Sunday, March 30, 2025
More
    હોમપેજદુનિયાતૂર્કીમાં હજારો લોકો ઉતરી આવ્યા રસ્તા પર, અનેક ઠેકાણે હિંસક પ્રદર્શનો: એક...

    તૂર્કીમાં હજારો લોકો ઉતરી આવ્યા રસ્તા પર, અનેક ઠેકાણે હિંસક પ્રદર્શનો: એક મેયરની ધરપકડ બાદ મધ્ય-પૂર્વીય દેશમાં અરાજકતાનો માહોલ– વિગતે વાંચો કેમ ઊભી થઈ આ સ્થિતિ

    તૂર્કીના વિરોધ પ્રદર્શનનું તાત્કાલિક કારણ ઇમામોગ્લુની ધરપકડ છે. પરંતુ અન્ય પણ કેટલાક કારણો આ દેશવ્યાપી પ્રદર્શન માટે જવાબદાર છે. આ પહેલાં પણ સત્તાપલટો કરવા માટેના નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા.

    - Advertisement -

    સિરીયા બાદ હવે તૂર્કીમાં (Turkey) પણ પ્રબળ આંતરવિગ્રહ જોવા મળી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો રસ્તા (Protest) પર ઉતરી આવ્યા છે અને તૂર્કીશ રાષ્ટ્રપતિ એર્દોગનનો (Recep Tayyip Erdoğan) વિરોધ કરવા લાગ્યા છે. બીજી તરફ વિરોધ પ્રદર્શન કરનારા લોકો પર પણ ભારે અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ વિરોધ પ્રદર્શનની શરૂઆત ઇસ્તાંબુલના (Istanbul) મેયર અને વિપક્ષી રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના (CHP) સભ્ય એક્રેમ ઇમામોગ્લુની (Ekrem İmamoğlu) ધરપકડ બાદ શરૂ થયા છે. CHP એ તૂર્કી ગણરાજ્યની સ્થાપના કરનારા મુસ્તફા કમાલે બનાવેલી એક સામાજિક-લોકતાંત્રિક અને સેક્યુલર પાર્ટી છે. તેના પ્રભાવશાળી નેતાની ધરપકડથી વિફરેલા સમર્થકો અને સામાન્ય નાગરિકોએ આખું તૂર્કી બાનમાં લીધું છે અને સરકારને ઉખાડી ફેંકવા માટે કમર કસી છે.

    માર્ચ 2025ના ત્રીજા અઠવાડિયાથી તૂર્કીમાં શરૂ થયેલાં વિરોધ પ્રદર્શનોએ દેશનાં મોટાં શહેરો જેમ કે ઇસ્તાંબૂલ, અંકારા અને ઇઝમિરને હચમચાવી દીધાં છે. આ પ્રદર્શનોનું મુખ્ય કારણ ઇસ્તાંબુલના મેયર એક્રેમ ઇમામોગ્લુની ધરપકડ છે, જેઓ રાષ્ટ્રપતિ એર્દોગનના મુખ્ય રાજકીય પ્રતિદ્વંદ્દી તરીકે ગણાય છે. 19 માર્ચ, 2025ના રોજ ઇમામોગ્લુની અટકાયત ભ્રષ્ટાચાર અને ‘આતંકી સંગઠનનું સમર્થન કરવાના’ આરોપોને આધારે કરવામાં આવી હતી અને તેના 5 જ દિવસમાં તેમની આધિકારિક રીતે ધરપકડ પણ કરવામાં આવી. જોકે, તેમણે આ તમામ આરોપોને ‘રાજકારણ પ્રેરિત’ ગણાવ્યા છે.

    ઇમામોગ્લુની ધરપકડ- પ્રદર્શનનું સૌથી મોટું કારણ

    ઇમામોગ્લુ અને તેમની પાર્ટી પર કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી (PKK) સાથે સંબંધ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. PKKને તૂર્કી દ્વારા આતંકી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ કારણે તૂર્કીની સરકારે ઇમામોગ્લુની ધરપકડ કરી લીધી છે અને તેમને જેલમાં નાખી દીધા છે. આ ઘટનાએ તૂર્કીના લાખો નાગરિકોને રસ્તા ઉતારી દીધા, જેમણે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી અને એર્દોગનના રાજીનામાની માંગ કરી છે.

    - Advertisement -

    તૂર્કીનાં મોટાં શહેરો અને ખાસ કરીને ઇસ્તાંબૂલમાં હજારો પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ ગયા છે. દેશભરમાં લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના રાજીનામાંની માંગણી કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે, મેયરની ધરપકડના એક દિવસ પહેલાં 18 માર્ચના રોજ ઇસ્તાંબૂલ યુનિવર્સિટીએ 30 વર્ષ પહેલાંના સાઇપ્રસ યુનિવર્સિટી છેતરપિંડીના દાવા પર ઇમામોગ્લુની ડિગ્રી રદ કરી દીધી હતી. આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હતો, કારણે કે તૂર્કીના રાષ્ટ્રપતિ પદ માટે યોગ્યતા મેળવવા કોલેજ ડિગ્રી હોવી જરૂરી છે.

    ઇમામોગ્લુએ તેમના પર લાગેલા તમામ આરોપોનું ખંડન કર્યું છે અને તેને રાજકારણ પ્રેરિત કાવતરું ગણાવ્યું છે. તેમને 2028ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે CHPના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને 23 માર્ચના રોજ તેની આધિકારિક ઘોષણા પણ કરવામાં આવી હતી. વ્યાપકરૂપે રાષ્ટ્રપતિ એર્દોગનને ટક્કર આપનારા એકમાત્ર નેતા ઇમામોગ્લુની ધરપકડે એક દાયકાથી વધુના સમયના તૂર્કીના સૌથી મોટા વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો છે.

    માહિતી અનુસાર, CHP પાસે સંસદમાં 134 બેઠકો છે, જ્યારે એર્દોગનની ‘જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી’ (AKP) પાસે 272 બેઠકો છે. માર્ચ 2024માં સ્થાનિક ચૂંટણીઓમાં CHPએ 81માંથી 35 બેઠકો મેળવી હતી, જે AKPથી 11 બેઠકો વધારે દર્શાવે છે. તેમાં રાજધાની અંકારા, ઇઝમિર, અંતાલ્યા અને મુખ્ય ઔદ્યોગિક શહેર બર્સા જેવાં તમામ મુખ્ય શહેરોનો પણ સમાવેશ થાય છે. આ જીત બાદ ઇમામોગ્લુ લોકપ્રિય નેતા બની ગયા હતા. તેમને ધર્મનિરપેક્ષ મતદાતાઓ અને કુર્દ જાતિના લોકોનું પ્રબળ સમર્થન પણ મળી રહ્યું છે. તે સિવાય તેમને 2019માં ઇસ્તાંબુલના મેયર તરીકે પણ ચૂંટવામાં આવ્યા હતા અને આ જીત બાદ AKPના 25 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. કહેવાય રહ્યું છે કે, આ જ કારણે રાષ્ટ્રપતિ એર્દોગન ભયભીત થઈ ગયા હતા અને સત્તા ગુમાવવાને લઈને ડરી ગયા હતા.

    ઉલ્લેખનીય છે કે 2014માં રાષ્ટ્રપતિ બન્યા બાદ એર્દોગને બંધારણમાં અમુક ફેરફારો કર્યા હતા અને શાસનવ્યવસ્થા એવી બનાવી હતી કે મોટાભાગની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહે. આ ફેરફારોમાં એક જોગવાઈ એવી પણ છે કે કોઈ પણ વ્યક્તિ 2 જ ટર્મ રાષ્ટ્રપતિ રહી શકે. પરંતુ સાથે તેમાં એક ઝોલ પણ છે. નિયમ એવો છે કે જો કોઈ રાષ્ટ્રપતિ કાર્યકાળ પૂર્ણ કરે એ પહેલાં ચૂંટણી યોજાય જાય તો એ કાર્યકાળ ગણાશે નહીં અને ફરી તે રાષ્ટ્રપતિ રહી શકશે. એર્દોગન હવે આવું જ કરશે તેવું જિયોપોલિટિકલ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે અને આવાં ત્રાગાંના જ કારણે જનતા પણ ત્રાસી ગઈ છે.

    જે દિવસે રાષ્ટ્રપતિ પદ માટે થઈ જાહેરાત, તે જ દિવસે ઇમામોગ્લુની ધરપકડ

    ઇમામોગ્લુની ધરપકડનો સમય પણ તે તરફ ઈશારો કરી રહ્યો છે. તેમને 2028માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે 23 માર્ચના રોજ CHPના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે તેમની આધિકારિક રીતે ધરપકડ પણ કરી નાખવામાં આવી હતી. તે પહેલાં તેમની ડિગ્રી પણ કેન્સલ કરવામાં આવી હતી. આ બધા કારણો રાષ્ટ્રપતિ એર્દોગન પર સવાલ ઉઠાવી રહ્યા છે અને પ્રદર્શનકારીઓએ તેની કાર્યવાહીને ગેરબંધારણીય ગણાવીને રાજીનામાંની માંગણી કરી છે.

    ઇમામોગ્લુની ધરપકડે 2013ના ગેઝી વિરોધ પ્રદર્શન બાદ દેશના સૌથી મોટા વિરોધ પ્રદર્શનને જન્મ આપ્યો છે. 2013નું ગેઝી પ્રદર્શન ઇસ્તાંબુલમાં એક સ્થાનિક પાર્કને તોડી પાડવાને લઈને શરૂ થયું હતું. જે બાદ છેક ઇમામોગ્લુની ધરપકડ પર આટલા મોટા પ્રદર્શનો થઈ રહ્યાં છે. પ્રદર્શનોમાં સૌથી મોટી સંખ્યા તૂર્કીના વિદ્યાર્થીઓની છે. તે સિવાય તેમાં કુર્દિશો અને તૂર્કીના સામાન્ય નાગરિકોનો પણ સમાવેશ થાય છે.

    ભડકે બળી રહ્યું છે તૂર્કી, સરકાર પ્રદર્શનકારીઓ પર આચરી રહી છે બર્બરતા

    દેશભરમાં ફાટી નીકળેલા વિરોધ પ્રદર્શનને ડામવા માટે સરકાર દમનકારી નીતિ અપનાવી રહી છે. દમન હેઠળ વિપક્ષી કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ અને વિરોધ પ્રદર્શનને કવર કરનારા પત્રકારો સહિત લગભગ 1400-2000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ એર્દોગને પોતાના નિવેદનમાં પણ પ્રદર્શનકારીઓને ‘આતંકવાદીઓ’ ગણાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ રસ્તાઓ પર આતંક મચાવી રહ્યા છે. તે સિવાય તેમના આંતરિક બાબતોના મંત્રી અલી યેરલિકાયાએ પણ પ્રદર્શનકારીઓને ‘રસ્તાઓ પર આતંક ફેલાવનારા’ ગણાવ્યા છે.

    તૂર્કીશ લોકોએ પણ વારંવાર સરકારના પ્રતિબંધોને તોડીને રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન શરૂ રાખ્યાં હતાં. આ સાથે જ આ પ્રદર્શનકારીઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જેમાં પોલીસે ભયાનક બળપ્રયોગ કર્યો હતો અને વિશ્વભરમાં તૂર્કીશ સરકારની ટીકાઓ થવા લાગી હતી. પોલીસે પ્રદર્શનકારીઓના ઘરોમાં પણ દરોડા પાડ્યા હતા અને તેમને ઘરમાં જ નજરકેદ કરી દીધા હતા. ઘરમાં કેદ કરાયેલા મોટાભાગના લોકો નાગરિક-સમાજ સંગઠનો, ટ્રેડ યુનિયનો અને વિપક્ષી દળોના સભ્યો હતા.

    પોલીસે ઇસ્તાંબૂલ, અંકારા અને ઇઝમિરમાં પ્રદર્શનકારી પર સ્પ્રે, રબર પેલેટ, ટિયરગેસના સેલ અને પાણીનો મારો ચલાવ્યો હતો. જેના કારણે આ આંદોલનો હિંસામાં બદલાયા હતા અને પોલીસે બળપ્રયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં CHPએ તૂર્કી નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો છે અને વિરોધ પ્રદર્શન સતત ચાલુ રાખવાની અપીલ કરી છે. સાથે એવું પણ કહ્યું છે કે, તેઓ ઇસ્તાંબૂલ, અંકારા અને ઇઝમિર અને અન્ય સ્થાનો પર વિવિધ પ્રદર્શનો અને કાર્યક્રમોનું આયોજન કરશે.

    મીડિયા અને વિપક્ષ પર પણ હુમલો

    ઇસ્તાંબૂલની એક કોર્ટે AFPના ફોટોગ્રાફર યાસીન અક્ગુલ સહિત ઘણા પત્રકારોને રિમાન્ડ પર મોકલી દીધા છે. પહેલાં તેમની ‘ગેરકાયદેસર રેલીઓ અને પ્રદર્શન’માં ભાગ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી અને બાદમાં રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ (RSF) અને અન્ય મીડિયા વૉચડોગ્સે આ કાર્યવાહીની ટીકા કરતા તેને પ્રેસની સ્વતંત્રતાનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું. હ્યુમન રાઇટ્સ વૉચે આ સ્થિતિને તૂર્કીમાં ‘લોકતંત્ર માટેનો કાળો સમય’ ગણાવ્યો હતો. આ સાથે જ યુરોપિયન યુનિયને પણ આ ઘટનાઓને લઈને તૂર્કીશ સરકારની ટીકા કરી હતી.

    આ સિવાય BBC પત્રકાર માર્ક લોવેને પણ ઇસ્તાંબૂલની એક હોટેલમાંથી કાઢીને તેની અટકાયત કરવામાં આવી હતી. તેને 17 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. બ્રિટિશ બ્રૉડકાસ્ટરના CEO ડેબોરા ટર્નેસે આ ઘટનાને ‘ખૂબ જ ગંભીર’ ગણાવી હતી. BBC અનુસાર, માર્ક લોવેન વિરોધ પ્રદર્શનના રિપોર્ટિંગ માટે તૂર્કીમાં હતો. તેને સરકાર તરફથી એવું જણાવી દેવામાં આવ્યું હતું કે, તેને સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમ હોવાના કારણે નિર્વાસિત કરવામાં આવે છે.

    તે સિવાય વિપક્ષી નેતાઓની હાલત પણ ખૂબ ભયજનક જોવા મળી રહી છે. તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. આ સાથે જ પ્રદર્શનોના વિડીયો અને ફોટો અપલોડ કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ બ્લોક કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ તૂર્કી પ્રસારણ નિયંત્રણ સંસ્થા RTUKએ વિપક્ષી ટીવી ચેનલ સૉજ્કૂના પ્રસારણ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. વધુમાં પત્રકારોએ એવું પણ કહ્યું છે કે, તેમને રિપોર્ટિંગ કરવા બદલ સજા આપવામાં આવી રહી છે.

    અન્ય કયાં કારણોના લીધે ભડકે બળ્યું તૂર્કી?

    તૂર્કીના વિરોધ પ્રદર્શનનું તાત્કાલિક કારણ ઇમામોગ્લુની ધરપકડ છે. પરંતુ અન્ય પણ કેટલાક કારણો આ દેશવ્યાપી પ્રદર્શન માટે જવાબદાર છે. આ પહેલાં પણ સત્તાપલટો કરવા માટેના નિષ્ફળ પ્રયાસો થઈ ચૂક્યા હતા. જોકે, આ વખતે આ આંદોલન પ્રબળ હોય તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ માત્ર એક વિપક્ષી નેતાની ધરપકડ બાદ આટલું વ્યાપક આંદોલન નથી થયું, તેની પાછળ અનેક પરોક્ષ કારણો પણ જવાબદાર છે. જે સીધી રીતે પ્રત્યક્ષ દેખાઈ શકતા નથી. આપણે મુદ્દાસર તે કારણોને સમજીએ.

