Sunday, October 6, 2024
More
    હોમપેજદુનિયાઇઝરાયેલથી જ બચવા માટે ‘પેજર’ વાપરતા હતા હિઝબુલ્લાહના આતંકીઓ, છતાં થઈ ગયો...

    ઇઝરાયેલથી જ બચવા માટે ‘પેજર’ વાપરતા હતા હિઝબુલ્લાહના આતંકીઓ, છતાં થઈ ગયો ખેલ: ક્યાંક સપ્લાય ચેઇનમાં ગડબડની તો ક્યાંક વિસ્ફોટક રસાયણની થિયરીઓ ચર્ચામાં 

    ઇઝરાયેલની એડવાન્સ સિસ્ટમથી બચવા માટે હિઝબુલ્લાહે આતંકવાદીઓ પાસે મોબાઈલ ફોન મૂકાવી દીધા, જે હૅક થવાની કે લૉકેશન ટ્રેસ થવાની શક્યતાઓ ઘણી છે. તેના સ્થાને પેજર અને કુરિયર જેવી જૂનીપુરાણી સિસ્ટમ અમલમાં મૂકાઈ.

    - Advertisement -

    ઇઝરાયેલની ઉત્તરે આવેલા દેશ લેબનોનમાં સક્રિય આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ માટે મંગળવાર (17 સપ્ટેમ્બર) કપરો રહ્યો. કારણ એ હતું કે લેબનોન અને સીરિયામાં અનેક ઠેકાણે બ્લાસ્ટ થયા. આ બ્લાસ્ટ ક્યાં થાય? સંદેશની આપ-લે કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ‘પેજર’માં. હજારો પેજર એકસાથે બ્લાસ્ટ થયાં અને તેના કારણે હિઝબુલ્લાહના અનેક આતંકવાદીઓ 72 હૂરો પાસે પહોંચ્યા ને હજારોને ઈજા પહોંચી. 

    હિઝબુલ્લાહે 9 લોકોનાં મોત થયાં હોવાનું કહ્યું છે, પણ વાસ્તવિક આંકડો આના કરતાં અનેકગણો વધુ હોવાનું અનુમાન છે. ઈજાગ્રસ્તોનો આંકડો 2800 હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર, બ્લાસ્ટના કારણે હિઝબુલ્લાહના લગભગ 500 આતંકવાદીઓ દ્રષ્ટિ ગુમાવી ચૂક્યા છે. 

    હુમલાના કારણે ધૂંઆપૂંઆ થઈ ગયેલા આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે હુમલાનો આરોપ ઇઝરાયેલની વિશ્વવિખ્યાત ગુપ્તચર એજન્સી મોસાદ પર લગાવ્યો છે અને વળતો જવાબ આપવાની પણ વાત કરી છે. આતંકી સંગઠને આને ‘સિક્યુરિટી બ્રીચ’ ગણાવ્યું છે. ઇઝરાયેલ કે મોસાદે સીધી રીતે કશું જ સ્વીકાર્યું કે નકાર્યું નથી. જોકે, હકીકત એ પણ છે કે આ હુમલા થયા તેના થોડા જ કલાક પહેલાં જ ઇઝરાયેલી સેનાએ એલાન કર્યું હતું કે તેઓ 7 ઑક્ટોબરના હુમલા બાદ શરૂ કરેલાં ઑપરેશનોનો વ્યાપ હવે વધારી રહ્યા છે અને તેમાં હિઝબુલ્લા વિરુદ્ધ હુમલાઓનો પણ સમાવેશ થાય છે. બીજી તરફ, હજુ સુધી કોઈને ખબર નથી કે આ હુમલા ચોક્કસ કઈ રીતે કરવામાં આવ્યા હતા અને કઈ પદ્ધતિ અપનાવવામાં આવી હતી. ઘણી થિયરી હાલ ફરી રહી છે. 

    - Advertisement -

    મોસાદે સપ્લાય ચેનમાં જ ઘૂસીને વિસ્ફોટક ભર્યા હતા 

    એક થિયરી અનુસાર, હિઝબુલ્લાહે થોડા મહિના પહેલાં જ તાઈવાનની એક કંપની પાસેથી પાંચ હજાર પેજર મંગાવ્યાં હતાં. જેમાંથી મોટાભાગનાં AP924 મોડેલ હતા અને બાકીનાં અમુક ગોલ્ડ એપોલો મોડેલ હતાં. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના રિપોર્ટનું માનીએ તો આ પેજરો તાઈવાનથી લેબનોન પહોંચે તે પહેલાં જ તેમાં છેડછાડ કરવામાં આવી હતી. 

    મોસાદે દરેક પેજરમાં બેટરી પાસે 3 ગ્રામ જેટલી વિસ્ફોટક સામગ્રી નાખી દીધી હોવાનો આરોપ છે. જેને ઇઝરાયેલી એજન્સીએ ન તો નકાર્યો છે કે ન સ્વીકાર કર્યો છે. બીજી તરફ, તાઇવાનની જે કંપનીનું નામ લેવાય રહ્યું છે તેણે હિઝબુલ્લા માટે આવાં કોઈ પેજર બનાવ્યાં હોવાની સાવ ના પાડી દીધી છે અને કહ્યું છે કે જે ઉત્પાદનોમાં બ્લાસ્ટ થયો તે તેમનાં નથી. 

    હૅક થયાં હોવાની થિયરી પણ ચર્ચામાં 

    અમુક ઠેકાણે ચર્ચા ચાલી રહી છે કે જે પેજરમાં બ્લાસ્ટ થયો તેને હૅક કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ બેટરી ઓવરહીટ કરાઈ અને તેના કારણે વિસ્ફોટ થયા. જોકે, ઘણા આ થિયરી નકારી પણ રહ્યા છે, તેનું કારણ એ છે કે વિસ્ફોટના ફૂટેજ અને બેટરી ઓવરહીટિંગ બંનેના સમયમાં વિસંગતતા જોવા મળી રહી છે. 

    હેકિંગની થિયરી પર આગળ ચર્ચા કરવામાં આવે તો, નોંધવું રહ્યું કે પેજર પર કોઈ એન્ક્રિપ્શન વગર રેડિયો ફ્રિકવન્સી દ્વારા સંદેશ પ્રસારિત કરવામાં આવે છે. એટલે હેકરો સ્પેશિયલ રેડિયો ઉપકરણ અને સોફ્ટવેર ડિફાઇન્ડ રેડિયોની મદદથી એકસાથે મોટી સંખ્યામાં પેજર કોમ્યુનિકેશનને રોકી શકે છે. જેના કારણે તેઓ એક મોટા વિસ્તારમાં પેજર સંદેશને કેપ્ચર અને ડિકોડ કરી શકે છે.  

    વિસ્ફોટક રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો? 

    એક થિયરી એવી પણ છે કે વિસ્ફોટ માટેપેન્ટાએરીથ્રિટ્રોલ ટેટ્રાનાઇટ્રેટ (PETN)નામના એક અત્યંત વિસ્ફોટક રસાયણનો ઉપયોગ કરવામાં આવ્યો હોય શકે. PETN તેનાં વિસ્ફોટક ગુણોના કારણે જાણીતું છે અને પ્લાસ્ટિક વિસ્ફોટક સેમટેક્સનું એક પ્રમુખ ઘટક છે. જ્યારે તેને પ્લાસ્ટિસાઈઝર સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે PETN એક પ્લાસ્ટિક વિસ્ફોટકનું નિર્માણ કરે છે, જેના કારણે વિનાશકારી ક્ષતિ થઈ શકે છે. 

    પેજર કેમ વાપરે છે હિઝબુલ્લા? 

    આ બધી થિયરીઓ વચ્ચે એક પ્રશ્ન એ પણ થાય કે આજના ટેકનોલોજીના જમાનામાં જ્યારે દુનિયા એક પછી એક નવાં-નવાં સંશોધનો કરી રહી છે અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધી રહી છે ત્યારે હિઝબુલ્લાહના આતંકવાદીઓ આવી દાયકાઓ જૂની ટેકનોલોજી કેમ વાપરી રહ્યા હતા? તે પહેલાં પેજર શું હોય છે એ જાણીએ. 

    શું હોય છે પેજર? 

    ‘બીપર’ તરીકે પણ ઓળખાતું આ નાનકડું સાધન એક પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હોય છે, જે નાના અને ત્વરિત સંદેશા મોકલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનું મુખ્ય કામ મેસેજની આપ-લે કરવાનું છે. પેજરો રેડિયો ફ્રીક્વન્સી મારફતે બેઝ સ્ટેશન કે સેન્ટ્રલ ડિસ્પેચ પાસેથી સંદેશા સ્વીકારે છે. જે ન્યુમેરિક (જેમકે ફોન નંબર) હોય શકે અથવા તો આલ્ફાન્યુમેરિક (લખાણ) હોય શકે. ડિવાઇસ પર મેસેજ ડિસપ્લે થાય અને યુઝરને સંદેશ પહોંચાડી શકાય. 

    પેજર ઘણી વખત ટોન, બીપ કે વાઇબ્રેશન પણ છોડે છે, જેથી યુઝરને મેસેજ આવ્યાનું એલર્ટ મોકલી શકાય. ઘોંઘાટવાળા વિસ્તારોમાં તે ઘણું ઉપયોગી છે. જોકે, તેનો ઉપયોગ મોબાઇલ પહેલાંના સમયમાં થતો હતો. મોબાઇલ આવ્યા પછી આ સાધન સાવ બિનઉપયોગી બની ગયાં. પણ છતાં હિઝબુલ્લાહે તેનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો, તેની પાછળ ઘણાં કારણો છે. 

    7 ઑક્ટોબર, 2024ના રોજ ગાઝા સ્થિત આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ પર હુમલો કરી દીધા બાદથી જ બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ઇઝરાયેલની ઉત્તરે આવેલા લેબનોન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહનું સમર્થન હમાસને છે અને ઉત્તરેથી હિઝબુલ્લાહ પણ છાશવારે ઇઝરાયેલ પર હુમલો કરતું રહે છે. આમ ઇઝરાયેલ હાલ બે મોરચે લડી રહ્યું છે. આ સંજોગોમાં હિઝબુલ્લાહ પર પણ ઇઝરાયેલ, તેની સેના અને એજન્સીઓની નજર રહે છે. 

    ઇઝરાયેલની એજન્સીઓ ટેકનોલોજીમાં ક્યાંય પાછળ પડે એમ નથી. એટલે તેની એડવાન્સ સર્વેલન્સ સિસ્ટમથી બચવા માટે હિઝબુલ્લાહે આ પેજરનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. કારણ કે ઇઝરાયેલી સેના કાયમ ડ્રોન અને અન્ય ઉપકરણો મોકલીને હિઝબુલ્લાહની ગતિવિધિઓ વિશે જાણકારી મેળવતી રહેતી હોય છે. તાજેતરમાં પણ હિઝબુલ્લાહે ઇઝરાયેલ પર હુમલો કરવાની તૈયારી કરી રાખી હતી, પણ તે પહેલાં જ IDFએ આતંકી સંગઠન પર હુમલો કરી દીધો હતો. 

    ઇઝરાયેલની આવી એડવાન્સ સિસ્ટમથી બચવા માટે હિઝબુલ્લાહે આતંકવાદીઓ પાસે મોબાઈલ ફોન મૂકાવી દીધા, જે હૅક થવાની કે લૉકેશન ટ્રેસ થવાની શક્યતાઓ ઘણી છે. તેના સ્થાને પેજર અને કુરિયર જેવી જૂનીપુરાણી સિસ્ટમ અમલમાં મૂકાઈ. ઉપરાંત, તેઓ પ્રાઇવેટ ફિક્સ્ડ-લાઇન ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક વાપરવા માંડ્યા. જેમાં પણ વાતચીત કોડવર્ડ થકી થતી. 

    લાદેન પાસેથી ‘પ્રેરણા’ મેળવવા ગયા આતંકવાદીઓ પણ ઇઝરાયેલીઓએ ન ફાવવા દીધા 

    અહીં નોંધવું જોઈએ કે 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કર્યો ત્યારથી 2011માં પાકિસ્તાનમાં માર્યો ગયો ત્યાં સુધી ઓસામા બિન લાદેન અમેરિકી એજન્સીથી ભાગતો રહ્યો હતો. આ દરમિયાન તેણે ક્યારેય મોબાઈલ કે ઈન્ટરનેટનો ઉપયોગ ક્યારે કર્યો નહીં, જેથી એજન્સીઓ તેને ટ્રેસ કરી શકે નહીં. હિઝબુલ્લાહના આતંકવાદીઓ લાદેનથી ‘પ્રેરિત’ થઈને પેજર વાપરવા ગયા પણ ઈઝરાયેલે તેમાં પણ તેમની સાથે ખેલ કરી નાખ્યો. 

    જૂની-પુરાણી પદ્ધતિ ઉપયોગમાં લીધા બાદ પણ હિઝબુલ્લાના આતંકવાદીઓની મુશ્કેલીઓ ઓછી થઈ નહીં અને તેમના આતંકવાદીઓ અને કમાન્ડરો IDFનાં ઑપરેશનોમાં મરાતા રહ્યા. ત્યારબાદ હિઝબુલ્લાહે પોતાના આતંકવાદીઓને સૂચના આપી હતી કે તેઓ સેલ ફોનનો ઉપયોગ ઓછો કરે અને અજાણ્યા નંબરો પર ધ્યાન ન આપે, કારણ કે એ ઇઝરાયેલી એજન્ટો પણ હોય શકે છે. ત્યારબાદ સેલ ફોન પર જ પ્રતિબંધ મૂકી દેવાયો અને જો કોઈ માણસ વાપરતો દેખાય તો આતંકવાદી સંગઠનમાંથી હાંકી કાઢવામાં આવતો.

    આતંકવાદીઓએ આ બધું અમલમાં મૂકી જોયું પણ આખરે એ જ થયું જે ઇઝરાયેલે ધાર્યું. ઉપર જણાવી એવી ઘણી થિયરીઓ ચર્ચામાં છે. પણ લાગે છે કે તે કાયમ ચર્ચામાં જ રહેશે અને પુષ્ટિ ક્યારેય નહીં થાય. કારણ કે મોસાદ હોય કે રૉ, તેઓ ઑપરેશન કર્યા પછી ઢંઢેરો પીટીને ગામને જણાવતા નથી કે તેમણે કઈ રીતે ઑપરેશન પાર પાડ્યું. જે કાંઈ રહે છે તે ચર્ચામાં જ રહે છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં