26 ડિસેમ્બરના રોજ ઇઝરાયેલે આફ્રિકાના હૉર્ન વિસ્તારમાં આવેલા સોમાલીલેન્ડને ઔપચારિક રીતે એક સ્વતંત્ર અને સંપ્રભુ રાષ્ટ્ર તરીકેની માન્યતા આપી દીધી છે. આ સાથે જ ઇઝરાયેલ સંયુક્ત રાષ્ટ્રનો પહેલો સભ્ય દેશ પણ બની ગયો છે, જેણે 34 વર્ષોથી પોતાને સ્વતંત્ર ગણતાં આ વિસ્તારને આધિકારિક માન્યતા આપી દીધી છે. હજુ સુધી UNએ કે તેના અન્ય સભ્ય દેશોએ આ ક્ષેત્રને માન્યતા આપી નથી.
ઇઝરાયેલી વડા પ્રધાન નેતન્યાહુ અને વિદેશ મંત્રી ગિદોન સાઆરે સોમાલીલેન્ડના રાષ્ટ્રપતિ અબ્દિરરહેમાન મોહમ્મદ અબ્દુલ્લાહી સાથે વિડીયો કોલ દ્વારા સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી બંને દેશો વચ્ચે પૂર્ણ રાજદ્વારી સંબંધ પણ સ્થાપિત થઈ ચૂક્યા છે. હવે સોમાલીલેન્ડમાં અને ઇઝરાયેલમાં એકબીજા દેશનાં દૂતાવાસ શરૂ થશે, રાજદૂતોની ફેરબદલી થશે અને સહયોગના નવા માર્ગ પણ ખુલશે.
The Prime Minister announced today the official recognition of the Republic of Somaliland as an independent and sovereign state.
— Prime Minister of Israel (@IsraeliPM) December 26, 2025
Prime Minister Netanyahu, Foreign Minister Sa'ar, and the President of the Republic of Somaliland signed a joint and mutual declaration. pic.twitter.com/M0AeTs5oxY
ઇઝરાયેલી રાષ્ટ્રપતિ નેતન્યાહુએ આ કરારને ‘અબ્રાહમ સમજૂતની ભાવના’ને અનુરૂપ ગણાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે સોમાલીલેન્ડ ભવિષ્યમાં અમેરિકા-પ્રાયોજિત નૉર્મલાઈઝેશન ફ્રેમવર્કનો ભાગ બનશે. ઇઝરાયેલે કૃષિ, આરોગ્ય, ટેકનોલોજી અને અર્થવ્યવસ્થાના ક્ષેત્રોમાં તાત્કાલિક સહયોગનું વચન પણ આપ્યું છે.
After more than three decades of peaceful self-governance, constitutional order, and democratic practice, Somaliland has received its first formal international recognition as a sovereign and independent state.
— Presidency | Republic of Somaliland (@Presidencysl_) December 26, 2025
This development affirms an objective reality that has long existed.… pic.twitter.com/Kw0JrhfZKM
સોમાલીલેન્ડના રાષ્ટ્રપતિ અબ્દુલ્લાહીએ પણ ઇઝરાયેલના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે અને આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે સોમાલીલેન્ડ અબ્રાહમ સમજૂતીમાં સામેલ થશે. તેમણે આ ઘટનાને ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આગળ તેમણે એવું પણ કહ્યું છે કે સોમાલીલેન્ડ મધ્ય-પૂર્વ અને આફ્રિકામાં ભાગીદારી બનાવવા, પરસ્પર સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા અને સ્થિરતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે.
સોમાલીલેન્ડમાં ઉત્સવ પણ મધ્ય-પૂર્વના ઇસ્લામી દેશોનો વિરોધ
ઇઝરાયેલ અને સોમાલીલેન્ડની આ સંયુક્ત ઘોષણાને લઈને સોમાલીલેન્ડમાં ઉત્સવનો માહોલ બન્યો છે. રાજધાની હરગેઈસાના ફ્રીડમ સ્કેવરમાં લાખો લોકો એકઠા થયા હતા અને ઝંડા ફકરાવીને ઇઝરાયેલની માન્યતાનું સ્વાગત કર્યું હતું. જોકે, ઇઝરાયેલનો આ નિર્ણય આફ્રિકા અને મધ્ય-પૂર્વ માટે એક પડકાર પણ બન્યો છે. સાઉદી આરબ, આફ્રિકી સંઘ, સોમાલિયા, ઈજિપ્ત, તૂર્કી અને જિબુટી સહિતના ઘણા દેશોએ ઇઝરાયેલના આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને સોમાલિયાની સંપ્રભુતાને લઈને યહૂદી દેશ પર સવાલો ઊભા કર્યા છે.
#Statement | The Foreign Ministry affirms the Kingdom of Saudi Arabia’s full support for the sovereignty of the brotherly Federal Republic of Somalia, and for its unity and territorial integrity. The Kingdom expresses its rejection of the announcement of mutual recognition… pic.twitter.com/02gC2d0Sy7
— Foreign Ministry ?? (@KSAmofaEN) December 26, 2025
સાઉદી આરબે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, “સાઉદી આરબ સોમાલિયાની સંપ્રભુતા, એકતા અને ક્ષેત્રીય અખંડિતતાના સમર્થનમાં છે અને ઇઝરાયેલ-સમર્થિત આ એકતરફી અલગાવવાદી પગલાંને આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ માને છે.” બીજી તરફ આફ્રિકી સંઘે પણ સોમાલીલેન્ડને માન્યતા આપવાનો ઇનકાર કરવાનો પોતાનો નિર્ણય ફરી જાહેર કર્યો હતો અને સોમાલિયાની એકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જોકે, ઇઝરાયેલનો આ નિર્ણય મધ્ય-પૂર્વના રાજકારણમાં એક ભૂકંપ લઈને આવ્યો છે. પહેલાં સમજીએ કે આ સોમાલીલેન્ડ શું છે.
શું છે સોમાલીલેન્ડ?
સોમાલીલેન્ડ વાસ્તવમાં બ્રિટિશ શાસન હેઠળનો એક સંરક્ષિત વિસ્તાર (British Protectorate) હતો. તેણે 1991માં સોમાલિયામાં ભડકેલા ગૃહયુદ્ધ વચ્ચે પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધો હતો. ત્યારથી લઈને આજ સુધી આ વિસ્તારે પોતાની અલગ સરકાર, મુદ્રા, સંસ્થાઓ અને અપેક્ષાકૃત સ્થિર રાજકીય વ્યવસ્થા જાળવી રાખી છે, જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે તેને હજુ સુધી કોઈ ઔપચારિક માન્યતા મળી નથી, સિવાય ઇઝરાયેલ.
ભૌગોલિક રીતે સોમાલીલેન્ડ સોમાલિયાના ઉત્તર-પશ્ચિમી ભાગમાં આવેલો છે. તેની સરહદો જિબુટી, ઇથિયોપિયા અને સોમાલિયા સાથે જોડાયેલી છે. પરંતુ તેની સૌથી મહત્વની વિશેષતા તેની જમીની સરહદો નહીં, પરંતુ 850 કિલોમીટર લાંબી તટરેખા છે, જે એડનની ખાડી (Gulf of Aden) સાથે જોડાયેલી છે.

આ જ ખાડી લાલ સમુદ્રને અરબી સમુદ્ર સાથે જોડે છે અને અહીંથી વૈશ્વિક વેપારનો એક મોટો હિસ્સો પસાર થાય છે. સદીઓથી આ સમુદ્રી માર્ગ સાગરિક પ્રતિસ્પર્ધા અને સંઘર્ષનું કેન્દ્ર રહ્યો છે. આ જ કારણથી સોમાલીલેન્ડનું ભૂરાજકીય મહત્વ જમીન કરતાં વધુ સમુદ્ર સાથે જોડાયેલું છે.
તેના લાંબા ઇતિહાસ પર નજર કરીએ તો આ વિસ્તારમાં સાતમી સદીમાં ઇસ્લામ આવ્યો હતો. 14મી સદી સુધી આવતા-આવતા આ સમગ્ર વિસ્તારની ઇસ્લામી સલ્તનત ઈસાઈ ઇથિયોપિયાઈ સામ્રાજ્ય હેઠળ આવી ગઈ હતી. 1527માં અદલ સલ્તનતે ઈસાઈ શાસન વિરુદ્ધ વિદ્રોહ કર્યો અને બાદમાં ઇથિયોપિયાના મોટાભાગના વિસ્તારો પર નિયંત્રણ મેળવી લીધું, પરંતુ 1543માં પોર્ટુગીઝોની મદદથી ઇથિયોપિયાએ ફરી પોતાનું શાસન જમાવી દીધું.
ત્યારબાદ 1888માં બ્રિટને સ્થાનિક સલ્તનતો સાથે સંધિ કરીને ઉત્તર વિસ્તારમાં બ્રિટિશ સોમાલીલેન્ડના સંરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરી. આ જ સમયગાળામાં ઈટાલીએ પણ આ વિસ્તારના દક્ષિણ ક્ષેત્રમાં સ્થાનિક શાસકો અને કબીલાઓ સાથે સંધિ કરીને ઈટાલિયન સોમાલિયા સ્થાપ્યું. 1899 સુધી આ ચાલતું રહ્યું. પછી ઉત્તર સોમાલીલેન્ડના ઇસ્લામી નેતા મોહમ્મદ અબ્દુલ્લાએ બ્રિટિશ શાસન સામે વિદ્રોહ કર્યો અને દરવેશ રાજ્યની સ્થાપના કરી.
1900થી 1920 દરમિયાન દરવેશ રાજ્યે બ્રિટિશ, ઈટાલિયન અને ઇથિયોપિયન દળો સામે સતત સંઘર્ષ ચલાવ્યો. અંતે 1920માં બ્રિટિશ વાયુસેનાની કાર્યવાહી બાદ દરવેશ રાજ્યનો અંત આવ્યો અને બ્રિટિશ સોમાલીલેન્ડ પર ફરી બ્રિટનનું નિયંત્રણ સ્થપાયું. બીજા વિશ્વયુદ્ધ બાદ વસાહતવાદ વિરુદ્ધ આંદોલનો તેજ બન્યાં. 26 જૂન 1960ના રોજ બ્રિટિશ સોમાલીલેન્ડને સ્વતંત્રતા મળી અને થોડા દિવસો બાદ તે ઈટાલિયન સોમાલીલેન્ડ સાથે જોડાઈ ગયું અને ‘સોમાલિયા ગણરાજ્ય’ની રચના થઈ.
પરંતુ આ એકતા વધુ સમય ટકી નહીં. ઉત્તરી વિસ્તારોને રાજકીય રીતે હાંસિયે ધકેલી દેવામાં આવ્યા. 1977-78ના ઓગાડેન યુદ્ધ પછી તાનાશાહ સિયાદ બેરેના શાસનમાં સ્થિતિ વધુ બગડી. હરગેઈસા જેવાં શહેરો પર બૉમ્બમારો થયો અને હજારો લોકો માર્યા ગયા. એક રીતે બાંગ્લાદેશને લઈને પાકિસ્તાનમાં જે થયું હતું કે હાલ ખૈબરને લઈને થઈ રહ્યું છે, એવું જ તે સમયે સોમાલી ગણરાજ્યમાં થવા લાગ્યું હતું. સોમાલી પોતાના જ દેશના લોકો પર હુમલા કરવા લાગ્યું હતું.
સોમાલી ગણરાજ્યને વળતો જવાબ આપવા સોમાલી નેશનલ મૂવમેન્ટે (SNM) સશસ્ત્ર સંઘર્ષ શરૂ કર્યો હતો. 1991માં ભારે અરાજકતાની સ્થિતિ વચ્ચે બરેનું શાસન તૂટી પડ્યું અને દેશ સરકારવિહોણો થઈ ગયો. SNMએ પહેલેથી જ ઉત્તર-પશ્ચિમી વિસ્તાર પર પોતાનું નિયંત્રણ બનાવી નાખ્યું હતું. એ જ વર્ષે બુરાઓમાં યોજાયેલા ઉત્તરી કબીલાઓના સંમેલનમાં 1960ના એકીકરણને ઔપચારિક રીતે રદ કરી દેવામાં આવ્યું અને સોમાલીલેન્ડે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ફરી સ્થાપિત કરી દેવામાં આવ્યું.
UNની માન્યતા વગર પણ કેવી રીતે કરે છે કામ?
સંયુક્ત રાષ્ટ્રસંઘની (UN) માન્યતા ન હોવા છતાં સોમાલીલેન્ડ વ્યવહારમાં એક દેશની જેમ કામ કરે છે. અહીં આધુનિક લોકતંત્ર અને પરંપરાગત કબીલાઈ વ્યવસ્થાનું એક અનોખું મિશ્રણ જોવા મળે છે. સત્તાનું શાંતિપૂર્ણ હસ્તાંતરણ, નિયમિત બહુપક્ષીય ચૂંટણીઓ અને અપેક્ષાકૃત સ્થિર પ્રશાસન તેને સોમાલિયાથી બિલકુલ અલગ બનાવે છે.
આજે સોમાલિયા અરાજકતા, ગૃહયુદ્ધ અને અલ-શબાબ જેવા આતંકી સંગઠનો સામે ઝઝૂમી રહ્યું છે, જ્યારે સોમાલીલેન્ડમાં આતંકવાદ અને સમુદ્રી લૂંટારાઓની ઘટનાઓ અત્યંત મર્યાદિત છે. તેની પોતાની પોલીસ, સેના અને પ્રશાસનિક રચના પણ છે.
સમસ્યા એ છે કે આંતરરાષ્ટ્રીય માન્યતા સોમાલિયાને મળી છે, જ્યારે તે વ્યવહારમાં નિષ્ફળ રાજ્ય બની ગયું છે. બીજી તરફ સોમાલીલેન્ડ એક વાસ્તવિક, કાર્યશીલ રાષ્ટ્ર હોવા છતાં હજુ સુધી તેને દસ્તાવેજોમાં ‘દેશ’ તરીકેની માન્યતા નથી મળી.
ઇઝરાયેલના નિર્ણયનો અર્થ શું?
ઇઝરાયલ દ્વારા સોમાલીલેન્ડને માન્યતા આપવાનું મહત્વ ફરી એ જ બિંદુ પર આવીને અટકે છે – સમુદ્ર. સોમાલીલેન્ડની સમુદ્રી રેખા સીધી યમનની સામે છે, જ્યાં ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ સક્રિય છે. છેલ્લા કેટલાક મહિનાઓથી લાલ સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય જહાજો પર હુમલા થઈ રહ્યા છે અને ઇઝરાયેલને પણ વારંવાર ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. આવા સંજોગોમાં સોમાલીલેન્ડ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇઝરાયેલને સમુદ્રી ગુપ્તચર માહિતી, નિરીક્ષણ અને ઈરાની પ્રભાવનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
સોમાલીલેન્ડનું બેરબેરા બંદર બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ (જળડમરુંમધ્ય- જળસંકુલ) નજીક આવેલું છે અને તે પહેલેથી જ રણનીતિક રીતે મહત્વનું બની ચૂક્યું છે. UAEની ડીપી વર્લ્ડ કંપનીએ તેમાં સેંકડો મિલિયન ડૉલરનું રોકાણ કરીને તેને આધુનિક બનાવ્યું છે. ઇથિયોપિયા જેવા દેશોએ પણ જિબુટી પરની નિર્ભરતા ઘટાડવા માટે સોમાલીલેન્ડ સાથે નજીકના સંબંધો જાળવી રાખ્યા છે.
જોકે, આ સમગ્ર ભૂરાજકારણ પરિવર્તનને જોતાં લાગે છે કે આફ્રિકા હવે વૈશ્વિક શક્તિઓ માટે નવું સ્પર્ધા માટેનું ક્ષેત્ર બની રહ્યું છે. હિંદ મહાસાગર અને અટલાંટિકમાં વેપાર અને સૈન્ય વર્ચસ્વની હોડ વચ્ચે ઇઝરાયલનું આ પગલું માત્ર એક માન્યતા નથી, પરંતુ એક દીર્ઘકાલીન રણનીતિક રોકાણ પણ છે.


