મહારાષ્ટ્રમાં (Maharashtra) ગુઇલેન-બેરે સિન્ડ્રોમના (Guillain-Barré Syndrome) લીધે ત્રીજા મૃત્યુની પુષ્ટિ થઈ છે. 31 જાન્યુઆરીએ આ અંગેની માહિતી સામે આવી હતી. જે અનુસાર પિંપરી-ચિંચવડમાં આ સિન્ડ્રોમને કારણે 36 વર્ષીય દર્દીનું મૃત્યુ થયું હતું. અત્યાર સુધીમાં, પુણેમાં GBS વાયરસના સૌથી વધુ કેસ નોંધાયા છે, જેમાં 130 લોકોમાં આ વાયરસ હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેમનું નિદાન પણ ચાલી રહ્યું છે.
નોંધનીય છે કે, 36 વર્ષીય ઓલા ડ્રાઈવરને 21 જાન્યુઆરીએ યશવંતરાવ ચવ્હાણ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવું જાણવા મળ્યું હતું કે, મૃત્યુનું કારણ ‘ન્યુમોનિયાને કારણે ફેફસામાં દબાણ તથા GBS છે.’ આ દરમિયાન, જાહેર આરોગ્ય વિભાગના એક સત્તાવાર નિવેદન અનુસાર, ગુઇલેન-બેરે સિન્ડ્રોમના (GBS) શંકાસ્પદ કેસોની કુલ સંખ્યા વધીને 130 થઈ ગઈ છે, જેમાં 73 પુષ્ટિ થયેલા કેસ છે.
શું છે ગુઇલેન-બેરે સિન્ડ્રોમ?
WHOના અહેવાલ અનુસાર, ગુઇલેન-બેરે સિન્ડ્રોમ શરીરની રોગપ્રતિકારક શક્તિ પેરિફેરલ નર્વસ સિસ્ટમના (જે સિસ્ટમ કરોડરજ્જુની સંવેદનાઓને મગજ સુધી પહોંચાડે છે) એક ભાગ પર હુમલો કરે છે. આ સિન્ડ્રોમ સ્નાયુઓના હલનચલનને નિયંત્રિત કરતી નસો પર તથા શરીરમાં પીડા, તાપમાન અને સ્પર્શનો અનુભવ કરાવતી નસો કે ચેતાઓ પર વિપરીત અસર કરે છે. પરિણામે સ્નાયુઓની નબળાઈ, પગ અને હાથ બહેરા થઈ જવા, બેસવા ઉઠવામાં તકલીફ પડવી, શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. મોટાભાગે આ બીમારી 30થી 50 વર્ષની વયના લોકોને થતી હોય છે પરંતુ તે સિવાયના વયજૂથના લોકોને પણ થઈ શકે છે. આ બીમારીના ગંભીર પડાવમાં પહોંચેલા વ્યક્તિઓ પણ સ્વસ્થ થઈ શકે છે, એટલે આ બીમારીના કારણે કોઈ ભય કે ચિંતા ઊભી કરવાની કોઈ જરૂરિયાત નથી.
ગુઇલેન-બેરે સિન્ડ્રોમના લક્ષણો
લક્ષણો સામાન્ય રીતે થોડા અઠવાડિયા સુધી રહે છે અને મોટાભાગના લોકો લાંબા ગાળાની, ગંભીર આડઅસર વિના સ્વસ્થ થઈ જતા હોય છે. જોકે, ગુઇલેન-બેરી સિન્ડ્રોમમાં શરૂઆતમાં પગથી શરૂ કરીને હાથ, કમર અને પછી ધીમે-ધીમે ચહેરાના સ્નાયુઓમાં કળતર થતું હોય છે. જ્યારે તેની અસર વધી જાય ત્યારે છાતીના સ્નાયુઓ પ્રભાવિત થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ગંભીર મામલામાં બોલવાની કે, ભોજન કે પ્રવાહી ગળવાની ક્ષમતા પર પણ અસર થાય છે, જેના કારણે લકવો થવાની સંભાવના પણ રહે છે.
મોટાભાગના લોકો ગુઇલેન-બેરે સિન્ડ્રોમની સૌથી ગંભીર પરિસ્થિતિમાંથી પણ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા હોય છે છે. જોકે, કેટલાકને નબળાઈનો અનુભવ થતો રહે છે. જે દર્દીઓ ગુઇલેન-બેરે સિન્ડ્રોમના કારણે મૃત્યુ પામ્યા હોય તેમનામાં, શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓમાં લકવો, લોહીનો ચેપ, ફેફસા અથવા હૃદય બંધ પડી જવાના મામલાનો સમાવેશ થાય છે.
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ થવાના કારણો
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ થવાનું કારણ સંપૂર્ણપણે સમજી શકાયું નથી, પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં વાયરસ અથવા બેક્ટેરિયાનો ચેપ લાગવાના કારણે થાય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ જ શરીરને નબળું બનાવે છે. બેક્ટેરિયાના ચેપના કારણે, ગેસ્ટ્રોએન્ટેરિટિસ એટલે કે ઉબકા, ઉલટી અને ડાયરિયા થઈ જાય છે. આ ઉપરાંત કોઈ પ્રકારના ફ્લૂ અથવા ઝિકા વાયરસ સહિતના અન્ય વાયરલ ઇન્ફેકશન થયા પછી પણ પછી GBS થઈ શકે છે. WHOના અહેવાલ અનુસાર, વેક્સિન આપવાના કારણે પણ GSB થવાની સંભાવના હોય છે, જોકે ફ્લૂની સરખામણીમાં આવી શક્યતાઓ ઘણી ઓછી જોવા મળે છે.
આ સિવાય ખાંસી-શરદી, તાવ, ડાયરિયા, કોઈ વેક્સિન કે ઓપરેશન કે સર્જરીના કારણે પણ શરીરમાં આ સિન્ડ્રોમ આવી શકે છે. તેથી જ શરદી-તાવ કે ડાયરિયા ન થાય તે માટે મહારાષ્ટ્રમાં વાસી ખોરાક, બહારનો ખોરાક ન ખાવાની તથા ગંદા પાણીના સંપર્કમાં આવવાથી બચવાની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પુણેમાં આવેલ એક કુવાના પાણીના કારણે આ બીમારી પુણેમાં વધુ માત્રામાં ફેલાઈ છે. જોકે, માહિતીની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.
કેવી રીતે રાખવી સાવચેતી?
આ સિન્ડ્રોમથી બચવા માટે ખાસ આવશ્યકતા છે કે, પોતાને કોઈ પણ પ્રકારના વાયરસ કે બેક્ટેરિયાના ચેપથી બચાવી રાખવા. આ ઉપરાંત તાવ-શરદી-ખાંસી જેવા સામાન્ય લક્ષણો પણ હોય તો તરત ડૉક્ટર સલાહ લેવી જોઈએ, કારણ કે આ પ્રકારના વાયરલ ઇન્ફેકશનના કારણે રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે. આ સિવાય ગંદા પાણીના સંપર્કમાં ન આવીએ, ઉકાળેલું પાણી પીએ, બહારનો ખોરાક લેવાનું ટાળીએ. જેથી ડાયરિયા કે ગેસ્ટ્રોએન્ટેરિટિસની તકલીફ ન થાય.
અહેવાલ અનુસાર, ચોખાથી બનતી વાનગીઓ તથા પનીર ડેરી પ્રોડક્ટ, સ્ટોર કરી રાખેલ ખાદ્ય પદાર્થોના કારણે પણ આ સિન્ડ્રોમ થવાની સંભાવના છે. આ સિવાય પણ જો શરીરના ભાગોમાં કળતર, સ્નાયુઓમાં ખેંચાણ કે દુઃખાવો થતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, કે બ્લડપ્રેશર સંબંધિત મુશ્કેલી પડતી હોય તો તાત્કાલિક ડૉક્ટરની મદદ લેવી જોઈએ. તથા જો ડોક્ટર દર્દીને દાખલ કરવાની સલાહ આપે તો તે માનવી જોઈએ કારણ કે હોસ્પિટલમાં શ્વાસ કે બ્લડપ્રેશર સંબંધિત મુશ્કેલીઓનું નજીકથી નિરીક્ષણ કરી શકાય છે.
આ ઉપરાંત આ બીમારીથી પીડિત વ્યક્તિને ઘરે કે સમાજમાં રાખવા કરતાં હોસ્પિટલમાં જ રાખવામાં આવવા જોઈએ. જેથી કરીને તેનું સંક્રમણ ફેલાઈ ના શકે અને દર્દીને તત્કાલીન સારવાર પણ મળી શકે. આ સાથે જ દર્દી ડૉક્ટરો અને તજજ્ઞોના નિરીક્ષણ હેઠળ રહે તે પણ ખૂબ જરૂરી છે.
કેટલી હદે ગંભીર અને કેવી રીતે થાય છે સારવાર?
ગુઇલેન-બેરે સિન્ડ્રોમ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પરંતુ સમયસર અને યોગ્ય સારવારના કારણે તેના લક્ષણોમાં સુધાર લાવવા તથા ઝડપથી બીમારીને દૂર કરવામાં મદદ મળે છે. લક્ષણો દેખાય તે પછી 7થી 14 દિવસમાં જ સારવાર શરૂ કરવામાં આવે તો તે સૌથી વધુ ફાયદાકારક છે. રોગના સ્વભાવને જોતાં, ગંભીર પરિસ્થિતિની સારવાર સામાન્ય રીતે ઇમ્યુનોથેરાપી દ્વારા કરવામાં આવે છે, જેમ કે પ્લાઝ્મા એક્સચેન્જ અથવા ઇન્ટ્રાવેનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન દ્વારા લોહીમાંથી એન્ટિબોડીઝ દૂર કરવી. તે સિવાય શ્વાસ ન લઈ શકવાની તકલીફના કારણે દર્દીને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવે છે.