Saturday, January 18, 2025
More
    હોમપેજદેશપગાર પંચ શું છે અને આઠમા કમિશનમાં વેતન-પેન્શનમાં કેટલો થઈ શકે વધારો…સમજો...

    પગાર પંચ શું છે અને આઠમા કમિશનમાં વેતન-પેન્શનમાં કેટલો થઈ શકે વધારો…સમજો સરળ ભાષામાં, ભૂતકાળમાં કેવા ફેરફારો થયા હતા એ પણ જાણો

    8મા પગાર પંચની ભલામણોમાં મૂળ પગાર પર 2.86નુ ફિટમેન્ટ ફેક્ટર લગાવવાની ચર્ચા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ફિટમેન્ટ ફેક્ટર 2.28 લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં હાલના તમામ ગ્રેડનો મૂળ પગાર તેના પરથી જ નક્કી કરવામાં આવશે

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે (16 જાન્યુઆરી, 2025) 8મા પગાર પંચને (8th Pay Commission) મંજૂરી આપી દીધી છે. આ પંચનું ગઠન કેન્દ્રીય કર્મચારીઓની સેલરી (Salary) અને પેન્શન (Pension) નક્કી કરવા માટે કરવામાં આવશે. કમિશનની ભલામણો અનુસાર કેન્દ્ર સરકાર તે દિશામાં અસરકારક પગલાં લઈ શકે છે. આઠમા પગાર પંચમાં કરવામાં આવેલી ભલામણોના આધાર પર જ મોદી સરકાર 2026થી સેલરી અને પેન્શન સંબંધિત નિર્ણયોને લાગુ કરશે. તેવામાં પગાર પંચની રચના અને કાર્યો વિશે માહિતી મેળવવી પણ ખૂબ જરૂરી બની ગઈ છે.

    આ પંચનું ગઠન કરવાની ઘોષણા સાતમા પગાર પંચની અવધિ પૂર્ણ થવાના લગભગ એક વર્ષ પહેલાં કરવામાં આવી છે. સાતમું પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું અને દસ વર્ષનો કાર્યકાળ 31 ડિસેમ્બર, 2025ના રોજ પૂર્ણ થઈ જશે. લોકો મોટાભાગે પગાર પંચને વધતા પગાર અને પેન્શન સાથે સાંકળીને જુએ છે. નવા પગાર પંચની જાહેરાત સાથે જ તેની ભલામણો બાદ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થશે તે અંગેની અટકળો શરૂ થઈ ગઈ છે.

    આ વધેલું પેન્શન કે વેતન ક્યારથી મળવાનું શરૂ થશે તે અંગે પણ વિચારણા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પાંચમાં, છઠ્ઠા અને સાતમા પગાર પંચગની ભલામણો બાદ પગાર અને પેન્શનમાં કેટલો વધારો થયો છે અને નવા પગાર પંચ પર કેટલા સમયમાં કામ શરૂ થઈ જશે તેની પણ ચર્ચા ચાલી રહી છે. વિશેષ અહેવાલમાં તે બાબતો વિશે ચર્ચા કરવાના પ્રયાસો કરીશું.

    - Advertisement -

    શું છે પગાર પંચ?

    ભારત સરકાર દ્વારા સ્થાપવામાં આવેલું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર, વળતર અને પેન્શનરોનાં વેતન અને ભથ્થાં નક્કી કરે છે. આઠમું પગાર પંચ પણ લાભાર્થીઓના પગાર અને પેન્શન માળખામાં સુધારાની ભલામણ કરશે, જેના પરિણામે મહેનતાણું અને ભથ્થામાં પણ વધારો થશે. જોકે, સરકાર તરફથી આઠમા પગાર પંચની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ હજુ તેની સ્થાપના માટેની તારીખ નક્કી કરવામાં આવી નાથી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, વડાપ્રધાને કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. તેમણે વધુમાં કહ્યું કે, પંચના અધ્યક્ષ અને બે સભ્યોની નિમણૂક પણ જલ્દીથી કરવામાં આવશે.

    તેમણે વધુમાં કહ્યું કે, 1947થી હમણાં સુધીમાં 7 પગાર પંચ સ્થાપિત થઈ ચૂક્યાં છે, જેમાં છેલ્લું પંચ 2014માં ગઠિત કરવામાં આવ્યું હતું અને 1 જાન્યુઆરી 2016ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું હતું. 7મા પગાર પંચે નાણાકીય વર્ષ 2016-17 માટે ખર્ચમાં ₹1 લાખ કરોડનો વધારો જોયો હતો. જે બાદ હવે આઠમા પગાર પંચમાં પણ વધુ મજબૂતાઈથી કામ કરવામાં આવશે. આઠમું પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સેવાનિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન, ભથ્થાં અને પગારમાં સંશોધન કરશે. તે સિવાય કમિશન હેઠળ સંશોધન મોંઘવારી ભથ્થાને (DA) પણ મોંઘવારી સાથે સંયોજિત કરવામાં આવશે.

    કોને મળશે લાભ?

    સમાચાર એજન્સી PTI અનુસાર, કેન્દ્ર સરકારમાં 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 65 લાખ જેટલા પેન્શનરો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, 7મા પગાર પંચની મુદત ડિસેમ્બર 2025માં પૂરી થઈ રહી છે, તેથી હમણાંથી જ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તો જૂના પગાર પંચના અંત પહેલાં ભલામણો પ્રાપ્ત કરવામાં અને તેની સમીક્ષા કરવામાં પૂરતો સમય મળી શકશે. આઠમું પગાર પંચ તે સુનિશ્ચિત કરશે કે, સાતમા પગાર પંચના પૂર્ણ થયા પહેલાં તમામ ભલામણો મળી જાય અને તે દિશામાં કાર્ય પણ શરૂ થઈ શકે.

    પગાર પંચ સરકારી કર્મચારીઓ માટે પગાર માળખાં, લાભો અને ભથ્થાની ભલામણ કરતાં પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકારો સિવાય અન્ય હિતધારકો સાથે પણ વિચારવિમર્શ કરે છે અને સલાહ પણ લે છે. તેમની ભલામણો ઘણીવાર રાજ્યની માલિકીની સંસ્થાઓ દ્વારા અપનાવવામાં આવે છે. પગાર પંચની ભલામણોના અમલીકરણથી સરકારી કર્મચારીઓના જીવનની ગુણવત્તામાં સુધારો સાથે વપરાશ અને આર્થિક વૃદ્ધિમાં વધારો થાય છે. સામાન્ય રીતે દર 10 વર્ષે કેન્દ્ર સરકાર કર્મચારીઓના મહેનતાણામાં સુધારો કરવા માટે પગાર પંચ લાગુ કરે છે. આ પગાર પંચનો સીધો લાભ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓને મળે છે.

    આઠમા પગાર પંચમાં સેલરી-પેન્શનમાં કેટલો થઈ શકશે વધારો?

    સરકાર થોડા દિવસોમાં 8મા પગાર પંચ માટે ચેરમેન અને સભ્યોની નિમણૂક કરશે. આ પછી આ કમિશન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (IW) સહિત અન્ય તમામ તથ્યોને ધ્યાનમાં રાખીને તેનો રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવશે કે, કર્મચારીઓના પગાર અને પેન્શનમાં કેટલો વધારો કરવાની જરૂર છે અને તે જરૂર શા માટે છે. કમિશન પગાર અને પેન્શન વધારવા માટે ‘ફિટમેન્ટ ફેક્ટર’નો ઉપયોગ કરે છે. ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક સંખ્યા છે કે, જેના દ્વારા પાછલા કમિશનમાં નક્કી કરાયેલ મૂળભૂત પગાર અને પેન્શનનો ગુણાકાર કરીને નવા મૂળભૂત પગાર અને પેન્શન નક્કી કરવામાં આવે છે.

    ઉદાહરણ તરીકે, જો આજે કર્મચારીનો મૂળ પગાર ₹20 હજાર છે અને તેના પર 2નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને ₹40 હજાર થઈ જશે. જો કોઈ વ્યક્તિનો મૂળ પગાર ₹1 લાખ છે તો તે વધીને ₹2 લાખ થશે. આ સિવાય કમિશન કર્મચારીઓના બાકીનાં ભથ્થાં અને ચૂકવણી પણ નક્કી કરશે.

    8મા પગાર પંચની ભલામણોમાં મૂળ પગાર પર 2.86નું ફિટમેન્ટ ફેક્ટર લગાવવાની ચર્ચા ચાલી રહી છે. કેટલીક જગ્યાએ ફિટમેન્ટ ફેક્ટર 2.28 લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે. આવી સ્થિતિમાં હાલના તમામ ગ્રેડનો મૂળ પગાર તેના પરથી જ નક્કી કરવામાં આવશે. હાલમાં સૌથી નીચલા સ્તરના કર્મચારીને ₹18000નો પગાર મળે છે. જો તેના પર 2.28નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને ₹41 હજારથી વધુ થઈ જશે. જો 2.86નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવે તો તે વધીને ₹51 હજારથી વધુ થઈ જશે. કર્મચારી પાસે જે પણ પે બેન્ડ અને ગ્રેડ હશે, તેનો પગાર તે મુજબ નક્કી કરવામાં આવશે.

    છેલ્લા પગાર પંચોમાં શું થયું હતું પરિવર્તન?

    2016માં લાગુ કરાયેલા 7મા પગાર પંચમાં 2.57નું ફિટમેન્ટ ફેક્ટર લગાવવામાં આવ્યું હતું. એટલે કે મૂળ પગારમાં 257%નો વધારો થયો હતો. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન પેન્શનમાં પણ 2.57ના ફિટમેન્ટ ફેક્ટર દ્વારા વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બેઝિક પેન્શન પણ ₹3500થી વધીને ₹9 ​​હજાર થઈ ગયું હતું.

    એ જ રીતે, 2006માં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા છઠ્ઠા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતું. ત્યારે મૂળ પગાર ₹3700થી વધીને ₹7000 થયો હતો. આ પગાર પંચના કારણે દેશમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા. આ સિવાય 5મા પગાર પંચમાં મૂળ પગારમાં 40%નો વધારો આપવામાં આવ્યો હતો. એટલે કે, તેમાં 1.4નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવ્યું હતું. આ જ ફિટમેન્ટ ફેક્ટર પેન્શન પર પણ લાગુ કરવામાં આવ્યું હતું. હવે આઠમા પગાર પંચ દ્વારા શું પરિવર્તન થશે અને તેની અસર કેવી હશે તે અંગે વિચારણા શરૂ થઈ ગઈ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં