Tuesday, March 31, 2026
More
    હોમપેજદેશ‘સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ NRC, નાગરિકતા માટે અલગ નિયમો’: SIRમાંથી આસામની બાદબાકી...

    ‘સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ NRC, નાગરિકતા માટે અલગ નિયમો’: SIRમાંથી આસામની બાદબાકી પર ઉઠાવાઈ રહ્યા છે સવાલ, જવાબ પહેલાં જ આપી ચૂક્યું છે ચૂંટણી પંચ

    ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં પણ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાશે, પરંતુ SIRના બીજા તબક્કાની યાદીમાં આસામનું નામ નથી. આમ તો ચૂંટણી પંચ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    ચૂંટણી પંચે સોમવારે (27 ઑક્ટોબર) સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ડ્રાઇવના દ્વિતીય તબક્કાની સત્તાવાર ઘોષણા કરી. જે મુજબ કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR હાથ ધરવામાં આવશે. જેમાં ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કેરળ વગેરે રાજ્યો અને અમુક કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. મોટાભાગનાં રાજ્યો-પ્રદેશો એવાં છે, જ્યાં 2026 કે 2027માં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે.

    જોકે ઉત્તર-પૂર્વીય રાજ્ય આસામમાં પણ 2026માં વિધાનસભા ચૂંટણી યોજાશે, પરંતુ SIRના બીજા તબક્કાની યાદીમાં આસામનું નામ નથી. આમ તો ચૂંટણી પંચ આ મામલે સ્પષ્ટતા કરી ચૂક્યું છે, પરંતુ તેમ છતાં સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે.

    અમુક મીડિયા અહેવાલોમાં પણ સંપૂર્ણ જાણકારી વગર, પૂરતા સંદર્ભ વગર SIRમાંથી આસામની બાદબાકીની ચર્ચા કરવામાં આવી રહી છે. વાસ્તવિકતા એ છે કે આ મામલે ચૂંટણી પંચ પહેલેથી જ સ્પષ્ટતા કરી ચૂક્યું છે.

    - Advertisement -

    પ્રેસ કૉન્ફરન્સમાં આસામની બાદબાકી વિશે જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું હતું કે, “ભારતીય નાગરિકતા કાયદામાં આસામની નાગરિકતા માટે અમુક અલગ જોગવાઈઓ છે. બીજો વિષય એ છે કે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં ત્યાં નાગરિકતાની ચકાસણીનો કાર્યક્રમ ત્યાં લગભગ પૂર્ણ થનાર છે. આ પરિસ્થિતિમાં 24 જૂનનો SIRનો આદેશ આમ તો સમગ્ર દેશ માટે લાગુ પડે છે, પણ આસામ માટે લાગુ પડતો નથી. તેથી ત્યાં અલગથી રિવિઝનના આદેશો આપવામાં આવશે.” 24 જૂનના આદેશથી જ ચૂંટણી પંચે બિહારમાં SIRની શરૂઆત કરી હતી.

    CEC જ્ઞાનેશ કુમારે આસામ માટે અલગ જોગવાઈઓની વાત કરી એ નાગરિકતા કાયદાની કલમ 6A છે. જે હેઠળ 1 જાન્યુઆરી 1966 પહેલાં આસામમાં પ્રવેશેલા વસાહતીઓને ભારતીય નાગરિક ગણવામાં આવે છે. જ્યારે 1 જાન્યુઆરી 1966થી 25 માર્ચ, 1971 વચ્ચે પ્રવેશેલાઓએ અમુક શરતો સંતોષવી પડે છે અને અમુક જરૂરી નોંધણી પ્રક્રિયા બાદ નાગરિકતા મળી શકે છે. 25 માર્ચ, 1971 બાદ આસામમાં પ્રવેશનારને નાગરિકતા મળતી નથી અને ગેરકાયદેસર ગણવામાં આવે છે.

    આસામમાં સુપ્રિમ કોર્ટની દેખરેખ હેઠળ NRC પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ઑગસ્ટ, 2019માં ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં યાદીમાંથી 19 લાખથી વધુ લોકોને બાકાત કરવામાં આવ્યા છે. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી આ યાદી નોટિફાઇડ કરી નથી, જેથી હાલ આ સત્તાવાર ડોક્યુમેન્ટ નથી. મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય, આસામ રાજ્ય સરકાર વગેરે આ લિસ્ટના રિવેરિફિકેશનની માંગ કરી ચૂક્યાં છે, પરંતુ સુપ્રીમ કોર્ટ ફગાવી ચૂકી છે. જોકે ઑગસ્ટ 2025માં કોર્ટે કેન્દ્ર અને રાજ્યને એક નોટિસ મોકલી હતી. રાજ્ય સરકારનું કહેવું છે કે કોર્ટ ડ્રાફ્ટ લિસ્ટના 20%નું પણ રિવેરિફિકેશન કરવા માટે આદેશ આપે તોપણ તેમને મંજૂર છે.

    NRCનો મુદ્દો પણ નાગરિકતા અને મતદાર યાદી સંબંધિત જ છે અને SIRમાં પણ વત્તેઓછે અંશે એ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. NRCના નિર્ણયોની અસર મતદાર યાદી પર થશે એ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં કાયદાકીય ગૂંચવણ ન ઊભી થાય તે માટે હાલ ચૂંટણી પંચ ત્યાં કોઈ નવી પ્રક્રિયા હાથ ધરી રહ્યું નથી. બીજું, જ્યારે આસામમાં SIR હાથ ધરવામાં આવે ત્યારે NRC લિસ્ટ મદદરૂપ થશે. પરંતુ તેના માટે પ્રથમ NRCનો મુદ્દો ઉકેલવો જરૂરી છે. એટલા માટે આસામમાં હાલ SIR ન કરવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે લીધો છે.

    ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે આસામને સંપૂર્ણ બાકાત રાખવામાં નથી આવ્યું, વિષય માત્ર એટલો છે કે 12 રાજ્યોમાં જ્યારે દ્વિતીય તબક્કામાં SIR થશે ત્યારે તેમાં આસામનો સમાવેશ નહીં થાય. આસામમાં માટે કાર્યક્રમ અલગથી જાહેર કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર પણ કહી ચૂકી છે કે જે નિર્ણય લેવામાં આવશે તેમાં તેમનો સંપૂર્ણ સહયોગ રહેશે.

    અહીં નોંધવા જેવું એ પણ છે કે જ્યારે બિહારમાં SIRની ઘોષણા કરવામાં આવી અને પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે ઇકોસિસ્ટમના યુઝઅલ સસપેક્ટોએ બુમરાણ મચાવી મૂકી હતી અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવામાં આવ્યો હતો. તે સમયે તેમને ચૂંટણી પંચ ઉપર વિશ્વાસ ન હતો અને SIRમાં સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગ કરવામાં આવી હતી.

    હવે જ્યારે આસામમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરીને NRC પ્રક્રિયામાં કોઈ કાયદાકીય ગૂંચ ન સર્જાય તે માટે ચૂંટણી પંચે SIRની ઘોષણા કરી નથી ત્યારે પણ આ લિબરલોને વાંધો પડ્યો છે. જ્યારે અહીં પણ સુપ્રીમ કોર્ટના આદેશોનું જ પાલન કરવામાં આવી રહ્યું છે. આને જ શાસ્ત્રોમાં બેવડાં ધોરણો કહેવામાં આવ્યાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં