોને લુંટવામાં આવી રહ્યા છે અને જો મિલકત સોંપવામાં નહીં આવે તો હત્યાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. જોકે, આ લેટરની સત્યતા જાણી શકાઈ નથી, પરંતુ તેને શેર કરનાર વ્યક્તિ એક નિવૃત્ત આર્મી મેમ્બર છે અને તેમણે દાવો કર્યો હતો કે આ પત્ર એક બાંગ્લાદેશી યુવતી દ્વારા લખાયો છે.

યુવતીની ઓળખ સામે આવી શકી નથી, પરંતુ આ પરિસ્થિતિ કેવી રીતે ઉભી થઈ તે જાણવું અતિ મહત્વપૂર્ણ છે. 4-5 ઑગસ્ટના રોજ બાંગ્લાદેશમાં જે અરાજકતા ઊભી થઈ તે કઈ એમ જ નહોતી બનવા પામી. અરાજકતાની પૃષ્ઠભૂમિ તો ત્યારે જ તૈયાર થઇ ગઈ હતી જ્યારે શેખ હસીનાની પાર્ટીએ બાંગ્લાદેશની સામાન્ય ચૂંટણી જીતી અને સતત ચોથી વખત સરકાર બનાવી હતી.

વિદ્યાર્થી વિરોધ કે ઇસ્લામી કટ્ટરવાદનું કાવતરું !

સરકારી નોકરીઓમાંથી 30% ક્વોટા દૂર કરવાની માંગ સાથે બાંગ્લાદેશમાં 5 જૂનથી વિરોધ પ્રદર્શન શરૂ થયું હતું. 1 જુલાઈના રોજ બાંગ્લાદેશ બંધનું એલાન કરવામાં આવ્યું હતું અને રસ્તાઓ તથા રેલવે લાઈનો બ્લોક કરવામાં આવી હતી. આ દરમિયાન, ભૂતપૂર્વ સરકારે ઇન્ટરનેટ બંધ કરીને અને કર્ફ્યુ લાદીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધ શાંત થયો ન હતો. 18 જુલાઈની આસપાસ, આ વિરોધ પ્રદર્શનો મીડિયામાં વધુ વ્યાપક રીતે દેખાડવામાં આવ્યા. 4 ઑગસ્ટના રોજ સમાચાર આવ્યા કે વિરોધીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ છે અને પછી 5 ઑગસ્ટના રોજ સમાચાર આવ્યા કે, કટ્ટરપંથીઓએ PM નિવાસસ્થાનમાં ઘૂસીને લૂંટફાટ મચાવી દીધી છે. 

આ બધામાં રસપ્રદ વાત એ છે કે, 5 ઑગસ્ટ સુધી આ સમગ્ર વિરોધને ‘વિદ્યાર્થી પ્રદર્શન’ કહીને મીડિયામાં ફેલાવવામાં આવ્યો હતો. પરંતુ શેખ હસીનાના દેશ છોડ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું કે આ બધામાં ઇસ્લામી કટ્ટરપંથીઓનો હાથ હતો. શેખ હસીનાના નિવાસસ્થાનની બહાર બ્રા અને બ્લાઉઝ લહેરાવતી ઉપ્રદ્રવી માનસિકતાએ હિંદુઓના ઘરો પર ટાર્ગેટેડ હુમલા કરવાનું શરૂ કર્યું. તેમણે લઘુમતી હિંદુઓને એ રીતે નિશાન બનાવ્યા જાણે તેઓ આ તકની રાહ જોઈ રહ્યા હોય. લગભગ 3-4 દિવસ સુધી હુમલાના અનેક સમાચારો સામે આવ્યા. જે પછી 8 ઑગસ્ટે જાહેરાત કરવામાં આવી કે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ વચગાળાની સરકારના વડા બનશે અને આગામી ચૂંટણીઓ સુધી દેશ ચલાવશે. સત્તામાં આવતાની સાથે જ યુનુસ સરકારે એવો દેખાડો કર્યો કે તે લઘુમતીઓ પરના અત્યાચારો સામે કાર્યવાહી કરશે, પરંતુ પરિણામ શૂન્ય મળ્યું. તેનાથી વિપરીત હિંસાના કેસમાં કટ્ટરપંથીઓ સામેના કેસ પાછા ખેંચવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા. અંતે ખ્યાલ આવ્યો કે, ધર્મનિરપેક્ષ છે એવું દર્શાવી જેને દેશ ચલાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે ખરેખર કટ્ટરપંથના રંગમાં રંગાયેલ હતા. 

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં