Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતજ્યાં સુધી મગરો નગરયાત્રાએ ના નીકળે ત્યાં સુધી અહીં ચોમાસું અધૂરું!: વડોદરામાં...

    જ્યાં સુધી મગરો નગરયાત્રાએ ના નીકળે ત્યાં સુધી અહીં ચોમાસું અધૂરું!: વડોદરામાં એવું તો શું છે, કે જે આ જીવને છે અતિપ્રિય?- અહીં જાણો વિસ્તારથી

    ઑપઇન્ડિયાએ વડોદરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, પાછલા દિવસોમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી (ગુરૂવાર, 29 ઑગસ્ટ, 2024) પાણી ઓસરવા દરમિયાન વડોદરામાંથી 14થી વધુ મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે.

    - Advertisement -

    તમારા ઘરનો દરવાજો ખોલો ને નજર સામે જ જડબું ફાડીને જમ જેવો લાગતો મહાકાય મગર દેખાય તો? જીવ તાળવે ચોંટી જાય, નહીં! પણ વડોદરાના રહેવાસીઓ માટે આ સાવ સામાન્ય વાત છે. વડોદરામાં દર વર્ષે ચોમાસામાં પરિસ્થિતિઓ ભલે અલગ-અલગ હોય, પરંતુ એક બાબત સાવ સામાન્ય છે અને તે છે અહીંના મગરો. તાજેતરની જ વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરનાં પાણી ફરી વળ્યાં હતાં. ગુરુવારે (29 ઑગસ્ટ, 2024) પાણી ઓસરવાનું ચાલુ થયું ને શહેરમાં મહાકાય મગરો ટહેલતા જોવા મળ્યા. વન વિભાગ અને અન્ય જીવદયા સંસ્થાઓએ તાબડતોબ રેસ્ક્યુ ઑપરેશન ચલાવ્યાં અને અનેક મગરોને સલામત સ્થળે ખસેડ્યા. પણ ક્યારેય વિચાર આવ્યો કે આટલા બધા મગરો વડોદરામાં જ કેમ? શા માટે વિશ્વામિત્રી નદી તેમનું ઘર છે?

    સહુથી પહેલાં એ જાણી લઈએ કે વર્તમાનની પૂરની સ્થિતિમાં મગરોને લઈને વડોદરાની શું સ્થિતિ છે અને વનવિભાગે શું કામગીરી કરી છે. ઑપઇન્ડિયાએ વડોદરા વનવિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું કે, પાછલા દિવસોમાં જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું ત્યારથી આજ સુધી (ગુરૂવાર, 29 ઑગસ્ટ, 2024) પાણી ઓસરવા દરમિયાન વડોદરામાંથી 14થી વધુ મગરોના રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. તેમાં સહુથી વધુ આજે 7 જેટલા મગરો વનવિભાગ અને સ્થાનિક NGOની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

    ચાર દિવસમાં 14 મગરોના રેસ્ક્યુ, વડોદરાવાસીઓને સાવચેત રહેવા અપીલ

    કરણસિંહના જણાવ્યા અનુસાર, આ ચાર દિવસમાં સહુથી લાંબો મગર કારેલીબાગ ખાતેથી રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો, જેની લંબાઈ અંદાજે 15 ફૂટ જેટલી હતી. વડોદરાવાસીઓ અને મગરો એક સાથે રહેતા હોવા છતાં અણબનાવો નહિવત બનવ પાછળનું કારણ શું? આ સવાલનો જવાબ આપતાં તેમણે ઑપઇન્ડિયાને જણાવ્યું કે, “વડોદરામાં અમારી સાથે કરુણા અભિયાનમાં 1300 સ્વયંસેવકો નોંધાયેલા છે, જેઓ વિવિધ જીવો અને વન્યજીવોના જતન માટે કાર્ય કરે છે. વર્તમાનમાં જે પૂરની સ્થિતિ સર્જાઇ, તેમાં 15થી 20 આવાં NGO છે. તમામ NGOમાં 50-60 લોકો સેવા આપી રહ્યા છે અને તે તમામ લોકો અમારી સાથે જોડાયા હતા. એક રીતે કહી શકાય કે વડોદરાના લોકો મગરોને લઈને એટલા જાગૃત છે કે આ બંને જાતિઓ વચ્ચે ઘર્ષણ નહિવત બને છે.”

    - Advertisement -

    કારણસિંહે જણાવ્યું હતું કે માત્ર મગરો જ નહીં, 70 જેટલા સર્પોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા અનુસાર વડોદરા વનવિભાગ પૂર આવ્યું તે પહેલાથી જ તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે તૈયાર હતું. વિભાગે પૂરતા પ્રમાણમાં મગર પકડવાનાં પાંજરાં, આવાગમન માટેનાં વાહનો તેમજ અન્ય તમામ તૈયારીઓ કરી રાખી હતી. ઑપઇન્ડિયાના માધ્યમથી તેમણે વડોદરા વાસીઓને આગામી સમયમાં સાવચેત રહેવા પણ જણાવ્યું હતું, કારણ કે જેમ-જેમ પાણી ઓસરતાં જશે, તેમ-તેમ મગરો બહાર આવતા જશે. તેમણે મગર કે કોઈ પણ વન્યજીવના રેસ્ક્યુ કે આપાતકાલીન પરિસ્થિતિ માટે 9429558883 અથવા 9429558886 પર સંપર્ક કરવા પણ જણાવ્યું હતું.

    વિશ્વામિત્રી નદી જ મગરોનું ઘર શા માટે?

    હવે સવાલ તે પણ આવે કે, આખરે વિશ્વામિત્રી નદીમાં જ મગરો આટલા બધા કેમ છે? ગુજરાતમાં અન્ય અનેક નદીઓ છે, તેમાં મગરોની સંખ્યા આટલી કેમ નથી? આ પ્રશ્નના જવાબમાં જિલ્લાના વનવિભાગના RFO કરણસિંહ જણાવે છે કે, “વિશ્વામિત્રી નદી મગરોનો ગઢ કહી શકાય. વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ અને એમાં પણ વિશ્વામિત્રી નદીની મગરો માટેની સાનુકુળતા તેની પાછળ જવાબદાર છે. શહેરની વચ્ચોવચથી પસાર થતી આ નદી એટલી ઊંડી છે કે મગરો માટે તે એક સરળ આશ્રયસ્થાન બની જાય છે. બીજી તરફ એક કારણ મધ્ય ગુજરાતની આબોહવા છે, જે મગરોના પ્રજનન માટે ખૂબ સાનુકુળ છે. આ મીઠા પાણીના મગરો છે અને વિશ્વામિત્રી નદીનો સંરક્ષિત કરાયેલો હરિયાળો પટ તેમના પ્રજનન અને ઈંડા આપવા માટે એક સાનુકુળ વાતાવરણ પૂરું પાડે છે.”

    વિશ્વામિત્રી નદીમાં વસતા મગરો વિશે જણાવતાં તેમણે કહ્યું કે, “ઉનાળામાં ગરમીના દિવસો શરૂ થાય એટલે નર અને માદા મગર માટે પ્રજનનનો સમયગાળો શરૂ થાય છે. મે મહિનામાં માદા મગર જમીનમાં ખાડો ખોદીને ઈંડા તેમાં મૂકે છે. ઘાટાં વૃક્ષો અને વનસ્પતિથી ઢંકાયેલો નદીનો પટ મગરોના ઈંડા સેવવા માટે સાનુકુળ વાતાવરણ પ્રદાન કરે છે. બીજી તરફ વિશ્વામિત્રી નદી ઊંડી હોવાના કારણે તેમાં મગરો માટે પૂરતી માત્રામાં ખોરાક પણ મળી રહે છે. કેટલીક જગ્યાએ જ્યાં નદીનું પાણી સુકાઈ જાય, તે સિવાય નદીના અનેક ભાગો એવા છે જ્યાં ઊંડું પાણી છે, તેમાં મગરો વસવાટ કરે છે, ત્યાં જ તેમને પૂરતી માત્રામાં ખોરાક મળી જાય છે. આમ તો વિશ્વામિત્રી નદીના પટને જાળી લગાવીને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે, પરંતુ ક્યારેક ઢોરઢાંખર પટમાં આવી જાય તો મગરો તેમનું પણ મારણ કરે છે.”

    વિશ્વામિત્રી નદીનો પટ મગરો માટે સાનુકુળ (ફોટો BBC)

    વિશ્વામિત્રીમાં કેટલા મગરો વસવાટ કરે છે?

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જૂન મહિનામાં આપેલા એક રિપોર્ટ અનુસાર, વડોદરા શહેરને બે ભાગોમાં વહેંચતી વિશ્વામિત્રી નદીના 17 કિલોમીટરના વિસ્તારમાં 300થી વધુ મગરો વસવાટ કરે છે. છેલ્લે વર્ષ 2020માં મગરોની ગણતરી કરવામાં આવી હતી અને તે સમયે તેમની સંખ્યા 275 જેટલી હતી. એક શહેરની વચ્ચોવચ આટલી સંખ્યામાં મગરો રહેતા હોવાની વાત જાણીને જ આશ્ચર્ય અનુભવાય.

    ઉલ્લેખનીય છે કે આ માત્ર વિશ્વામિત્રી નદીની વાત છે. બાકી ભૌગોલિક પરિસ્થિતિની વાત કરીએ તો નદીમાં મુખ્યત્વે આજવા સરોવરનું પાણી આવે છે અને સરોવરમાં પણ અઢળક મગરો વસે છે. આ ઉપરાંત વડોદરા આસપાસ આવેલી જાંબુવા અને દેવ નદીમાં પણ મગરોની સંખ્યા સારી એવી છે. તાજેતરમાં જ વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે મગરના હુમલાનો કિસ્સો સામે આવ્યો હતો. તેવામાં વિશ્વામિત્રી નદીની સાનુકુળતાના કારણે મગરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે વિશ્વામિત્રી નદીમાં દર એક કિલોમીટરના દાયરામાં 6થી વધુ મગરો વસવાટ કરે છે.

    વિશ્વામિત્રીમાં જોવા મળતા મગરોની પ્રજાતિ કઈ?

    વિશ્વમાં મગરની કુલ 23 પ્રજાતિઓ છે, ભારતમાં તે પૈકીની ત્રણ પ્રજાતિઓ જોવા મળે છે. તેમાં પણ ખારા પાણીના મગરો અને મીઠા પાણીના મગરો અલગ-અલગ હોય છે. આપણા વડોદરામાં જોવા મળતી મગરની પ્રજાતિને ‘માર્શ પ્રજાતિના મગર’ કહેવામાં આવે છે. આ પ્રજાતિના મગરને ખૂંખાર શિકારી તરીકે ઓળખવામાં આવે છે. છાના પગે શિકારનો પીછો કરીને તેને દબોચવામાં તેને મહારત હાંસલ કરેલી હોય છે. માર્શ મગરના જડબાના દાંત ઉપર નીચે સામસામા ગોઠવાયેલી હોવાથી એક વાર શિકાર તેના જડબામાં ફસાયા બાદ તેનું બચવું અસંભવ છે. આ મગરની બાઈટિંગ ફોર્સ ત્રણ ટન જેટલી હોય છે.

    વડોદરાની વિશ્વામિત્રીમાં જોવા મળતા મગર માર્શ પ્રજાતિના

    માર્શ મગર શિકાર કરતી વખતે ઓછા અંતરમાં 8 માઈલ પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. જેટલું ઝડપી તે દોડી કે ચાલી શકે છે, તેના કરતાં વધુ ઝડપી તે તરવામાં કુશળ હોય છે. માર્શ મગરની તરવાની ઝડપ 10થી 12 માઈલ સુધીની હોય શકે છે અને કેટલાક કિસ્સાઓમાં તે તેનાથી પણ વધારે જઈ શકે છે. માર્શ મગરની પ્રજાતિના મગરો એક મધ્યમ કદના પ્રજાતિઓ માનવામાં આવે છે. આ મગરો 8થી લઈને 15 ફૂટ સુધીની લંબાઈ ધરાવતા હોય છે.

    જો તેમના આયુષ્યની વાત કરીએ તો સામાન્ય રીતે મગરનું આયુષ્ય 50થી 80 વર્ષનું હોય છે. શિયાળો ઊતરતાંની સાથે જ અને ઉનાળામાં ગરમીના આરંભથી તેનો પ્રજનનકાળ શરૂ થાય છે. ગરમીની શરૂઆત થતાં તેઓ નદીના પટમાં અને કેટલાક કેસમાં ખાડો ખોદીને પોતાના ઈંડા માને છે. ચોમાસાનો આરંભ થાય તે સમયમાં ઈંડામાંથી બચ્ચા બહાર આવી જાય છે અને તેમનો વંશ આગળ વધતો રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં