Wednesday, December 4, 2024
More
    હોમપેજદુનિયાપાકિસ્તાનમાં એકબીજાને કાપી રહ્યા છે મુસલમાન, શિયા-સુન્ની આમને સામને 80+ના મોત: લખનૌમાં...

    પાકિસ્તાનમાં એકબીજાને કાપી રહ્યા છે મુસલમાન, શિયા-સુન્ની આમને સામને 80+ના મોત: લખનૌમાં સમાયેલા છે આ હિંસાના મૂળ, જાણો શું છે રમખાણોનું કારણ      

    BBC ઉર્દૂના એક રિપોર્ટ અનુસાર 2007-11 વચ્ચે અહીં શિયા-સુન્ની લડાઈને કારણે 1600થી વધુ લોકોના મોત થયા છે. આ સરકારી આંકડા છે. જોકે BBC ઉર્દુનો રિપોર્ટ વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનો દાવો કરે છે. ઘાયલોની સંખ્યા 5000થી વધુ હોવાનું કહેવાય છે.

    - Advertisement -

    પાકિસ્તાનના (Pakistan) ખૈબર પખ્તુનખ્વા (Khyber Pakhtunkhwa) ખાતે તાજેતરની હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે. આ હિંસા આ રાજ્યના કુર્રમ (Kurram) વિસ્તારમાં થઈ હતી. શિયા (Shia Muslim) અને સુન્ની મુસ્લિમોના (Sunni Muslim) કબીલાઓ વચ્ચેના આ સંઘર્ષને કારણે ભારે આર્થિક નુકસાન પણ થયું. અનેક જગ્યાએ દુકાનો સળગાવી દેવામાં આવી હતી. હિંસાને કારણે મોટી સંખ્યામાં પરિવારો આ વિસ્તાર છોડી રહ્યા છે. આ વિસ્તારની સરહદ અફઘાનિસ્તાનને (Afghanistan) મળે છે. અહીં આ લડાઈમાં સ્થાનિક કબીલાઓ સિવાય અલગ-અલગ લોકો પણ સામેલ છે. શિયા અને સુન્ની વચ્ચેની આ હિંસા પાછળ કબીલાની લડાઈ ઉપરાંત જમીન વિવાદ પણ હોવાનું કહેવાય છે.

    વર્તમાનનો મામલો

    21 નવેમ્બર, 2024 ના રોજ, ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લાના પારચિનાર વિસ્તારમાં એક જગ્યાએ વાહનોના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ કાફલો રાજધાની પેશાવરથી પારચિનાર અને પારચિનારથી પેશાવર તરફ જઈ રહ્યો હતો. આ કાફલાઓમાં શિયા લોકો મુસાફરી કરી રહ્યા હતા. કાફલામાં અનેક મુસાફરોને લઈને વાન જઈ રહી હતી. કેટલાક સુરક્ષા દળો પણ તેમની સાથે હતા.

    જેવો આ કાફલો નીચલા કુર્રમ વિસ્તારમાં પહોંચ્યો, તેની આસપાસની પહાડીઓમાંથી હુમલો કરવામાં આવ્યો. ભારે ગોળીબાર અને રોકેટ ફાયરિંગના કારણે હુમલામાં ઓછામાં ઓછા 43 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર આ હુમલો સુન્ની લડવૈયાઓએ કર્યો હતો.

    - Advertisement -

    હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. શિયાઓ પરના હુમલા પાછળના કારણ તરીકે અગાઉ 12 ઓક્ટોબર, 2024ના રોજ થયેલા હુમલાને ગણાવવામાં આવ્યો છે. આ હુમલામાં 15 સુન્ની લોકો માર્યા ગયા હતા. શિયાઓ પરના આ તાજેતરના હુમલા બાદ આ વિસ્તારમાં હિંસા શરૂ થઇ હતી.

    ત્યારબાદ હુમલાથી નારાજ શિયા કબીલાઓએ સુન્નીઓને નિશાનો બનાવવાનું શરૂ કર્યું. શિયા લડવૈયાઓએ 22 નવેમ્બર, 2024 ના રોજ બાગન બજાર અને કુર્રમના નીચાણવાળા વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. અહીંના એક માર્કેટમાં લગભગ 200 દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.

    મોટી સંખ્યામાં સુન્ની લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. હુમલામાં સુન્ની દુકાનો અને તેમના પરિવારોને નિશાનો બનાવવામાં આવ્યા હતા. આ હુમલો રવિવાર સુધી ચાલ્યો. આ સમગ્ર હિંસામાં 80થી વધુ લોકો માર્યા ગયા હતા જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના શિયાઓનો સમાવેશ થાય છે.

    4 વર્ષમાં 1600થી વધુ મોત

    પાકિસ્તાનના કુર્રમ વિસ્તારમાં શિયા-સુન્નીની લડાઈ એ કોઈ નવી વાત નથી. પારચિનાર એ પાકિસ્તાનના એવા કેટલાક વિસ્તારોમાંનો એક છે જ્યાં શિયાઓની વસ્તી સુન્ની વસ્તી કરતા વધારે અથવા તેની બરાબર છે. અહેવાલો સૂચવે છે કે અહીં શિયાઓની વસ્તી લગભગ 45% છે. આમાં તેઓ કુર્રમના ઉપરના વિસ્તારોમાં બહુમતીમાં છે. જો કે, સુન્ની નીચલા વિસ્તારોમાં મજબૂત છે અને આ જ વિસ્તાર તેને અન્ય દેશો સાથે જોડે છે.

    BBC ઉર્દૂના એક રિપોર્ટ અનુસાર 2007-11 વચ્ચે અહીં શિયા-સુન્ની લડાઈને કારણે 1600થી વધુ લોકોના મોત થયા છે. આ સરકારી આંકડા છે. જોકે BBC ઉર્દુનો રિપોર્ટ વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનો દાવો કરે છે. ઘાયલોની સંખ્યા 5000થી વધુ હોવાનું કહેવાય છે.

    નવેમ્બરમાં થયેલા આ તાજેતરના હુમલા પહેલા ઓક્ટોબરમાં અહીં હિંસા થઈ હતી. આમાં પણ ડઝનબંધ લોકો માર્યા ગયા હતા. આ પહેલા સપ્ટેમ્બરમાં અહીં 46 લોકો માર્યા ગયા હતા. જુલાઈ 2024માં પણ અહીં 30થી વધુ લોકોના મોત થયા હતા. આ લડાઈ ઘણા દાયકાઓથી ચાલી રહી છે. શિયા-સુન્ની કબીલાઓ ઉપરાંત આતંકવાદી જૂથો પણ લડાઈમાં સામેલ હોવાનું કહેવાય છે.

    લખનૌ સાથે છે લડાઈનું કનેક્શન

    લડાઈનું મૂળ કારણ 1930થી ચાલી રહેલી દુશ્મની હોવાનું કહેવાય છે. 1930ના દાયકામાં, તત્કાલિન અવિભાજિત ભારતના લખનૌમાં શિયા-સુન્ની રમખાણો થયા હતા. લખનૌમાં શિયા-સુન્ની રમખાણોનો લાંબો ઈતિહાસ છે. આ રમખાણો દરમિયાન શિયા મૌલાનાઓની અપીલ પર પારચિનાર વિસ્તારના શિયા લોકો પણ લડવા માટે લખનૌ ગયા હતા. અહીંના સુન્ની મૌલાનાઓએ તેમને રોકવાની અપીલ કરી હતી.

    આ લડાઈના મૂળ અહીં જ રોપાયેલા છે. આ સિવાય અહીં શિયા અને સુન્ની કબીલાઈ લોકો રહે છે. આ વિસ્તારોમાં માથાના બદલે માથાનો નિયમ પ્રવર્તે છે. બંદૂક રાખનારને અહીં સન્માનની નજરે જોવામાં આવે છે. કબીલાના સંઘર્ષમાં બીજો મુદ્દો જમીન સંબંધિત છે.

    BBC ઉર્દૂના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 1890માં બ્રિટિશ શાસન દરમિયાન સ્થાને કબીલાઓ વસાવવામાં આવ્યા હતા અને તે મુજબ કુર્રમ વિસ્તારમાં જમીન પણ ફાળવવામાં આવી હતી. આ જમીન પર શિયા કે સુન્ની કોનું નિયંત્રણ રહેશે તે અંગેના વિવાદમાં સતત હિંસા ચાલી રહી છે.

    જે જમીનો પર લડાઈ ચાલી રહી છે તે અંગે કોઈ સત્તાવાર દસ્તાવેજો ઉપલબ્ધ નથી. આવી સ્થિતિમાં માલિકી હક્કને લઈને લડાઈ થઈ રહી છે. આ વિસ્તારમાં જમીન ફળદ્રુપ હોવાથી જમીનને લઈને પણ ઝઘડો થાય છે. અહીં ચોખા, ફળો અને અન્ય વસ્તુઓની ખેતી થાય છે.

    કબીલાઈ અને અંતરિયાળ વિસ્તાર હોવાને કારણે અહીં આવકનું બીજું કોઈ સાધન નથી. આવી સ્થિતિમાં જમીનનું મહત્વ ઘણું વધી જાય છે. આ જમીન લડાઈ પારચિનારના ઓછામાં ઓછા 10 ગામોમાં ચાલી રહી છે. એક શિયા પરિવાર અને બીજા સુન્ની પરિવાર વચ્ચેની લડાઈ પણ કબીલાઈ જંગનું સ્વરૂપ લઇ લેય છે. જોકે, મુદ્દો માત્ર જમીનનો નથી.

    પરસ્પર મતભેદો પણ મોટો મામલો

    શિયા અને સુન્ની વચ્ચેની લડાઈનો મુદ્દો જમીન પૂરતો મર્યાદિત નથી પણ પાકિસ્તાનની સરહદ પાર પણ છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોટાભાગની વસ્તી સુન્ની છે. જે વિસ્તારમાં આ લડાઈ ચાલી રહી છે તે ત્રણ બાજુથી અફઘાનિસ્તાનથી ઘેરાયેલું છે અને આ વિસ્તારો તાલિબાન જેવા આતંકવાદી સંગઠનોનો ગઢ છે. આ આતંકવાદી સંગઠનોમાં માત્ર સુન્ની આતંકવાદીઓનો જ સમાવેશ થાય છે.

    અફઘાનિસ્તાનમાં 1979થી શરૂ થયેલા જેહાદ બાદ આ વિસ્તારમાં પણ સુન્ની આતંકવાદીઓનો ધસારો જોવા મળ્યો છે. શિયા કબીલાનો આરોપ છે કે અહીં રહેતા સુન્નીઓ બહારના આતંકવાદીઓને બોલાવે છે અને તેમને નિશાનો બનાવે છે. 1930 પછી 1960, 1970 અને 1990ના દાયકામાં પણ હુમલાઓ થયા છે.

    1971માં અહીં એક મિનારાના નિર્માણને લઈને શિયાઓ અને સુન્નીઓ વચ્ચે લડાઈ થઈ હતી. 1977માં એક મસ્જિદના ઈમામની હત્યા બાદ હિંસા પણ થઈ હતી. 2007માં અહીં ફાટી નીકળેલા રમખાણોમાં લગભગ 2000 લોકો માર્યા ગયા હતા. અલકાયદા (Al Qaeda) અને તાલિબાને (Taliban) પણ આ વિસ્તારના કેટલાક ગામો કબજે કરવાનો પ્રયાસ કર્યો હતો.

    વર્તમાન સ્થિતિ

    21 નવેમ્બરથી ચાલી રહેલી આ લડાઈ 24 નવેમ્બરના રોજ 7 દિવસ સુધી શાંત પડી. ખૈબર પખ્તુનખ્વાના મુખ્ય સચિવ, કાયદા પ્રધાન અને પોલીસ વડાએ અહીં સ્થળની મુલાકાત લીધી અને સુન્ની-શિયા કબીલાઓ સાથે વાત કરી અને સમજૂતી કરાવી છે. બંને જૂથો 7 દિવસ સુધી લડાઈ બંધ કરવા સંમત થયા છે. બંને જૂથો એકબીજાના બંધકોને પરત મોકલવા પણ સંમત થયા છે. સરકારે આ મામલે રિપોર્ટ પણ માંગ્યો છે. સરકારના પ્રતિનિધિઓએ આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં અહીં હિંસા જોવા નહીં મળે. જોકે આ કરાર ભવિષ્યમાં કેટલા સમય સુધી અસરકારક રહેશે તે જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં