હોમપેજઇન્ડોલોજીવિશ્વની સૌથી નાની ગાય, વૈદિક કાળ સાથે પણ કનેક્શન: વાંચો પુન્ગનૂર વિશે,...

વિશ્વની સૌથી નાની ગાય, વૈદિક કાળ સાથે પણ કનેક્શન: વાંચો પુન્ગનૂર વિશે, જે જોવા મળે છે વડા પ્રધાન નિવાસસ્થાનમાં પણ

પુન્ગનૂર ગાય ભારતની એક પ્રાચીન અને વિશિષ્ટ દેશી પ્રજાતિ છે, જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુન્ગનૂર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં થયો છે. આ વિસ્તાર ડેક્કન પ્લેટોના દક્ષિણ-પૂર્વીય છેડે આવેલો છે અને ઊંચાઈ 1500 મીટર સુધીના પહાડી વિસ્તારમાં આ પ્રજાતિ વિકસિત થઈ છે.

- Advertisement -

પરંપરાને જાળવી રાખતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મકરસંક્રાંતિએ પણ પ્રધાનમંત્રી આવાસની ગાયોની સેવા કરી હતી, જેનાં દૃશ્યો પણ પછીથી સામે આવ્યાં. આ વખતે પણ ચર્ચામાં રહી એ નાની, ઓછી ઊંચાઈ ધરાવતી ગાયો, જેને પુન્ગનૂરના નામે ઓળખવામાં આવે છે. આ પહેલાં પણ આ ગાયો પીએમ આવાસમાં જોવા મળી ચૂકી છે.

પુન્ગનૂર (Punganur) એ ભારતીય ઝેબુ (humped cattle, Bos indicus) પ્રજાતિની એક અનોખી દેશી ગાય છે, જેને વિશ્વની સૌથી નાની હમ્પ્ડ (કૂબડવાળી) ગાય તરીકે ઓળખવામાં આવે છે. તેની શારીરિક રચના ખૂબ જ વિશિષ્ટ છે. નાનું કદ હોવા છતાં શરીર મજબૂત, સંતુલિત અને સહનશીલ છે. આ વિશેષતાઓના કારણે તે દુષ્કાળ, ઓછા ચારા અને નાની જગ્યામાં પાળવા માટે આદર્શ છે.

આ પ્રજાતિની સરેરાશ ઉંચાઈ 70-90 સે.મી. એટલે કે લગભગ 2.3-3 ફૂટ છે. જોકે, માદાની ઉંચાઈ વધુમાં વધુ 97 સે.મી. અને નરની ઉંચાઈ 107 સે.મી. હોય છે. તેનું વજન 115થી 250 કિ.ગ્રા. હોય છે. તેમાં પણ માદાનું સરેરાશ 170 કિ.ગ્રા. અને નરનું 240 કિ.ગ્રા. સુધીનું વજન જોવા મળે છે. જ્યારે સામાન્ય ગીર કે સાહિવાલ ગાય 400થી 600 કિલોની હોય છે. આ કદને કારણે તેને ‘ડ્વાર્ફ’ અથવા ‘મિની’ ગાય કહેવામાં આવે છે, જે વિશ્વની સૌથી નાની હમ્પ્ડ પ્રજાતિ છે.

- Advertisement -

આ ગાય મુખ્યત્વે સફેદ, ભૂખરા અથવા કથ્થઈ રંગની હોય છે. તેનું કપાળ પહોળું, શિંગડાં ટૂંકાં અને પાછળના ભાગે વળેલાં હોય છે. આ ગાયનું સૌથી વિશિષ્ટ અંગ તેની પૂંછડી છે. પુન્ગનૂર ગાયની પૂંછડી જમીનને અડકે તેટલી લાંબી હોય છે, જે તેની શુદ્ધતાની મુખ્ય નિશાની માનવામાં આવે છે. તેની આંખો ગોળ, કાળી અને ચમકદાર હોય છે જે તેને આકર્ષક અને ‘સુંદર’ દેખાવ આપે છે. તેની ચાલ હરણ જેવી લચીલી અને સુંદર હોય છે.

પુન્ગનૂર ગાયનો ઉદ્ભવ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ

પુન્ગનૂર ગાય ભારતની એક પ્રાચીન અને વિશિષ્ટ દેશી પ્રજાતિ છે, જેનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના પુન્ગનૂર નગર અને તેની આસપાસના વિસ્તારોમાં થયો છે. આ વિસ્તાર ડેક્કન પ્લેટોના દક્ષિણ-પૂર્વીય છેડે આવેલો છે અને ઊંચાઈ 1500 મીટર સુધીના પહાડી વિસ્તારમાં આ પ્રજાતિ વિકસિત થઈ છે. તેનું નામ પુન્ગનૂર નગર અથવા ત્યાંના રાજાઓ પરથી પડ્યું છે, જેમણે આ પ્રજાતિને વિકસિત કરી અને તેનું નામ આપ્યું.

કહેવાય છે કે આ પ્રજાતિ મુખ્યત્વે ઓંગોલ (Ongole) પ્રજાતિની ગાયોમાંથી વિકસિત થઈ છે. ઓંગોલ ગાયોને વિજયનગર સામ્રાજ્યના રાજાઓએ 14-15મી (1336-1646) સદીમાં આ વિસ્તારમાં લાવ્યા હતા. સ્થાનિક પહાડી ગાયો અને કેટલીક અન્ય પ્રજાતિઓ જેવી કે સાહિવાલના મિશ્રણ એટલે કે ક્રોસ બ્રિડીંગથી આ નાની પ્રજાતિનો વિકાસ થયો એવું માનવામાં આવે છે.

ત્યારબાદ પુન્ગનૂરના રાજાઓએ આ ગાયોને વધુ પ્રોત્સાહન આપ્યું. આ રાજાઓ મિસોર પ્રિન્સલી સ્ટેટના દિવાન તરીકે કામ કરતા હતા અને તેઓ આ નાની પ્રજાતિને દૂધ ઉત્પાદન અને હળવા કૃષિ કાર્યો માટે વાપરતા હતા. તેમણે આ ગાયોને રાજવી પરિવારોમાં ભેટ તરીકે આપવાની પરંપરા શરૂ કરી હતી અને અગાઉ ચાલુ પણ રાખી હતી.

ત્રણ સદીઓ પહેલાં એટલે કે 18મી સદીમાં આ પ્રજાતિને વિજયનગર વંશના રાજાઓ અને ઝમીનદારો, આર્કોટ નવાબોના વસાલ રાજાઓ અને ડેક્કન પ્લેટોના પાલેગાર્સ તરફથી વિશેષ પ્રોત્સાહન મળ્યું. આ સમયગાળામાં પુન્ગનૂર ગાયોને અન્ય પ્રજાતિઓ કરતાં શ્રેષ્ઠ માનવામાં આવતી હતી. તત્કાલીન આર્કોટ વિસ્તાર અને આજના રાયલસીમા, કર્ણાટકના બેલારી, બેંગ્લોર, મૈસૂર અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આ પ્રજાતિ વિશેષ સ્થાન પામી અને તેને રાજવી પરિવારોમાં અને ખાસ કરીને તહેવારોમાં મહત્વ આપવામાં આવતું હતું.

પુન્ગનૂર ગાયનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ

ભારતીય હિંદુ સંસ્કૃતિમાં ગાયને ગૌમાતા તરીકે અત્યંત પવિત્ર અને આદરણીય માનવામાં આવે છે. તેને સમૃદ્ધિ, પ્રજનનક્ષમતા, દયા અને પોષણનું પ્રતીક માનવામાં આવે છે. પુન્ગનૂર ગાય આ પરંપરાનું એક વિશેષ અને અનોખું પ્રતીક છે, કારણ કે તેનું નાનું કદ, ઉચ્ચ ગુણવત્તાવાળું દૂધ અને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ તેને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. ઘણા લોકો તેને કામધેનુનું રૂપ અથવા લક્ષ્મીનું પ્રતીક માને છે.

હિંદુ પુરાણો અને વેદોમાં કામધેનુ અથવા સુરભિને સર્વ ગાયોની માતા તરીકે વર્ણવવામાં આવે છે. તે સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થઈ હતી અને કોઈપણ ઇચ્છા પૂર્ણ કરી શકે છે. ભગવદ્ ગીતામાં (અધ્યાય 10: વિભૂતિ યોગ, શ્લોક નંબર 28) ભગવાન કૃષ્ણ કહે છે: ‘ધેનુનામ અસ્મિ કામધુક્’ (ગાયોમાં હું કામધેનુ છું), જેમાં તેઓ પોતાને કામધેનુના રૂપમાં ગણાવે છે. આથી તમામ ગાયોને કામધેનુના પૃથ્વી પરના અવતાર તરીકે પૂજવામાં આવે છે.

પુન્ગનૂર ગાયનું દૂધ અત્યંત પૌષ્ટિક અને ‘ગોલ્ડન મિલ્ક’ તરીકે જાણીતું છે. ઘણા લોકો તેને દેવી લક્ષ્મી અને કામધેનુનું ભૌતિક રૂપ માને છે. તેના દૂધમાં Au (ગોલ્ડનું) તત્વ હોવાનું કહેવાય છે, જે તેને વધુ પવિત્ર અને ઔષધીય બનાવે છે. આ સિવાય તેના દૂધમાં 5-8% ફેટ હોય છે.

ગાયોના પૌરાણિક મહત્વના કારણે જ કેટલાક સ્ત્રોતોમાં પુન્ગનૂર ગાયને વૈદિક કાળ અથવા ઋષિ વિશ્વામિત્ર અને વશિષ્ઠ સમય સાથે જોડવામાં આવે છે, જ્યાં તેને ‘બ્રહ્મા બ્રીડ’ કહેવામાં આવતી હતી. મુખ્ય ઐતિહાસિક દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ 15મી સદીથી જ જોવા મળે છે.

તિરુપતિ તિરુમાલા મંદિરમાં ઉપયોગ

પુન્ગનૂર ગાયનું સૌથી મોટું ધાર્મિક મહત્વ તિરુપતિ તિરુમાલા મંદિર સાથે જોડાયેલું છે. તેના દૂધથી વેંકટેશ્વરનો ક્ષીરાભિષેક (દૂધથી અભિષેક) કરવામાં આવે છે અને તેમાંથી બનતું ઘી ભગવાન વેંકટેશ્વરને અર્પણ કરવામાં આવે છે. વર્ષ 2011માં તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) પાસે લગભગ 200 પુન્ગનૂર ગાયો હતી, જેના દૂધ અને ઘીનો ઉપયોગ દૈનિક નૈવેદ્ય (ભોગ) અને અર્ચનામાં થતો હતો.

જોકે પ્રસાદમમાં માત્ર પુન્ગનૂર ગાયોના દૂધ અને ઘીનો ઉપયોગ થાય છે એવું નથી. વાસ્તવમાં TTDના ફાર્મમાં ઓંગોલ, ગીર, સાહિવાલ સહિત અન્ય પ્રજાતિઓના દૂધનો પણ ઉપયોગ થાય છે. પુન્ગનૂર ગાયોની સંખ્યા ઓછી હોવાથી તેમને સંરક્ષણમાં રાખવામાં આવે છે.

પુન્ગનૂર ગાયને ઘરમાં પાળવી શુભ માનવામાં આવે છે, તેને સમૃદ્ધિ અને સારા નસીબ લાવનારી માનવામાં આવે છે. તેના છાણ અને ગૌમૂત્રને આયુર્વેદિક અને ઓર્ગેનિક ખેતીમાં વાપરવામાં આવે છે, જે તેને સાંસ્કૃતિક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ બનાવે છે. PM મોદીના નિવાસમાં તેનું પાલન તેના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને વધુ ઉજાગર કરે છે.

પુન્ગનૂર ગાયનું સંરક્ષણ અને વર્તમાન સ્થિતિ

પુન્ગનૂર ગાય એક સમયે વિલુપ્તિના આરે હતી પરંતુ સરકારી, વૈજ્ઞાનિક અને સમુદાયના પ્રયાસોથી તેની વસ્તીમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ પ્રજાતિનું સંરક્ષણ ભારતીય દેશી પશુધનની જૈવવિવિધતા, સાંસ્કૃતિક વારસો અને ટકાઉ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. 1950ના દાયકામાં સરકારે પ્રથમ વખત સંરક્ષણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સફળ થયો નહીં.

2007માં FAOએ (Food and Agriculture Organization) તેને ‘ક્રિટીકલ’ એટલે કે અત્યંત જોખમમાં’ જાહેર કરી હતી. 2012-2013ની લાઇવસ્ટોક સેન્સસમાં માત્ર 2,772-2,828 પુન્ગનૂર ગાયો ગણાઈ હતી, જેમાંથી મોટા ભાગની શુદ્ધ હતી. આ ગાયોના સંવર્ધન માટે પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મુખ્ય સંરક્ષણ પ્રયાસો

લાઈવસ્ટોક રિસર્ચ સ્ટેશન(LRS)– મુખ્ય સંરક્ષણ કેન્દ્ર: આ સ્ટેશન 1954માં શરૂ થયું હતું અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય પુન્ગનૂર પ્રજાતિને સુધારવા અને પુનર્જીવિત કરવાનો છે. અહીં સ્થાનિક સંરક્ષણ ચાલુ છે, જેમાં શુદ્ધ પુન્ગનૂર ગાયોનું પાલન, સેમેન પ્રોસેસિંગ અને બ્રીડિંગ થાય છે. આ સ્ટેશન શ્રી વેંકટેશ્વર વેટરનીટી યુનિવર્સિટી (SVVU), તિરુપતિ સાથે જોડાયેલું છે અને તે પુન્ગનૂરનું છેલ્લું મુખ્ય આશ્રયસ્થાન માનવામાં આવે છે. અહીં ગાયોની ફેનોટાઇપિક (શારીરિક) અને જેનેટિક સ્થિતિનો અભ્યાસ થાય છે, જેમાં રંગ, શિંગડા, બાયોમેટ્રિક લક્ષણો વગેરેનો સમાવેશ થાય છે.

મિશન પુન્ગનૂર (Mission Punganur) – આંધ્રપ્રદેશ સરકારનો મુખ્ય પ્રોજેક્ટ: આ મિશન 2020માં શરૂ થયું, જેમાં ₹69.36 કરોડનું બજેટ આપવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ્ય IVF (In Vitro Fertilization), એમ્બ્રિયો ટ્રાન્સફર (ET) અને સેરોગેટ મધર્સનો ઉપયોગ કરીને ઝડપથી આ પ્રજાતિની વસ્તી વધારવાનો છે. SVVU અને એપી સેન્ટર ફોર એડવાન્સ્ડ રિસર્ચ ઓન લાઇવસ્ટોક (APCARL) તેનો અમલ કરી રહ્યા છે. આ મિશનમાં જીનોમ ટેક્નોલોજી અને વેક્સિન પ્રોડક્શન પણ સામેલ છે.

રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડના (NDDB) IVF અને ET પ્રયાસો: 2025માં NDDBએ પ્રથમ IVF દ્વારા પુન્ગનૂર વાછરડું પેદા કર્યું હતું. તેમાં ઓવમ પિક-અપ, IVF અને એમ્બ્રિયો ટ્રાન્સફર ટેક્નોલોજી ઉપયોગમાં લેવામાં આવી હતી. આ વાછરડું હોલ્સ્ટેઇન-ફ્રીઝિયન ક્રોસ સેરોગેટ મધર દ્વારા જન્મ્યું હતું. આ પ્રયાસ રાષ્ટ્રીય સ્તરે અન્ય બ્રીડ્સ માટે પણ ચાલુ છે.

રાષ્ટ્રીય ગોકુલ મિશન (Rashtriya Gokul Mission) હેઠળ સમર્થન: આ મિશન 2014માં શરૂ થયું, જે દેશી બોવાઇન બ્રીડ્સના વિકાસ અને સંરક્ષણ માટે છે તેને 2021-2026 માટે ₹2400 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. આમાં પુન્ગનૂર પ્રજાતિને પણ સામેલ કરવામાં આવી છે, જેમાં ગોકુલ ગ્રામ અને સબસિડી આપવામાં આવે છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગોકુલ ગ્રામ માટે ફંડિંગ, જેમાં પી.વી. નરસિંહ રાવ તેલંગાણા વેટરનરી યુનિવર્સિટીમાં પુન્ગનૂર અને અન્ય બ્રીડ્સનું પ્રમોશન કરવામાં આવે છે. આ મિશન હેઠળ ફાર્મર્સને સબસિડી અને ટેક્નિકલ સપોર્ટ પણ મળે છે.

પુન્ગનૂર ગાયની વર્તમાન વસ્તી

નોંધનીય છે કે 2012માં માત્ર 2,828 (અથવા 2,772) ગાયો ગણાઈ હતી અને આ સમયે તેને ક્રિટીકલ જાહેર કરવામાં આવી હતી. વર્ષ 2019માં સરકારના પ્રયાસોના કારણે વસ્તી વધીને 13,275 થઈ જેમાંથી 9,876 શુદ્ધ હતી અને 3,399 ગ્રેડેડ હતી. આ વસ્તી વધવામાં મિશન પુન્ગનૂર અને અન્ય પ્રયાસોનો મોટો ફાળો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2024-2025માં ગણતરી કરવામાં આવી હતી, જોકે પુન્ગનૂરનો ડેટા જાહેર થયો નથી પરંતું તેમાં ચોક્કસથી નોંધપાત્ર વધારો થયો હશે.

ઉલ્લેખનીય છે કે પુન્ગનૂર ગાય આજે એક લક્ઝરી અને આર્થિક રોકાણ બંને છે. શુદ્ધ પુન્ગાનુર ગાયની કિંમત તેના કદ અને દૂધની ક્ષમતા પર આધાર રાખે છે. તેની કિંમત 1 લાખથી શરૂ થઈને 15 લાખ સુધી પહોંચી શકે છે. જેટલી ઊંચાઈ ઓછી, તેટલી કિંમત વધારે. આ ગાયને પાળવી ખૂબ સસ્તી છે. તે દિવસનું માત્ર 5-6 કિલો સૂકું ઘાસ ખાય છે. તેને કોઈ મોંઘા ‘દાણ’ કે પૂરક આહારની જરૂર પડતી નથી. તે ગમે તેવી ગરમી સહન કરી શકે છે.

પુન્ગાનુર ગાય એ માત્ર આંધ્રપ્રદેશનું પશુ નથી, પણ ભારતની વિરાસત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગાયો સાથે ફોટા શેર કરીને સંદેશ આપ્યો છે કે ‘આપણે આપણી ભૌતિક સંપત્તિની સાથે સાંસ્કૃતિક અને જૈવિક સંપત્તિને પણ સાચવવી પડશે.’ રાષ્ટ્રીય ગોકુલ મિશન જેવી યોજનાઓ દ્વારા આ વારસો જીવંત રાખી શકાય છે. જો આપણે આપણી આવનારી પેઢીને સાચી સંસ્કૃતિ આપવી હોય, તો પુન્ગનૂર જેવી દેશી ગાયોનું જતન અનિવાર્ય છે.

- Advertisement -
Join OpIndia's official WhatsApp channel

સંબંધિત લેખો

- Advertisement -

તાજા સમાચાર

ચૂકશો નહીં