લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર વગેરે બાબતોમાં જુદા-જુદા ધર્મો-પંથો પ્રમાણે જુદા-જુદા નિયમોનો અંત આણીને એક સમાન કાયદો લાગુ કરવા માટે સમાન નાગરિક સંહિતા (જેને યુનિફોર્મ સિવિલ કોડ-UCC કહેવાય છે) લાગુ કરવાની શરૂઆત ઉત્તરાખંડથી કરી દેવામાં આવી છે. હવે આગલો વારો ગુજરાતનો હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સરકારે તાજેતરમાં જ એક સમિતિ બનાવી. ઉત્તરાખંડમાં UCC લાગુ થઈ ચૂક્યું છે. ત્યારબાદ અન્ય ભાજપશાસિત રાજ્યોમાં પણ આ કાયદો લાગુ કરવામાં આવશે એવું અનુમાન છે. અંતે કેન્દ્ર સરકાર કામ હાથ પર લેશે.
યુનિફોર્મ સિવિલ કોડની જ્યારથી ચર્ચા શરૂ થઈ ત્યારથી મુસ્લિમ સમુદાયના અમુક મૌલાના-મૌલવીઓ અને રાજકીય પાર્ટીઓની દુકાન ખોલી બેઠેલા નેતાઓ સમુદાયને ભડકાવવાનું કામ કરી રહ્યા છે. આમ તો કાયદો તમામને સમાન રીતે લાગુ પડશે પરંતુ વાંધાઓ મુસ્લિમ સમુદાયમાંથી જ વધુ ઉઠાવવામાં આવી રહ્યા છે. વચ્ચે અમુક નિવેદનો પણ આપવામાં આવ્યાં અને UCCનો વિરોધ કરવામાં આવ્યો.
તાજેતરમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક મૌલવી એક રિપોર્ટર સાથે વાત કરતાં UCCનો વિરોધ કરવાનું એક કારણ એ પણ આપે છે કે તેમાં મામા-ફોઈનાં સંતાનો સાથે નિકાહ કરવા પર પ્રતિબંધ છે. જેનાથી ચર્ચા ઉઠી છે.
પત્રકાર અદિતિ ત્યાગીએ પોતાના X અકાઉન્ટ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં એક મુસ્લિમ વ્યક્તિ તેમની સાથે વાત કરતા કહે છે કે, “અમને એટલી ખબર પડે છે કે સરકાર અમારી હેસિયત ખતમ કરવા માંગે છે. UCC લાગુ કરવા પહેલાં અમારા અભિપ્રાયો લેવામાં આવ્યા હતા અને અમે સ્પષ્ટ કર્યું હતું કે અમે ઇસ્લામ જે અમારા લોહીમાં વહે છે તેને છોડી ન શકીએ.”
"UCC से सरकार हमारी हैसियत को कम करना चाहती है, मज़हब-ए-इस्लाम हमारी रगो में है, हम उसे नहीं छोड़ सकते" #UCC pic.twitter.com/KEraJ33TsA
— aditi tyagi (@aditi_tyagi) March 5, 2025
તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, “તેમાં એક કાયદો એવો છે કે મામાની દીકરી કે ફોઈની દીકરી સાથે તમે નિકાહ ન કરી શકો. અમારા શરીફમાં પરવાનગી છે, અમે કઈ રીતે કરી શકીએ?” આ શરિયતની અંદર હસ્તક્ષેપ છે. અમારા અભિપ્રાયો પર કોઈ અમલ કરવામાં ન આવ્યો.
અહીં નોંધવું જોઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ માત્ર મામા-ફોઈ કે પિતરાઈ ભાઈ-બહેનો સાથે જ નહીં પરંતુ કુલ 74 સંબંધો વચ્ચે નિકાહ કે લગ્ન થઈ શકશે નહીં. રાષ્ટ્રીય સ્તરે તો હજુ UCCના કોઈ ડ્રાફ્ટ કે નિયમો અસ્તિત્વમાં નથી પરંતુ ઉત્તરાખંડમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવ્યો છે. તેના બિલમાં આ યાદી આપવામાં આવી છે.
આ યાદીમાં 37 સંબંધો મહિલાઓના અને 37 પુરુષોના એમ કુલ 74 સંબંધો વચ્ચે લગ્ન-નિકાહ ન થઈ શકે તેમ જણાવવામાં આવ્યું છે. જેમની સાથે કોઈ મહિલા કે પુરુષ લિવ-ઇનમાં પણ રહી શકશે નહીં. એક જ કિસ્સામાં છૂટછાટ મળી શકે કે તેમના ધાર્મિક કે પંથના નેતાઓની મંજૂરી હોય. જોકે તેમાં પણ જો રજિસ્ટ્રાર એવું ઠેરવે કે જે-તે પ્રકારના સંબંધો નૈતિક રીતે યોગ્ય નથી કે રૂઢિ-રિવાજો અનુસાર તેને માન્યતા આપી શકાય નહીં તો તેવાં નિકાહ-લગ્નના રજિસ્ટ્રેશન રદ પણ કરી શકશે.
કોઈપણ પુરુષ આ મહિલાઓ સાથે નહીં કરી શકે નિકાહ/લગ્ન | કોઈપણ મહિલા આ પુરુષો સાથે નહીં કરી શકે નિકાહ/લગ્ન |
બહેન | ભાઈ |
ભાણી | ભાણા |
ભત્રીજી | ભત્રીજ |
માસી | કાકા/તાઉ |
પિતરાઈ બહેન (કાકાની પુત્રી) | પિતરાઈ ભાઈ (કાકાના પુત્ર) |
પિતરાઈ બહેન (ફોઈની પુત્રી) | પિતરાઈ ભાઈ (માસીના પુત્ર) |
પિતરાઈ બહેન (માસીની પુત્રી) | પિતરાઈ ભાઈ (મામાના પુત્ર) |
પિતરાઈ બહેન (મામાની પુત્રી) | પૌત્રીના જમાઈ |
માતા | પિતા |
સાવકી મા | સાવકા પિતા |
નાની | દાદા |
સાવકી નાની | સાવકા દાદા |
પરનાની | પરદાદા |
સાવકી પરનાની | સાવકા પરદાદા |
માતાની દાદી | પરનાના (પિતાના નાના) |
માતાની પરદાદી | સાવકા પરનાના |
દાદી | નાના |
સાવકી દાદી | સાવકા નાના |
પિતાની નાની | પરનાના |
પિતાની સાવકી નાની | સાવકા પરનાના (માતાના સાવકા પરનાના) |
પિતાની પરનાની | માતાના દાદા |
પિતાની સાવકી પરનાની | માતાના સાવકા દાદા |
પદદાદી | પુત્ર |
સાવકી પરદાદી | જમાઈ |
પુત્રી | પૌત્ર |
પુત્રવધૂ (વિધવા) | પુત્રનો જમાઈ |
પૌત્રી (પુત્રીની પુત્રી) | પ્રપૌત્ર (પુત્રીનો પુત્ર) |
પૌત્રી | પુત્રીનો જમાઈ |
પૌત્રની વિધવા પુત્રવધૂ | પ્રપૌત્ર |
પ્રપૌત્રી | પૌત્રનો જમાઈ |
પૌત્રની વિધવા | પુત્રનો પૌત્ર (પુત્રની પુત્રીનો પુત્ર) |
પુત્રીના પૌત્રની વિધવા | પૌત્રીના જમાઈ |
દીકરાની પૌત્રી (પુત્રની પુત્રીની પુત્રી) | પુત્રીનો પૌત્ર |
પ્રપૌત્રી | પૌત્રનો જમાઈ (પુત્રની પુત્રીનો જમાઈ) |
પરપૌત્રની વિધવા | માતાના નાના |
કાયદાના સેક્શન 3માં આ પ્રતિબંધિત સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું કે, પહેલી અનુસૂચિની બંને યાદીઓ (સ્ત્રી-પુરુષ માટે અલગ-અલગ) પ્રતિબંધિત સંબંધો હેઠળ આવે છે અને પુરુષ યાદીમાં સમાવિષ્ટ સ્ત્રીઓ સાથે અને સ્ત્રીઓ યાદીમાં સમાવિષ્ટ પુરુષો સાથે લગ્નના સંબંધોમાં બંધાઈ શકે નહીં કે લિવ-ઇનમાં રહી શકે નહીં.
UCC હેઠળ કોઈ પણ પુરુષ બહેન, બહેનની પુત્રી, ભાઈની પુત્રી, માતાની બહેન, પિતાની બહેન, પિતાના ભાઈની પુત્રી (ભત્રીજી), માતાની બહેનની પુત્રી (ભાણેજ), માતાના ભાઈની પુત્રી, પુત્રના પુત્રની પુત્રી, પુત્રીની પુત્રી, પુત્રીના પુત્રની વિધવા, પુત્રના પુત્રની વિધવા વગેરે મહિલાઓ સાથે વિવાહ કે નિકાહ કરી શકે નહીં. આ સિવાય પણ અન્ય 37 પ્રકારના સંબંધો નિષેધ કરવામાં આવ્યા છે. આવી જ અન્ય એક યાદી મહિલાઓ માટે પણ છે.
UCC નિયમોના ફોર્મ 3 હેઠળ લિવ-ઇન રિલેશનશિપ માટેના નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં નિયમ એવો છે કે ફોર્મમાં અરજદારોને પૂછવામાં આવશે કે બંને ઉપર દર્શાવવામાં આવેલા સંબંધો હેઠળ આવતા નથી. જો આવતા હોય તો એ પૂછવામાં આવશે કે તેમના રિવાજો અનુસાર બંને વચ્ચે લગ્ન કે નિકાહ શક્ય છે કે નહીં. ત્યારબાદ તેમણે તેમના સમુદાય કે ધર્મના અગ્રણી તરફથી આપવામાં આવેલ પ્રમાણપત્ર જોડવાનું રહેશે. તેમની પણ વિગતો આપવાની રહેશે. ત્યારબાદ રજિસ્ટ્રાર પોતે પણ આવા સામુદાયિક નેતાઓ પાસે પુષ્ટિ કરશે અને જો રજિસ્ટ્રારને લાગે કે આવાં લગ્ન કે સંબંધો સમાજના નિયમો કે રિવાજોથી વિપરીત છે કે નૈતિક રીતે યોગ્ય નથી તો રદ કરી શકે છે.
હવે હિંદુ મેરેજ એક્ટ અનુસાર પહેલેથી જ અમુક સંબંધો હેઠળ લગ્નની માન્યતા આપવામાં આવી નથી. HMA કહે છે કે બે હિંદુઓ વચ્ચે ત્યારે જ લગ્ન શક્ય બની શકે જ્યારે બંને પક્ષો ‘પ્રતિબંધિત સંબંધો’ના દાયરા હેઠળ આવતા ન હોય અન્યથા જો આવતા હોય તો તેમના રિવાજો બંનેના લગ્નની મંજૂરી આપતા હોવા જોઈએ.
હિંદુ મેરેજ એક્ટ હેઠળ સીધી લીટીના વંશજો, વંશજો અને પૂર્વજોના જીવનસાથીઓ, લોહીના સંબંધો ધરાવતા ભાઈ-બહેનો કે સાવકા ભાઈ-બહેનો અથવા કાકાકુટુંબના સભ્યો, ભત્રીજા-ભત્રીજી અને ભાઈ-બહેનોનાં સંતાનો એ પ્રતિબંધિત સંબંધોમાં આવે છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લૉ જુદો છે. તેમાં માત્ર લોહીના સંબંધો હેઠળ જ નિકાહ નિષેધ છે. પરંતુ UCC લાગુ થાય તો નિયમોમાં ફેરફાર થશે અને સૌને સમાન નિયમો લાગુ પડશે.