    આર્થિક સંકટ- તૂર્કી છેલ્લા કેટલાક વર્ષોથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લિરાનું મૂલ્ય (તૂર્કીશ ચલણ- લિરા) ઘટવું, મોંઘવારીનો દર વાર્ષિક 39.05%થી વધુ થવો અને બેરોજગારીમાં વધારો થવાથી નાગરિકોમાં અસંતોષ વધ્યો છે. એર્દોગનની આર્થિક નીતિઓની, ખાસ કરીને વ્યાજદર ઘટાડવાની તેમની અસામાન્ય નીતિની ઘણા નિષ્ણાતો દ્વારા ટીકા કરવામાં આવી છે, જેના કારણે સામાન્ય જનતા પર ભારે બોજ પણ પડ્યો છે.

    સરકારની દમનકારી નીતિઓ- એર્દોગનની સરકાર પર વારંવાર વિરોધીઓને ચૂપ કરાવવા અને મીડિયા પર નિયંત્રણ લાદવાના આરોપો લાગ્યા છે. હજારો રાજકારણીઓ, પત્રકારો અને શિક્ષણવિદોની ધરપકડ, 2016ના નિષ્ફળ તખ્તાપલટ બાદની કટોકટીની સ્થિતિ અને ન્યાયતંત્ર પર સરકારનો પ્રભાવ એ લોકોના ગુસ્સાના મુખ્ય કારણો છે.

    ભૂતકાળના બનાવો પણ હાલના રોષનું એક કારણ

    તૂર્કીમાં તાજેતરની સરકાર વિરુદ્ધ અનેક પ્રદર્શનો થયાં છે અને દર વખતે એર્દોગનને રાજીનામું અપાવવા માટેના પ્રયાસો થતા રહ્યા છે. જોકે, એકપણ આંદોલન સફળ થઈ શક્યું નથી. જેના કારણે ઘણા લાંબા સમયથી લોકો આવી તકોની રાહ જોતા હોય છે અને આવી તક સરકાર તરફથી મળ્યા બાદ આખા દેશમાં અરાજકતા ફેલાઈ જઈ શકે છે. આપણે ભૂતકાળની તે ઘટનાઓને પણ સમજીએ.

    ગેઝી પાર્ક પ્રદર્શનો (2013) – 2013માં ઇસ્તાંબૂલના ગેઝી પાર્કને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે તોડવાના સરકારના નિર્ણય વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ પ્રદર્શનો પર્યાવરણીય મુદ્દાથી શરૂ થયા હતા, પરંતુ ટૂંક સમયમાં તે એર્દોગનની સત્તાવાદી નીતિઓ વિરુદ્ધના રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયા હતા. સરકારે આ પ્રદર્શનોને હિંસક રીતે દબાવ્યાં હતાં, જેના કારણે સેંકડો લોકો મૃત્યુ પામ્યા હતા.

    2016નો તખ્તાપલટનો પ્રયાસ – જુલાઈ 2016માં એર્દોગન સરકારને હટાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો, જેના પછી સરકારે વ્યાપક દમનકારી પગલાં લીધાં હતાં. લાખો સરકારી કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને હજારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાએ એર્દોગનની સત્તાને મજબૂત કરી, પરંતુ વિરોધીઓમાં ભય અને ગુસ્સો પણ વધાર્યો હતો.

    2019ની સ્થાનિક ચૂંટણીઓ – 2019માં ઇમામોગ્લુની ઇસ્તાંબૂલ મેયર તરીકેની જીત એર્દોગનની જસ્ટિસ એન્ડ ડેવલપમેન્ટ પાર્ટી (AKP) માટે મોટો ફટકો હતો. આ ચૂંટણીએ વિપક્ષને નવી આશા આપી અને એર્દોગનની અજેયતાની છબીને નુકસાન પહોંચાડ્યું. વર્ષ 2002માં એર્દોગને વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને 2014 તે રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમના 20 વર્ષથી વધુના આ શાસનમાં તેમને મ્હાત આપી શકે તેવું કોઈ નહોતું. પરંતુ અચાનક ઇમામોગ્લુનો ઉદય લોકોમાં એક નવી આશા લઈને આવ્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં