મંગળવારે 11 નવેમ્બરના રોજ PM મોદી 2 દિવસીય યાત્રા માટે ભૂટાન પહોંચ્યા છે. જ્યાં તેમણે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ તોબગેની હાજરીમાં 1,020 મેગાવોટના પુનાત્સાંગછૂ-II હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું છે. આ ક્ષણ માત્ર એક પાવર પ્લાન્ટની શરૂઆત નથી, પરંતુ ભારત અને ભૂટાન વચ્ચેની 75 વર્ષ જૂની અતૂટ મૈત્રીનો સૌથી મોટો જીવંત પુરાવો પણ છે.
પ્રોજેક્ટની પ્રારંભિક માહિતી અને સ્થાન
પુનાત્સાંગછૂ નદીના જમણા કાંઠે, વાંગડ્યુએ ફોડ્રાંગ જિલ્લાના ડામ્ચુ ગામથી 8 કિલોમીટર ડાઉનસ્ટ્રીમ પર 1350 મીટરની ઊંચાઈએ આ પ્રોજેક્ટ આવેલો છે. અહીંની માટી એટલી નબળી છે કે વૈજ્ઞાનિકો તેને ‘શિયર ઝોન’ કહે છે – એટલે કે જ્યાં પહાડો પોતે જ ખસી જાય છે. 2017માં જ્યારે ડેમના જમણા કાંઠાની સાઇટ ધરાશાયી થઈ ત્યારે 35 મિલિયન ઘન મીટર માટી-પથ્થર એકસાથે ખાબકી પડ્યા હતા. આ ઘટનાના કારણે આ પ્રોજેક્ટનું નિર્માણ અસંભવ જેવું લાગતું હતું. પરંતુ ભારતીય એન્જિનિયરોએ 18 મહિનામાં નવી સાઇટ શોધી નાખી ડેમને ડાબા કાંઠે ખસેડીને ફરી શરૂઆત કરી હતી. આજે આ ડેમ 91.25 મીટર ઉંચાઈ અને 223.8 મીટર લંબાઈ સાથે તૈયાર થઈને અડીખમ ઉભો છે.
પ્રોજેક્ટની શરૂઆત
આ પ્રોજેક્ટની યાત્રા 15 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. એપ્રિલ 2008માં વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થયો અને હતો માત્ર ₹3,778 કરોડનો અંદાજ હતો. 10 ડિસેમ્બર 2010ના રોજ તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંઘે તેનો પાયો નાખ્યો હતો. પરંતુ 2017ની દુર્ઘટના પછી ખર્ચ વધીને ₹7,290 કરોડ થયો હતો. કોવિડ લોકડાઉનમાં 4,200 ભારતીય શ્રમિકો ભૂટાનમાં ફસાયા હતા. ત્યારબાદ 2022માં ભૂસ્ખલનના કારણે 22 દિવસ સુધી કામ બંધ રહ્યું હતું.
આ ઘટના બાદ વર્લ્ડ બેંકે ફન્ડિંગ બંધ કરી દીધું હતું અને એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ હાથ ઊંચા કરી નાખ્યા હતા. પરંતુ આવા સમયે પણ ભારતે એક રૂપિયાનું ફન્ડિંગ પણ કેન્સલ કર્યું નહોતું. આખરે 27 ઑગસ્ટ 2025ના રોજ તમામ 6 યુનિટ્સ કમિશન્ડ થયા હતા. હવે વડા પ્રધાન મોદીએ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. નોંધનીય છે કે વડા પ્રધાન મોદીની ભૂટાનમાં આ ચોથી મુલાકાત છે.
પ્રોજેક્ટની વિશેષતા અને ખર્ચ
આ પ્રોજેક્ટનું અંડરગ્રાઉન્ડ પાવરહાઉસ વિશ્વના સૌથી મોટા પાવરહાઉસમાંનું એક છે. તે 240.7 મીટર લાંબું, 23 મીટર પહોળું અને 51 મીટર ઊંચું છે. 8.52 કિલોમીટર લાંબી હેડરેસ ટનલમાંથી 600 મીટરની ઊંડાઈએથી 1,700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવે છે. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે (BHEL) બનાવેલા 6 ફ્રાન્સિસ ટર્બાઇન્સનું વજન 220 ટન છે. એક ટર્બાઇન એકસાથે 10,000 ઘરોને વીજળી પૂરી પાડી શકે છે. આ ટર્બાઇન્સ 100% મેઇડ ઇન ઇન્ડિયા છે અને વિશ્વના સૌથી મુશ્કેલ ભૂસ્તરમાં કામ કરવા સક્ષમ છે.
ખર્ચની વાત કરીએ તો આ પ્રોજેક્ટનો અંતિમ ખર્ચ ₹9,575.72 કરોડ છે. વ્યાજ સહિત કુલ રકમ ₹14,375.72 કરોડ થાય છે. ભારતે 30% એટલે ₹2,872 કરોડ સીધું અનુદાન આપ્યું, જે પાછું લેવાનું નથી. બાકીના 70% એટલે ₹6,703 કરોડ 10 ટકા વ્યાજે 15 વર્ષમાં ચૂકવવાના છે. આજ સુધીમાં ભારતે ભૂટાનમાં હાઈડ્રોપાવર માટે ₹35,000 કરોડથી વધુ ખર્ચ્યા છે – આ વિશ્વનું સૌથી મોટું દ્વિપક્ષીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ છે.
કેમ આ પ્રોજેક્ટ ભારત અને ભૂટાન માટે મહત્વપૂર્ણ?
ભૂટાન માટે આ પ્રોજેક્ટનું ઘણું મહત્વ છે. ભૂટાનની કુલ વીજળી ક્ષમતા 2,500 મેગાવોટથી વધીને 3,520 મેગાવોટ થઈ ગઈ છે – એટલે 40 ટકાનો વિશાળ વધારો. આ પ્રોજેક્ટ વાર્ષિક 4,357 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. ભૂટાનને વાર્ષિક ₹3,800 કરોડની આવક થશે. હાલમાં ભૂટાનની રાષ્ટ્રીય આવકના 40 ટકા હાઈડ્રોપાવરમાંથી આવે છે, જે આ પ્રોજેક્ટ પછી 52 ટકા થશે. આ પ્રોજેક્ટના લીધે 9,200 ભૂટાની યુવાનોને સ્થાયી નોકરી મળશે. 2026માં ભૂટાનના GDPમાં 3.2 ટકાનો વધારો થશે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું છે કે, “આ પ્રોજેક્ટ ભારતની મૈત્રીનું જીવંત સ્મારક છે. ભારત વગર ભૂટાનનો વિકાસ અધૂરો છે.”
ભારત માટે પણ આ પ્રોજેક્ટના લાભો અસંખ્ય છે. ભારતને વીજળી માત્ર ₹3.25 પ્રતિ યુનિટના દરે મળશે, જે કોલસા દ્વારા ઉત્પાદિત વીજળી કરતાં 42 ટકા સસ્તી છે. ઉનાળામાં જ્યારે ભારતમાં વીજળીની માંગ સૌથી વધુ હોય છે, ત્યારે ભૂટાનની નદીઓમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી 1,000 મેગાવોટ સુધીનો પીક પાવર મળશે. જેનાથી દિલ્હી, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના 10 લાખથી વધુ ઘરોને વીજળી મળશે. ભારતને વાર્ષિક ₹1,600 કરોડની બચત થશે.
આ પ્રોજેક્ટ પર્યાવરણ માટે પણ વરદાન છે. વાર્ષિક 3.8 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે, જે ભારતના 2030ના રિન્યુએબલ એનર્જી ટાર્ગેટને પૂરો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત ભારતને કાર્બન ક્રેડિટ પણ મળશે.
વ્યૂહાત્મક દૃષ્ટિએ આ પ્રોજેક્ટનું મહત્વ અનેરું છે. ચીનની સરહદે આવેલા ભૂટાન સાથેના સંબંધો ભારત માટે હંમેશાં મહત્વપૂર્ણ રહ્યા છે. ડોકલામ વિવાદના સમયે ભૂટાને ભારત સાથે મક્કમતાથી ઊભું રહીને દુનિયાને બતાવ્યું હતું કે તેની વફાદારી ક્યાં છે. આ પ્રોજેક્ટ એ વફાદારીને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રોજેક્ટ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિનું સૌથી સુંદર ઉદાહરણ છે. ભારતે ભૂટાનમાં અત્યાર સુધીમાં 4,500 મેગાવોટથી વધુ હાઈડ્રોપાવર ક્ષમતા ઊભી કરી છે, જે વિશ્વનો સૌથી મોટો દ્વિપક્ષીય હાઈડ્રોપાવર સહયોગ છે. ચુખા (1978), તાલા (2007), માંગડેચ્છુ (2010) જેવા પ્રોજેક્ટ્સ પછી પુનાત્સાંગછૂ-II એ ચોથો મોટો માઇલસ્ટોન છે.
ભવિષ્યમાં પણ આ સહયોગ ચાલુ રહેશે. પુનાત્સાંગછૂ-I (1,200 MW), ખોલોંગછુ (600 MW) અને સંકોશ (2,500 MW) જેવા પ્રોજેક્ટ્સ પર કામ ચાલુ છે. 2006ના કરાર મુજબ 2030 સુધીમાં ભૂટાનમાં 12,000 મેગાવોટ હાઈડ્રોપાવર ક્ષમતા ઊભી કરવાનું લક્ષ્ય છે.
ભૂટાનમાં ભારતીય રાજદૂત સંદીપ આર્યએ મંગળવારે પુનાત્સાંગછૂ-II હાઈડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટ ભારતની વધતી જતી ઉર્જા માંગને અનુરૂપ છે, ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં જ્યારે ભૂટાનની હિમનદીઓનું પાણીનું સ્તર ટોચ પર હોય છે. એ નોંધવું યોગ્ય છે કે ત્યાંની મોટાભાગની નદીઓ હિમનદીઓ છે અને આ ભારત માટે યોગ્ય છે, જે ઉનાળા દરમિયાન વીજળીની માંગ પણ વધારે અનુભવે છે.” તેમણે કહ્યું કે, પુનાત્સાંગછૂ-IIમાંથી ઉત્પન્ન થતી વીજળી ભૂટાનના લોકોને મદદ કરશે અને ભૂટાનના અર્થતંત્રને વેગ આપશે.
ઉલ્લેખનીય છે કે 2025માં ભારતે ભૂટાનને ₹2,150 કરોડ આપ્યા છે, આ સાથે જ ભૂટાન ભારતના વિદેશી સહાયનો સૌથી મોટો લાભાર્થી દેશ બની ગયો છે. આનાથી બંને દેશો વચ્ચે વેપાર, ડિજિટલ કનેક્ટિવિટી (UPI, BHIM) અને સુરક્ષા સહયોગ વધ્યો છે. ડોકલામ જેવા મુદ્દાઓમાં ભૂટાનની નજીકતા ભારત માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. આ પ્રોજેક્ટ માત્ર વીજળી ઉત્પાદન જ નહીં, પરંતુ ભારત-ભૂટાન મૈત્રીનું મજબૂત પ્રતીક છે, જે આવનારા વર્ષોમાં વધુ મજબૂત બનશે.


