Tuesday, March 31, 2026
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિઆ વર્ષે પણ દિવાળી બાદ આવ્યો 'પડતર દિવસ', નૂતન વર્ષ પહેલાં કેમ...

    આ વર્ષે પણ દિવાળી બાદ આવ્યો ‘પડતર દિવસ’, નૂતન વર્ષ પહેલાં કેમ આવે છે ‘ધોકો’- વાંચો ખગોળીય અને વૈજ્ઞાનિક કારણો

    દિવાળીની અમાસની તિથિ પૂર્ણ થાય અને નવા વર્ષની શુક્લ પક્ષ પ્રતિપદા (એકમ) શરૂ ન થાય તે વચ્ચે આવતો એક વધારાનો દિવસ 'પડતર' બની જાય છે. ઘણા લોકો માટે આ દિવસ રંગમાં ભંગ જેવું કામ કરે છે તો ઘણાને નવા વર્ષની ખરીદી માટેની એક તક પણ આપે છે.

    - Advertisement -

    દર વર્ષે વાકબારસના તહેવારથી દિવાળીના તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે. વાકબારસ પછી ધનતેરસ, કાળી ચૌદશ અને ત્યારબાદ દિવાળી. દિવાળી પછીના દિવસે વિક્રમ સંવતનું નવું વર્ષ પણ શરૂ થઈ જાય છે. આ તમામ તહેવારો એક સાથે આવતા હોવાથી દેશના લગભગ તમામ વિસ્તારોમાં એક નાનકડા વેકેશનની શરૂઆત થઈ જાય છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે દિવાળી અને નવા વર્ષની વચ્ચે એક પડતર દિવસ આવી જાય છે અને તહેવારો પર અચાનક બ્રેક લાગી જાય છે. આ વર્ષે પણ આવું જ થયું છે. 

    ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 20 ઑક્ટોબરની દિવાળીની અમાસ અને 22 ઑક્ટોબરના બેસતા વર્ષ વચ્ચે 21 ઑક્ટોબરનો દિવસ ‘પડતર’ જાહેર કરાયો છે. પડતર દિવસ જાહેર કર્યો કોણે? આપણાં જ્યોતિષશાસ્ત્રીઓ અને પંચાંગોએ. આવા પડતર દિવસોને ગુજરાતમાં ‘ધોકો’ કહેવામાં આવે છે. મૂળ શબ્દ ‘ધોખો’ હતો, પણ અપભ્રંશ થઈને હવે લોકો ‘ધોકો’ શબ્દ વાપરતા થઈ ગયા છે. આ પડતર દિવસ કે ધોકાના કારણે લોકોમાં મૂંઝવણ પણ ઊભી થાય છે અને ઘણા તહેવારો દિવસ દરમિયાન અડધા અને પછી આગલા દિવસે શરૂ થાય છે. 

    પડતર દિવસ શું છે? 

    પડતર દિવસ એટલે તહેવારોની વચ્ચેનો વધારાનો દિવસ. એટલે કે એક વર્ષ પૂરું થાય અને બીજું શરૂ થાય તેની વચ્ચે આવતો એક નકામો દિવસ. આ દિવસને ‘નકામો’ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે દિવસની પોતાની કોઈ તિથિ (ચંદ્ર કળાના આધારે નક્કી થતા દિવસો) નથી હોતી. જેમ દિવાળીની તિથિ અમાસ છે અને નૂતન વર્ષની પડવો (એકમ), તેમ આ પડતર દિવસની કોઈ તિથિ હોતી નથી. અંગ્રેજી કેલેન્ડરની એક તારીખ હોય છે પણ હિંદુ કેલેન્ડરમાં તે દિવસ ‘ખાલી’, ‘શૂન્ય’ કે ‘નકામો’ ગણાય છે. 

    - Advertisement -

    સરળ ભાષામાં કહીએ તો દિવાળીની અમાસની તિથિ પૂર્ણ થાય અને નવા વર્ષની શુક્લ પક્ષ પ્રતિપદા (એકમ) શરૂ ન થાય તે વચ્ચે આવતો એક વધારાનો દિવસ ‘પડતર’ બની જાય છે. ઘણા લોકો માટે આ દિવસ રંગમાં ભંગ જેવું કામ કરે છે તો ઘણાને નવા વર્ષની ખરીદી માટેની એક તક પણ આપે છે. દિવાળીના રસિકો તો આ દિવસે પણ ફટાકડા ફોડીને ઉજવણી કરે છે. 

    જોકે, નોંધવા જેવું છે કે આવું દર વર્ષે નથી હોતું, પણ ક્યારેક ચંદ્ર કળાની ગતિ અને સૂર્યોદયના સમયને કારણે તિથિઓમાં વિસંગતતા આવે છે ત્યારે જ આ દિવસ આવે છે. જોકે, ચંદ્ર આધારિત કેલેન્ડરના કારણે ઘણી વખત તિથી રાત્રે જ ફરી જતી હોય છે, પણ અંગ્રેજી કેલેન્ડર પરની આપણી નિર્ભરતાના કારણે આપણે સૂર્યોદયથી તિથિ ગણવાનું શરૂ કરીએ છીએ, તેના કારણે આવું બધુ થતું રહે છે. 

    પડતરના દિવસનાં વૈજ્ઞાનિક ખગોળીય કારણો

    પંચાંગની રચના કરતા જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આવી ઘટનાઓ બનવા પાછળનું કારણ એ એ છે કે ભારતીય વર્ષની ગણતરી ચંદ્રની કળાને આધારે બનતી તિથિથી થાય છે. હિંદુ તહેવારો ચંદ્ર દિવસો અથવા તિથિઓ પર આધારિત હોય છે. જ્યારે બીજી તરફ આપણે રોજિંદા જીવનમાં જે મહિનાઓ અને તારીખને અનુસરીએ છીએ એ ગ્રેગોરિયલ કેલેન્ડર એટલે કે અંગ્રેજી કેલેન્ડરના છે અને તે કેલેન્ડર સૂર્યોદય પર આધારિત છે. ચંદ્ર આધારિત હિંદુ પંચાંગ અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચે તાલમેલ સાધવા માટે પડતર દિવસનો ઉમેરો કરવામાં આવે છે. 

    હિંદુ પંચાંગમાં તિથિઓ ચંદ્રની 30 કળાઓ પર આધારિત હોય છે, પણ ઘણી વખત 30 દિવસ કરતાં વહેલા ચંદ્ર પોતાની કળાઓ પૂર્ણ કરી લે છે. ચંદ્ર આધારિત તિથિઓનો એક મહિનો 29.5 દિવસમાં પૂરો થઈ જાય અને અંગ્રેજી કેલેન્ડરમાં તે 30-31 દિવસનો હોય છે. આ કારણે દર મહિને કોઈ તિથિમાં ઘટાડો થાય છે અથવા તો વધારો થાય છે.

    જ્યારે એક દિવસમાં બે તિથિઓ આવે અથવા તિથિનો અંતિમ ભાગ વચ્ચે રહી જાય, ત્યારે પડતર દિવસ ઊભો થાય છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ, જો સૂર્યોદય પછી કોઈ તિથિ બેસતી હોય અને પછીના દિવસના સૂર્યોદય પહેલાં જ બીજી તિથિ શરૂ થઈ જાય તો તે વચ્ચેનો સમય પડતર ગણાય છે. આ વર્ષે પણ આ જ કારણે 21 ઑક્ટોબર પડતર બન્યો છે, કાર્તિક અમાસ 20 ઑક્ટોબરે સવારે 3:44 વાગ્યે શરૂ થઈ અને 21 ઑક્ટોબરે સવારે 5:54 વાગ્યે પૂરી થઈ, પણ નવી તિથિ તરત ન આવી. 

    વધુસ સરળ ભાષામાં સમજીએ તો પરંપરાગત રીતે દિવાળી કાર્તિક અમાસની તિથી પર ઉજવાવવામાં આવે છે, જોકે અમાસ ઘણી વખત રાત્રે મોડેથી શરૂ થાય છે અને બીજા દિવસ સુધી ચાલે છે, જેના કારણે દિવાળી કયા દિવસે ઉજવવી એ અંગે અનિશ્ચિતતા રહે છે. ભારતીય પંચાંગ પ્રમાણે ચંદ્રની કળાઓ 30 ભાગમાં વહેંચાયેલી છે, પણ ચંદ્ર 30 કળાને 30 દિવસ કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે, જેથી દર મહિને પંચાંગમાં એકાદ તિથિનો ફેરફાર થાય છે.

    પડતર દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ ચાલતી હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ પણ શરૂ થઈ હોતી નથી. ત્યારબાદ પડતર દિવસની રાતે કે સાંજે નવી તિથિ અથવા નવું વર્ષ શરૂ થાય છે. નવા વર્ષની શરૂઆત તો સવારે દેવદર્શનથી જ થવી જોઈએ એવી માન્યતાને લીધે એ તરત જ પછીના દિવસે સવારે નવું વર્ષ ગણી લેવામાં આવે છે.  

    આ ગણતરીમાં નક્ષત્રો પણ ભાગ ભજવે છે. ચંદ્ર ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશે એટલે કારતક માસ, ‘મૃગશીર્ષ’ નક્ષત્રમાં પ્રવેશે તો માગશર, ‘પુષ્ય’ નક્ષત્રમાં પ્રવેશે તો પોષ અને ‘મઘા’ નક્ષત્રમાં પ્રવેશે તો મહા માસ શરૂ થાય છે. આવી જ રીતે ‘આસો’ માસની અમાસ બાદ ચંદ્રએ ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. પણ ઘણી વખત ચંદ્રની ગતિના કારણે તે ‘કૃતિકા’ નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી, તેથી એ દિવસે એકમ ન થતાં એના પછીના દિવસે એકમથી નવો મહિનો શરૂ થાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં