હોમપેજદેશકેરળને નવું નામ આપવા માટેના ઠરાવને કેન્દ્ર સરકારની મંજૂરી: વાંચો શું હોય...

કેરળને નવું નામ આપવા માટેના ઠરાવને કેન્દ્ર સરકારની મંજૂરી: વાંચો શું હોય છે કોઈ રાજ્યનું નામ બદલવાની પ્રક્રિયા, બંધારણમાં શું જોગવાઈ છે

કેરળનું નામ 'કેરલમ' થશે. ભૂતકાળમાં પણ ઓડિશા, તમિલનાડુ સહિતનાં રાજ્યોનાં નામ બદલાયાં છે. આ પ્રક્રિયા બંધારણ અનુસાર કરવી પડે છે.

- Advertisement -

દક્ષિણ ભારતીય રાજ્ય કેરળનું નામ સ્થાનિક મલયાલમ બોલી મુજબ કરવા માટે રાજ્ય સરકારે જૂન 2024માં પસાર કરેલા પ્રસ્તાવને કેન્દ્ર સરકારે તાજેતરમાં મંજૂરી આપી છે. 24 ફેબ્રુઆરીએ નવનિર્મિત સેવા તીર્થ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી, જેમાં અનેક નિર્ણયો લેવાયા અને તેમાં કેરળનું નામ બદલવાના રાજ્યના પ્રસ્તાવને મંજૂરી આપવાનો નિર્ણય પણ સામેલ હતો. હવે સરકાર આગળની પ્રક્રિયા હાથ ધરશે, કારણ કે કોઈ રાજ્યનું નામ બદલવા માટેનું કામ કેન્દ્ર સરકારનું છે અને બંધારણ અનુસાર કરવું પડે છે.

બંધારણમાં રાજ્યોના નામ બદલવા માટે, સરહદો ફરીથી નક્કી કરવા માટે, નવાં રાજ્યોની રચના માટે પૂરતી જોગવાઈઓ છે પણ તે કેન્દ્ર સ્તરેથી કરવી પડે છે. સામાન્ય રીતે રાજ્ય સરકાર કોઈ હસ્તક્ષેપ ન કરે તો કેન્દ્ર પોતાની રીતે પણ નામો કે સરહદો બદલી શકે છે પણ વ્યવહારિકતા જોતાં રાજ્યોની પહેલ વગર કેન્દ્ર સરકાર આ પ્રક્રિયા શરૂ કરતી નથી. આ કિસ્સામાં પણ એમ જ થયું છે. સમગ્ર પ્રક્રિયા સમજીએ તે પહેલાં એ જોઈએ કે કેરળનું નામ ‘કેરલમ’ કેમ કરવામાં આવી રહ્યું છે.

કેરળ રાજ્યનું મૂળ નામ મલયાલમ ભાષામાં ‘કેરલમ’ છે, જેનો અર્થ ‘કેરળનું’ અથવા ‘કેરળના લોકોનું’ થાય છે. 1 નવેમ્બર 1956ના રોજ ભાષાકીય આધાર પર રાજ્યોનું પુનર્ગઠન થયું ત્યારે ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં તેને ‘કેરળ’ તરીકે નોંધવામાં આવ્યું હતું. સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મલયાલમ ભાષી વિસ્તારોને એક રાજ્યમાં એકત્ર કરવાની માંગ ઉઠી હતી, જેને ‘એકીકૃત કેરળ’ તરીકે ઓળખવામાં આવતું હતું. પરંતુ અંગ્રેજીમાં તેને ‘Kerala’ તરીકે અપનાવવામાં આવ્યું, જે મલયાલમ ઉચ્ચારણ સાથે સંપૂર્ણપણે મેળ ખાતું નથી.

- Advertisement -

કેરળ વિધાનસભાએ 2023માં અને ત્યારબાદ 24 જૂન 2024ના રોજ સર્વસંમતિથી ઠરાવ પસાર કરીને કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે બંધારણમાં ફેરફાર કરીને રાજ્યનું નામ ‘કેરલમ’ કરવામાં આવે. આ ઠરાવ મુખ્યમંત્રી પિનરાયી વિજયને રજૂ કર્યો હતો. કેન્દ્ર સરકારે આ માંગને સ્વીકારીને ‘કેરળ (નામ ફેરફાર) બિલ, 2026’ને મંજૂરી આપી છે. આ નિર્ણય રાજ્યની સાંસ્કૃતિક ઓળખને માન આપવા અને ભાષાકીય સુસંગતતા સ્થાપિત કરવા માટે લેવામાં આવ્યો છે એવું સરકારનું કહેવું છે.

રાજ્યનું નામ બદલવાની સંપૂર્ણ બંધારણીય પ્રક્રિયા

ભારતીય બંધારણની કલમ 3 હેઠળ સંસદને કોઈપણ રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવાની સત્તા આપવામાં આવી છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે બંધારણીય છે અને તેમાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

આમ તો બંધારણમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે આ પ્રક્રિયાની શરૂઆત રાજ્ય સરકારના ઠરાવથી જ થવી જોઈએ, પણ સામાન્ય રીતે એવું જ થાય છે. જ્યાં રાજ્યની વિધાનસભા રાજ્યનું નામ બદલવા માટે એક પ્રસ્તાવ કે ઠરાવ પસાર કરે છે અને તે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવામાં આવે છે. ગૃહ મંત્રાલય આ ઠરાવ કેન્દ્રીય કેબિનેટ સમક્ષ રજૂ કરે છે.

