દિલ્હી શહેર દર વર્ષે શિયાળામાં ધુમ્મસ અને પ્રદૂષણના કારણે ખૂબ મુશ્કેલીમાં મૂકાતું હોય છે. આ વર્ષે પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે AQI 400થી વધુ પહોંચી ગયો હતો, જે ખૂબ જ ખરાબ સ્તર ગણાય છે. આ પ્રદૂષણને ઘટાડવા માટે દિલ્હી સરકારે એક નવી અને વૈજ્ઞાનિક તકનીક અજમાવી, જેનું નામ છે ક્લાઉડ સીડિંગ. આ તકનીક દ્વારા કૃત્રિમ વરસાદ પડાવીને હવામાંથી ધૂળ અને ઝેરી કણોને સાફ કરવાની યોજના હતી. પરંતુ આ પ્રયાસ સફળ ન થઈ શક્યો.
દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ વધી ગયું હતું, તેથી સરકારે IIT કાનપુર સાથે મળીને ક્લાઉડ સીડિંગની યોજના બનાવી હતી. આ યોજના માટે દિલ્હી કેબિનેટે જુલાઈ 2025માં ₹3.21 કરોડની મંજૂરી આપી હતી. આ યોજનામાં ઑક્ટોબરથી ડિસેમ્બર સુધી પાંચથી દસ પ્રયાસો કરવાના હતા. જેના ભાગરૂપે 28 ઑક્ટોબર 2025ના રોજ પહેલો પ્રયાસ કરવામાં આવ્યો હતો. IIT કાનપુરનું સેસના વિમાન કાનપુરથી દિલ્હી આવ્યું હતું. આ વિમાને બુરારી, મયુર વિહાર, કારોલ બાગ, નોઇડા અને બદલી જેવા વિસ્તારો ઉપરથી ઉડાન ભરી હતી.
#WATCH | Delhi | "The second trial of cloud seeding was conducted in Delhi by IIT Kanpur through Cessna Aircraft. The aircraft entered Delhi from the direction of Meerut. Khekra, Burari, North Karol Bagh, Mayur Vihar were covered under this. 8 flares were used in cloud seeding.… pic.twitter.com/xMby0wBLJh
— ANI (@ANI) October 28, 2025
વિમાને બપોરે 2 વાગ્યે 8 ફ્લેર્સ છોડ્યાં, જેમાં સિલ્વર આયોડાઇડ અને સોડિયમ ક્લોરાઇડ હતા. આ પ્રયાસ એક કલાક ચાલ્યો. ત્યારબાદ બીજો પ્રયાસ સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યો હતો. આમાં પણ 8 ફ્લેર્સ છોડવામાં આવ્યા હતા. બંને પ્રયાસોનો કુલ ખર્ચ ₹1.28 કરોડ થયો હતો. આ પ્રયાસો બાદ IMD એટલે કે ભારતીય હવામાન વિભાગે હળવા વરસાદની આશા વ્યક્ત કરી હતી. પરંતુ કોઈ વરસાદ ન પડ્યો. ત્યારપછી 29 ઑક્ટોબરનો ત્રીજો પ્રયાસ રદ કરવામાં આવ્યો, કારણ કે વાતાવરણીય પરિસ્થિતિ અનુકૂળ ન હતી.
ક્લાઉડ સીડિંગ શું છે?
ક્લાઉડ સીડિંગ એ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેમાં વાદળોમાં કેટલાક ખાસ પદાર્થો (જેમ કે સિલ્વર આયોડાઇડ અથવા ડ્રાય આઇસ) છાંટવામાં આવે છે. જેનાથી વાદળોમાંથી વરસાદ અથવા બરફ વધુ પડે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ પ્રક્રિયા વાદળોને ‘સીડ’ (બીજ) આપીને તેમને વરસાદ પાડવા માટે તૈયાર કરે છે. આ તકનીકની શરૂઆત 1940ના દાયકામાં અમેરિકામાં થઈ હતી અને આજે વિશ્વના ઘણા દેશોમાં તેનો ઉપયોગ થાય છે. નોંધનીય છે કે આ પ્રક્રિયા વાદળોની કુદરતી પ્રક્રિયાને વેગ આપે છે.
નોંધનીય છે કે વરસાદ પડવા માટે વાતાવરણમાં પાણીની વરાળ હોવી જરૂરી છે. પાણીની વરાળ ઠંડી થાય ત્યારે તે પાણીના નાના ટીપાંમાં ફેરવાય છે. આ ટીપાં ધૂળ કે અન્ય કણો પર ચોંટીને મોટા થાય છે. જ્યારે આ ટીપાં ખૂબ ભારે થઈ જાય છે, ત્યારે તે વરસાદ તરીકે પડે છે. આ પ્રક્રિયાને ‘કન્ડેન્સેશન’ અને ‘કોગ્યુલેશન’ કહેવાય છે. પરંતુ કેટલીક વખત વાદળોમાં પાણીની વરાળ વધુ હોય છે, પણ તે વરસાદમાં ફેરવાતી નથી. આનું મુખ્ય કારણ એ છે કે વાદળોમાં ‘કન્ડેન્સેશન ન્યુક્લિયસ’ (CCN) અથવા ‘આઈસ ન્યુક્લિયસ’ની (IN) ઉણપ હોય છે. ક્લાઉડ સીડિંગ આ જ ઉણપને દૂર કરે છે.
(વાદળો અને વરસાદ બનવા માટે પાણીની વરાળને એક ‘આધાર’ (સપાટી) જોઈએ. આ આધારને કન્ડેન્સેશન ન્યુક્લિયસ (CCN) કહેવાય છે. જો આ કણો ન હોય તો પાણીની વરાળ વાદળમાં ફેરવાઈ શકતી નથી અને વરસાદ પણ પડતો નથી.ઠંડા વાદળોમાં વરસાદ કે બરફ પડવા માટે આઈસ ન્યુક્લિયસ (IN) જોઈએ. આ કણો પાણીને બરફમાં ફેરવે છે. જો આ કણો ન હોય તો બરફના ક્રિસ્ટલ ન બને અને વરસાદ પડતો નથી.)

ક્લાઉડ સીડિંગ કેવી રીતે કામ કરે છે?
ક્લાઉડ સીડિંગની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થાય છે. સૌપ્રથમ એવા વાદળો પસંદ કરવામાં આવે છે, જેમાં પાણીની વરાળ વધુ હોય. આ વાદળોમાં વરસાદ પડવાની સંભાવના ઓછી હોય છે. આ માટે હવામાન વૈજ્ઞાનિકો રડાર, સેટેલાઇટ અને હવામાન મોડેલનો ઉપયોગ કરે છે. આ વાદળો સામાન્ય રીતે ‘ક્યુમ્યુલસ’ અથવા ‘સ્ટ્રેટોક્યુમ્યુલસ’ પ્રકારના હોય છે.
(ક્યુમ્યુલસ વાદળો (Cumulus Clouds) છૂટાછવાયા, ફૂલેલા અને ફૂલકોબી જેવા આકારના હોય છે. તે એકલા-એકલા દેખાય છે, જાણે આકાશમાં સફેદ રૂના ઢગલા તરી રહ્યા હોય. સામાન્ય રીતે સારા હવામાનની નિશાની હોય છે, પણ જો વધુ ઊંચા થાય તો વરસાદી તોફાનમાં ફેરવાઈ શકે છે. સ્ટ્રેટોક્યુમ્યુલસ વાદળો (Stratocumulus Clouds) નીચા સ્તરે હોય છે, ગોળાકાર, ઉબડખાબડ અને થર-થર ગોઠવાયેલા દેખાય છે. તે ધોળા કે રાખોડી રંગની મોટી ચાદર જેવા ફેલાયેલા હોય છે, જેમાં ઘાટા ગોળ ટુકડા દેખાતા હોય છે. આ વાદળો જૂથમાં કે ટુકડાઓમાં દેખાય છે.)

સીડિંગ ત્રણ પ્રકારે થાય છે અને તેમાં મુખ્ય 3 પદાર્થો વપરાય છે. જેમાં એક છે સિલ્વર આયોડાઇડ (AgI). આ પદાર્થ બરફના ક્રિસ્ટલ્સ જેવી રચના ધરાવે છે. તે -5°C થી -10°C તાપમાને વાદળોમાં બરફ બનાવે છે. દિલ્હીમાં વરસાદ કરવા માટે આ જ પદાર્થનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજો પદાર્થ છે ડ્રાય આઇસ (સોલિડ CO₂). આ વાદળોને ઝડપથી ઠંડા કરે છે. તેનાથી બરફના ક્રિસ્ટલ્સ ઝડપથી બને છે. ત્રીજો પદાર્થ છે સોડિયમ ક્લોરાઇડ (મીઠું). આ ગરમ વાદળોમાં વપરાય છે. તે પાણીના ટીપાંને મોટા કરે છે.

સીડિંગ મુખ્ય ત્રણ રીતે કરવામાં આવે છે. એક વિમાન દ્વારા. વિમાનમાંથી સીડિંગ મટિરિયલ વાદળોમાં છાંટવામાં આવે છે. આ સૌથી અસરકારક પદ્ધતિ છે. બીજું જમીન પરથી જનરેટર દ્વારા. જમીન પરથી ધુમાડા જેવા પદાર્થને હવામાં છોડવામાં આવે છે. તે હવાના પ્રવાહ સાથે વાદળો સુધી પહોંચે છે. ત્રીજી રીત છે રોકેટ અથવા આર્ટિલરીના માધ્યમથી. રોકેટની મદદથી સીડિંગ મટિરિયલ વાદળોમાં મોકલવામાં આવે છે.
સીડિંગ મટિરિયલ વાદળોમાં પાણીની વરાળને આકર્ષે છે. તેનાથી બરફના ક્રિસ્ટલ્સ અથવા પાણીના ટીપાં બને છે. આ ક્રિસ્ટલ્સ એકબીજા સાથે જોડાઈને મોટા થાય છે. જ્યારે તે ખૂબ ભારે થાય છે, ત્યારે વરસાદ અથવા હિમવર્ષા તરીકે પડે છે. DRIના અભ્યાસ મુજબ આ પ્રક્રિયાથી સામાન્ય કરતા 10%થી 15% વધુ વરસાદ પડી શકે છે.
ક્લાઉડ સીડિંગ શા માટે કરવામાં આવે છે?
ક્લાઉડ સીડિંગના ઘણા હેતુઓ છે. સૂકા વિસ્તારોમાં પાણીની અછત હોય છે. આ પદ્ધતિથી વરસાદ વધારીને પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળે છે. ડેમ, નદીઓ અને તળાવોમાં પાણીનું સ્તર વધારવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. તેનાથી વીજળી ઉત્પાદન અને પીવાનું પાણી મળે છે. મોટાભાગે ખેડૂતોની આવક વરસાદ પર આધારિત હોય છે. આ સિવાય વધુ વરસાદથી પાકનું ઉત્પાદન વધે છે. મોટા કરાને નાના ટુકડાઓમાં ફેરવીને પાકને નુકસાન થતું પણ અટકાવી શકાય છે. પર્વતીય વિસ્તારોમાં સ્કીઇંગ અને પાણી સપ્લાય માટે બરફ વધારવા માટે પણ ક્લાઉડ સીડિંગ કરવામાં આવે છે.
ક્લાઉડ સીડિંગના પ્રકાર
- સ્ટેટિક સીડિંગ: ઠંડા વાદળોમાં બરફ વધારવા માટે સિલ્વર આયોડાઇડ વાપરવું.
- ડાયનેમિક સીડિંગ: વાદળોની હવાની ગતિ વધારીને વધુ વરસાદ પાડવો.
- હાઇગ્રોસ્કોપિક સીડિંગ: ગરમ વાદળોમાં સોડિયમ ક્લોરાઈડ વાપરીને પાણીના ટીપાં મોટા કરવા.

મર્યાદાઓ અને વિવાદો
એવું કહેવાય છે કે આ પ્રક્રિયામાં હંમેશા 100% સફળતા નથી મળતી. માત્ર 10-15% વધારો મળે છે. આ સિવાય સિલ્વર આયોડાઇડનું પ્રમાણ ઓછું હોય છે, પણ તેની લાંબાગાળાની અસર પર સંશોધન ચાલુ છે. બીજો એક વિવાદ પણ છે કે એક વિસ્તારમાં વરસાદ વધારવાથી બીજા વિસ્તારમાં ઘટી શકે છે. આ પ્રક્રિયા ઘણી ખર્ચાળુ છે. એક ઑપરેશનનો ખર્ચ $10,000 થી $50,000 સુધી હોય છે.
દિલ્હીમાં કેમ થઈ આ પ્રક્રિયા નિષ્ફળ?
આ પ્રયાસ નિષ્ફળ ગયો કારણ કે આ પ્રક્રિયા માટે જેવું વાતાવરણ હોવું જોઈએ એવું નહોતું. IIT કાનપુરના અહેવાલ મુજબ,
- પહેલું મુખ્ય કારણ વાદળોમાં પાણીનાં વરાળની અછત હતી. વાદળોમાં મોઇશ્ચર માત્ર 10થી 20 ટકા હતું, જ્યારે ક્લાઉડ સીડિંગ માટે 50થી 60 ટકા મોઇશ્ચર જરૂરી હોય છે. IIT કાનપુરે જણાવ્યું કે મોઇશ્ચર 15થી 20 ટકા હતું જે વરસાદ ઉત્પન્ન કરવા માટે પૂરતું નહોતું.
- બીજું કારણ વાદળોનો પ્રકાર હતો. દિલ્હીમાં શિયાળાનાં વાદળો મોટેભાગે સુકા હોય છે અને વરસાદ આપવા યોગ્ય નથી હોતા. વરસાદી વાદળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આવે છે જે આ સમયે નહોતા.
- ત્રીજું કારણ વાદળોનું તાપમાન હતું. વાદળોમાં તાપમાન 0 ડિગ્રીથી ઉપર હતું, જ્યારે ક્લાઉડ સીડિંગ માટે માઇનસમાં તાપમાન જરૂરી છે.
- ચોથું કારણ પવનની દિશા અને ગતિ હતી. પવન અયોગ્ય દિશામાં હતો, જેથી રસાયણો વાદળોમાં યોગ્ય રીતે ફેલાયા નહીં.
- પાંચમું કારણ હવામાં હ્યુમિડિટીની અછત હતી. હવામાં પાણીની વરાળ 30 ટકાથી ઓછી હતી.
- છઠ્ઠું કારણ ઋતુગત હતું. શિયાળામાં દિલ્હીમાં વરસાદની ઋતુ નથી અને હવા સુકી રહે છે.
- સાતમું કારણ પ્રદૂષણના કણો હતા. PM2.5 અને PM10 જેવા કણોએ વાદળોને અસર કરી અને પ્રક્રિયાને અવરોધી હતી.
આ બધા કારણોને લીધે વરસાદ ન પડ્યો, પરંતુ સારી વાત એ હતી કે PM2.5 અને PM10માં 6થી 10 ટકાનો ઘટાડો થયો જે વિશેષજ્ઞો માટે ઉપયોગી માહિતી છે.
(PM2.5 10 માઇક્રોમીટર વ્યાસના હોય છે. આ નાના કણો માથા પરના વાળની પહોળાઈ કરતા લગભગ 30 ગણા નાના હોય છે, તે આપણા રક્ષણાત્મક નાકના વાળમાંથી પસાર થઈને આપણા ફેફસાંમાં પહોંચી જાય એટલા નાના હોય છે. આ સિવાય PM2.5 કણો માઇક્રોમીટર કે તેથી ઓછા વ્યાસના હોય છે અને તેમને ફક્ત ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી જ જોઈ શકાય છે. સૂક્ષ્મ કણો તમામ પ્રકારના દહનમાંથી ઉત્પન્ન થાય છે, જેમાં મોટર વાહનો, પાવર પ્લાન્ટ, રહેણાંક લાકડા બાળવા, જંગલની આગ, કૃષિ પરાળ અને કેટલીક ઔદ્યોગિક પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. PM10 ફેફસાંમાં જઈ શકે છે તો PM2.5 આપણા ફેફસાંમાંથી લોહીમાં પહોંચી શકે છે.)
આગળની યોજના શું?
નોંધનીય છે કે આ નિષ્ફળતા છતાં યોજના અધૂરી નથી. દિલ્હી સરકારે નક્કી કરેલ કુલ પાંચથી દસ પ્રયાસોની યોજનામાં માત્ર બે જ પ્રયાસ થયા છે. બાકીના પ્રયાસો 30 નવેમ્બર સુધી કરવામાં આવશે. આ વખતે IMDના રીઅલ ટાઇમ ડેટાનો ઉપયોગ કરીને યોગ્ય વાતાવરણીય પરિસ્થિતિની રાહ જોવામાં આવશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ત્યારે જ પ્રયાસ કરવામાં આવશે.
IIT કાનપુર આ પ્રયાસોના ડેટાનું વિશ્લેષણ કરીને ભવિષ્યમાં વધુ સારી તૈયારી કરશે. દિલ્હીના પર્યાવરણ મંત્રી મંજિંદર સિંઘ સિરસાએ કહ્યું કે ક્લાઉડ સીડિંગના સાત વધુ ટ્રાયલનું આયોજન છે. તેમણે કહ્યું, “ગઈકાલે બે ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ ઓછા ભેજને કારણે વરસાદ પડ્યો ન હતો.”
આ પ્રક્રિયા કેમ મહત્વની છે?
ક્લાઉડ સીડિંગ મહત્વનું છે કારણ કે તે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરી શકે છે. વરસાદથી હવામાંના ઝેરી કણો ધોવાઈ જાય છે, જેમ કે આ પ્રયાસમાં 6થી 10 ટકા ઘટાડો નોંધાયો છે. પાણીની અછતવાળા વિસ્તારોમાં તે વરસાદ અને હિમ વધારીને કૃષિ અને પીવાના પાણીની વ્યવસ્થા સુધારે છે. અમેરિકામાં આ પ્રક્રિયાના કારણે 10 ટકા વધુ હિમ મળ્યો છે.
આ પ્રક્રિયા વૈજ્ઞાનિકોને વાતાવરણ વિશે નવી માહિતી આપે છે, જે જળવાયુ પરિવર્તન અને આફતો સામે લડવામાં મદદ કરે છે. વિશ્વમાં ચીન, UAE અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં તેનો સફળ ઉપયોગ થયો છે. પરંતુ તે મોંઘી છે અને હંમેશા સફળ નથી હોતી.
દિલ્હીનો ક્લાઉડ સીડિંગ પ્રયાસ નિષ્ફળ ગયો, કારણ કે કુદરતી શરતો અનુકૂળ ન હતી. પરંતુ તેમાંથી મળેલી માહિતી ભવિષ્ય માટે મહત્વની છે. તેમાંથી શીખ લઈને આગળના પ્રયાસો વધુ સારા થઈ શકે છે. પ્રદૂષણ ઘટાડવા માટે આ એક જ ઉપાય નથી. વાહનો ઘટાડવા, સ્વચ્છ ઊર્જા અપનાવવી અને વૃક્ષો વાવવા જેવા પગલાં પણ જરૂરી છે અને દિલ્હી સરકાર તેના પર પણ કામ કરી રહી છે.


