યુદ્ધો અને આધુનિક શસ્ત્રોની ચર્ચા હવે દિવસે-દિવસે સામાન્ય બનતી જાય છે ત્યારે યુકેનું એક ફાઇટર જેટ જુદાં જ કારણોસર ચર્ચામાં છે. વાત એમ છે કે અત્યાધુનિક અને સ્ટેલ્થ ટેકનોલોજી ધરાવતું આ F-35B લાઈટનિંગ 2 સ્ટેલ્થ ફાઇટર જેટ છેલ્લાં લગભગ ત્રણેક સપ્તાહથી ભારતમાં અટવાઈ પડ્યું છે. કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ખૂણામાં પડેલું આ જેટ જેમ-જેમ વધુ દિવસો કાઢી રહ્યું છે તેમ-તેમ બ્રિટનની ચિંતા અને દુનિયાનું કુતુહલ, બંને સમપ્રમાણમાં વધતાં જાય છે.
બન્યું હતું એવું કે યુકેનું એરક્રાફ્ટ કેરિયર HMS પ્રિન્સ ઑફ વેલ્સ હિન્દ મહાસાગરમાં ડ્રિલ માટે આવ્યું હતું. ભારતીય નૌસેના સાથે મળીને બંને સેનાઓ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી રહી હતી. દરમ્યાન 14 જૂનના રોજ એરક્રાફ્ટ કેરિયર પરથી રવાના થયેલું આ ફાઈટર જેટ F-35B પોતાના મિશન પર હતું ત્યારે અચાનક હવામાન બગડ્યું અને દરિયો પણ તોફાની બન્યો. હવામાનના કારણે તેનાથી પરત એરક્રાફ્ટ કેરિયર પર જઈ શકાય એમ ન હતું અને ઈંધણ પણ સીમિત હતું, જેથી આખરે નજીકમાં નજીકના તિરુવનંતપુરમ એરપોર્ટને જાણ કરવામાં આવી અને તેમની પાસે લેન્ડિંગની પરવાનગી આપવામાં આવી.
એરપોર્ટ ATCએ ફાઇટર જેટને લેન્ડિંગ માટે પરવાનગી આપી અને વિમાન સુરક્ષિત રીતે કેરળના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું. પરંતુ સમસ્યા અહીં પૂર્ણ ન થઈ. વિમાનમાં પછીથી ચકાસણી કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેમાં ‘હાઇડ્રોલિક સિસ્ટમ’ ફેલ થઈ ગઈ છે. જેના કારણે હવે પરત ઉડી શકે એવી સ્થિતિમાં ન હતું. શરૂઆતમાં એરક્રાફ્ટ કેરિયર પર હજાર બ્રિટિશ નેવીના ઇજનેરોએ માથાકૂટ કરી જોઈ પણ ઉકેલ લાવવામાં કોઈ સફળતા ન મળી.
હમણાં આ ફાઈટર જેટ તિરુવનંતપુરમ એરપોર્ટ પર પડ્યું છે, જેને સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી રહી છે. ભારત સરકારે જેટને એક હેંગરમાં સ્થાનાંતરિત કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, પણ બ્રિટને ખાસ રસ દાખવ્યો નથી. તેનું કારણ એ છે કે જેટ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે અને તેને લગતી ઘણી બાબતો એવી છે જે સાર્વજનિક હોતી નથી. ઉપરાંત તે સ્ટેલ્થ ટેકનોલોજી ધરાવે છે, જે હેઠળ આવાં શસ્ત્રો રડારની નજરમાં આવી શકતાં નથી. જો ફાઇટર જેટનો નજીકથી અભ્યાસ કરવામાં આવે તો આ ટેકનોલોજી, અન્ય ગોપનીય બાબતો વિશે કોઈ પણ જાણી શકે. સંભવતઃ એ જ કારણ છે કે બ્રિટન તેને ખુલ્લામાં રાખવા માંગે છે અને હેંગરમાં મૂકવાના પક્ષમાં નથી. જોકે થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે બ્રિટને સહમતિ દર્શાવી છે, પરંતુ હજુ સુધી લઈ જવામાં આવ્યું નથી.
આ પરિસ્થિતિમાં બ્રિટન પાસે બે જ વિકલ્પો છે.
- આ જેટનું સમારકામ ભારતમાં જ કરીને તેને ઉડવાલાયક બનાવીને લઈ જાય.
- તેના અમુક ભાગ છૂટા પાડીને એરક્રાફ્ટ કેરિયર વિમાનમાં લઈ જવામાં આવે.
અત્યાધુનિક ફાઈટર જેટ અન્ય દેશમાં રિપેર કરવાના ફાયદા કરતાં ગેરફાયદા ઘણા છે. એટલે હવે બીજો વિકલ્પ જ વધુ યોગ્ય લાગી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર UK આ જ વિકલ્પ પર વિચારણા કરી રહ્યું છે. તોતિંગ કાર્ગો જહાજ C-17 ગ્લોબમાસ્ટરની મદદથી આ F-35 ફાઈટર જેટને કેરળ એરપોર્ટ પરથી યુકે લઈ જવામાં આવશે તેવું અહેવાલો જણાવી રહ્યા છે. જો તેવું થાય તો આ પ્રકારે કાર્ગો જહાજમાં ફાઈટર જેટ લઈ જવાનો સંભવતઃ પ્રથમ કિસ્સો હશે.
UKએ જણાવ્યું હતું કે ફાઇટર જેટની સ્થિતિની તપાસ કરવા માટે તેમની 40 ઇજનેરોની એક ટીમ ભારત પહોંચશે, પરંતુ 4 જુલાઈની સ્થિતિએ હજુ ટીમ પહોંચી નથી. જેથી ફાઈટર જેટ પાસે પડ્યા રહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ઇજનેરો પહોંચે ત્યારબાદ આગળનું કામ ચાલશે. પરંતુ હવે સમય વધુ વીતી ગયો છે અને વિકલ્પો ઓછા છે તેને જોતાં કાર્ગોમાં જ લઈ જવામાં આવશે એમ લાગી રહ્યું છે. જોકે તેમાં પણ અત્યંત કાળજી રાખવી પડે તેમ છે.

C-17 ગ્લોબમાસ્ટર મહાકાય વિમાન હોય છે, જે સેનાઓને લોજિસ્ટિકલ સપોર્ટ પૂરો પાડવાનું, સામાનની, શસ્ત્રોની હેરફેર કરવાનું કામ કરે છે. પરંતુ તે એટલું મોટું પણ નથી કે ફાઇટર જેટ સીધું આવી શકે. એટલે F-35Bના અમુક ભાગ છૂટા પાડવામાં આવશે, ત્યારબાદ તેને C-17માં ગોઠવવામાં આવશે. જોકે આ ડિસમેન્ટલ કરવામાં પણ મોટી સમસ્યા છે. આ પ્રક્રિયા સરળ પણ નથી અને બ્રિટનના અધિકારીઓએ એક વિદેશી ધરતી પર કરવી પડશે.
બીજી તરફ, ભારતે આ સમગ્ર મામલામાં એક પરિપક્વ રાષ્ટ્ર તરીકેનો અભિગમ અપનાવ્યો છે અને તમામ પ્રકારનો સહયોગ પૂરો પાડવાની ખાતરી આપી છે. જેટને સતત CISF દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે, ઉપરાંત અન્ય એજન્સીઓ પણ સતત બ્રિટનના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. પાર્કિંગ ફી અને લોજિસ્ટિકલ સપોર્ટ વિશે પણ ચર્ચા ચાલી રહી છે, પણ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ પૂરેપૂરી ગંભીરતા સાથે મામલામાં સહયોગ આપશે.
જોકે તેમ છતાં બ્રિટન અને અમેરિકા માટે આ સંકોચમાં મૂકે એવી સ્થિતિ છે, કારણ કે આ ફાઇટર જેટનું નિર્માણ અમેરિકન કંપની કરે છે. જેટ મોટેભાગે NATO દેશો જ ઉપયોગમાં લે છે. આ પરિસ્થિતિમાં એક નોન-નાટો દેશમાં આ રીતે દિવસો સુધી જેટ પડ્યું રહે એ આ પશ્ચિમી દેશો માટે પણ ચિંતાનો વિષય છે. એ એ બાબત પણ સાબિત કરે છે કે આ દેશો જેને અત્યાધુનિક ફાઈટર જેટ ગણાવી રહ્યા છે તે પણ તકનીકી ખામીમાંથી બાકાત રહી શક્યું નથી. જે ફાઇટર જેટની ટેકઑફ ક્ષમતા અને સ્ટેલ્થ સિસ્ટમનાં ગુણગાન દુનિયાભરમાં થઈ રહ્યાં છે એ દિવસો સુધી એક દેશમાં ગ્રાઉન્ડેડ પડ્યું છે તે પણ દુનિયા ચર્ચા કરી રહી છે.
ભારતમાં જોકે લોકોની આદત છે ગમે તેમાંથી રમૂજ શોધી કાઢવાની. આ એપિસોડમાં પણ એમ જ થયું છે. ફાઈટર જેટ પર જોક્સ અને મીમ્સ બનવાનાં શરૂ થઈ ગયાં છે, જેમાં કેરળ ટૂરિઝમે પણ ઝંપલાવ્યું છે. દિવસો સુધી પડ્યા રહેલા આ ફાઈટર જેટ પર લોકો મીમ અને જોક્સ બનાવીને શેર કરી રહ્યા છે.
Kerala, the destination you'll never want to leave.
— Kerala Tourism (@KeralaTourism) July 2, 2025
Thank you, The Fauxy.#F35 #Trivandrum #KeralaTourism pic.twitter.com/3lei66a5T2
વળી કેરળ ટુરિઝમે ફાઈટર જેટની એક AI તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, ‘કેરળ, એક એવું સ્થળ જે છોડવાનું તમને મન ન થાય.’ તસવીરમાં UK-F35Bની પ્રતિકૃતિ જોવા મળે છે અને જાણે તે રિવ્યૂ આપતું હોય તેમ લખવામાં આવ્યું છે, ‘કેરળ બહુ સરસ જગ્યા છે. મારે કાયમ માટે અહીં જ રહેવું છે. બીજાને પણ ભલામણ કરું છું.’ ફાઇવ સ્ટાર પણ આપવામાં આવ્યા હતા.
સમગ્ર મામલામાં હાલની સ્થિતિ એ છે કે જેટ તિરુવનંતપુરમ એરપોર્ટ પર પડ્યું છે. હવે બ્રિટનના ઇજનેરો અને અધિકારીઓ આવે ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સંભવતઃ તેને કાર્ગો વિમાનમાં જ લઈ જવામાં આવશે.