કેરળના કિસ્સામાં આ 2024માં બે વખત થયું છે. વાસ્તવમાં પહેલા ઠરાવમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અમુક ફેરફારો સૂચવ્યા હતા, જેને ઉમેરીને તરત બીજી વખત વિધાનસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવને 24 ફેબ્રુઆરીએ કેબિનેટની મંજૂરી મળી ગઈ.

હવે આગળ શું?

મંજૂરી પછી રાષ્ટ્રપતિ ‘કેરળ (આલ્ટરેશન ઑફ નેમ) બિલ, 2026’ને સંબંધિત રાજ્યની વિધાનસભા પાસે તેનાં મંતવ્યો જાણવા માટે મોકલશે. જોકે સંસદ રાજ્યનાં મંતવ્યો માનવા માટે બંધાયેલી નથી. આ મંતવ્યો બંધનકર્તા નથી, પરંતુ કલમ 3ની શરતો અનુસાર તે જરૂરી છે. કદાચ વિધાનસભા બિલ સાથે અસંમતિ દર્શાવે તોપણ સંસદ તેને પસાર કરી શકે છે અને રાજ્યનું નામ બદલી શકાય છે. જોકે આવું પણ સામાન્ય સ્થિતિમાં થતું નથી કારણ કે પ્રક્રિયા જ મૂળ રાજ્યના ઠરાવથી શરૂ થઈ હોય એટલે તેમની અસંમતિને કોઈ અવકાશ રહેતો નથી. વિધાનસભા તેના મંતવ્યો રજૂ કરે ત્યારબાદ રાષ્ટ્રપતિની ભલામણ પર આ બિલ સંસદનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવશે.

સંસદમાં આ બિલને સામાન્ય બહુમતીથી પસાર કરવું પડશે, એટલે કે મતદાન સમયે હાજર સભ્યોના 50%+1 મત જરૂરી છે. આ બંધારણીય સુધારો નથી, એટલે સામાન્ય બહુમતીથી પણ બિલ પસાર કરી શકાય છે.

બંને ગૃહમાં મંજૂરી મળ્યા પછી રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ બિલ કાયદો બનશે. ત્યારપછી બંધારણની પ્રથમ અનુસૂચિ અને ચોથી અનુસૂચિમાં ફેરફાર થશે અને રાજ્યનું ઔપચારિક નામ ‘કેરલમ’ થઈ જશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ નામ બદલાઈને અમલમાં આવશે, જેમકે ઓરિસ્સાથી ઓડિશા અને અન્ય રાજ્યોમાં થયું છે. કાયદો બન્યા પછી સરકારી દસ્તાવેજોથી માંડીને અન્ય ઠેકાણે નવા નામનો ઉપયોગ શરૂ કરી દેવાય છે પણ તેનું સંપૂર્ણ અમલીકરણ થતાં મહિનાઓ કે અમુક વખત વર્ષો પણ નીકળી જાય છે.

શહેર કે સ્થળના નામ બદલવાની અલગ પ્રક્રિયા

રાજ્યના નામથી વિપરીત, શહેર, ગામ કે સ્થળનું નામ બદલવું રાજ્ય સરકારની સત્તા હેઠળ આવે છે, કારણ કે બંધારણની સાતમી અનુસૂચિની રાજ્ય યાદીમાં ‘ભૂમિ’ (land) વિષય રાજ્યનો છે. આ પ્રક્રિયા નીચે મુજબ છે.

સૌપ્રથમ રાજ્ય વિધાનસભામાં કોઈ ધારાસભ્ય (MLA) દ્વારા ચોક્કસ શહેર કે સ્થળના નામ બદલવાનો ઠરાવ રજૂ કરવામાં આવે છે. આ ઠરાવને બહુમતીથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ રાજ્ય સરકાર આ ઠરાવને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલે છે.

ત્યારબાદ ગૃહ મંત્રાલય આ પ્રસ્તાવની તપાસ કરે છે અને વિવિધ એજન્સીઓ પાસેથી ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) મેળવે છે. આ એજન્સીઓમાં રેલ્વે વિભાગ, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ વિભાગ, સર્વે ઓફ ઇન્ડિયા, ઇન્ટેલિજન્સ બ્યુરો અને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા સામેલ છે. આ તપાસમાં ખાસ કરીને એ જોવામાં આવે છે કે પ્રસ્તાવિત નામ અન્ય કોઈ સ્થળ સાથે સમાન ન હોય અને તે વ્યવહારુ હોય.

મંજૂરી મળ્યા પછી રાજ્ય સરકાર ગેઝેટમાં અધિસૂચના (notification) જાહેર કરે છે, જેના આધારે નામ ઔપચારિક રીતે બદલાઈ જાય છે. આ પ્રક્રિયા રાજ્ય સ્તરે ઝડપથી પૂર્ણ થઈ શકે છે, પરંતુ કેન્દ્રીય મંજૂરી અનિવાર્ય છે. જોકે તેના માટે કોઈ કાયદો જરૂરી નથી. ઉદાહરણ તરીકે, અલ્હાબાદને પ્રયાગરાજ, મદ્રાસને ચેન્નઈ અને બોમ્બેને મુંબઈ કરવામાં આ પ્રક્રિયા અપનાવવામાં આવી હતી.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં